ગૃહમાં અશ્લીલ ફોટા નહી આઈપેડ જોવું ગુનો

અશ્લીલ ફોટા જોવા બદલ અધ્યક્ષની ક્લીનચીટ પણ
નિયમનો ભંગ કરનારા સામે અવાજ ઉઠાવનારા ગૃહમાંથી સસ્પેન્ડ અને ગુનેગારને ક્લીન ચીટ
અશ્લીલ ફોટા નહોતા તો 'આઇ-પેડ' અંગે FSLનો રિપોર્ટ કેમ લેવો પડયો... દરેક પ્રજાજનોને બતાવોને !!!

અમદાવાદ, રવિવાર
ગુજરાત વિધાનસભામાં તા. ૨૧ માર્ચના વિરોધપક્ષે બે ધારાસભ્યો દ્વારા ગૃહમાં આઈપેડ પર અશ્લિલ તસવીરો જોવાના પ્રસિધ્ધ થયેલા સમાચારો અંગે ચર્ચાની માંગણી કરી હતી. અધ્યક્ષે આ માંગણીને વળગી રહી નારાબાજી કરી. અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા. ત્યાર બાદ જેમના પર આક્ષેપ થયો છે એ સભ્ય શંકર ચૌધરીને સ્પષ્ટતા કરવાની તક આપવામાં આવી અને તેમણે કહ્યું કે તેઓ કોઈ અશ્લિલ તસવીર નહી પણ તેમના વિસ્તારમાંથી આવેલા પ્રશ્નો, પક્ષના પરિપત્રો અને છાપાના સમાચારોની સમીક્ષા આઇ-પેડ પર જોઈ રહ્યા હતા.
સ્પીકર પદની ઉચ્ચ અને ઉજ્જવળ પરંપરા માટે દેશભરમાં જેમનું નામ આદરથી લેવામાં આવે છે એવા ગણેશ વાસુદેવ માવલંકરનો લોકસભાનો પૂર્વ ઈતિહાસ માર્ગદર્શક રહ્યો છે. લોકસભા અને વિધાનસભાનું કામકાજ વિધાનસભાના નિયમો મુજબ જ ચાલે તે જોવાની જવાબદારી વિરોધ પક્ષની નહીં, અધ્યક્ષની છે. શાસક પક્ષ નિયમોનું ઉલ્લંઘન કરે અને વિપક્ષે તેનો વિરોધ કરવો પડે, તે જરૃરી નથી. અધ્યક્ષ દ્વારા જ શાસક પક્ષને નિયમ મુજબ ચાલવા ફરજ પાડવામાં આવે છે. ૨૧ માર્ચે શંકર ચૌધરીએ જ્યારે જણાવ્યું કે તેઓ અશ્લિલ તસવીરો નહીં, પણ અન્ય બાબતો જોતા હતા. વિધાનસભાના નિયમો અને અધ્યક્ષોના રૃલીંગ કહે છે કે ગૃહમાં અશ્લિલ તસવીરો જોવા પર પ્રતિબંધ નથી, પ્રતિબંધ છે આઈપેડ ખોલીને કોઈપણ તસવીર જોવા પર. જ્યારે ગૃહની કાર્યવાહી ચાલુ હોય ત્યારે આઈપેડ ખોલી જ શકાતું ન હોય, ત્યારે સભ્યોએ આ નિયમોનું ઉલ્લંઘન તો કર્યું જ હતું. સ્પીકરે તેમને આ માટે સસ્પેન્ડ કરવા જોઈતા હતા. પરંતુ નિયમનું ઉલ્લંઘન કરવા સામે અવાજ ઉઠાવ્યો તે વિપક્ષને જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તો શંકર ચૌધરીના આઈ પેડમાં વાંધાજનક-અશ્લિલ કશું જ નહતું તો સરકારે FSL ને સોંપવા જેવું ગોપનિય પગલું ભરવાની પણ શું જરૃર હતી. વિરોધ પક્ષે પ્રજાની પરખે ત્યારે જ આઈપેડ મુકીને કહેવું જોઈતું હતું કે લો જોઈ લો આ મારું આઈપેડ, તેમાં કશું વાંધાજનક હોય તો સજા સ્વીકારવા તૈયાર છું. આવું થયું હોત તો અનેક ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ જે તે વખતે જ આવી શક્યું હોત. જ્યારે અત્યારે તો આઈપેડની તપાસ જે રીતે કરી નાખવામાં આવી તે, પણ 'ગીલોટીન' જેવી જ લાગે છે. અને તેનાથી શંકર ચૌધરી વધુ શંકાસ્પદ ભૂમિકામાં મુકાઈ ગયા છે.
વિરોધ પક્ષને પણ વિરોધ કરતાં આવડયું જ નથી. તેમણે અશ્વિલતા, અસંસ્કારિતાના મુદ્દા ઉછાળવાના બદલે વિધાનસભાની પરંપરા, નિયમો, અધ્યક્ષના રૃલીંગને ટાંકીને સ્પીકર સમક્ષ રજૂઆત કરવી જોઈતી હતી. કારણ કે સ્પીકર નિયમોથી બંધાયેલી તટસ્થ વ્યક્તિ હોય છે અને ઉચ્ચ પરંપરા ધરાવતા ગુજરાત વિધાનસભાનો ઈતિહાસ ખરડાય એ સ્પીકર ગણપતભાઈ વસાવા પણ ઈચ્છે નહીં. એક તરફ ટી.વી. સમારોહમાં સભ્યોને આઈપેડમાં ફોટા જોતા લોકો જોઈ રહ્યા છે, શંકર ચૌધરી કહે છે કે તે ફોટા અશ્લિલ નથી, અને આઇ-પેડમાં હું વિસ્તારના પ્રશ્નો, પક્ષના પરિપત્રો, છાપાના સમાચારોની સમિક્ષા જોતો હતો. જ્યારે અધ્યક્ષે જાહેરાત કરી કે આઈપેડ ખોલ્યું જ નથી. આ તમામ બાબતો એકબીજાની વિરૃધ્ધ દિશામાં જઈ રહી છે. આથી જ પ્રજાને નિર્ણય કરવા આઈ પેડ સુપરત કર્યું હોત તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ ગયું હોત. એ સ્વાભાવિક છે કે શાસક પક્ષને પોતાના સભ્યોને જલદીથી ક્લીનચીટ આપી દેવાની ઉતાવળ હોય, પરંતુ અધ્યક્ષ દ્વારા પ્રથમથી જ નિયમોના અનાદર માટેનું એક પગલું લેવામાં આવ્યું હોત તો તેનાથી ગૃહની ગરિમા એકવેંત ઉંચી રહી હોત.