Last Update : 05-April-2012, Thursday
 

હાફીઝ સઈદને પાકિસ્તાનમાં સરકારી સંરક્ષણ મળેલું છે

લાહોરની અદાલતે હાફીઝ સઈદને ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં કાવતરું ઘડવાના કેસમાં પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે

અમેરિકાએ આતંકવાદી હાફીઝ સઈદના માથા ઉપર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કરીને ભારતની મશ્કરી કરી છે. મુંબઈમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફીઝ હતો તેના ઢગલાબંધ પુરાવાઓ ભારતે પાકિસ્તાનને સુપરત કર્યા છે. પાકિસ્તાને હાફીઝ ઉપર ખટલો માંડવાનું નાટક કર્યું પણ ત્યાંની અદાલતે ભારતના પુરાવાઓને 'ફાલતૂ' ગણાવીને હાફીઝને નિર્દોષ જાહેર કરી દીધો છે. હાફીઝ સઈદ કોઈ ગુફામાં છૂપાઈને કામગીરી બજાવતો ત્રાસવાદી નથી. એ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. પાકિસ્તાનના લશ્કરના અને જાસૂસી સંસ્થા આઈએસઆઈના કમાન્ડો તેને રાઉન્ડ ધ ક્લોક પ્રોટેક્શન આપે છે. આ કારણે પાકિસ્તાનનો કોઈ નાગરિક એક કરોડ ડોલરનો અમેરિકી ચેક વટાવી શકે તેમ નથી. અમેરિકા જો હાફીઝને ખરેખર ખતરનાક ગણતી હોય તો તેણે ઓસામા પ્રકારનું ઓપરેશન હાથ ધરીને હાફીઝને ખતમ કરવો જોઈએ.
પાકિસ્તાનના વડાપ્રધાન આસીફ અલી જરદારી આવતા અઠવાડિયે અજમેરના ખ્વાજાના દર્શન કરવા ભારત આવવાના છે. ભારત સાથે સદ્ભાવના વધારવા તેઓ નવી દિલ્હી જઈને ભારતા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને પણ મળવાના છે. આ ટાંકણે જ હાફીઝ સઈદનાં માથા ઉપર ઇનામ જાહેર કરીને અમેરિકાએ પાકિસ્તાન ઉપર મનોવૈજ્ઞાાનિક દબાણ જરૃર ઊભું કર્યું છે. જોકે ભારતના સુરક્ષા બળો અમેરિકાના આ ઇનામને જરાય ગંભીરતાથી નથી લેતા. તેમને ખબર છે કે આ ઇનામ હાફીઝ સઈદની ભારતમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાહેર કરવામાં નથી આવ્યું. હાફીઝ સઈદ દ્વારા અફઘાન મોરચે નાટોના દળોને મળતી સાધનસામગ્રીઓનો પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવ્યો તેની સામે હાફીઝ સઈદે ઉગ્ર ઝુંબેશ ચાલુ કરી છે તેને કારણે અમેરિકા મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ બાબતમાં હાફીઝ સઈદને પાઠ ભણાવવા ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
ઇ.સ. ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે મુંબઈ શહેર ઉપર જે આતંકવાદી હુમલો થયો હતો તેનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ હતો. આ બાબતમાં ભારતની સરકારે એક ડોઝિયર તૈયાર કરીને પાકિસ્તાનની સરકારને સુપરત કર્યું હતું. તેની સાથે એક સીડી પણ હતી, જેમાં હાફીઝ સઈદે ભારત સામે આપેલાં આગઝરતાં ઉશ્કેરણીજનક ભાષણોની સીડી પણ હતી. આ સીડીમાં પાકિસ્તાનની સરકારને અદાલતે કાંઈ 'વાંધાજનક' જણાયું નહોતું. હાફીઝ સઈદ આજની તારીખમાં પાકિસ્તાનમાં છૂટથી ફરે છે અને ભાષણો પણ આપે છે. તે કાયમ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા વાહનોના કાફલાથી ઘેરાયેલો હોય છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાની સરકાર દ્વારા તેને રાજકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે. વળી હાફીઝ સઈદની સુરક્ષા તેના દ્વારા તાલીમ પામેલા હજારો અંગરક્ષકો પણ કરી રહ્યા છે. આ કારણે પાકિસ્તાનનો કોઈ નાગરિક અમેરિકાનું ઇનામ મેળવી શકે એ સંભાવના નથી. એમ તો ઓસામા બિન લાદેનનાં માથા ઉપર પણ અમેરિકાએ ઇનામ જાહેર કર્યું હતું. ઓસામા પાકિસ્તાનમાં છે તેની ઘણા સરકારી કર્મચારીઓને ખબર હતી. તો પણ કોઈ તેનું ઇનામ મેળવવા આગળ નહોતું આવ્યું તેવું હાફીઝ સઈદનું પણ છે.
પાકિસ્તાનની સરકાર અને પ્રજાનો મોટો ભાગ પણ એમ વિચારે છે કે હાફીઝ સઈદ પાકિસ્તાનની અસ્ક્યામત છે અને ભારત સામે લડવા માટેનું મહત્વનું હથિયાર પણ છે. આ કારણે તેઓ અમેરિકાનું ઇનામ લેવા જવાના નથી. અમેરિકાએ જે સમયે હાફીઝ સઈદનાં માથા ઉપર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે એ સમયની પસંદગી પણ બહુ મહત્વની છે. અફઘાનિસ્તાનમાં લડી રહેલા નાટોના દળોને પાકિસ્તાનમાં થઈને જે સાધનસામગ્રી અને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવામાં આવતો હતો એ પાકિસ્તાને અટકાવી દીધો હતો. આ પુરવઠો ફરીથી ચાલુ કરવાની બાબતમાં અમેરિકા પાકિસ્તાન સાથે વાટાઘાટો ચલાવી રહ્યું છે. આ બાબતમાં પાકિસ્તાન દ્વારા અનેક માંગણીઓ મૂકવામાં આવી છે અને ભારે સોદાબાજી ચાલી રહી છે. આ સોદાબાજીમાં અમેરિકાનો હાથ ઉપર રહે એ માટે પ્રેશર ટેક્ટિક તરીકે હાફીઝ સઈદના માથાં સાટે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. હાફીઝ સઈદે મુંબઈ ઉપર ત્રાસવાદી હુમલો કરાવ્યો ત્યારે અમેરિકાને તે દુનિયાનો સૌથી ખતરનાક ત્રાસવાદી નહોતો લાગ્યો. પરંતુ હવે એ જ્યારે નાટોના દળોને પુરવઠો ફરીથી ચાલુ કરવાનો વિરોધ કરી રહ્યો છે ત્યારે અમેરિકાને તેમાં ત્રાસવાદીના દર્શન થઈ રહ્યા છે. જે ત્રાસવાદીના હાથ સેંકડો નિર્દોષ ભારતીયોના લોહીથી ખરડાયેલા છે તેને પણ અમેરિકા એક સોદાબાજીનું સાધન જ માને છે.
હાફીઝ સઈદનો જન્મ ઈ.સ. ૧૯૫૦માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. પોતાની કારકિર્દીના પ્રારંભમાં તે લાહોર યુનિવર્સિટીમાં ઇસ્લામિક સ્ટડીઝનો પ્રોફેસરહતો. હાફીઝે ધર્મના પાયા ઉપર જેહાદ જગાવવા ઈ.સ. ૧૯૮૬માં આતંકવાદી જૂથ 'લશ્કરે તોઈબા'ની રચના કરી હતી. હકીકતમાં ઇ.સ. ૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં રહેલા રશિયન દળો સામે લડવા અમેરિકા તરફથી જ હાફીઝ સઈદને શસ્ત્રો અને ડોલર પૂરા પાડવામાં આવ્યા હતા. રશિયન દળો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચાઈ ગયા ત્યારબાદ હાફીઝને મળતો અમેરિકાનો ટેકો બંધ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેના હાથમાં શસ્ત્રસજ્જ તાલીમબદ્ધ ત્રાસવાદીઓનું સૈન્ય આવી ગયું હતું. આ ત્રાસવાદીઓનો ઉપયોગ તેણે કાશ્મીરમાં ભારત સામે લડવા માટે કર્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકનો તેને પૂરો સાથ મળ્યો હતો.
ઇ.સ. ૧૯૯૯ની કારગીલ વોર પછી હાફીઝ સઈદે આત્મઘાતી ત્રાસવાદીઓનું જૂથ તૈયાર કર્યું હતું. જેણે ભારતમાં વિનાશક હુમલાઓ કરવાનું શરૃ કર્યું હતું. આ દરેક હુમલાઓ એવી ચોકસાઈથી કરવામાં આવ્યા હતા કે તેને પ્રસાર માધ્યમોમાં જબરદસ્ત પ્રસિદ્ધિ મળી હતી. ઇ.સ. ૨૦૦૧ની ૧૩મી ડિસેમ્બરે ભારતની સંસદ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેનો દોરસંચાર પણ હાફીઝ સઈદે કર્યો હતો. ઇ.સ. ૨૦૦૬માં સપ્ટેમ્બરમાં ગુજરાતના ગાંધીનગર અક્ષરધામ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેની પાછળ પણ હાફીઝ સઈદનો હાથ હતો. ઇ.સ. ૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં જે સિરિયલ બ્લાસ્ટ થાય તેનું કાવતરું પણ હાફીઝ સઈદે જ ઘડયું હતું. પાકિસ્તાનની સરકારે ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પછી ભારતે આપેલા પુરાવાઓના આધારે હાફીઝ સઈદ સામે લાહોરની અદાલતમાં કેસ પણ કર્યો હતો. લાહોરની અદાલતને ભારતે આપેલા પુરાવાઓમાં કોઈ દમ ન જણાતા તેણે હાફીઝ સઈદને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. પાકિસ્તાનની સરકારના આ ચુકાદાનો ઉપયોગ હવે હાફીઝ સઈદ સામે પગલાં ન ભરવાનાં બહાના તરીકે કરી રહી છે અને કહી રહી છે કે પાકિસ્તાનમાં ન્યાયંતત્ર સર્વોપરી છે.
ઇ.સ. ૧૯૮૬માં હાફીઝ સઈદે અબ્દુલ્લા આઝમ નામના ઇસ્લામિક સ્કોલર સાથે મળીને લશ્કરે તોઈબાની સ્થાપના કરી ત્યારે એમનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામમાં પ્રાચીન કાળથી જે જિહાદ (ધર્મયુદ્ધ)ની પ્રથા પ્રચલિત હતી તેને પુનર્જીવિત કરવાની હતી. અબ્દુલ્લા આઝમનું નામ દુનિયામાં બહુ ઓછું જાણીતું છે, પણ તે હાફીઝ સઈદ ઉપરાંત ઓસામા બિન લાદેનનો પણ ગુરૃ હતો. પાકિસ્તાનમાં લશ્કરે તોઈબાને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું તે પછી હાફીઝે તેનું રૃપાંતર જમાત-ઉદ-દાવા નામની સેવાભાવી સંસ્થામાં કરી નાંખ્યું હતું. આ સંસ્થા દ્વારા પાકિસ્તાનમાં અનેક સ્કૂલો, હોસ્પિટલો અને મદ્રેસાઓ પણ ચલાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના નામે તેઓ યુવાનોને મોટી સંખ્યામાં આકર્ષે છે અને ત્રાસવાદની તાલીમ આપીને જિહાદમાં જોડે છે. પાકિસ્તાનની મદ્રેસાઓ હકીકતમાં આતંકવાદી ગતિવિધિઓના મૂળમાં છે.
ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા થયા ત્યારે હાફીઝ સઈદનો સંયુક્ત પરિવાર સિમલામાં રહેતો હતો. ભાગલાના પરિણામે આ પરિવાર લાહોર ચાલ્યો ગયો હતો. એ દરમિયાન ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં તેના પરિવારના કુલ ૩૬ સભ્યો માર્યા ગયા હતા. આ રીતે હાફીઝ સઈદ દિલમાં ઉઝરડા સાથે જન્મ્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી શાસક ઝિયા-ઉલ-હકને હાફીઝમાં જિહાદીનાં દ૪શન થયા એટલે તેમણે હાફીઝને સરકાર દ્વારા સંચાલિત 'કાઉન્સિલ ફોર ઇસ્લામિક આઈડિયોલોજી'નો અધ્યક્ષ બનાવ્યો હતો. ત્યારબાદ લાહોરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસ્લામનો અભ્યાસ કરાવવા પ્રોફેસર તરીકે નિમણુંક પણ ઝિલા-ઉલ-હકની કૃપાથી જ મળી હતી.
હાફીઝ સઈદનો એજન્ડા માત્ર જમ્મુ-કાશ્મીર પૂરતો મર્યાદિત નથી. દુનિયામાં જે દેશોમાં ભૂતકાળમાં ઇસ્લામિક શાસન હતું એ બધા દેશોમાં ઇસ્લામની પુનર્સ્થાપના કરવાનું તેનું ધ્યેય છે. ઇ.સ. ૧૯૯૯ આસપાસ લશ્કરે તોઈબા દ્વારા બહાર પાડવામાં આવેલી એક પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં બલ્ગેરિયા, હંગરી, સાઈપ્રસ, સિસિલી, ઇથિયોપિયા, રશિયન તુર્કીસ્તાન અને ચાઈનીઝ તુર્કિસ્તાનમાં પણ ઇસ્લામિક શાસન હતું અને તેઓ આ દેશોમાં ફરીથી ઇસ્લામિક શાસનની સ્થાપના કરીને જંપશે. હાફીઝ સઈદ દુનિયાના તમામ હિન્દુઓને, યહૂદીઓને અને ખ્રિસ્તીઓને પોતાના દુશ્મનો ગણે છે અને ખતમ કરવા માગે છે. ભારતમાં ચાલી રહેલા ત્રાસવાદી હુમલાઓ તો તેના એજન્ડાનો નાનકડો ભાગ છે. અમેરિકાએ જાહેર કરેલા એક કરોડ ડોલરના ઇનામ પછી હાફીઝ સઈદની જિહાદ વધુ જોરદાર બનવાનો ડર ઔરહે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved