Last Update : 09-April-2012, Monday
 

પોલીસ એક્ટમાં સુધારાઓની બાબતમાં સરકાર કેમ ઉદાસીન છે ?

રાજસ્થાનમાં દારા સિંહ અને ગુજરાતમાં સોહરાબુદ્દીનની બનાવટી અથડામણો પાછળ ઈ.સ. ૧૮૬૧ની સાલમાં અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલો ઇન્ડિયન પોલીસ એક્ટ જવાબદાર છે

તાજેતરના દિવસોમાં પ્રજાને પોલીસની ક્રૂરતાના અનેક અનુભવો થઈ રહ્યા છે. ભારતની જનતા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતી ક્રૂરતા અને લુખ્ખાગીરી કોઈ નવી બાબત નથી પણ આજકાલ ઈલેક્ટ્રોનિક મિડિયામાં આ ક્રૂરતાનાં જે દ્રશ્યો કેમેરામાં કેદ કરીને બતાવવામાં આવે છે, તેને કારણે પ્રજાને તેની ગંભીરતા સમજાઈ રહી છે. રાજસ્થાનમાં દારા સિંહના બનાવટી એન્કાઉન્ટર બદલ ભાજપના એક ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે તો ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ ઉપર આજની તારીખમાં પણ બનાવટી એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો છે. અંગ્રેજોના શાસનમાં જેમ જલિયાનવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તેમ આજના શાસકો અન્યાયી કાયદાઓ સામેના પ્રજાકીય આંદોલનને કચડવા માટે પોલીસ દળનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં પોલીસ દળની વર્તમાન ભૂમિકા સમજવા માટે ભારત વર્ષમાં આધુનિક પોલીસ દળનું નિર્માણ કેવા સંયોગોમાં થયું તેના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.
ઈ.સ. ૧૮૫૭માં ભારતની પ્રજાએ અને સૈનિકોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે વિપ્લવ કર્યો તે પછી અંગ્રેજોને લાગ્યું કે ભારતની પ્રજાને કાયમ માટે કચડી નાંખવી હોય અને આતંકિત રાખવી હોય તો એક શક્તિશાળી અને અંગ્રેજોને વફાદાર પોલીસ દળની જરૃર પડશે. આ પોલીસ દળનો ઢાંચો અને તેની સત્તાઓ નક્કી કરવા માટે ઈ.સ. ૧૮૬૧ની સાલમાં ઈન્ડિયન પોલીસ એક્ટનો અમલ શરૃ કરવામાં આવ્યો અને તેની રૃપરેખા મુજબ પ્રજા ઉપર અત્યાચારો ગુજારવાનું સામર્થ્ય ધરાવતાં પોલીસ દળની રચના કરવામાં આવી. બ્રિટીશરોને ખબર હતી કે જો ભારતની પ્રજાને સરકારની ગુલામ રાખવી હોય તો પોલીસ દળની તમામ સત્તાઓ સરકારના હાથમાં સોંપવી પડશે. આ કારણે ઈ.સ. ૧૮૬૧ના પોલીસ કાયદામાં કલમ ૩ દ્વારા પોલીસ સુપ્રિટેન્ડન્ટને સરકારની આજ્ઞાા નીચે મૂકવામાં આવ્યા. જિલ્લાના સ્તરે જે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ અથવા કલેક્ટર હોય તેના હાથમાં પોલીસનો અંકુશ સોંપવામાં આવ્યો પણ કલેક્ટર છેવટે સરકારને આધીન હોવાથી પોલીસ તંત્રની તમામ સત્તાઓ શાસક પક્ષ અથવા સરકારના હાથમાં રહી.
ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી પણ ઈ.સ. ૧૮૬૧ના ઈન્ડિયન પોલીસ એક્ટમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો, જેને કારણે અગાઉ જે સત્તા અંગ્રેજ શાસકોના હાથમાં હતી તે દેશી શાસકોના હાથમાં આવી પણ પોલીસના ઢાંચામાં અને સરકાર દ્વારા થતા તેના દુરુપયોગમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. સ્વતંત્રતા પછી દેશનાં ઘણાં રાજ્યોની સરકારે પોતાના સ્વતંત્ર પોલીસ કાયદાઓ ઘડયા પણ આ બધા કાયદાઓ ઈ.સ. ૧૮૬૧ના ઈન્ડિયન પોલીસ એક્ટના આધારે જ ઘડવામાં આવ્યા હતા. મુંબઈ રાજ્યમાં ઇ.સ. ૧૯૫૧માં જે પોલીસ કાયદો ઘડવામાં આવ્યો તેમાં તો સરકારને અગાઉ કરતાં પણ વધુ સત્તાઓ આપી દેવામાં આવી હતી. રાજકારણીઓ દ્વારા પોલીસ દળનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કે અંગત વેરની વસૂલાત માટે ન કરવામાં આવે તેની કોઈ જોગવાઈ આ કાયદાઓમાં કરવામાં આવી નહોતી.
ઈ.સ. ૧૯૭૫થી ૧૯૭૭ દરમિયાન ભારતમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હતી તે દરમિયાન સરકારના ઈશારે પોલીસ દળના પ્રજા ઉપરના અત્યાચારો ખૂબ વધી ગયા હતા. કટોકટી પછી જનતા પક્ષની જે સરકાર કેન્દ્રમાં સત્તા ઉપર આવી તેણે કટોકટી દરમિયાન પ્રજા ઉપરના અત્યાચારોની તપાસ કરવા માટે શાહ પંચની રચના કરી હતી. જસ્ટિસ શાહના સૂચન ઉપરથી કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ દળમાં ધરમૂળના ફેરફારો માટે નેશનલ પોલીસ કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનને પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવે તો તેની સામે પગલાં લેવાં માટે સૂચનો કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું અને રાજકારણીઓ દ્વારા પોલીસના થતાં દુરુપયોગને અટકાવવા માટેનાં સૂચનો કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ કમિશને ઈ.સ. ૧૯૭૯ અને ૧૯૮૧ વચ્ચે જુદા જુદા આઠ હેવાલો તૈયાર કરીને સરકારને સુપરત કર્યા હતા. તેણે જે મુખ્ય સૂચનો કર્યાં હતાં તે ટૂંકમાં નીચે મુજબ છે ઃ
(૧) દરેક રાજ્યમાં સ્વાયત્ત સિક્યોરિટી કમિશનની રચના કરવી અને સરકાર દ્વારા પોલીસ તંત્રના નિયંત્રણને મર્યાદિત બનાવી પોલીસની સત્તાઓ આ સ્વાયત્ત કમિશનના હાથમાં સોંપવી.
(૨) રાજ્યના પોલીસ વડાની પસંદગી સરકારની મુનસફી મુજબ ન થાય પણ માત્ર ગુણવત્તાના આધારે થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ બાબતમાં એક નીતિ નક્કી કરવી અને તેનો અમલ કરવો.
(૩) ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરજ બજાવવા માટે એક ચોક્કસ સમય આપવો, જેથી તેમની વારંવાર બદલી કરવામાં ન આવે અને તેમને પોતાની ફરજ યોગ્ય રીતે બજાવવાની તક મળે.
(૪) રાજકારણીઓ પોલીસ અધિકારીઓની આડેધડ ટ્રાન્સફર ન કરી શકે તે માટે નિયમો બદલવા.
(૫) ઈ.સ. ૧૮૬૧નો પોલીસ ધારો રદ્દ કરી તેને સ્થાને નવો કાયદો બનાવવો.
ભારતની સરકારે તેમાંનાં કોઈ સૂચનો સ્વીકાર્યાં નહીં. તેનું કારણ હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ત્યાં સુધીમાં પોલીસ દ્વારા પોતાને મળતી સત્તાથી અને પોલીસનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવાથી એવી ટેવાઈ ગઈ હતી કે આ સત્તાઓને જતી કરવા કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકારો જરાય તૈયાર નહોતી.
ઇ.સ. ૧૮૬૧ના પોલીસ એક્ટ દ્વારા પોલીસ તંત્રને જે બેફામ સત્તાઓ આપવામાં આવી છે તેનો દુરુપયોગ કરીને તેઓ મનસ્વી રીતે નિર્દોષ નાગરિકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દે છે, ધરપકડ કર્યા વિના નાગરિકોને દિવસો સુધી કસ્ટડીમાં ગોંધી રાખે છે, આરોપીઓની કસ્ટડીમાં મારપીટ કરે છે, તેમને ગુમ કરી નાંખે છે, બનાવટી અથડામણોમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરે છે, વેપારીઓ અને બિલ્ડરો પાસેથી હપ્તાઓ ઉઘરાવે છે, અસામાજીક તત્ત્વો પાસેથી લાંચ લઈને તેમને ગુનાઓ કરવા માટેનું લાઇસન્સ આપી દે છે અને તેમની સામેની પ્રજાની ફરિયાદો નોંધવાનો ઈનકાર કરી દે છે, સરકારના હાથા બનીને પ્રજા ઉપર અત્યાચારો ગુજારે છે અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને નિર્દોષ નાગરિકોની કનડગત કરે છે. પ્રજા દ્વારા રાજકારણીઓ સમક્ષ પોલીસ દળની વિરુદ્ધમાં જે ફરિયાદો કરવામાં આવે છે તે બહેરા કાન ઉપર અથડાય છે, કારણ કે પોલીસ અને રાજકારણીઓ ભાગીદાર હોય છે.
દેશમાં વધી રહેલા ત્રાસવાદને નામે 'ટાડા' અને 'પોટા' જેવા જે કાયદાઓ ઘડવામાં આવે છે, તેનાથી ત્રાસવાદ તો કાબુમાં નથી આવતો પણ પોલીસ દળને અમાનુષી સત્તાઓ મળી જાય છે. જે ગુનેગારોને ખરેખર ટાડા અથવા પોટા હેઠળ પકડવા જેવા હોય છે તેઓ પોલીસ અને રાજકારણીઓને લાંચ આપીને છટકી જાય છે પણ નિર્દોષ નાગરિકોને ટાડા કે પાસા હેઠળ સંડોવી દેવાની ધમકી આપીને પોલીસ અધિકારીઓ તેમની પાસેથી પૈસા પડાવે છે અને પ્રજાને કાયમ માટે આતંકિત રાખે છે. આ કાયદાઓ હેઠળ સરકારને જે સત્તાઓ મળી છે તેનો ઉપયોગ ગરીબ ખેડૂતોને અને વનવાસીઓને રંજાડવા માટે કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૭૩ના ક્રિમિનલ પ્રોસીડર કોડમાં ૧૯૭મી કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પોલીસ કર્મચારી સામે ફોજદારી ફરિયાદ કરવી હોય તો ઉપરી પોલીસ અધિકારીની અથવા ગૃહ ખાતાની પરવાનગી લેવી અનિવાર્ય છે. આ જોગવાઈ પાછળની ભાવના પોતાની ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ નાગરિકો દ્વારા બિનજરૃરી સતામણીનો ભોગ ન બને તે જોવાની છે, પણ તેનો દુરુપયોગ થાય છે. કોઈ નિર્દોષ નાગરિક પોલીસના અત્યાચારનો ભોગ બન્યો હોય અને તે પોલીસ સામે કામ ચલાવવા માટે સરકારની પરવાનગી માંગે તો આ પરવાનગી ટાળવામાં આવે છે, જેને કારણે ફરિયાદી હતાશ બની જાય છે અને અત્યાચારો ગુજારનારા પોલીસ અધિકારીઓ બેફામ બનીને પ્રજા ઉપર બમણા વેગથી અત્યાચારો ગુજારે છે.
પોલીસ દ્વારા પ્રજા ઉપર અત્યાચારો ગુજારવામાં આવે અથવા પોલીસ કર્મચારી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો તેની સામે કામ ચલાવવા માટે બે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. ઈ.સ. ૧૮૬૧ના ઇન્ડિયન પોલીસ એક્ટ મુજબ કોઈ પણ પોલીસ કર્મચારી સામે ફરિયાદ કરવામાં આવે તો તેની સામે તપાસ યોજવાની અને કામ ચલાવવાની કે તેને સજા કરવાની સત્તા ઉપરી પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે. મોટા ભાગના કિસ્સાઓમાં ઉપરી પોલીસ અધિકારીઓ પોતાની હાથ નીચેના કર્મચારીઓનો પક્ષ જ લેતા હોવાથી પ્રજાની ફરિયાદ બહેરા કાને જ અથડાય છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એક ચુકાદો આપીને દરેક રાજ્યને પોલીસ સામેની ફરિયાદોના નિકાલ માટે એક સ્વતંત્ર ઓથોરિટીની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે, પણ કોઈ રાજ્યો આ આદેશનો અમલ કરવાની તત્પરતા ધરાવતા નથી. પોલીસ દ્વારા પ્રજા ઉપરના અત્યાચારો સતત વધી રહ્યા છે, એવું આંકડાઓ ઉપરથી પણ સાબિત થાય છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના આંકડાઓ કહે છે કે ઇ.સ. ૧૯૯૫-૯૬ની સાલમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓનાં મરણની સંખ્યા ૧૩૬ની હતી. જે ૨૦૦૨-૦૦૩ની સાલમાં વધીને ૧૮૩ ઉપર પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ગેરકાયદે ધરપકડની સંખ્યા ૧૧૨થી વધીને ૩,૫૯૫ ઉપર અને પોલીસ અતિરેકની સંખ્યા ૧૧૫થી વધીને ૯,૬૨૨ ઉપર પહોંચી ગઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે કે ઇ.સ. ૨૦૦૩માં પોલીસની સામે કુલ ૫૫,૧૧૫ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંની મોટા ભાગની ફરિયાદો ભ્રષ્ટાચાર, ક્રૂરતા, પક્ષપાત અને ફરિયાદ ન નોંધવા બાબતમાં હતી. નેશનલ પોલીસ કમિશને એવું સૂચન કર્યું હતું કે (૧) કોઈ સ્ત્રી ઉપર કસ્ટડીમાં બળાત્કારની ફરિયાદ હોય (૨) કોઈ આરોપીનું કસ્ટડીમાં મોત નિપજાવવામાં આવ્યું હોય અથવા (૩) પોલીસ ફાયરિંગમાં બે અથવા વધુ વ્યક્તિનાં મરણ થયાં હોય ત્યારે આ બનાવની ન્યાયાલીન તપાસ યોજાવી જોઈએ. સરકાર તરફથી આ સૂચન સ્વીકારવામાં નથી આવ્યું અને તે માટે કોઈ કારણ પણ આપવામાં નથી આવ્યું. ખરું કારણ એ છે કે પોલીસના અત્યાચારો ઘટાડવાની બાબતમાં સરકાર જરાય ગંભીર નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved