નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
લગ્નમંડપમાંથી વર-વધુ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચ્યા
બે પી.એસ.આઈ. સહિતના કાફલાએ સાથે જઈ મંદિરમાં નવદંપતીના છેડાછેડી છોડાવ્યાઃ રમૂજસર્જક સામાજિક કિસ્સો
અમદાવાદ, રવિવાર
લગ્નમંડપમાંથી મંદિરે છેડા-છેડી છોડવા જતા નવદંપતિએ પોલીસ સ્ટેશને દોડી જવું પડે તો? આજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક નવદંપતિ આવ્યું અને કહ્યું કે- 'સાહેબ, અમારા છેડા-છેડી છોડાવવામાં મદદ કરો.' સામાજીક વિવાદમાં સપ્તપદી બાદ અટકી પડેલી વિધી પોલીસ કાફલો મોકલીને પૂર્ણ કરાવાઈ હતી.
આજે બપોરે બે વાગ્યાના અરસામાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક વરરાજા અને તેની પાછળ છેડાછેડી બાંધીને 'વધુ' પણ પહોંચી. નવપરણિત યુગલને પોલીસ સ્ટેશનમાં જોઈ પોલીસને અચરજ થયું. મુળ રાજસ્થાનના મધ્યમવર્ગીય પરિવારના વર-વધુની પોલીસે પૂછપરછ કરતાં ખબર પડી કે- વરરાજાના મોટાભાઈ નારાજ છે અને માતાજીના દર્શન કરી છેડાછેડી છોડવા દેતા નથી.
વરરાજા યુવક તેના મોસાળમાં ઉછર્યો હતો અને સામાજીક રીતે તેના લગ્ન નક્કી થયાં હતાં. આશિર્વાદ લેવા નાનો ભાઈ પોતાના ઘરે આવ્યો ન હોવાના મુદ્દે મોટાભાઈ નારાજ હતાં. આજે લગ્ન અગાઉ ત્રણ-ચાર દિવસથી બે ભાઈઓ વચ્ચે તકરાર ચાલતી હતી. મોટાભાઈએ જેના લગ્ન હતા તે નાના ભાઈથી જોખમ હોવાની અરજી પણ પોલીસમાં આપી હતી. પણ, સામાજીક મામલો હોવાથી લગ્ન અગાઉ સમસ્યા ઉકેલાઈ જશે તેમ માની પોલીસે કડક કાર્યવાહી કરી નહોતી.
દરમ્યાન, આજે લગ્ન થયા બાદ યુવક તેની પત્નીને લઈ છેડાછેડી છોડવા મંદિરે પહોંચ્યો હતો. આ સમયે જ મોટોભાઈ લાકડી લઈને આવી પહોંચતા યુવક તેની પત્નીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને છેડા-છેડી છોડવા પોલીસની મદદ માગી હતી. પી.આઈ. જે.એમ. ભરવાડે બે પી.એસ.આઈ. અને સ્ટાફને સાથે મોકલીને પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવેલા માતાજીના મંદિરમાં નવદંપતિના છેડાછેડી છોડાવવાની વિધી 'પોલીસ બંદોબસ્ત' હેઠળ પૂરી કરાવી હતી. સામાજીક સમસ્યાની ઘટનાએ પોલીસમાં ચર્ચા સાથે રમુજ પ્રસરાવી હતી.