Last Update : 10-April-2012, Tuesday
 

પાકે ભારત સાથે સંબંધો સુધાર્યા સિવાય છૂટકો નથી

અમેરિકા સાથે પાક.ના
કથળતા સંબંધો પછી મનમોહન સિંહની પાક. મુલાકાત સફળ થવાની શક્યતા

ભારત અને પાકિસ્તાનના ભાગલા અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિના ભાગરૃપે થયા હતા. ઇ.સ. ૧૯૪૭માં ભારત- પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી વિદેશી મહાસત્તાઓ આ બે પડોશીઓ વચ્ચે વૈમનસ્ય વધારવાનું જ કાર્ય કરી રહી છે. ભારત અને પાકિસ્તાન સતત લડતાં રહે તેમાં વિદેશી મહાસત્તાઓને અપાર લાભ છે. એક બાજુ તેમના અબજો ડોલરના શસ્ત્રો વેચાય છે તો બીજી બાજુ આ ઉપખંડમાં પોતાનો પગદંડો જમાવવાની તેમને તક મળે છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો પાકિસ્તાને અમેરિકાની કઠપૂતળીની જેમ વર્તવાનું છોડી દેવું જોઇએ અને ભારતે પાકિસ્તાન પ્રત્યે વડીલ બંધુ જેવું વર્તન કરવું જોઇએ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીની અજમેર અને દિલ્હીની મુલાકાત આ દિશામાં પ્રગતિ સાધે તેવી બનાવવી હોય તો બે દેશોના વડાઓએ હજી ઘણી લાંબી મજલ કાપવાની રહે છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ રાજદ્વારી મુલાકાતને ધાર્મિક મુલાકાતનો રંગ આપવાની કોશિષ કરી અને તેમાં બંને દેશોના પ્રસાર માધ્યમોએ પણ બહુ મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેમ અજમેર શરીફથી 'બ્રેકિંગ ન્યૂઝ' પ્રકારની સ્ટોરીઓ આખો દિવસ ટીવીની ચેનલો ઉપરથી પ્રસારીત થતી રહી હતી. નવી દિલ્હીમાં રવિવારે બે દેશોના વડાઓ વચ્ચે ૪૦ મિનિટની જે બેઠક ખાણાં ઉપર થઇ તેનો નિષ્કર્ષ એટલો હતો કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાનને ઇસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપ્યું છે અને ભારતના વડાપ્રધાને તે સ્વીકાર્યું છે. ભારતના વડાપ્રધાનની ઇસ્લામાબાદ મુલાકાતની તારીખો અને એજન્ડા હવે નક્કી થશે. ઇ.સ. ૨૦૦૮માં પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓએ મુંબઇ ઉપર આતંકવાદી હુમલો કર્યો તેને પગલે બે દેશો વચ્ચેની શાંતિમંત્રણાઓ ખોરવાઇ ગઇ હતી. ડો. મનમોહન સિંહ ઇસ્લામાબાદ જઇને આ વાટાઘાટોને ફરીથી પાટા ઉપર ચડાવવાની કોશિષ કરશે, પણ તેમાં અનેક વિઘ્નો છે. આ વિઘ્નોને દૂર કરવામાં બંને દેશના નેતાઓ કેટલા નિષ્ઠાવાન છ તેના ઉપર ભારત- પાકિસ્તન વચ્ચેના ભવિષ્યના સંબંધોનો મદાર રહે છે.
રવિવારે નવી દિલ્હીમાં ઝરદારી અને સિંહ વચ્ચે જે બેઠક થઇ તે કોઇ શિખરમંત્રણા નહોતી કે તેમાં કોઇ ચમત્કાર થવાની કે લાંબા ગાળાના કરારો થવાની જાહેરાતની અપેક્ષા રાખી શકાય. આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચે સહમતિ સાધી શકાય તેવા મુદ્દાઓ શોધી કાઢવાનો અને ભારતના વડાપ્રધાનની પાકિસ્તાનની મુલાકાતનો તખતો ગોઠવવાનો હતો. આ બે મર્યાદિત ઉદ્દેશોમાં સફળતા મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતિનો જો કોઇ સૌથી મુખ્ય મુદ્દો હોય તો તે બે દેશો વચ્ચેના વેપારી સંબંધોને રાબેતા મુજબના બનાવવાનો છે, આ બાબતમાં પાકિસ્તાને તાજેતરમાં કેટલાક બહાદુરીભર્યા નિર્ણયો લઇને પહેલ કરી છે. હવે ભારતના વડાપ્રધાનના સલાહકારોએ બેસીને તેમની ઇસ્લામાબાદ મુલાકાતનો એજન્ડા નક્કી કરવાનો છે અને કરારોના ડ્રાફ્ટ બનાવવાના છે. આ પ્રક્રિયામાં બંને દેશોના વડાઓની કસોટી થવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જો સૌથી જૂની કોઇ સમસ્યા હોય તો તે સરહદનો મુદ્દો અને તેમાં પણ કાશ્મીરનો મુદ્દો છે. ભારતમાં સરહદપારના ત્રાસવાદની જે સમસ્યા પેદા થઇ છે તેના મૂળમાં કાશ્મીર ઉપર ઇસ્લામિક ત્રાસવાદીઓનો ડોળો છે. જ્યાં સુધી કાશ્મીરની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આતંકવાદની સમસ્યા ખતમ થવાની નથી. તાજેતરમાં અમેરિકાએ મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ ઉપર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું તેને કારણે પાકિસ્તાનની સરકારે હાફીઝ સઇદ સામે પગલાં લેવા જોઇએ એવો ભારતનો કેસ મજબૂત બન્યો હતો. દિલ્હીમાં ભારતના વડા પ્રધાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સમક્ષ ત્રાસવાદનો મુદ્દો પણ ઉખેળ્યો હતો અને તેમાં હાફીઝનો ઉલ્લેખ પણ થયો હતો. આ બાબતમાં ઇસ્લામાબાદથી પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ જૂની રેકોર્ડ વગાડી હતી કે તેની સામે કોઇ નક્કર પુરાવા નથી. જો પાકિસ્તાનનો આ રવૈયો નહીં બદલાય તો શાંતિ મંત્રણાઓ આગળ ધપાવી શકાય તે સંભવિત નથી. ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે અગાઉ ઘણી વખત જણાવ્યું છે કે જો પાકિસ્તાન સાથે કોઇ નક્કર સમજૂતિઓ થવાની સંભાવના હશે તો જ તેઓ ઇસ્લામાબાદ જશે. હવે ડો. મન મોહનસિંહે ઝરદારીનું આમંત્રણ સ્વીકાર્યું છે કે અમુક મહત્વના મુદ્દાઓ બાબતમાં સમજૂતી સાધી શકાય તેમ છે, એવું બંને દેશના નેતાઓને લાગ્યું છે. જો કે ભારત સાથેની શાંતિમંત્રણાને પાટા ઉપરથી ગબડાવી દેવા પાકિસ્તાનનાં અનેક તોફાની તત્વો તૈયાર છે. પાકિસ્તાનનું લશ્કર તેના શાસકોના વશમાં નથી અને તે પોતાના ઇસ્લામિક એજન્ડા મુજબ કામ કરી રહ્યું છે. આ લશ્કરનો કન્ટ્રોલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના હાથમાં છે. આ જાસૂસી સંસ્થા આતંકવાદી જૂથોને તાલીમ આપીને ભારતમાં ભાંગફોડ કરવા મોકલે છે. આ આતંકવાદીઓ જૂથોને અમેરિકાએ વર્ષો સુધી શસ્ત્રોની અને નાણાંની સહાય કરી હતી. આ બધા વચ્ચે પાકિસ્તાનની સરકારની પિપૂડી બહુ ઓછી સંભળાય છે. પાકિસ્તાનની સરકાર પોતે આતંકવાદનો શિકાર બનેલી છે. પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીની પત્ની અને ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો પણ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. આ સંયોગોમાં ભારત અને પાકિસ્તાનના નેતાઓ મળીને જમ્મુ- કાશ્મીર બાબતમાં કોઇ હલ શોધી કાઢે તો પણ તેને બંને દેશના આતંકવાદીઓ માન્ય કરશે કે કેમ એ સવાલ રહે છે.
ભારત અને પાકિસ્તાને જો કાયમી શાંતિની દિશામાં આગળ વધવું હશે તો તેનો સૌથી સરળ ઉપાય બે દેશો વચ્ચેના વેપારી સંબંધો સામાન્ય બનાવવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સદીઓથી વેપારી સંબંધો રહ્યા છે. તાજેતરમાં જમ્મુ- કાશ્મીરમાં બટાટાની તંગી થઇ ત્યારે તરત જ સરહદ પારથી બટાટાની આયાત શરૃ થઇ ગઇ હતી. અત્યાર સુધી પાકિસ્તાનનો રવૈયો એવો રહ્યો છે કે કાશ્મીરનો ઉકેલ આવે તે પછી જ બે દેશો વચ્ચેના વેપારી સંબંધો સામાન્ય બની શકે. આ અભિગમમાં તાજેતરમાં પરિવર્તન આવ્યું છે. પાકિસ્તાને વેપારના વિકાસની બાબતમાં ભારતને 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો આપ્યો છે. તેને કારણે પાકિસ્તાન વચ્ચેના વેપારના દરવાજાઓ ખુલ્લા થવાની આશા બંધાઇ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારી સંબંધોને ગાઢ બનાવવા માટે ભારત- ચીન સંબંધોનો દાખલો અપાઇ રહ્યો છે. ભારત- ચીન વચ્ચે સરહદનો વિવાદ હજી વણ ઉકેલ્યો છે તો પણ આ બે દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં ભારે પ્રગતિ થઇ છે. ભારત- ચીન વચ્ચેનો વાર્ષિક વેપાર ૭૦ અબજ ડોલર પર પહોંચ્યો છે અને ટૂંક સમયમાં ૧૦૦ અબજ ડોલરને આંબી જાય તેવી સંભાવના છે. તેની સરખામણીએ ભારત- પાકિસ્તાન વચ્ચેના વેપારનું કદમ ૨.૨૭ અબજ ડોલર છે. આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિને અવકાશ છે. ડો. મનમોહન સિંહ જ્યારે પણ ઇસ્લામાબાદ જશે ત્યારે આ બાબતમાં કોઇ નક્કર સમજૂતી કરીને આવશે તેવી અપેક્ષા રહે છે. આ પરિસ્થિતિ હાંસલ કરવા બંને દેશો વચ્ચેના વીસાના નિયમો હળવા બનાવવાની આવશ્યકતા છે. બે દેશોના નાગરિકો છૂટથી એકબીજાને મળી શકે તેવું વાતાવરણ પેદા થવું પણ જરૃરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારી સંબંધોને ગાઢ બનાવવા માટે ભારત- ચીન સંબંધોનો દાખલો અપાઇ રહ્યો છે. ભારત- ચીન વચ્ચે સરહદનો વિવાદ હજી વણઉકેલ્યો છે તો પણ આ બે દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં ભારે પ્રગતિ થઇ છે. ભારત-ચીન વચ્ચેનો વાર્ષિક વેપાર ૭૦ અબજ ડોલર પર પહોંચ્યો છે અને ટૂંક સમયમાં ૧૦૦ અબજ ડોલરને આંબી જાય તેવી સંભાવના છે. તેની સરખામણીએ ભારત- પાકિસ્તાન વચ્ચેના વેપારનું કદ ૨.૨૭ અબજ ડોલર છે. આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિને અવકાશ છે. ડો. મનમોહન સિંહ જ્યારે પણ ઇસ્લામાબાદ જશે ત્યારે આ બાબતમાં કોઇ નક્કર સમજૂતિ કરીને આવશે તેવી અપેક્ષા રહે છે. આ પરિસ્થિતિ હાંસલ કરવા બંને દેશો વચ્ચેના વીસા નિયમો હળવા બનાવવાની આવશ્યકતા છે. બે દેશોના નાગરિકો છૂટથી એકબીજાને મળી શકે તેવું વાતાવરણ પેદા થવું પણ જરૃરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની તારીખનો કોઇ સૌથી સંવેદનશીલ મુદ્દો હોય તો તે સરહદ પાર ચાલતી આતંકવાદી છાવણીઓ છે. આ છાવણીઓ લશ્કરે તોઇબા જેવી જિહાદી સંસ્થાઓ ચલાવી રહી છે. પણ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના તેને છૂપા આશીર્વાદ છે. જ્યાં સુધી પાકિસ્તાની સરકાર આ આતંકવાદી છાવણીઓ પર ત્રાટકીને તેને બંધ નહીં કરાવે ત્યાં સુધી આ શૂળ દુર થવાનું નથી. પાકિસ્તાન જ્યાં સુધી તેની ધરતી ઉપર પેદા થતાં ત્રાસવાદને નાથવાની બાબતમાં કોઇ નક્કર કદમ ન ઉઠાવે ત્યાં સુધી બંને દેશોની શાંતિમંત્રણાઓ ફળદાયી પુરવાર થવાની નથી. ભારતના વડાપ્રધાન ડો. મન મોહન સિંહ ઇસ્લામાબાદની મુલાકાત લે એ પહેલાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતી ત્રાસવાદી છાવણીઓ ઉપર ત્રાટકીને પાકિસ્તાનની સરકારે પોતાના શુભ ઇરાદાઓ સાબિત કરી આપવા જોઇએ.
ઇ.સ. ૧૯૯૮માં ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લાહોરની મુલાકાત લીધી અને સમજૌતા એક્સપ્રેસ ટ્રેન શરૃ થઇ તે પછી તરત જ પાકિસ્તાને કારગીલમાં ઘૂસણખોરી શરૃ કરીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હતું. ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં ચીને પણ ભારત સાથે આ પ્રકારને વિશ્વાસઘાત કર્યો હતો. રાજનીતિમાં ભાવુકતા ને લાગણીવેડાને કોઇ અવકાશ નથી હોતો. ડો. મન મોહન સિંહ ભાવુક બનીને પાકિસ્તાનની મુલાકાતે જશે તો કદાચ ઇતિહાસનું પુનરાવર્તન થશે. આપણા વડાપ્રધાન પાસે આપણે એવી અપેક્ષા રાખવી જોઇએ કે તેઓ એક પીઢ રાજદ્વારી તરીકે ઇસ્લામાબાદ જાય અને રાજકીય સોદાબાજી કરીને ભારતનો પક્ષ મજબૂત બનાવે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved