Last Update : 10-April-2012, Tuesday
 

વાર્તા - કહાની પ્યાર કી

દરવાજા પાસે કાર ઊભી રહેવાનો અવાજ રેશ્માએ સાંભળ્યો પરંતુ બારી પાસે આવીને કોણ આવ્યું છે એ જોવાની એણે દરકાર કરી નહીં. રોજની જેમ જ કોઈ મળવા આવ્યું હશે. આ મહેમાનોની વણઝાર ક્યારે થંભશે? પિયર આવ્યાને આજે એક સપ્તાહ વિતી ગયું છે પરંતુ ઘરે આવતા મહેમાનોની સંખ્યા ઓછી થઈ નથી. રોજને રોજ બધા સમક્ષ મોઢા પર હાસ્યનો મુખવટો પહેરીને હવે તે કંટાળી ગઈ હતી. રેશ્માના મમ્મી-પપ્પાને પણ રેશ્માના હૃદયમાં ચાલતા મંથનનો જરા પણ અણસાર આવવા પામ્યો નથી. રેશમાના લગ્નને એક વર્ષ થઈ ગયું છે અને રેશ્મા મનીષ જેવા હેન્ડસમ, શ્રીમંત અને સૌમ્ય યુવકને પરણીને સુખી છે એવી તેમની માન્યતા હતી. દસે આંગળીઓએ ગોરાંદેને પૂજ્યા હોય તેને જ આવો પતિ મળે અને આવો પતિ મેળવવા આપણી રેશ્મા ભાગ્યશાળી છે એવું માનતા રેશ્માના માતા-પિતા રેશ્માને જોઈ હરખાતા હતા. રેશ્માના માતા-પિતાએ કહ્યું હતું તે જ પ્રમાણે રેશ્મા સુખી છે એ જોવા તેના ઘરે આસપાસની સૌ સ્ત્રીઓ કોઈને કોઈ બહાના હેઠળ આવતી હતી અને આ બધા સમક્ષ બનાવટી સ્મિત ફરકાવીને રેશ્મા થાકી ગઈ હતી. આથી તે પાછી આંખ બંધ કરીને પોતાના વિચારમાં ગરકાવ થઈ ગઈ. કોણ જાણે કેમ આંખો બંધ કરતા જ તેની આંખો સમક્ષ મનીષની છબી ઊભરાઈ આવતી. વિચલિત થયેલી રેશ્મા પલંગ પરથી ઊભી થઈને તેના ઘરની પાછળ આવેલા ગાર્ડનમાં મૂકેલા હંિચકા પર બેઠી બેઠી સામે ધૂઘવતા સમુદ્રને તાકવા માંડી. આ દરિયો અને તેના મોજા તેના બાળપણના સાથી હતા. તેના દુઃખ દર્દ, આનંદના ભાગીદાર હતા લગ્ન પછી તે ગોવા છોડી બેંગ્લોર રહેવા ગઈ ત્યારે શરૂઆતમાં તેને તેના આ સાથીઓની ખોટી સાલતી. પરંતુ તે ધીરે-ધીરે ટેવાઈ ગઈ. આમ છતાં પણ ક્યારેક તેનું મન ગમગીન થાય, પિયરની યાદ સતાવે કે પછી મનીષના વર્તનથી મન હતાશામાં ડૂબી જાય ત્યારે તે નજર સામે તેના આ સાથીઓને લાવી મનોમન તેમની સમક્ષ પોતાનું દિલ હળવું કરી લેતી.
બસ અત્યારે પણ તેને તેનું દિલ જ હળવું કરવું હતું. રહી-રહીને આજે તેને મનીષ સાથેના પ્રથમ મિલનની યાદ આવતી હતી. મનીષના મામા રેશ્માના પિતાના દોસ્ત હતા. મનીષને પરણાવવા તેઓ યોગ્ય કન્યાની તલાશમાં હતા ત્યારે મનીષના મામાએ રેશ્માનું નામ સૂચવ્યું. રેશમાના પિતા જોડે વાત કરી તેમણે ‘છોકરી જોવાનો’ કાર્યક્રમ બનાવ્યો. તે દિવસ રેશ્માને આજે પણ યાદ છે. તે દિવસે દશેરાનો તહેવાર હતો. રેશ્માએ પિસ્તા રંગની સાડી પહેરી હતી. રેશ્માનો વાન ગોરો નહોતો. પરંતુ તે નમણી હતી. આ સાડી તેની ઘઉંવર્ણી કાયા પર ખૂબ જ દીપી ઊઠતી હતી. રેશ્મા પાસે આંજી દે તેવું સૌંદર્ય નહોતું. પરંતુ તેનું વ્યક્તિત્વ ભલભલાને મોહિત કરી દે તેવું હતું. રેશ્માને રાંધવાનો તેમ જ ગૃહ સજાવટનો શોખ હતો. તે કમ્પ્યુટર પણ શીખી હતી. પરંતુ તેને કારકિર્દી બનાવવામાં કોઈ રસ નહોતો. તેને ઘર સાચવવામાં જ રસ હતો અને મનીષ પણ પૈસે ટકે સુખી હતો. ઘરમાં કોઈ વડીલ ન હોવાથી તેને પણ ગૃહકુશળ પત્ની જ જોઈતી હતી.
ઓળખ વિધિ તેમ જ ચા-પાણી પત્યા પછી મનીષે રેશ્મા સાથે એકાંતમાં વાત કરવાની ઇચ્છા જાહેર કરી. રેશ્મા અને મનીષ એકલા પડ્યા પછી થોડી ક્ષણો માટે મનીષ ચૂપ રહ્યો. તેના ચહેરા પર રમતા ભાવો રેશ્મા જોતી રહી. તેના મનમાં આ હેન્ડસમ યુવક પ્રત્યે પ્રેમના અંકુર ફૂટ્યા. મનોમન તે આ યુવાનને પોતાનું દિલ દઈ બેઠી. એકાએક જ મનીષે નજર ઊઠાવી. રેશ્માને પોતાના ભણી તાકતી જોઈને તેના ચહેરા પર એક સ્મિત ફરકી ઉઠ્યું. રેશ્માની સાદગી અને માસુમિયત તેને સ્પર્શી ગઈ. તેને મામાની કહેલી વાત યાદ આવી. ‘જો બેટા, રેશ્મા ખાસ સુંદર નથી પરંતુ તે એક સૌમ્ય અને સંસ્કારી યુવતી છે. એ વાત તું ઘ્યાનમાં રાખજે હું તને એમ નથી કહેતો કે તારે રેશ્મા સાથે જ લગ્ન કરવા પડશે. પરંતુ એકાદ વાત જતી કરવાની તૈયારી રાખીને નિર્ણય લે તો વઘુ સારું.’ પરંતુ અત્યારે રેશ્મા સામે જોતા તેને તેના મામાની વાત ખોટી લાગી. રેશ્માના ગાલ પર પડેલા શરમના શેરડાએ તેનો ચહેરો ઓર સુંદર બનાવ્યો હતો. ‘મામા ખોટું બોલતા હતા. આ છોકરી સૌંદર્યવાન છે. તેની ખૂબસુરત મોટી આંખોને કાજળની કોઈ જરૂર નથી. તેની નિર્મળ ત્વચા, કાળો લીસો કેશાલાપ તેમ જ લિપસ્ટિક વગરના લાલચટ્ટક હોઠ જોઈ મનીષનું દિલ ધડકવા લાગ્યું. સાદગીમાં પણ શ્રૃંગારિતા રહી છે એ વાત મનીષે આજે જ જાણી.
અચાનક જ મનીષે નજર વાળી લીધી. આજે પોતાને શું થઈ ગયું છે? બે વર્ષનો નિર્ણય આજે કેમ અચાનક હવામાં ઓગળી જવાની તૈયારી કરી રહ્યો છે? વારું તેના મામા ખોટા હતા. આ યુવતી સુંદર છે. પરંતુ આ વાત તેને વિચલિત કેમ કરી મૂકે છે? પરંતુ આ યુવતીમાં એવું કાંઈક જરૂર છે જે તેને તેની તરફ ખેંચી રહ્યું છે. તેની હાજરી મનને શીતળતા આપે તેવી છે. રેશ્માના વ્યક્તિત્વમાં રહેલી હૂંફ તેણે તે ઓરડામાં પ્રવેશી ત્યારથી જ અનુભવી હતી અને તેજ ઘડીએ તેણે નિર્ણય લઈ લીધો હતો.
મનના વિચારો ખંખેરી તેમણે વાતની શરૂઆત કરી, ‘રેશ્મા, હું જાણું છું કે મારી સાથે લગ્ન કરવા માટે તારા પર ઘણું દબાણ છે. પણ હું તને કોઈ પણ પ્રકારે મજબૂર કરવા માગતો નથી. તું તારો નિર્ણય લે એ પૂર્વે હું તને એકાદ બે વાત કહી દેવા માગું છું.’ આટલું કહેતા કહેતા તો તે નર્વસ થઈ ગયો. પોતાની ગભરામણ છૂપાવવા તે ઊભો થઈ રેશ્મા તરફ આગળ આવ્યો. પાસે ટેબલ પર પડેલું પેપર વેઇટ ઉપાડી તેની સાથે રમતા રમતા તે બોલ્યો. ‘આજે હું અહીં આવ્યો છું એ પાછળ એક મહત્ત્વનું કારણ છે. હું એક યુવતીના પ્રેમમાં હતો. પરંતુ તે મને દગો આપીને બીજે પરણી ગઈ. લગ્ન પરથી મારો રસ ઊડી ગયો છે. મારા પિતા આ વાત જાણતા હતા આથી તેમણે હું લગ્ન કરું તે માટે તેમની વીલમાં એક જોગવાઈ કરી છે. હું ૩૦ વર્ષ સુધી લગ્ન ન કરું તો અમારો ધંધો-મિલ્કત બઘુ ટ્રસ્ટમાં આપી દેવાની વાત તેમણે તેમના ઇચ્છા પત્રમાં જાહેર કરી છે. મેં તેમનો ધંધો ખૂબ જ મહેનતથી આગળ વધાર્યો છે. હું આ બિઝનેસ મારા હાથમાંથી સરી જાય એમ ઇચ્છતો નથી. આ કારણે જ હું લગ્ન કરવા તૈયાર થયો છું.’
એક જ શ્વાસમાં આટલું બોલી તે ફરી સોફા પર બેસી ગયો. ત્યાર પછી થોડો પોરો ખાઈ તેણે તેની વાત આગળ વધારી, ‘મારા મામાએ તારી વાત કરી. આથી હું તને જોવા આવ્યો. આપણી વાત આગળ વધે એ પૂર્વે હું તને કહી દઉં કે તું મારી પાસેથી વઘુ પડતી અપેક્ષા રાખતી નહીં. આપણા લગ્ન માત્ર નામના જ હશે. દુનિયાની સમક્ષ આપણે પતિ-પત્ની હોઈશું પરંતુ મારી પાસેથી પતિ હક્કો મેળવવાની કોઈ આશા તું રાખીશ નહીં.
મનીષના આ વાક્યો સાંભળી રેશ્મા ડઘાઈ ગઈ. તે બાઘાની માફક મનીષના મોં તરફ જોવા લાગી. હોંશ આવતાં જ તેણે મનીષ પાસે વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો.
ઉઠતાં-ઉઠતાં મનીષે રેશ્માને કહ્યું, ‘‘હું તારા પર કોઈ જબરદસ્તી કરવા માગતો નથી. તું શાંતિથી વિચાર કરી મને જવાબ આપજે. તારા જવાબની મને કોઈ ઉતાવળ નથી અને જો તું ના પાડશે તો મને ખરાબ પણ નહીં લાગે અને તારા પપ્પા અને મામાના સંબંધમાં કોઈ ફરક પણ પડશે નહીં. જતાં પહેલાં બીજી એક વાત તને કહી દઉં. પ્રેમ જેવા ચોંચલામાં મને હવે રસ નથી. સ્ત્રી જાતિ પ્રત્યે જોઈએ એવો આદર પણ નથી. સ્ત્રી જાતિ પરથી મારો વિશ્વાસ સાવ જ ઊઠી ગયો છે.’
મનીષનો દરેક શબ્દ રેશ્માના દિલ પર હથોડી મારતો હતો. તેના સપનાનો મહેલ પત્તાના મહેલની જેમ તૂટી રહ્યો હતો. પરંતુ રેશ્મા તેના મનની વાત ચહેરા પર લાવી નહીં. તેણે હસતે મોઢે મનીષ અને તેના મામાને વિદાય આપી.
તે રાત્રે તે સૂઈ શકી નહીં. મનીષનો ચહેરો તેની નજર સામે તરવરવા લાગ્યો. એક ફિલ્મી કથા જેવી પરિસ્થિતિ તેના જીવનમાં સર્જાશે એવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. આ રીતે જીવન કેવી રીતે ગાળી શકશે? ભવિષ્યમાં મનીષનું મન ન બદલાય તો શું? ઉંમરને કારણે ઉત્પન્ન થતા વાસનાના પૂર તે ટાળી શકશે? ફિલ્મોની જેમ તેમની કહાનીમાં સુખદ અંત ન પણ આવે. પરંતુ બીજી બાજુ મનીષ પ્રત્યે જાગેલો પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ તેને કુરબાની આપવા મજબૂર કરતો હતો. પ્રેમ તો સમર્પણ અને ત્યાગ માગે છે. અપેક્ષાની આશા સાચા પ્રેમીને હોતી નથી. આ બધા વિચારમાં ને વિચારમાં ક્યારે સવાર પડી ગઈ તે તેને સમજાયું નહીં. લાગણીવશ કહો તો લાગણીવશ અને પ્રેમવશ કહો તો પ્રેમવશ પરંતુ તેણે તેની જંિદગીનો એક મહત્ત્વનો નિર્ણય આ રાત્રે લઈ લીધો હતો અને આ નિર્ણય લીધા બાદ તેને એક પ્રકારનો ન સમજાય તેવો સંતોષ મળ્યો હતો. સવારે તેણે મનીષને ફોન કરી પોતે આ સંબંધ સ્વીકાર્યો હોવાનું જણાવ્યું. સામે છેડે એકાદ ક્ષણની ચૂપકીદી છવાઈ. ત્યાર બાદ મનીષનો અવાજ આવ્યો. ‘રેશ્મા, તેં આ નિર્ણય સમજી વિચારીને જ લીધો છેને? મને હજુ કોઈ ઉતાવળ નથી. હજુ એકાદ દિવસ વિચાર કરીને જવાબ આપજે. હું તારી પરિસ્થિતિ...’
મનીષની વાત અધવચ્ચેથી કાપતા રેશ્મા બોલી. ‘મેં આખી રાત વિચાર કર્યો છે.’
મનીષને એ વાતની કલ્પના સુદ્ધાં નહોતી કે રેશ્માને તેની સાથે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો છે. તેણે એમ માની લીઘું કે રેશ્મા કદાચ તેનો વૈભવ જોઈને લલચાઈ હશે અથવા આ સંબંધ માટે માતાપિતા સમક્ષ ઇનકાર કરવા તેને યોગ્ય બહાનું નહીં મળ્યું હોય. ખેર.... જે હોય તે. તેણે પોતાના તરફથી બધી સ્પષ્ટતા કરી દીધી હતી. બઘું જાણ્યા પછી રેશ્માએ જે નિર્ણય લીધો છે તેના પછી તે તેને દામ્પત્યસુખ સિવાય કોઈ વાતની ખોટ સાલવા નહીં દે.
થોડા સમયમાં રેશ્મા વાજતેગાજતે મનીષ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ગોવાથી બેંગલોર પહોંચી. ઘરમાં પ્રવેશતાં જ તેણે મનીષના મકાનને ઘર બનાવી દીઘું. પત્નીની હાજરીથી મનીષને પણ ઘર હર્યુંભર્યું લાગવા માંડ્યું હતું. રેશ્મા પતિ પર ઓળધોળ થઈ જતી. તેની નાનીમોટી દરેક બાબતનું ઘ્યાન રાખતી. આમ છતાં તેણે મનીષ તેને શોપંિગ કરવા લઈ જવાનું કહેતો તોય તે એમ કહીને ખરીદી કરવાનું ટાળી દેતી કે લગ્ન વખતે ખરીદેલી વસ્તુઓ પણ અકબંધ પડી છે તો બીજું નવું-નવું લઈને શું કરવું? તેના વાણી-વર્તનમાં ક્યાંય પતિના પૈસા પ્રત્યેની લાલસા નહોતી દેખાતી. તેણે મનીષ સમક્ષ ક્યારેય આડકતરી રીતે પણ દામ્પત્યસુખની માગણી નહોતી કરી. બસ, ક્યારેક ક્યારેક ટીવી સિરિયલમાં આવતાં રોમાન્ટિક યુગલને જોઈને તેના ચહેરા પર ઉદાસીની હળવી છાયા ફરી વળતી.
રેશમાની સાદગી અને સિદ્ધાંત મનીષને સ્પર્શી રહ્યાં હતાં. તેનું પાષાણ બનેલું હૃદય ધીમે-ધીમે પીગળી રહ્યું હતું. પરંતુ સ્ત્રીજાત પ્રત્યે બંધાયેલી ગ્રંથિ છૂટતી નહોતી. જોકે રેશ્માના નિર્મળ સ્નેહથી છેવટે તેના મનની ગાંઠ છૂટી ગઈ હતી. મનીષનું મન ધીમે-ધીમે રેશમા પ્રત્યે ખેંચાઈ રહ્યું હતું. અને એક વખત તાવમાં પટકાયેલા મનીષની રેશ્માએ દિવસ-રાત જોયા વિના સેવા કરી તે જોઈને મનીષ તેના ઉપર ઢળી પડ્યો. પતિ-પત્નીનું સ્નેહમિલન થયું. રેશ્માના ચહેરા પર લજ્જા અને સંતોષની લાલી ફરી વળી. તે ગૃહકાર્ય કરતી વખતે સૂરીલા કંઠે રોમાન્ટિક ગીતો ગણગણતી. તેનો ખુશીથી છલકાતો ચહેરો જોઈને મનીષના હોઠ પર સ્મિત ફરી વળતું. પણ કદાચ તેમની હથેળીઓ પર દામ્પત્યસુખની રેખા નહોતી.
એક દિવસ અચાનક સફેદ સાડી પહેરેલી એક ખૂબસુરત યુવતીએ ડોરબેલ વગાડી. રેશ્માએ દરવાજો ઉઘાડીને તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તે યુવતી અચકાતા સ્વરે બોલી, ‘જી... હું રિદ્ધિ. મનીષ છે?’ રિદ્ધિનો અવાજ મનીષ શી રીતે વિસરે? તેણે દરવાજા પાસે આવીને રિદ્ધિને લાગલું જ પૂછી લીઘું ‘હવે અહીં આવવાનું કારણ?’ પણ પછી તેની સફેદ સાડી, અડવા હાથ અને સુનું કપાળ જોઈને થોથવાઈ ગયો. રેશ્મા તરત જ પામી ગઈ કે આ મનીષની ભૂતપૂર્વ પ્રેમિકા છે.
ઘરના દરવાજે આવેલી વ્યક્તિને તરછોડવાના રેશ્માના સંસ્કાર નહોતા. તેણે રિદ્ધિને આગ્રહપૂર્વક ઘરમાં બોલાવી. ત્રણે જણ બેઠક ખંડમાં બેઠાં. થોડીવારની મૂંઝવણ પછી મનીષે ધીમા સ્વરે પૂછ્‌યું, ‘રિદ્ધિ, તારા પતિ...?’ ‘હવે એ આ દુનિયામાં નથી. અમારા લગ્ન થયા ત્યારે પણ હું જાણતી હતી કે બહુ જલ્દી મને વૈધવ્ય આવવાનું છે. પણ મારા પપ્પાએ મારા સસરા પાસેથી લીધેલા દેવા સામે મારા સસરાએ પોતાના બીમાર પુત્ર માટે મારો હાથ માગી લીધો. હકીકતમાં તેમની નજર મારી યુવાની પર હતી. પુત્રના મૃત્યુ પછી તેઓ મને.... ’ આટલું બોલતાં જ રિદ્ધિ ઘૂ્રસ્કે ઘૂ્રસ્કે રડી પડી.
રેશ્માએ તેના માથે હાથ ફેરવીને તેને શાંત કરી. રિદ્ધિના ગયા પછી મનીષ-રેશ્મા આખી રાત સૂઈ ન શક્યા. સવારના ઊઠીને રેશ્માએ મનીષને કહ્યું કે ‘લગ્ન પછી હું એકેય વખત ગોવા નથી ગઈ તો થોડાં દિવસ દઈ આવું?’ મનીષ તેને ના ન પાડી શક્યો. તે દિવસે જ રેશ્મા બેંગલોરથી ગોવા જવા નીકળી ગઈ. આજે ગોવા આવ્યાને એક અઠવાડિયું વિતી ગયું હતું. આટલા દિવસથી તેના મનમાં એક જ વિચાર ધૂમી રહ્યો હતો ‘મારે મનીષના જીવનમાંથી ખસી જઈને રિદ્ધિને તેનું સ્થાન આપી દેવું જોઈએ. જે થયું તેમાં તેનો કોઈ વાંક નહોતો. તે સંજોગોને શરણે થઈ હતી. તે પિતાનું દેવું ચૂકવવા મનીષ પાસેથી પૈસા ન લેવા જેટલી સ્વામાની હતી. અને હવે તેના સસરા તેની સામે નિયત બગાડી રહ્યા છે. બહેતર છે કે હું બેંગલોર પાછી ન ફરું અને મનીષ-રિદ્ધિ ફરીથી મળી જાય. રિદ્ધિની સચ્ચાઈ જાણ્યા પછી મનીષને પણ પોતાની વિચારસરણી પર ઓછો પસ્તાવો નથી થયો. એક રાતમાં જ તે મનીષની મનોસ્થિતિ પામી ગઈ હતી. છેવટે તેણે નિર્ધાર કરી લીધો કે હવે તે ક્યારેય બેંગલોર પાછી નહીં જાય. તેણે મક્કમતાથી મોબાઈલ હાથમાં લીધો. તેણે મનીષને મોકલવા એસએમએસ ટાઇપ કર્યો. ‘તને તારો પહેલો પ્રેમ મુબારક. રિદ્ધિને અપનાવી લે. મને પણ મારો સાથી પાછો મળી ગયો છે. ગોવાનો સદાય મસ્તીમાં ઉછળતો-કૂદતો દરિયો અને મને બાથમાં લેવા આવતાં તેના મોજાં.’
એસએમેસ ટાઇપ થઈ ગયા પછી ‘સેન્ડ’ કરવા તેનો અંગૂઠો નહોતો ચાલી રહ્યો. આ એક મેસેજ તેના અને મનીષના વૈવાહિક જીવનને કાયમ માટે ઠેંગો બતાવવા પૂરતો હતો. તેણે ફરી એક વખત મેસેજ પર નજર ફેરવી. પછી મનોમન બોલી, ‘મેં ‘નિર્ણય’ નહીં ‘નિર્ધાર’ કર્યો છે.’ તે ‘સેન્ડ’ના બટન પર અંગૂઠો દબાવવા જઈ રહી હતી ત્યાં જ કોઈએ પાછળથી તેની આંખો પર હાથ દબાવ્યો. ‘મનીષ’, પતિનો સ્પર્શ પામી ગયેલી રેશ્માનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. મનીષે તેના નેણ પરથી હાથ ખસેડીને પાછળથી જ બાથ ભીડતાં કહ્યું, ‘હજી કેટલા દિવસ અહીં રહેવાનું છે? તારા વિના ઘર અને હું બંને સુના થઈ ગયા છીએ.’ મનીષની વાત સાંભળીને ગદગદિત થઈ ઉઠેલી રેશ્માને હવે ખ્યાલ આવ્યો કે તેણે જે કાર જોવાની દરકાર નહોતી કરી તે બીજા કોઈની નહીં પણ તેના વહાલસોયા પતિ મનીષની જ હતી. તેની આંખોમાંથી હર્ષાશ્રુ વહી નીકળ્યા.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved