Last Update : 07-April-2012, Saturday
 

ભારતનું લશ્કર બળવો કરે એવી કોઈ શક્યતા ખરી?

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં લશ્કરની બે ટુકડીઓ કોઈપણ જાતની સૂચના વિના દિલ્હી તરફ ધસી ગઈ તેને કારણે સરકારમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું

ભારતની સ્વતંત્રતાના ૬૫ વર્ષના ઇતિહાસમાં જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી તેની સ્ટોરીઓ હવે અખબારોની હેડલાઈન બની રહી છે. તાજેતરમાં લશ્કરની છાપ બિનરાજકીય અને સરકારને વફાદાર તરીકેની છે. પાકિસ્તાનના ઈતિહાસમાં લશ્કરે વારંવાર બળવો કર્યો છે અને સત્તા પોતાના હાથમાં લીધી છે. ભારતનું લશ્કર બળવો કરે એવી કલ્પના આજની તારીખમાં પણ કોઈ કરવા તૈયાર નથી; પરંતુ એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારની સ્ટોરીએ રાજકારણીઓને વિચારતા કરી મૂક્યા છે. આ સ્ટોરી મુજબ આ વર્ષની ૧૬મી જાન્યુઆરીની રાતે લશ્કરની બે ટુકડીઓ કોઈ પણ જાતની આગોતરી સૂચના આપ્યા વિના ભારતની રાજધાની દિલ્હીની દિશામાં ધસી ગઈ હતી, જેને કારણે વડા પ્રધાનનું અને સંરક્ષણ પ્રધાનનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. અંગ્રેજી અખબાર લશ્કરની આ સામાન્ય હિલચાલનો સંબંધ લશ્કરના વડા જનરલ વી.કે. સિંહ અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદ સાથે જોડે છે. આ સ્ટોરી પ્રગટ થઈ કે તરત જ વડા પ્રધાને અને સંરક્ષણ પ્રધાને તેને રદિયો આપ્યો છે, પણ તેને કારણે અનેક એવા સવાલો પેદા થાય છે, જેના જવાબો મળતા નથી. એટલું તો નક્કી છે કે તાજેતરમાં સંરક્ષણની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે કૌભાંડો બહાર આવી રહ્યાં છે તેને કારણે પ્રજાનો એક વર્ગ વિચારતો થયો છે કે ભ્રષ્ટાચારી રાજકારણીઓથી તંગ આવીને એક દિવસ લશ્કર પોતાના હાથમાં સત્તા લઈ લેશે.
અંગ્રેજી અખબારના હેવાલ મુજબ જે દિવસે જનરલ વી.કે. સિંહે તેમની જન્મતારીખના મુદ્દે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા તેની મોડી રાતે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એવા હેવાલ આપ્યા કે દિલ્હીથી ૧૫૦ કિલોમીટર દૂર હરિયાણાના હિસારમાં રહેલી એક લશ્કરી ટુકડી કોઈ પણ જાતની આગોતરી સૂચના વિના દિલ્હીની દિશામાં આગળ ધપી રહી છે. થોડા સમય પછી બીજા સમાચાર આવ્યા કે આગ્રામાં રહેલી બીજી લશ્કરી ટુકડી પણ દિલ્હીની દિશામાં આગળ વધી રહી છે. આ સમાચાર તરત જ સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીને પહોંચાડવામાં આવ્યા હતા. તરત જ દિલ્હી તરફ આગળ વધતા ટ્રાફિકને ધીમો પાડવા માટે પોલીસને અંતરાયો ઉભા કરવાની અને ચેકિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ૧૭મી જાન્યુઆરીની વહેલી સવારે વડા પ્રધાન મનમોહનસિંહને પણ આ સમાચાર આવી દેવામાં આવ્યા હતા. સંરક્ષણ સચિવ શશીકાંત શર્માને તેમની મલેશિયાની મુલાકાત ટૂંકાવીને તરત જ દિલ્હી પાછા ફરવાની સૂચના આપી દેવામાં આવી હતી. શશીકાંત શર્મા મલેશિયાથી પાછા ફર્યા હતા. તેમણે ૧૭મીની મોડી રાતે પોતાની ઓફિસ ખોલીને લેફ્ટનન્ટ જનરલ એ.કે. ચૌધરીને આ બાબતમાં ખુલાસો આપવા બોલાવ્યા હતા. ચૌધરીએ કહ્યું કે ધુમ્મસના વાતાવરણમાં લશ્કર કેટલી ઝડપી હિલચાલ કરી શકે છે એની ચકાસણી કરવા માટેની આ એક્શન હતી. ચૌધરીને આ હિલચાલ તરત જ અટકાવી દેવાનો અને લશ્કરને પોતાની બરાકમાં પાછા ફરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો, જેનો તેમણે અમલ કર્યો હતો.
વાત આટલી અમથી જ હતી, પણ તેના સૂચિતાર્થો ઘણા વ્યાપક છે. તાજેતરમાં લશ્કરના વડાની જન્મતારીખના મુદ્દે જેવો વિવાદ લશ્કર અને સરકાર વચ્ચે થયો છે, એવો વિવાદ ભૂતકાળમાં ક્યારેય થયો નહોતો. આ વિવાદ લશ્કરના વડાની અંગત બાબત વિશે હતો, માટે તેની એટલી ગંભીરતા નહોતી. પરંતુ આ વિવાદના ફળરૃપે લશ્કરના વડા જનરલ વી.કે. સિંહે ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં તેમને ૧૪ કરોડની લાંચની ઓફર થઈ હોવાનો જે આક્ષેપ કર્યો તે અત્યંત ગંભીર કક્ષાનો હતો. આજ સુધી આપણા દેશમાં વસ્ત્રોની ખરીદી બાબતમાં રાજકારણીઓ ભ્રષ્ટાચાર આચરે છે, એવી વાતો અનેક વખત સાંભળવા મળતી હતી; પણ દેશના લશ્કરી વડા આ પ્રકારનો આક્ષેપ કરે તેવું પહેલી વખત બન્યું હતું. આ પ્રકારનો આક્ષેપ કરીને ભારતનું લશ્કર રાજકારણમાં પડતું નથી, એવી છાપ જનરલ સિંહે બદલી કાઢી છે. જો ભારતનું લશ્કર ખરેખર રાજકારણમાં રસ લેવાનું શરૃ કરે તો ઘણું બની શકે છે. ઈ.સ. ૧૯૭૫માં લોકનાયક જયપ્રકાશ નારાયણે લશ્કરને ઉદ્દેશીને કહ્યું હતું કે જો સરકાર તેમના કોઈ બિનલોકશાહી આદેશ કરે તો તેમણે તે આદેશ માનવાની ના પાડી દેવી જોઈએ. આ વિધાનથી તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી એટલાં ફફડી ગયાં હતાં કે તેમણે સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરી હતી. આજની તારીખમાં લશ્કર બળવાનો વિચાર પણ કરે તો દેશમાં કટોકટી પેદા થઈ જાય તેમ છે.
અંગ્રેજી અખબારમાં આવેલા 'દિલ્હી કૂચ'ના હેવાલ બાબતમાં લશ્કરે પણ સત્તાવાર ખુલાસો આપ્યો છે. લશ્કરના જણાવ્યા મુજબ ધુમ્મસની પરિસ્થિતિમાં તેઓ કેટલી ઝડપી હિલચાલ કરી શકે એની ચકાસણી કરવા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. એક સાથે બે ટુકડીઓની હિલચાલ બાબતમાં ખુલાસો આપતાં તેઓ કહે છે કે આ બંને ટુકડીઓ કેટલા ઓછા સમયમાં એકબીજાને આવીને મળે છે તેની તેઓ ચકાસણી કરવા માંગતા હતા. આ કૂચ દિલ્હીની દિશામાં જ કેમ કરવામાં આવી? એ સવાલનો જવાબ આપતાં તેઓ કહે છે કે જો પાકિસ્તાનની દિશામાં કૂચ કરવામાં આવી હોત તો તેના મનમાં કુશંકાઓ પેદા થાય તેમ હતી, કારણ કે આ વાતની જાણ પાકિસ્તાનને કરવામાં આવી નહોતી.
લશ્કર દ્વારા આ બાબતમાં જે ખુલાસો આપવામાં આવ્યો તેના કારણે નવા સવાલો પેદા થાય છે. જો દિલ્હીની દિશામાં આટલા મોટા પાયે કવાયત કરવાની હતી તો તેની જાણ સંરક્ષણ ખાતાંને શા માટે કરવામાં નહોતી આવી? બીજો સવાલ એ પેદા થાય છે કે શું આ પ્રકારની કવાયત માટે રાજધાની દિલ્હીની આટલું બધું નજીક આવવું જરૃરી હતું? ત્રીજો સવાલ એ થાય છે કે આ વાતની સૂચના વાયુદળને પણ કેમ આપવામાં આવી નહોતી? ચોથો સવાલ એ થાય છે કે સંરક્ષણ સચિવ શશીકાંત શર્માને તેમની મલેશિયાની મુલાકાત કેમ પડતી મૂકવી પડી હતી? પાંચમો સવાલ એ થાય છે કે જો આ હિલચાલ સામાન્ય હતી તો શા માટે લશ્કરની ટુકડીઓને પાછી બોલાવી લેવામાં આવી હતી? આ બધા સવાલોના જવાબો આપવાને બદલે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીએ પત્રકાર પરિષદ બોલાવીને માત્ર એટલો જ ખુલાસો કર્યો છે કે ભારતનું લશ્કર સરકારને સંપૂર્ણપણે વફાદાર છે અને તેની દેશભક્તિમાં અમને જરાય શંકા નથી. આ ખુલાસો પણ 'બીટવીન ધ લાઈન્સ' વાંચવા જેવો છે.
સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ 'લશ્કર દ્વારા બળવા'ના સમાચારને એકદમ પાયા વગરના ગણાવ્યા હતા અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ લોકશાહીને હાનિ પહોંચાડે એવું કાંઈ નહીં કરે. રાજકારણનો નિયમ છે કે રદિયો એવી બાબતનો આપવો પડે કે જેની નાનામાં નાની પણ સંભાવના હોય. સ્વતંત્રતાનાં ૬૫ વર્ષમાં ક્યારેય કોઈ સંરક્ષણ પ્રધાને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એવો ખુલાસો કરવો પડયો છે કે ભારતનું લશ્કર બળવો કરે તેવી કોઈ સંભાવના નથી? સંરક્ષણ પ્રધાને એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભારતની લોકશાહીને મજબૂત બનાવવાની બાબતમાં લશ્કર પોતાનું યોગદાન આપતું રહેશે. શું લોકશાહીનો અર્થ 'ભ્રષ્ટાચાર' એવો થતો હોય તો પણ લશ્કર તેને મજબૂત બનાવ્યા કરશે?
લશ્કરના સંભવિત બળવાના સમાચાર જે અખબારમાં છપાયા તેના એક પ્રતિસ્પર્ધી અખબારે એવા સમાચાર વહેતા મૂક્યા છે કે આ સમાચાર છપાવવા પાછળ યુપીએ સરકારના એક પ્રધાનનો હાથ છે, જેના સગાઓ શસ્ત્રોના સોદાગરોની દલાલી કરે છે. આ હેવાલ મુજબ તાજેતરમાં લશ્કરી વડા એ.કે. સિંહ દ્વારા શસ્ત્રોની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવ્યા તેના કારણે આ પ્રધાનશ્રી બહુ રોષે ભરાયા હતા. તેઓ લશ્કરી વડાને પાઠ ભણાવવા માંગતા હતા અને બધા રાજકારણીઓ લશ્કર સામે એક થઈ જાય તેવું ઇચ્છતા હતા. તેમણે એવી અપેક્ષા રાખી હતી કે આ હેવાલ પ્રગટ થયા પછી વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન કોઈ કોમેન્ટ કરવાનો ઈનકાર કરશે, જેને પગલે લશ્કરી વડાને રાજીનામું આપવાની ફરજ પડશે. તેને બદલે સંરક્ષણ પ્રધાને લશ્કરનો જાહેરમાં બચાવ કરતાં આ પ્રધાનની ગણતરી ઊંધી પડી છે.
લશ્કરના સંભવિત બળવાના સમાચાર કરતાં વધુ ગંભીર બાબત એ છે કે આ સમાચાર પાછળ યુપીએના કોઈ પ્રધાનનો હાથ હોય. તેની પાછળનો તર્ક એવો છે કે આ પ્રધાન શસ્ત્રોના દલાલો સાથે સંકળાયેલા છે. જો આ હકીકત સાચી હોય તો તે અત્યંત ગંબીર બાબત બની જાય છે. વર્તમાન વિવાદને કારણે જો શસ્ત્રોની ખરીદીમાં રાજકારણીઓને મળતી કટકી બંધ થઈ જાય તો ઘણા રાજકારણીઓની કમાણીનું સાધન ઝૂંટવાઈ જાય તેમ છે. આ રાજકારણીઓ લશ્કરને બદનામ કરવાની કોશિષ કરે તેવું પણ બની શકે છે. જો લશ્કરને નાહકનું બદનામ કરવામાં આવે તો રાજકારણીઓથી તંગ આવીને તેઓ પોતાની તાકાતનો પરચો આપવા ઉશ્કેરાઈ જાય તેવું પણ બની શકે છે.
આપણા દેશનું લશ્કર સ્વદેશપ્રેમી છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. આજની તારીખમાં આપણું લશ્કર સરકારને સંપૂર્ણ વફાદાર છે એ વાતમાં પણ શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ દેશપ્રેમી હોવું અને સરકારને વફાદાર હોવું એ બંને બાબત વચ્ચે તફાવત છે. સરકાર પોતે દેશને વફાદાર હોય ત્યાં સુધી લશ્કર સરકારને વફાદાર રહે એ તેના દેશપ્રેમની જ અભિવ્યક્તિ છે. પરંતુ જે ક્ષણે એવું સાબિત થઈ જાય કે આપણી સરકાર દેશના હિતમાં કાર્ય નથી કરી રહી, ત્યાર બાદ પણ સરકારને વફાદાર રહેવામાં દેશપ્રેમ નથી. આપણી સરકારને સૌથી મોટો ભય એ જ છે કે નેતાઓના ભ્રષ્ટાચારથી તંગ આવીને એક વખત લશ્કર પોતાનો દેશપ્રેમ બતાડશે અને બળવો કરીને સરકારને ઉથલાવી કાઢશે. આ ભયમાંથી કાયમી છૂટકારો મેળવવો હોય તો રાજકારણીઓએ તેમની રાષ્ટ્રવિરોધી એવી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved