Last Update : 04-April-2012, Wednesday
 

ટેટ્રા ટ્રક્સના સોદામાં સીબીઆઈ બલિનો બકરો તૈયાર કરી રહી છે

૫,૦૦૦ કરોડ રૃપિયાની ટ્રકોની ખરીદી કરનારી સરકારી કંપની બીઈએમએલના અધ્યક્ષ વી.આર.એસ.નટરાજનને લાંચ કૌભાંડ માટે જવાબદાર ગણાવવાનો તખતો ગોઠવાઈ ગયો છે

ભારતના લશ્કર માટે ૫,૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે ૭,૦૦૦ ટેટ્રા ટ્રકો ખરીદવાના કૌભાંડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. લશ્કરના વડા વી.કે.સિંહે આ ટ્રકના દલાલ તરફથી તેમને ૧૪ કરોડ રૃપિયાની લાંચની ઓફર થઈ હોવાનો આક્ષેપ કર્યો તેને પગલે દેશમાં સનસનાટી મચી ગઈ હતી. સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટનીએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સીબીઆઈએ ટેટ્રા ટ્રક્સ વેચતી કંપની વેક્ટ્રાના માલિક રવી ઋષિની આકરી પૂછપરછ કરી છે અને હવે તેઓ લશ્કર વતી આ ટ્રકો ખરીદનારી કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ)ના અધ્યક્ષ મેનેજિંગ ડાયરેક્ટર વી.આર.એસ.નટરાજનની પૂછપરછ કરવાના છે. નટરાજન છેલ્લાં નવ વર્ષથી બીઈએમએલના અધ્યક્ષ હોવાથી લાંચનો ગાળિયો તેમના ગળામાં નાંખવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે નટરાજન પણ કાચી માયા નથી. સીબીઆઈ તેમનું નામ આરોપી તરીકે દાખલ કરે તે અગાઉ તેમણે કહી દીધું છે કે તેમણે જે કાંઈ કર્યું છે તે 'ઉપર'થી મળેલી સૂચનાના આધારે કર્યું છે.
ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ જનરલ વી.કે.સિંહે કરી તેનાં બે વર્ષ અગાઉથી સંરક્ષણ ખાતાં દ્વારા આ સોદામાં આચરવામાં આવેલી ગેરરિતી બાબતમાં ખાનગી તપાસ ચાલી રહી છે. હવે એવું બહાર આવ્યું છે કે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદને ડી.હનુમાનથપ્પા નામની વ્યક્તિએ પત્ર લખીને આ ટ્રકની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરી હતી. ગુલામ નબી આઝાદે આ પત્ર કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીને મોકલી આપ્યો હતો. સોનિયા ગાંધીએ આ પત્ર સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટનીને આ પત્ર મોકલતાં તેમણે બીઈએમએલના વિજીલન્સ વિભાગ સાથે મળીને આ સોદામાં નટરાજનની ભૂમિકાની તપાસ શરૃ કરી હતી. આ બે વર્ષ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે નટરાજનની વિરૃદ્ધમાં નક્કર પુરાવાઓ ભેગા કર્યા હોવાનું સમજાય છે. આ પુરાવાઓના આધારે તાજેતરમાં સીબીઆઈની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સીબીઆઈએ હાલ તુરંત 'બીઈએમએલના અજાણ્યા અધિકારીઓ'ના નામે એફઆઈઆર દાખલ કરી છે, પણ ટૂંક સમયમાં તેઓ આ કૌભાંડમાં નટરાજનને બલિનો મુખ્ય બકરો બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં એક ગેરરીતિ થઈ હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. ઇ.સ. ૧૯૮૬ની સાલમાં સ્વ. રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન હતા ત્યારે ઝેકોસ્લોવેકિયાની કંપની 'ઓમ્ની પોલ' સાથે ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં કરાર થયા હતા. આ કરાર ઇ.સ. ૧૯૯૬માં પૂરા થઈ ગયા હતા. ત્યારબાદ આ કરારને રિન્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ઝેકોસ્લોવેકિયાના બે ભાગલા થઈ ગયા હતા અને મૂળ કરાર કરનારી કંપની 'ઓમ્ની પોલ'ની માલિકી બ્રિટીશ કંપની 'વેક્ટ્રા'ના હાથમાં આવી હતી, જેની માલિકી એનઆરઆઈ વેપારી રવી ઋષિના હાથમાં હતી. આ કંપનીએ અગાઉના કરાર મુજબ જ ભારતના લશ્કરને ટ્રકો વેચવાનું ચાલુ રાખ્યું હતું, જે ઇ.સ. ૨૦૧૦ સુધી ચાલુ રાખ્યું હતું. સંરક્ષણ ખાતાના નિયમ મુજબ જે કંપની સાથે સાધનોની ખરીદી બાબતમાં કરાર કરવામાં આવ્યા હોય તેની પાસેથી જ સાધનસામગ્રી ખરીદવાની રહે છે. આ સોદામાં ટ્રકો સપ્લાય કરતી કંપની જ બદલાઈ ગઈ હતી. વી.આર.એસ.નટરાજન ઇ.સ. ૨૦૦૩ થી ૨૦૧૨ સુધી બીઈએમએલના અધ્યક્ષ હોવાથી તે કાળની જવાબદારી તેમના માથે આવે છે. જોકે નટરાજને પાણી પહેલાં પાળ બાંધતા કહ્યું કે તેમને મળેલી સૂચના મુજબ આ સોદો ચાલુ રાખવામાં આવ્યો હતો. આ સૂચના કોના દ્વારા આપવામાં આવી હતી તેનો ફોડ નટરાજને પાડયો નથી.
કોઈ પણ લાંચ કૌભાંડ માટે લાંચ આપનારની અને લાંચ લેનારની જરૃર પડે છે. આ સોદામાં લાંચ લેનારા કોણ છે તે હજી સ્પષ્ટ નથી થયું; પણ જો લાંચ અપાઈ હોય તો તેના માટે જવાબદાર 'વેક્ટ્રા' જૂથના અધ્યક્ષ રવી ઋષિ જ હોઈ શકે છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં ત્રણ વખત રવી ઋષિની પૂછપરછ કરી છે. સીબીઆઈ ગમે તે ક્ષણે તેમની ધરપકડ કરી શકે છે. રવી ઋષિ દેશ છોડીને ચાલ્યા ન જાય તે માટે તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમને દેશ છોડીના ચાલ્યા જવાની મનાઈ કરવામાં આવી છે. જો રવી ઋષિના ગળા ફરતો ગાળિયો મજબૂત બનાવવામાં આવશે તો આ સોદા બાબતમાં તેઓ વટાણા વેરીને અનેક રાજકારણીઓને આફતમાં મૂકી શકે છે.
હકીકતમાં ઈ.સ. ૧૯૮૬ની સાલમાં બીઈએમએલ કંપનીએ ભારતના લશ્કર માટે ટેટ્રા ટ્રકોનો સોદો કર્યો ત્યારે રવી ઋષિ આ ટ્રકો બનાવતી ઝેકોસ્લોવેકિયન કંપનીના ભાગીદાર નહોતા. એ સમયે આ કંપની ગંભીર આર્થિક સંકટમાં પડી હતી. રવી ઋષિને તત્કાલીન ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે નિકટના સંબંધો હતા. આ સંબંધોનો ઉપયોગ કરીને તેમણે ટેટ્રા પાસેથી સસ્તામાં ટ્રકો ખરીદીને ભારતના લશ્કરને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ ઘડી કાઢ્યું હતું. આ સોદામાં રવી ઋષિની કંપની વેક્ટ્રા જૂથે વચેટિયાની ભૂમિકા ભજવી હતી.
જાણકારો કહે છે કે કેન્દ્ર સરકારની માલિકીની બીઈએમએલ કંપની પણ હકીકતમાં વચેટિયાની ભૂમિકા ભજવે છે. આ કંપનીની સ્થાપના ભારતના લશ્કર માટે જરૃરી સાધન સામગ્રીના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. તેને બદલે તેઓ મોટા ભાગની સાધનસામગ્રીની વિદેશી કંપનીઓ પાસેથી આયાત કરે છે અને તેને એસેમ્બલ કરીને લશ્કરને વેચે છે. આ પ્રક્રિયામાં સાધનસામગ્રીની કિંમત લગભગ બમણી થઈ જાય છે. બીઈએમએલ કંપનીના બોર્ડમાં સંરક્ષણ ખાતાના ઉચ્ચ અધિકારીઓ બેઠા હોવાથી આ કંપની જે કોઈ સાધનસામગ્રીની દરખાસ્ત આપે તે પસાર થઈ જાય છે. આ કારણે બીઈએમએલના અધિકારીઓને કૌભાંડ આચરવા માટે છૂટો દોર મળે છે. જો બીઈએમએલ કંપની દ્વારા ટેટ્રા ટ્રક્સની ખરીદી બાબતમાં કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તો તેના માટે સંરક્ષણ ખાતું અને કેન્દ્ર સરકાર પણ એટલા જ જવાબદાર બને છે.
જનરલ વી.કે.સિંહે એવો આક્ષેપ કર્યો હતો કે ટેટ્રા ટ્રક્સની ગુણવત્તા હલકી છે. બીઈએમએલના મેનેજીંગ ડીરેક્ટર નટરાજને તેનો પ્રતિકાર કરતાં કહ્યું હતું કે આ બાબતના કોઈ પુરાવા નથી. હકીકત કાંઈક અલગ છે. ઇ.સ. ૨૦૦૮માં જનરલ વી.કે.સિંહ લશ્કરની પૂર્વ પાંખના વડા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ટેટ્રા ટ્રકો વધુ ઉંચાઈએ ૬૦૦ કિ.મી. સુધી વાપરવામાં આવે ત્યારે તેનું એન્જિન ફેઈલ થઈ જાય છે. આ વાતની જાણ થતાં જનરલ સિંહે ભારતની બનાવટની ઉરલ ટ્રકોની આ ઉંચાઈએ પરીક્ષા કરી હતી.
આ ટ્રકો પરીક્ષામાં પાસ થઈ હતી. જનરલ સિંહે આ બાબતનો હેવાલ તૈયાર કરીને લશ્કરના વડા મથકે મોકલી આપ્યો હતો. લશ્કરના વડાએ આ હેવાલની ઉપેક્ષા કરી હતી.
બ્રિટનના વેક્ટ્રા જૂથના માલિક રવી ઋષિનું વ્યક્તિત્વ પણ ભેદી છે. તેઓ આઈઆઈટીની સ્નાતક છે. તેઓ ભારત છોડીને બ્રિટનના નાગરિક બન્યા છે. તેઓ ભારત ઉપરાંત ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશોને પણ પોતાની ટ્રકો વેચી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે જે ટ્રકો તેઓ અમેરિકાને ૨,૦૦,૦૦૦ ડોલરમાં વેચતા હતા તેના ભારતના લશ્કર પાસેથી તેઓ માત્ર ૮૦,૦૦૦ ડોલર લેતા હતા. હવે એવું બહાર આવ્યું છે કે ભારતના લશ્કરને તેઓ જૂની ટેકનોલોજીની ટ્રકો સસ્તામાં પધરાવતા હતા. ભારતના લશ્કરની જરૃરિયાત યુરો-૩ અથવા યુરો-૪ના ધારાધોરણ મુજબની ટ્રકોની હતી ત્યારે તેઓ લશ્કરને યુરો-૧ અને યુરો-૨ના ધારાધોરણ મુજબની ટ્રકો વેચતા હતા. આ બાબતમાં કરારનું ડ્રાફ્ટીંગ એવી વિચિત્ર રીતે કરવામાં આવતું હતું કે તેઓ આસાનીથી એકના બદલે બીજી ટ્રકો પધરાવી શકતા હતા.
રવી ઋષિની કંપની વેક્ટ્રા જૂથે ભારતના લશ્કરને ટેટ્રા ટ્રકો વેચીને જે નફો રળ્યો છે તે પણ યુરોપિયન યુનિયનમાં કરચોરોનું સ્વર્ગ મનાતા દેશ લિક્ટેનસ્ટીનમાં પગ કરી ગયો હોવાનું બહાર આવ્યું છે. દેસવા હોલ્ડીંગ નામની કંપની લિક્ટેન્સ્ટીનમાં રજીસ્ટર થયેલી છે. આ કંપનીના હાથમાં વિનસ પ્રોજેક્ટસ લિમિટેડ નામની કંપનીના ૯૯ ટકા શેરો છે, જેના માલિક રવી ઋષિ છે. ટેટ્રા સિપોક્સ નામની કંપની ઇ.સ. ૧૯૯૪માં ઝેક નાગરિક જોઝેફ મેજસ્કી દ્વારા રચવામાં આવી હતી. તેમાં વેકટ્રા જૂથની ૫૦ ટકાની ભાગીદારી હતી. આ જોઝેફને છેતરપિંડીના ગુનામાં ૨૨ મહિનાની જેલની સજા થઈ હતી. જોઝેફે પછી પોતાના શેરો પણ વેક્ટ્રા જૂથને વેચી દીધા હતા.
સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટની હવે કહે છે કે સંરક્ષણના સોદાઓમાં જે ઢીલ થઈ રહી છે તેના માટે લશ્કરના અધિકારીઓ જવાબદાર છે. આ દાવો હાસ્યાસ્પદ છે. રાજકારણીઓ જો કોઈ શસ્ત્રોની કે સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરીને લશ્કરને નબળી સામગ્રી પધરાવવા માંગતા હોય તો લશ્કરને તેનો વિરોધ કરવાનો અને તેનું પરીક્ષણ કરવાનો અબાધિક અધિકાર છે, કારણ કે આ શસ્ત્રો લઈને લડવા માટે લશ્કરે જવાનું છે. આ પ્રક્રિયાને કારણે જો કોઈ વિલંબ થાય તો તેની જવાબદારી લશ્કરની નહીં પણ રાજકારણીઓની ગણાવી જોઈએ. જો બીઈએમએલ જેવી કોઈ સરકારી કંપનીએ ખરીદીમાં ગોબાચારી આચરી હોય તો તેની જવાબદારી પણ આ કંપનીના અધિકારીઓ ઉપરાંત સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓની પણ ગણાવી જોઈએ, કારણ કે તેમની સંમતિ વિના આ કંપનીના અધિકારીઓ કોઈ ખરીદી કરી શકતા નથી. માત્ર કંપનીના અધિકારીઓને ભ્રષ્ટાચાર માટે જવાબદાર ઠેરવીને રાજકારણીઓ છટકી જવા માંગતા હોય તો તે પણ પ્રજા સાથેની છેતરપિંડી છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved