Last Update : 06-April-2012, Firday
 

ભારતમાં એક હજાર હાનિકારક એલોપથી દવાઓ છૂટથી વેચાય છે

હાયપરટેન્શનની સારવાર માટે વપરાતી કાર્વેદિલોલ નામની દવા ડાયાબિટીસ પેદા કરે છે. આ વાતની જાણ કેટલા ડૉક્ટરોને હશે ?

ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે તાજેતરમાં જાહેર કર્યું છે કે દેશમાં જેટલી એલોપથી દવાઓ વેચાય છે તે પૈકી આશરે એક હજાર દવાઓ આરોગ્ય માટે હાનિકારક છે તો પણ રાજ્ય સરકાર તરફથી તેના વેચાણની પરવાનગી આપી દેવામાં આવી છે. કેરળના ન્યુરોસર્જન જેકોબ જહોને માહિતી મેળવવાના અધિકાર અંતર્ગત કેન્દ્ર સરકારના ડ્રગ કન્ટ્રોલર જનરલને સવાલ પૂછ્યો હતો કે ભારતની બજારમાં કેટલી દવાઓ ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશન તરીકે સરકારની માન્યતા પ્રાપ્ત કર્યા વિના વેચાય છે ? તેના જવાબમાં ડ્રગ કન્ટ્રોલર જનરલે જણાવ્યું હતું કે ભારતની બજારમાં એવી ૨૯૪ સંયોજીત દવાઓ વેચાય છે, જેની અસરકારકતા, સલામતી અને તાર્કિકતા ચકાસવામાં આવી નથી.
ડ્રગ કન્ટ્રોલર જનરલ તરફથી અમુક એલોપથી દવાઓને એકલી વેચવાની પરવાનગી આપવામાં આવી હોય છે, પણ દવા કંપનીઓ આવી બે અથવા વધુ દવાઓનું સંયોજન કરીને તેને અલગ બ્રાન્ડનેમથી વેચે છે. કોઇ પણ બે અથવા વધુ દવાઓનું સંયોજન કરવામાં આવે ત્યારે તેમાંથી ત્રીજી નવી દવા પેદા થાય છે, જેના માટે ડ્રગ કન્ટ્રોલરની નવેસરથી પરવાનગી લેવી પડે છે અને તેની ક્લિનિકલ ટ્રાયલ પણ કરવી પડે છે. દવા કંપનીઓ આવી આશરે એક હજાર દવાઓ કોઇ પણ જાતની પરવાનગી વિના વેચીને કરોડો દર્દીઓના જીવ સાથે રમત રમી રહી છે.
કેન્દ્ર સરકારના ડ્રગ કન્ટ્રોલરે જે ૨૯૩ દવાઓ હાનિકારક અથવા સંશયાત્મક હોવાનું જણાવ્યું છે, તેમાં દવાની અનેક જાણીતી અને જથ્થાબંધ માત્રામાં વપરાતી બ્રાન્ડોનો પણ સમાવેશ થાય છે. એક જ ઉદાહરણ જોઇએ તો ભારતમાં એનિમિયાની સારવાર માટે વાપરવામાં આવતી ડેકસોરેન્જ નામની દવા દેવનારનાં કતલખાનાંમાં કતલ કરવામાં આવેલાં પ્રાણીઓના લોહીમાંથી બનાવવામાં આવતી હતી. વિદેશોમાં આ રીતે હિમોગ્લોબીનની દવા પ્રાણીઓના લોહીમાંથી બનાવવાની મનાઇ છે. ભારતમાં ઈ.સ. ૨૦૦૦ની સાલમાં આ દવાને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી ત્યાં સુધીમાં કરોડો શાકાહારીઓના પેટમાં આ દવા પહોંચી ગઈ હતી. ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે દરેક રાજ્યના ડ્રગ કન્ટ્રોલર ઉપર પત્ર લખીને આ ૨૯૪ દવાઓ જેમાં વાપરવામાં આવતી હોય તેવી તમામ દવાઓ બજારમાંથી ખેંચી લેવાની અને તેને પ્રતિબંધિત જાહેર કરવાની તાકીદ કરી છે. ભારતની બજારમાં જે હાનિકારક અને અતાર્કિક દવાઓ વેચાઇ રહી છે, તેનું એક ઉદાહરણ અલ્પ્રાઝોલમ અને પેરાસિટામોલનું સંયોજન છે. અલ્પ્રાઝોલમ નામની દવા ચિંતા હળવી કરવા માટે વપરાય છે. આ બે દવાઓ ભેગી કરવાનું કારણ શું હોઇ શકે ? જેને તાવ હોય તેને ચિંતાનો વ્યાધિ હોય તેવું જરૃરી થોડું છે ? અને જેને ચિંતાની દવાની જ જરૃર છે, તેને વગર જરૃરે તાવની દવા આપવાની શી જરૃર છે ? વળી અલ્પ્રાઝોલમ દિવસમાં ત્રણ વાર લેવાની હોય છે અને પેરાસિટામોલ દિવસમાં આઠ વખત લેવી જરૃરી ગણાય છે. આ બંનેના સંયોજનથી બનતી દવા કેટલી વખત લેવી જોઇએ ?
પેરાસિટામોલ અને અલ્પ્રાઝોલમનું સંયોજન કરવાનું એક કારણ એ હોઇ શકે કે કેન્દ્ર સરકાર દ્વારા પેરાસિટામોલને જરૃરી દવા ગણાવી તેના ભાવોને નિયંત્રણ હેઠળ આણવામાં આવ્યા છે. દવા કંપનીઓ જો એકલી પેરાસિટામોલ દવા વેચે તો આ દવા તેમણે સરકારે બાંધેલા ભાવે જ વેચવી પડે. તેને બદલે તેઓ પેરાસિટામોલ સાથે બીજી કોઇ દવા ભેળવી દે તો તેઓ આ દવા ઉપર પોતાના મનગમતા ભાવો વસૂલ કરી શકે. આ રીતે ભાવનિયંત્રણમાંથી બચવા માટે અનેક દવાઓનાં હાનિકારક સંયોજનો બજારમાં મૂકવામાં આવ્યાં છે. હાનિકારક સંયોજનો બજારમાં મૂકવાનું બીજું કારણ એ છે કે ભારતની બજારમાં મૂળભૂત આશરે ૩૦૦ જેટલી જ દવાઓ વેચાય છે. દવા કંપનીઓમાં નવી ફાયદાકારક દવાઓ શોધવાની ત્રેવડ નથી. આ કારણે તેઓ જૂની દવાઓના સંયોજનો બનાવીને તેને નવાં નામે બજારમાં વેચે છે અને દર્દીઓ સાથે છેતરપિંડી કરે છે. ભારતની સિપ્લા, રેનબકસી, સન ફાર્મા અને કેડિલા જેવી કંપનીઓ તરફથી આશરે ૮,૦૦૦ કરોડ રૃપિયાની હાનિકારક દવાઓ બજારમાં વેચવામાં આવે છે.
દવા કંપનીઓ અને ડૉક્ટરો વચ્ચે એવી સાંઠગાંઠ હોય છે કે કોઈ દવા હાનિકારક પુરવાર થઇ હોય તો પણ પોતાનું કમિશન પકાવવા માટે ડૉક્ટરો દવા લખી આપવામાં જરાય સંકોચનો અનુભવ કરતા નથી. રાજ્ય સરકારના ડ્રગ કન્ટ્રોલર ખાતાંઓમાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે કે દવા બનાવતી કંપનીઓ પાસેથી તગડી લાંચ લઈને તેઓ આ દવાઓ વેચવાની પરવાનગી આપી દે છે. આવી દવાનું બીજું ઉદાહરણ બેક્ટેરિયાના ચેપની સારવારમાં વપરાતી સિફિકઝાઇમ નામની દવા સાથે અમીબાના ચેપની સારવારમાં વપરાતી ઓર્નીડેઝોલ નામની દવા છે. દર્દીને આ બે પૈકી કોઈ પણ જાતનો ચેપ હોય ત્યારે ડૉક્ટર આ દવા લખી આપતા હોય છે. તેનાથી હાનિ એ થાય છે કે જે ચેપ નથી તેની દવા લેવાથી ખરેખર એ ચેપ લાગે ત્યારે દવાની અસર થતી જ નથી.
ભારતમાં દવાઓની બાબતમાં કેવું અંધેર ચાલે છે, તેનું જ્વલંત ઉદાહરણ બજારમાં પાંડુ રોગ (એનિમિયા)ની સારવાર માટે મળતી ૩૩૮ દવાઓ છે. કર્ણાટકના ડ્રગ એકશન ફોરમના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ ૩૩૮ પૈકી માત્ર એક જ દવા એનિમિયાની સારવાર માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબની હતી. આ દવાનું નામ ફેરસ ફયુમેરેટ છે અને તેની એક ટેબ્લેટની કિંમત માત્ર ૧૩ પૈસા છે. નવાઈની વાત એ છે કે આ દવા લગભગ કોઇ કેમિસ્ટને ત્યાં મળતી નથી, કારણ કે તેના વેચાણમાં નફો બહુ ઓછો મળે છે. તેને બદલે કેમિસ્ટો અતાર્કિક સંયોજન ધરાવતી લોહની દવાઓ વેચે છે, જેની ભારે કિંમત હોય છે. ડૉક્ટરો પણ આ મોંઘી દવાઓ જ લખી આપે છે, કારણ કે તેમને ભારે કમિશન મળતું હોય છે. ડૉક્ટરો, દવા કંપનીઓ અને કેમિસ્ટોના આ ત્રેખડને કારણે દેશમાં એનિમિયાના કરોડો દર્દીઓ સસ્તી અને સચોટ સારવારથી વંચિત રહી જાય છે.
ભારતના દર્દીઓને અને ડૉક્ટરોને નવી દવાઓ બાબતમાં સાચી અને પ્રમાણભૂત માહિતી જોઇતી હોય તો તેની માટે કોઇ યોગ્ય સ્ત્રોત જ નથી. ડૉક્ટરો પાસે નવી દવાઓ બાબતમાં જે કોઇ માહિતી પહોંચે છે તે આ દવાઓ બનાવતી કંપનીઓ અને તેમના એજન્ટો મારફતે જ મળતી હોય છે. દવા કંપનીઓ પોતાની દવાનાં ભયસ્થાનો છૂપાવવાની કોશિષ કરે તે સ્વાભાવિક છે. ઘણી વખત ડૉક્ટરોને આ દવાઓનાં ભયસ્થાનોની માહિતી હોય તો પણ તેઓ દર્દીઓને તેની જાણ કરતા નથી. દાખલા તરીકે હાયપરટેન્શનની સારવાર માટે વપરાતી કાર્વેદિલોલ નામની દવા ડાયાબિટીસ પેદા કરે છે. આ વાતની જાણ કેટલા ડૉક્ટરોને હશે ? કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસે આ પ્રકારની માહિતી આવે તો પણ તેઓ આ માહિતી ડૉક્ટરો સુધી પહોંચાડતા નથી. ડૉક્ટરો પાસે આ માહિતી આવે તો તેઓ દર્દીઓ સુધી પહોંચાડતા નથી. હકીકતમાં તો આ પ્રકારની દવાઓને તાત્કાલિક અશરથી પ્રતિબંધિત જ જાહેર કરવી જોઈએ, પણ દવા કંપનીઓની વગને કારણે તેમ બનતું નથી અને લોકોનું આરોગ્ય ખતરામાં આવી જાય છે.
અમેરિકામાં મર્ક નામની મલ્ટીનેશનલ કંપનીએ બનાવેલી વાયોક્સ નામની દવા બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી તેને પગલે આ દવા બનાવતી કંપનીને અબજો ડોલરનું નુકસાન ગયું છે. સાંધાના દુઃખાવામાં રાહત મેળવવા માટે વાપરવામાં આવતી વાયોક્સ દવા લેવાને કારણે અમેરિકામાં તેમ જ અન્ય દેશોમાં પણ હજારો લોકોને હાર્ટ એટેક આવ્યા હતા અને તેમના જીવ ગયા હતા. હવે આ દવાને કારણે મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનો તરફથી વળતર મેળવવા માટે કરોડો ડોલરના દાવાઓ કંપની સામે કરવામાં આવ્યા છે.
યુરોપ અને અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવેલી અનેક હાનિકારક દવાઓ ભારતમાં છૂટથી વેચાઈ રહી છે. દાખલા તરીકે ફિનિલપ્રોપેનોલેમાઇન નામની શરદીની દવા લેવાથી હાર્ટ એટેક આવતો હોવાથી તેને યુરોપમાં અને અમેરિકામાં પ્રતિબંધિત જાહેર કરવામાં આવી હતી પણ તે દવા આજે પણ ભારતમાં વેચાઇ રહી છે. તેવી જ રીતે એનાલ્જિન નામની દવાથી લોહીમાં સફેદ કણો ઘટી જવાનું જાણમાં આવવા છતાં આ દવા છૂટથી વેચાઇ રહી છે. ડાઇજીન અને કોરેક્સ જેવી દવાઓ ઉપર અનેક દેશોમાં પ્રતિબંધ છે, પણ ભારતમાં તે છૂટથી વેચાઇ રહી છે. ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલના ૨૯૪ દવાઓ પ્રતિબંધિત જાહેર કરવાના આદેશને પણ રાજ્યની સરકારો ઘોળીને પી ગઇ છે. આ સંયોગોમાં જ્યાં સુધી એલોપથીની દવાઓની સલામતી બાબતમાં પૂરેપુરી ખાતરી ન થાય ત્યાં સુધી આવી તમામ દવાઓ લેવાથી દૂર રહેવામાં જ ડહાપણ છે.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved