Last Update : 03-April-2012, Tuesday
 

મ્યાનમારમાં ઑંગ સાન સુ ક્યીએ હજી ઘણી લાંબી મજલ કાપવાની છે

૨૧ વર્ષ પૈકી ૧૫ વર્ષ નજરકેદમાં રહેનારી સુ ક્યીને સંસદમાં સ્થાન મળ્યું છે, પણ એ માટે તેણે પોતાના રાજકીય દુશ્મનો સાથે સમાધાન પણ કરવું પડયું છે

ભારત એક લોકશાહી દેશ છે, પણ આપણો દેશ ચારે તરફ સરમુખત્યાર શાસકોથી ઘેરાયેલો છે. પાકિસ્તાનમાં વારંવાર લશ્કર બળવો કરીને સત્તા ઉપર આવ્યા કરે છે. ચીનની લોકશાહીમાં માત્ર એક જ પક્ષને ચૂંટણી લડવાનો અને જીતવાનો અધિકાર છે. બાંગ્લાદેશમાં અને શ્રીલંકામાં લોકશાહી છે, પણ તે રક્તરંજીત છે. નેપાળમાં પણ લોકશાહી અને રાજાશાહી વચ્ચે વચ્ચે પ્રજા ઝોલા ખાઈ રહી છે. મ્યાનમારને બ્રિટીશરાજથી સ્વતંત્રતા મળી ત્યારથી ત્યાં લશ્કરી જનરલો રાજ કરતા આવ્યા છે. આ પરિસ્થિતિમાં મ્યાનમારમાં સંપૂર્ણ લોકશાહીની સ્થાપના થાય અને ઍાંગ સાન સુ ક્યી દેશની વડાં પ્રધાન બને તેવી સંભાવના અત્યંત ધૂંધળી છે.
ઑંગ સાન સુ ક્યીના પિતા જનરલ ઍંગ સાન આધુનિક મ્યાનમારના રાષ્ટ્રપિતા ગણાય છે. ઇ.સ. ૧૯૪૭માં જેમ ભારત બ્રિટીશ રાજથી મુક્ત થયું તેમ મ્યાનમારને પણ સ્વતંત્રતા અપાવવામાં જન ઑંગ સાનની મહત્ત્વની ભૂમિકા હતી. સુ ક્યીનો જન્મ રંગૂનમાં થયો હતો. મ્યાનમારને સ્વતંત્રતા મળી તેના જ છ જ મહિનામાં જનરલ ઑંગ સાનની તેમના રાજકીય હરીફોએ હત્યા કરી નાખી હતી. ઇ.સ. ૧૯૬૦માં સુ ક્યીની માતા ખીન ક્યી ભારતના રાજદૂત બની તેની સાથે સુ ક્યી પણ ભારત આવી હતી. તેણે સ્કૂલનો અને કોલેજનો અભ્યાસ દિલ્હીમાં રહીને કર્યો હતો. ઇ.સ. ૧૯૬૪માં તેણે દિલ્હીના લેડી શ્રીરામ કોલેજમાંથી પોલિટિક્સમાં બી.એ. કર્યું અને વધુ અભ્યાસ માટે તે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જોડાઈ. ઓક્સફોર્ડની ડિગ્રી લઈને તે અમેરિકા ગઈ અને તેણે યુનોમાં ત્રણ વર્ષ માટે નોકરી કરી.
સુ ક્યીની માતા બીમાર હોવાથી તે ઇ.સ. ૧૯૬૮માં મ્યાનમાર પાછી ફરી અને ત્યારથી સક્રિય રાજકારણમાં જોડાઈ. તેનું મુખ્ય ધ્યેય મ્યાનમારમાં લોકશાહીની સ્થાપના કરવાનું હતું. સુ ક્યી મ્યાનમારના રાષ્ટ્રપિતાની પુત્રી હોવાથી પ્રજામાં તેના માટે જબરજસ્ત ચાહના હતી. પણ મ્યાનમારના લશ્કરી શાસકોને તે આંખના કણાની જેમ ખૂંચતી હતી. સુ ક્યીએ નેશનલ લીગ ફોર ડેમોક્રસી નામના પક્ષની સ્થાપના કરી હતી. ઇ.સ. ૧૯૯૦માં મ્યાનમારના લશ્કરી શાસકોએ ચૂંટણી જાહેર કરી. સુ ક્યીના પક્ષે ચૂંટણી લડી તેમના પક્ષને ૫૯ ટકા મતો મળ્યા, જેના થકી તેઓ સંસદની ૮૦ ટકા બેઠકો પર કબ્જો જમાવી શકતા હતા અને સુ ક્યીને વડાપ્રધાનનો હોદ્દો મળી શકતો હતો. તેને બદલે લશ્કરી શાસકોએ આ ચૂંટણીને ગેરકાયદે જાહેર કરી અને સુ ક્યીને નજરકેદમાં તેમના ઘરમાં જ ધરપકડ હેઠળ રાખી. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો આવ્યા. દુનિયાભરના દેશોમાં લોકશાહી માટે ચળવળ ચલાવતી પ્રજાઓમાં સુ ક્યી જાણીતી થઈ ગઈ.
ઇ.સ. ૧૯૯૧માં સુ ક્યીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવતા તે વિશ્વભરમાં જાણીતી થઈ ગઈ. મ્યાનમારના લશ્કરી શાસકોને બરાબર ખબર હતી કે જો સુ ક્યીને દેશમાં મુક્તપણે ફરવા દેવામાં આવશે તો તે લોકોમાં વધુ પ્રિય બની જશે અને તેમના હાથમાંથી સત્તા આંચકી લેશે. આ કારણે છેલ્લા ૨૧ વર્ષ દરમિયાન તેને ૧૫ વર્ષ તો નજરકેદમાં રાખવામાં આવી છે. આ નજરકેદ દરમિયાન સુ ક્યીની તબિયત લથડી ત્યારે માત્ર તેના ડોક્ટરને તેને મળવાની છૂટ આપવામાં આવી હતી.
મ્યાનમારની જે સંસદ છે તે પણ સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટાયેલી સંસદ નથી. તેના કાયદાઓ પણ આડેધડ બનાવવામાં આવ્યા છે. ઇ.સ. ૧૯૭૫ના સ્ટેટ પ્રોટેક્શન એક્ટ મુજબ સરકારને કોઈ વ્યક્તિ દેશની સલામતી માટે જોખમી ગણાય તો તેને કોઈ પણ જાતના ખટલા વિના પાંચ વર્ષ માટે જેલમાં રાખી શકાય છે. ઇ.સ. ૧૯૯૦માં આ કાયદાની ૧૦-બી કલમ મુજબ સુ ક્યીને દેશની સલામતી માટે જોખમી ગણીને જેલમાં મોકલી દેવામાં આવી હતી. ઇ.સ. ૧૯૯૧માં તેને નોબેલ પ્રાઇઝ મળ્યું તે સ્વીકારવા પણ તે નોર્વે નહોતી ગઈ કારણ કે તેને ભય હતો કે તે જો દેશની બહાર જશે તો લશ્કરી શાસકો તેને ફરીથી દેશમાં પગ જ નહી મૂકવા દે. સુ ક્યીને નોબેલ પ્રાઇઝની જે ૧૩ લાખ ડોલરની રકમ ઇનામમાં મળી છે તેનો ઉપયોગ પણ તેણે મ્યાનમારના લોકોની સેવા માટે ટ્રસ્ટ બનાવવામાં કર્યો છે.
ઇ.સ. ૨૦૦૭માં મ્યાનમારમાં લશ્કરી શાસકો સામે બૌદ્ધ સાધુઓના પ્રચંડ દેખાવો થયા. સુ ક્યીએ આ સાધુઓના અહિંસક આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો. બૌદ્ધ સાધુઓ સુ ક્યીને આશીર્વાદ આપવા તેના ઘરની બહાર આવ્યા ત્યારે લશ્કરી શાસકો દ્વારા તેને માત્ર સાધુઓના આશીર્વાદ ગ્રહણ કરવા થોડા સમય માટે રસ્તા પર આવવાની છૂટ આપવામાં આવી હતી. આ થોડી ક્ષણોમાં સુ ક્યીની ઝલક મેળવવા સુ તેના ઘરની બહાર લોકોનાં જે ટોળાઓ એકઠા થયા હતા તે જોઈને લશ્કરી શાસકોને તેની લોકપ્રિયતાનો અંદાજ આવી ગયો હતો.
ઇ.સ. ૨૦૧૦માં મ્યાનમારમાં ફરીથી ચૂંટણીઓ થઈ. સુ ક્યીના પક્ષને ચૂંટણી લડવાની મંજૂરી જ આપવામાં આવી નહોતી. લશ્કરી શાસકોએ ચૂંટણીનું નાટક કર્યું અને તેઓ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. આ ચૂંટણીની પદ્ધતિની દુનિયાભરના દેશોઓ ભારે ટીકા કરી હતી પરંતુ આ ચૂંટણીના અંતે મ્યાનમારના પ્રમુખ જનરલ થેન સેન બન્યા હતા, જેઓ પ્રમાણમાં વધુ ઉદારમતવાદી હતા. થેન સૈનને લાગ્યું કે તેઓ સુ ક્યીને સ્વતંત્ર કરીને તેની લોકપ્રિયતાનો ઉપયોગ પોતાની વિશ્વસનીયતા વધારવા માટે કરી શકે છે. આ કારણે ૨૦૧૦ની ૧૩મી નવેમ્બરે નજરકેદમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યાનમારની સંસદના ૪૮ સભ્યોને પ્રધાન બનાવાયા હોવાથી તેમણે રાજીનામું આપતા તેમની બેઠકો ખાલી પડી હતી. સુ ક્યીના પક્ષે આ ૪૮ બેઠકોની પેટા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે સરકારે તેને છૂટ આપી હતી.
સુ ક્યી પોતે પણ સંસદની ચૂંટણી લડી હતી અને ભારે બહુમતીથી જીતી ગઈ હતી. સંસદની જે ૪૮ બેઠકો માટે પેટા ચૂંટણીઓ થઈ હતી, તેમાંની બહુમતી બેઠકો ઉપર સુ ક્યીનો પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી જીતી ગયો છે. જો કે મ્યાનમારની સંસદમાં કુલ ૬૬૪ બેઠકો છે, જેમાંની બહુમતી બેઠકો પર ઇ.સ. ૨૦૧૦ની ચૂંટણીઓના કારણે શાસક યુનિયન સોલિડારિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીનો કબજો છે. આ સંયોગોમાં સુ ક્યી વિરોધ પક્ષમાં રહીને રાજનીતિ ઉપર ખાસ પ્રભાવ પાડી શકે તેમ નથી. એક સંભાવના એવી પણ વ્યક્ત થઈ રહી છે કે પ્રગતિશીલ ગણાતા પ્રમુખ થેન સૈન તેને પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપે. જો કે મ્યાનમારના બંધારણ મુજબ પ્રધાન બનનારે સંસદમાંથી રાજીનામું આપવું પડ છે. સુ ક્યી જો પ્રધાન બને તો તેને કારણે લશ્કરી શાસકોને માન્યતા મળી જાય અને સુ ક્યીની લોકશાહી માટે લડનારની છબીને પણ ધકકો લાગે તેમ છે.
મ્યાનમારની મુખ્ય સમસ્યા લોકશાહી કે સરમુખત્યારશાહી નથી પણ ભૂખમરો અને ગરીબી છે. આ દેશમાં લશ્કરી શાસન હોવાને કારણે પ્રજાની સમસ્યાઓ અને કઠણાઈઓ પ્રત્યે ભાગ્યે જ કોઈ ધ્યાન આપવામાં આવે છે. મ્યાનમારમાં લોકશાહીની ઉપેક્ષા કરવામાં આવી હોવાથી પશ્ચિમી મહાસત્તાઓ દ્વારા મ્યાનમાર સાથે વેપારવિનિમય કરવાની બાબતમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ કારણે મ્યાનમારમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીઓ ધંધો કરવા તૈયાર નથી. જો કે તેને કારણે મ્યાનમારની પ્રજા આ કંપનીઓને શોષણથી મુક્ત પણ રહી શકી છે.
સુ ક્યી અત્યાર સુધી નજરકેદમાં હતી અને તેને કારણે પ્રજાની સહાનુભૂતિ તેની સાથે હતી હવે તે સક્રિય રાજકારણમાં છે. તેના પક્ષે ચૂંટણીઓ લડી છે અને જીતી બતાવી છે, પણ તેને કારણે તેના હાથમાં મ્યાનમારની સત્તા આવી જાય તેવી કોઈ સંભાવના હજી જણાતી નથી. અત્યારે તો સુ ક્યી સામે સૌથી મોટો પડકાર એક સફળ રાજકારણી તરીકે પોતાના પક્ષને ભંગારમાંથી ઉભો કરવાની છે. સુ ક્યી જ્યારે નજરકેદમાં હતી ત્યારે મ્યાનમારના અનેક વિદ્યાર્થીઓ જૂથોએ તેના વતી લોકશાહીની લડત ચલાવી હતી. સુ ક્યીએ પેટા ચૂંટણી લડવા માટે જનરલ થેન સૈન સાથે સમાધાન કરી લીધું તેને કારણે આ વિદ્યાર્થી જૂથો તેનાથી નારાજ છે અને તેઓ તેના પક્ષ માટે કામ કરવા તૈયાર નથી. મ્યાનમારમાં આગામી ચૂંટણીઓને હજી ચાર વર્ષની વાર છે આ દરમિયાન સુ ક્યી પોતાની રાજકીય ઝુંબેશ ચાલુ રાખી શકે તો આગામી ચૂંટણીઓમાં પોતાના પક્ષને બહુમતી અપાવીને તે વડાં પ્રધાન બનવાની આશા રાખી શકે છે. જો કે આ માટે તેણે ઘણી લાંબી મજલ કાપવાની છે.
પશ્ચિમી મહાસત્તાઓને લશ્કરના જનરલો અને સરમુખત્યારો સાથે કામ કરવાનું બહુ ફાવતું નથી. કારણ કે તેઓ આપખુદીથી કામ કરવાને ટેવાયેલા હોય છે અને તેમના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે.
આ કારણે તેઓ દુનિયાના દેશોમાં લોકશાહીની સ્થાપના કરાવીને લોકશાહી ઢબે કામ કરતી સરકારોની સાથે કામ કરવાનું વધુ પસંદ કરે છે. આ નીતિમાં તેઓ દુનિયાના ઘણા દેશોમાં સફળ થયા છે.
હવે તેમની યાદીમાં મ્યાનમારનું નામ છે. મ્યાનમારમાં લોકશાહીની સ્થાપના કરાવવાની બાબતમાં તેમનો મુખ્ય મદાર સુ ક્યી પર છે. જો મ્યાનમારમાં પણ લોકશાહીની સ્થાપના થઈ જાય તો એશિયા ખંડની કુદરતી સમૃદ્ધિ ધરાવતા આ દેશ સાથે વેપાર કરવામાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓને અનુકૂળતા રહે તેમ છે. ઑંગ સાન સુ ક્યીની રાજકીય કુનેહની હવે ખરી કસોટી થવાની છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
નિરમાના કલ્ચરલ ફેસ્ટ 'સિફર'માં મર્ડર મિસ્ટ્રી હોટ ફેવરિટ
ગીરના ડાલામથ્થા સાવજને જોવાનો સસ્તો રસ્તો
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved