રિફોર્મ ક્લબના ઉપક્રમે 'મનનો રવિવાર' શ્રેણીમાં 'ધર્મ એ જ પરિચય' વિષય ઉપર યોજાયેલી એક રસપ્રદ ધાર્મિક ગોષ્ઠિમાં રસિક શ્રોતાઓ સમક્ષ ષષ્ઠ પીઠાધીશ્વર પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ખૂબ જ મનનીય વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, 'ધર્મને કોઈ આકાર, રંગ કે સુગંધ નથી. ધર્મ એ અનુભૂતિ છે. ધર્મ ત્રણ પ્રકારના હોય છે. સ્વનો ધર્મ, પરંપરાનો ધર્મ અને નીતિનો ધર્મ. ધર્મને કોઈ વાડાબંધી હોતી નથી. ધર્મ બાબતમાં સૌની વિચારધારા જુદી જુદી હોય છે, રસ્તા જુદા હોય છે. પંથ, સંત, ગ્રંથ ને ગુરુ પણ જુદા હોય છે. પરંપરામાંથી આવતો ધર્મ હોય છે તો મૂંઝવણમાં ઉપયોગી હોય તે ધર્મ પણ હોય છે. પરંતુ સરવાળે સૌને એક જ માર્ગે જવાનું હોય છે.' ધર્મની ઉત્પત્તિ અંગે તેમણે જણાવ્યું કે એનો કોઈ નિશ્ચિત સમય, તિથિ કે વર્ષ નથી પરંતુ સૃષ્ટિની રચના સાથેનો સંબંધ છે. સાત સૂરોમાં ધર્મ સમાયેલો છે. સારેગમપધનિસા. બ્રહ્માંડની ઉત્પત્તિ જળચરમાંથી થઈ એટલે સાગરનો 'સા', રેતીમાં ચાલનાર જીવોની ઉત્પત્તિ થઈ એટલે 'રે', ત્યારબાદ ગગનમાં ઉડનાર જીવો એટલે 'ગ', ત્યારબાદ મનુના પુત્રો મનુષ્ય થયા એટલે 'મ', મનુષ્ય પ્રેમ અને પરાક્રમ એટલે 'પ' અને જ્યારે મનુષ્યના જીવનમાં પ્રેમ આવ્યો ત્યારે ધર્મ આવ્યા વિના રહી શક્યો નહીં અને ધર્મ જ્યારે નિષ્કામ અને નિઃસ્વાર્થ બન્યો ત્યારે માનવ જીવનની યાત્રા સાક્ષાત્કાર તરફ વળી. સારેગમપધનિસા-સૂરો સૃષ્ટિની ઉત્પત્તિની સાથે જોડાયેલા છે. આમ સનાતન ધર્મની રચના થઈ.' સ્વ અને પરંપરાગત ધર્મમાં બધા જ ધર્મો સમાયેલા છે. કોઈ પણ ધર્મની ટીકા કર્યા વિના તેમણે ધર્મનો મર્મ ખૂબ રસાળ શૈલીમાં શ્રોતાઓને સમજાવ્યો હતો. (તસવીર ઃ ગૌતમ મહેતા)