Last Update : 05-April-2012, Thursday
 

સજા પૂરી થયા બાદ પણ પાકિસ્તાની જેલમાં સબડતાં ભારતીય કેદીઓ

વર્ષો સુધી કોટડીમાં પૂરાયેલા રહેવાને કારણે ઘણા કેદીઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે

૨૦૧૦ની બીજી જાન્યુઆરીથી ભાનુદાસ કારાલે પૂનાથી લાપતા થઈ ગયા હતા. બેરોજગાર થવાને કારણે તેમનું મગજ બહેર મારી ગયું હતું. આથી મનોચિકિત્સક પાસે તપાસ કરાવવા તેમનો પુત્ર વિજય તેમને લઈ ગયો હતો. ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે ભાનુદાસને કન્સલ્ટિંગ રૃમની બહાર રાહ જોવાનું કહ્યું હતું. ડોક્ટર સાથે વાતચીત કરીને વિજય કન્સલ્ટિંગ રૃમની બહાર આવ્યો ત્યારે ભાનુદાસ ગુમ થઈ ગયા હતા. કારાલે પરિવાર મૂળ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના વડગાંવનો છે. હાલમાં ભાનુદાસની પત્ની ઔનાબાઈ પૌત્રી સાથે વડગાંવમાં રહે છે. જ્યારે ભાનુદાસનો મોટોપુત્ર ઉત્તર પ્રદેશમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસફોર્સમાં અને નાનો વિજય પૂનામાં ભારતીય લશ્કરમાં છે.
૨૦૧૧માં ઓગસ્ટમાં ઔનાબાઈને અમૃતસરના ચળવળકાર અને પત્રકાર નીરજ શર્માનો પત્ર મળ્યો હતો. શર્માએ પત્રમાં જણાવ્યું હતું કે ભાનુદાસ લાહોરની કોટ લખપત જેલમાં છે. ભાનુદાસના ભત્રીજા નીતિને શર્મા સાથે ફોન પર વાત કરી ત્યારે જાણ થઈ કે ૨૦મી ઓગસ્ટ ૨૦૧૧એ પાકિસ્તાની જેલમાંથી છૂટેલા ગુલાબસિંહ પાસેથી આ માહિતી મળી હતી. બાદમાં ગુલાબ સિંહે કારાલે પરિવારને ફોન કરીને કહ્યું કે તેની પાસે ભાનુદાસે લેખેલો પત્ર છે. ગુલાબસિંહના એક સગાએ ભાનુદાસનો પત્ર અને તે સમયે પાડવામાં આવેલી ભાનુદાસનીતસવીર કારાલે પરિવારને પહોંચાડી હતી.
અહીં મહત્ત્વની વાત એ છે કે સીમા પાર માત્ર એક ભાનુદાસ જ નથી. લાહોર હાઇ કોર્ટે ૩૨ ભારતીયોના નામ જાહેર કર્યા હતા જે સજા પૂરી થયા બાદ પણ પાકિસ્તાની જેલમાં છે. આમાંથી આઠ ઘરે પહોંચી ગયા છે અને શેષ હજુ ત્યાં છે. ૨૦ વર્ષથી ૮૦ વર્ષની વયના આ કેદીઓએ બેથી લઈને ૩૨ વર્ષ પાકિસ્તાની જેલમાં સળિયા પાછળ કાઢ્યા છે અને આમાંથી ઘણા માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે.
પાકિસ્તાનમાં રહેલા ભારતીય હાઇ કમિશને ત્યાંની જેલમાં રહેલા ભારતીયોની માહિતી રાખવી જોઈએ. આ કેદીઓની સજા પૂરી થતાં જ રાજદૂતાલયે તેમની ઓળખ તપાસીને જેલના સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ. પાકિસ્તાની જેલમાંથી છૂટેલા કેદીઓ જણાવે છે કે કારાવાસ કરતા અમલદારશાહી અને રાજદ્વારી ઉદાસીનતાને કારણે તેમણે ખૂબ સહન કરવુ ંપડયું હતું.
વિદેશ મંત્રાલયના એક ભૂતપૂર્વ સચિવે કહ્યું હતું કે, સામાન્ય રીતે તો રાજદૂતાલય જ ભારતીય કેદીઓના છૂટકારા બાબતે વાતચીત કરતું હોય છે પરંતુ ઘણી વખત કેદીઓને પાકિસ્તાનની પ્રવર્તમાન રાજકીય સ્થિતિને આધારે છોડવામાં આવે છે.
ભાનુદાસના કેસમાં શર્માએ લંડનના માનવહક ચળવળકાર જસબીર પાલને પત્ર લખ્યો હતો. જસબીરે કારાલે પરિવાર અને લાહોરના વકીલ તથા ચળવળકાર અવૈસ શેખનો સંપર્ક કર્યો હતો. નીતિને ભાનુદાસના વોટિંગ કાર્ડ, રેશનકાર્ડ તથા તેમના લાપતા થયાની જે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી તેની કોપી જસબીર અને શેખને મોકલી હતી.
આ દસ્તાવેજ સાથે શેખ કોટ લખપત જેલમાં ગયા ત્યારે તેઓ સતિન્દર પાલસિંહને પણ મળ્યા હતા. સતિન્દરના પરિવારે પણ તેમનો સંપર્ક કર્યો હતો. સતિન્દરના છૂટકારા માટે તેઓ લાહોર હાઇ કોર્ટમાં અરજી કરવા માગતા હતા. ૨૦૦૯માં મધ્યપૂર્વના દેશમાં સુથારકામ કરતા સતિન્દરને પિતા ગંભીર બીમાર હોવાની જાણ થઈ હતી. જોકે તેના માલિકે તેનો પાસપોર્ટ લઈને તેને પંજાબના પઠાણકોટમાં રહેતાં પરિવારને મળવા જવાની ના પાડી હતી. સતિન્દર કોઈ પણ ભોગે પિતાને મળવા માગતો હતો. આથી તેણે વાયા પાકિસ્તાન થઈ ભારતમાં પ્રવેશવાનો જોખમી નિર્ણય લીધો હતો. વાયા ઇરાન સતિન્દર પાકિસ્તાનમાં પ્રવેશ્યો અને બસ દ્વારા કરાચી પહોંચ્યો હતો. સિક્યોરિટી ચેકપોઇન્ટ વટાવીને સતિન્દર લાહોર પહોંચ્યો. ત્યાંથી ૪૦ કિ. મી. દૂર અમૃતસર છે. તે અત્યંત સુરક્ષિત રીતે આગળ વધી રહ્યો હતો ત્યારે સીમા પર આવેલા ગામમાં સાદા વસ્ત્રોમાં રહેલા સૈનિકોના હાથે ઝડપાઈ ગયો હતો.
સતિન્દરને છ મહિના સુધી અલાયદી કોટડીમાં રાખવામાં આવ્યો અને ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ તેની પૂછપરછ કરતી હતી. તેને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. જોકે આ બાબતનો બચાવ કરતાં તે કહે છે કે હું ગેરકાયદે પાકિસ્તાનમાં ઘૂસેલો ભારતીય હતો અને સીમા નજીક જ ઝડપાયો હતો. આથી મને ત્રાસ આપવો સહજ છે.
આઇએસઆઇને જ્યારે ખાતરી થઈ કે તે જાસૂસ નથી ત્યારે સ્થાનિક પોલીસે સતિન્દરને અદાલતમાં રજૂ કર્યો અને અદાલતે તેને છ મહિનાની કડક કેદની સજા ફરમાવવી હતી. જેલમાં સતિન્દરની મુલાકાત સુરજિત સિંહ ઉર્ફે માખન સિંહ, કુલદીપકુમાર ઉર્ફ કેકે, તિલક રાજ, અશોકકુમાર, ભાનુદાસ તથા અન્ય ભારતીય કેદીઓ સાથે થઈ હતી. આમાંથી મોટાભાગના કેદીઓની સજા વર્ષો અગાઉ જ પૂરી થઈ ગઈ છે છતાં તેઓ જેલમાં સબડી રહ્યા છે તે જાણીને સતિન્દરને આઘાત લાગ્યો હતો. કેકે અને તિલક ૨૦ કરતાં અધિક વર્ષોથી જેલમાં હોવા છતાં બધાને હિંમત આપતા રહેતા હતા.
જેલની પ્રત્યેક કોટડીમાં રહેતા પાંચ કેદીમાંથી સરેરાશ ત્રણ માનસિક રીતે અસ્થિર હતા એવી માહિતી આપતા સતિન્દરે જણાવ્યું કે દરરોજ કેદીઓ વચ્ચે ઝઘડા થતા હતા. કેદીઓને દિવસમાં ત્રણ વખત ખાવાનું અપાતું અને બે વખત લટાર મારવા બહાર નીકળવા દેવાતા હતા. તેમને પોતાના પરિવારને પત્ર લખવાની છૂટ હતી પરંતુ આ પત્ર પર ઝીણવટભર્યું ધ્યાન આપવામાં આવતું હતું. દર ત્રણ વરસે એક વખત રાજદૂતાલયના અધિકારીઓ ધરાવતું જ્યુડિશિયલ કમિશન જેલના અધિકારીઓની હાજરીમાં ભારતીય કેદીઓને મળતું હતું.
સતિન્દર નિયમિત રીતે પોતાની બહેનને પત્ર લખતો હતો. તેની સજા ઓક્ટોબર ૨૦૧૦માં પૂરી થઈ ત્યારથી તેની બહેન તેની મુક્તિ પ્રયાસો કરતી રહી હતી. દરમિયાન જેલના જે અધિકારીઓ સહાનુભૂતિ ધરાવતાં તેમની સાથે સતિન્દર વાતચીત કરી જાણકારી મેળવતો રહેતો હતો. જોકે જેલમાં કેદીઓનું વહીવટીઓ કે પાકિસ્તાની કેદીઓ શારીરિક શોષણ કરતાં નહોતા. સતિન્દરની બહેન વિદેશ મંત્રાલયમાં પત્રો લખતી તેનો કોઈ પ્રત્યુત્તર મળતો નહોતો.
૨૦૧૧ના નવેમ્બરમાં સતિન્દર અનશન પર ઉતર્યો અને સુરજિત, તિલક, અશોક, કેકે, કુલદીપ સિંહ અને મકબુલ તેની સાથે જોડાયા હતા. જો જેલના વહીવટીઓને આ અંગે ખબર પડે તો તેઓ અનશન તોડાવવાના પ્રયાસ કરશે એવી ભીતિ હોવાથી તેઓ ખાવાનું સ્વીકારતાં અને કોટડીમાં છુપાવી રાખતા હતા. આ રીતે ૧૬ દિવસના ઉપવાસ બાદ વહીવટીઓની આજ જાણ થઈ હતી. જેલ સુપ્રીન્ટેન્ડન્ટ મલક મુસ્તાકે સતિન્દર અને તેનાસાથીદારોને ખાતરી આપી કે તેમના છૂટકારા માટે તે પોતાના ઉપરીઓ અને રાજદૂતાલયને પત્ર લખશે. સ્થિતિની ગંભીરતા વિશે તે બધાને જણાવશે એવું વચન પણ આપ્યું હતું. દરમિયાન શેખે લાહોરની હાઇકોર્ટમાં ભાનુદાસ તથા સતિન્દરને તાત્કાલિક છોડી દેવામાં આવે તે માટે અરજી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ઇજાઝ અહમદ ચૌધરીએ જેલ સત્તાવાળાઓને સજા પૂરી કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય કેદીઓની યાદી આપવાનું જણાવ્યું હતું. આ યાદીમાં કુલ ૭૪ નામ હતા જેમાંથી ૩૨ ભારતીય હતા. ચૌધરીએ તેમને તાત્કાલિક છોડી મૂકવાનું કહ્યું હતું. ત્યાર બાદ ભારતીય હાઇ કમિશને ચકાસણી કરી હતી. એલચી કચેરીના નવા અધિકારીઓ સારા છે, પરંતુ પ્રક્રિયા મંથર ગતિએ થતી હોવાથી સમય ઘણો લાગે છે. એવું સતિન્દરે જણાવ્યું હતું.
છેવટે સાતમી જાન્યુઆરી ૨૦૧૨એ સતિન્દરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સવારના સાત વાગ્યે તેને વાઘા બોર્ડર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેણે કરાંચી જેલમાંથી મુક્ત કરવામાં આવેલા કેટલાક માછીમારો માટે ૧૨ કલાક રાહ જોવી પડી હતી. આ માછીમારો આવ્યા ત્યાં સુધી સાદાવેશમાં રહેલા સૈનિકો સતિન્દરને ભાનુદાસ વિશે પ્રશ્નો પૂછતા હતા. છેવટે સાંજના સાડાસાત વાગ્યે તે સીમાપાર કરીને ભારતમાં પ્રવેશ્યો હતો. જોકે બધા કેદીઓની કથાનો અંત સતિન્દરની જેવો આવ્યો નથી. જેમ કે સુરજિતનું નામ સજા પૂરી કરી ચૂકેલા ૩૨ ભારતીય કેદીઓની યાદીમાં નહોતું. જનરલ ઝિયા-ઉલ્લ-હક જ્યારે સત્તામાં હતા ત્યારે તેની ધરપકડ થઈ હતી. તેના પર જાસૂસીનો આરોપ મૂકીને પહેલાં મોતની સજા ફરમાવવામાં આવી હતી. બાદમાં ૧૯૮૬માં સજાને આજીવન કારાવાસમાં તબદીલ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનની જેલમાં રહેલા સતિન્દરે અત્યારે ૮૦ વર્ષની વય પાર કરી લીધી છે.
સતિન્દરની દીકરી પરમિન્દરે કહ્યુ ંકે, ૧૯૮૨માં એક અખબારના અહેવાલ દ્વારા અમને તેમની ભાળ મળી હતી. તેમને મોતની સજા આપવામાં આવી છે તે જાણીને અમારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
પરમિન્દર પંજાબના મુખતાર જિલ્લામાં આવેલા સુરેવાલા ગામમાં રહે છે. જ્યારે શેખને યાદીમાં સરજિતનું નામ નહોતું મળ્યું ત્યારે તેમણે લાહોર હાઇ કોર્ટમાં એક યાચિકા કરી હતી. સરકારી વકીલ કોઈને કોઈ બહાનાં આગળ ધરી વિલંબ કરતા હતા પરંતુ શેખે રજૂ કરેલી મજબૂત દલીલોને પ્રતાપે પાકિસ્તાન સરકારે સુરજિતની હાજરી તથા તેની સજા પૂરી થઈ હોવાનું કબૂલવું પડયુ ંહતું.
સુરજિતની મુક્તિનો નિર્ણય અદાલત ૧૯મી એપ્રિલે લેશે. સુરજિતની પત્ની અને પુત્ર તો હવે હયાત નથી એકમાત્ર દીકરી પરમિન્દર છે જે પિતા માટે ઝૂઝમી રહી છે. અહીં દુઃખદ વાત એ છે કે આપણી સરકારે આ કેસનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. બેનઝીર ભુટ્ટોની સરકારે સુરજિત પ્રત્યે દયા દાખવી હતી અને પરમિન્દરને આશા છે કે તેમના પતિની સરકાર જરૃર તેના પિતાને મુક્ત કરશે.૧૬મી ફેબુ્રઆરીએ પાકિસ્તાને ૧૩ માછીમારો અને છ કેદી હરિશ્ચંદ્ર મડાવી, ગુલાબ નબી શેખ, સાનેસર ચૌધરી, મીરુ નારાયણ, મોહમ્મદ અહમદ અને સંજિત કુમારને મુક્ત કર્યા છે. હાલમાં તેઓ અમૃતસરની રેડક્રોસ ઓફિસમાં છે.
નોંધનીય વાત એ છે કે મડાવી સિવાયના બધા જ માનસિક રીતે અસ્થિર છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના કુરુડ ગામનો મડાવી મજૂરી કરતો હતો. તેના કોન્ટ્રેક્ટરે તેને પંજાબ મોકલ્યો હતો. તે ભૂલથી સમજૌતા એક્સપ્રેસમાં બેસી ગયો અને પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો. શરૃઆતમાં તેને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો અને બાદમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અત્યારે તે પોતાના પરિવારજનો તેડવા આવે તેની રાહ જોઈ રહ્યો છે. અગાઉ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સમાં રહેલો ગુલાબ નબી ગાઝિયાબાદ ખાતે ફરજ બજાવતો હતો ત્યારે માનસિક સમસ્યાથી પીડાવા લાગ્યો હતો. તે જમ્મુ-કાશ્મીરના બારા મુલ્લાનો હોવાથી તેને શ્રીનગરના મનોરોગીઓના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. નબી ત્યાંથી ગુમ થઈ ગયો હતો. અને પાકિસ્તાની સીમા નજીક આવેલા શૂન્ય માઇલ પિલર પાસે તેની શાલ મળી હતી.
જોકે વિધિની વક્રતા એ છે કે આજે નબી તેના પરિવારજનોને ઓળખતો જ નથી.
રેડક્રોસના સ્ટાફે ચૌધરીના પરિવારજનોની ભાળ મેળવી લીધી છે. ૩૦ વર્ષ અગાઉ બિહારના રાજપુર ખાતે આવેલા ઘરેથી ચૌધરી ગુમ થઈ ગયા હતા. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે અમૃતસરની મેન્ટલ હોસ્પિટલમાં ૧૭ એવા દરદી છે જે અગાઉ પાકિસ્તાનના કેદીઓ હતા.
આમાં સંજિતકુમારનો કેસ એકદમ વિસ્મિત કરે તેવો છે. સંજિતકુમાર કહે છે કે કે તે વાસ્તવમાં બાંગ્લાદેશનો મુશરર્ફ હુસેન છે. પોતે બાંગ્લાદેશી છે તે જાણ્યા બાદ પાકિસ્તાનના વહીવટીઓ પોતાને છોડશે નહીં તે બીકે સંજિતકુમાર ખોટું બોલ્યો હતો. જો તેની વાત સાચી હોય તો હવેય ભારતી હાઇ કમિશને તેની ખરી ઓળખની તપાસ કરવી પડશે.
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved