Last Update : 25-March-2012, Sunday
 

ભ્રષ્ટાચારી યેદિયુરપ્પા ફરીથી કર્ણાટકના મુખ્ય પ્રધાન બનશે?

 

ભાજપનું મોવડી મંડળ જો યેદિયુરપ્પાને ફરીથી મુખ્યપ્રધાન ન બનાવે તો તેમણે કર્ણાટકમાં સત્તા ગુમાવવી પડે તેમ છે

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની પહેલવહેલી સરકાર કૌભાંડોની સરકાર તરીકે વિખ્યાત બની ગઇ છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો હેઠળ ખુરશી ગુમાવનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પા પોતાના ટેકેદારોના જોરે ફરીથી મુખ્ય પ્રધાન બનવા નીકળ્યા છે અને ભાજપના હાઇ કમાન્ડે તેમની સામે પોતના ઘૂંટણિયા ટેકવી દીધા છે. ફરીથી કર્ણાટકના મુખ્ય પ્રધાન બનવા માટે યેદિયુરપ્પાએ ભૂંગળ વિના ભવાઇ ભજવી હતી. તેમણે પક્ષના ૨૩ વિધાનસભ્યોને બેંગલોર નજીક આવેલા એક રિસોર્ટમાં રીતસર બાન પકડી રાખ્યા હતા અને બજેટ સત્રમાં જ વર્તમાન મુખ્ય પ્રધાન સદાનંદ ગોવડાની સરકારને ઉથલાવી નાંખવાની ધમકી આપી હતી. ભાજપના હાઇ કમાન્ડે યેદિયુરપ્પાને બજેટ સત્રની સમાપ્તિ પછી ફરીથી મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપ્યું તે પછી જ તેમણે સદાનંદ ગોવડાની સરકારને કામચલાઉ અભયવચન આપ્યું છે.
યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા તે પછી તેમની સામે ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડો બાબતમાં આશરે એક ડઝન ફરિયાદો થઇ હતી. તૈ પૈકી એક કેસમાં કર્ણાટકના ભૂતપૂર્વ લોકપાલ સંતોષ હેગડેએ પણ તેમને જવાબદાર ઠરાવ્યા હતા. તેમની સામે વિવિધ અદાલતોમાં અનેક કેસો ચાલી રહ્યા છે, જેના ચુકાદાઓ આવવાના બાકી છે. મંગળવારે સુપ્રિમ કોર્ટ દ્વારા યેદિયુરપ્પાના કૌભાંડોની તપાસ કરવા માટે રચાયેલી સમિતિએ તેમને ખુલાસો કરવા પણ બોલાવ્યા હતા. આ સમિતિ યેદિયુરપ્પા સામેના આક્ષેપોની તપાસ કરીને તેમની સામે સીબીઆઇની તપાસ યોજવી કે નહીં એ નક્કી કરવા માટે બનાવવામાં આવી છે. આ બધાની પરવા કર્યા વિના યેદિયુરપ્પા નફ્ફટ બનીને ફરીથી કર્ણાટકના મુખ્યપ્રધાન બનવા મેદાનમાં આવી ગયા છે. તેનું કારણ એ છે કે ભાજપના બહુમતી વિધાનસભ્યોએ એમણે સામદામદંડ ભેદથી પોતાના ટેકામાં રાખ્યા છે. કર્ણાટકમાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. યેદિયુરપ્પાના ટેકા વિના ભાજપ ફરીથી કર્ણાટક જીતી શકે એમ નથી. આ કારણે ભાજપના મોવડીમંડળમાં પણ યેદિયુરપ્પાને ફરીથી મુખ્યપ્રધાન બનાવવાની બાબતમાં સમર્થન વધતું જાય છે.
ગયાં વર્ષની ૨૭મી જુલાઇએ કર્ણાટકના તત્કાલીન લોકાયુક્ત સંતોષ હેગડેએ પોતાના હેવાલમાં યેદિયુરપ્પાને ખાણકામ કરતી કંપનીઓ પાસેથી ૩૦ કરોડ રૃપિયાની લાંચ લેવાના આરોપમાં તક્સીરવાર ઠરાવ્યા હતા અને તેમની સામે અદાલતમાં કેસ નોંધાવવાની સલાહ આપી હતી. આ હેવાલના પગલે ૩૧મી જુલાઇએ યેદિયુરપ્પાને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તેનાં સ્થાને સદાનંદ ગોવડાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. એ વખતે યેદિયુરપ્પાને એવું વચન આપવામાં આવ્યું હતું કે જો તેઓ અદાલતમાં નિર્દોષ પુરવાર થશે તો તેમને મુખ્ય પ્રધાનની ખુરશી ઉપર ફરીથી બેસાડવામાં આવશે. આ મહિનાની સાતમી તારીખે કર્ણાટકની હાઇ કોર્ટે લોકાયુક્તના હેવાલને ફગાવી દીધો હતો અને તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસ પણ રદ્દ કર્યો હતો, જેને પગલે યેદિયુરપ્પાએ ફરીથી મુખ્ય પ્રધાનપદે આવવાની રમત શરૃ કરી છે.
યેદિયુરપ્પાને ફરીથી ભાજપના મુખ્ય પ્રધાન બનાવવાના મુદ્દે ભાજપનું મોવડી મંડળ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી માને છે કે લિંગાયત કોમનો ટેકો ધરાવતા યેદિયુરપ્પાના ટેકા વિના ઇ.સ. ૨૦૧૩માં આવનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ ભાજપ જીતી શકે તેમ નથી. માટે તેમને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા જોઇએ. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી માને છે કે જો યેદિયુરપ્પાને ફરીથી કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે તો ઇ.સ. ૨૦૧૪ની ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના મુદ્દે મોરચો માંડવાની તેમની વ્યૂહરચના નબળી પડી જશે. નીતિન ગડકરી કર્ણાટકની ચિંતા કરે છે, જ્યારે અડવાણી દિલ્હીની ચિંતા કરી રહ્યા છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે સદાનંદ ગોવડાનો દેખાવ પણ નિસ્તેજ રહ્યો છે, જેને લીધી યેદિયુરપ્પા ફરીથી મુખ્યપ્રધાન બને તેવી સંભાવના ઉજ્જવળ બની છે. સદાનંદ ગોવડા ઉડ્ડીપીની લોકસભાની બેઠક ઉપરથી રાજીનામું આપીને કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા હતા. આ બેઠક ઉપર તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના ઉમેદવારની નામોશીભરી હાર થઇ છે અને કોંગ્રેસનો વિજય થયો છે. ઉડ્ડીપીની સંસદીય બેઠકમાં વિધાનસભાના સાત મતવિસ્તારો આવેલા છે. તેમાંથી છ બેઠકો ભાજપ પાસે હતી તો પણ ભાજપની હાર થઇ છે. આ પરાજયને કારણે મુખ્યપ્રધાન સદાનંદ ગોવડાની તાકાત ઘટી છે, કારણ કે તેમણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી હતી.
ઉડ્ડીપીની સંસદીય બેઠકની પેટા ચૂંટણીમાં યેદિયુરપ્પાએ ભાજપના પ્રચાર માટે જવાનું ટાળ્યું હતું. તેને કારણે તેમના ટેકેદારો અને કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા નહોતા. ઉડ્ડીપીની બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો પરાજય થયો તેનું આ મુખ્ય કારણ ગણાય છે. યેદિયુરપ્પા કર્ણાટક વિધાનસભાના આશરે ૭૦ સભ્યોનો ટેકો ધરાવે છે. તેમાં સદાનંદ ગોવડાના અડધા પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. બેંગલોરના રિસોર્ટમાં આ ૭૦ પૈકી ૫૫ વિધાનસભ્યોને આ એકઠા કરવામાં યેદિયુરપ્પાને સફળતા મળી હતી.તાજેતરમાં કર્ણાટકમાં ઉડ્ડીપી લોકસભા બેઠકની જે પેટા ચૂંટણીઓ યોજાઇ તેમાં લિંગાયત કોમના ૭૦,૦૦૦ મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયી ઉમેદવાર કે. જયપ્રકાશ હેગડેને ૩,૯૮,૭૨૩ મતો મળ્યા હતા. તેની સામે ભાજપના પરાજીત ઉમેદવાર વી. સુનિલકુમારને ૩,૫૨,૯૯૯ મત મળ્યા હતા. યેદિયુરપ્પાની કરામતને કારણે મોટા ભાગના લિંગાયત મતદારો મતદાનથી વેગળા રહ્યા હતા અથવા તેમણે કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યા હતા. જો યેદિયુરપ્પાએ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હોત તો પરિસ્થિતિ અલગ હોત. યેદિયુરપ્પાએ ઉડ્ડીપીમાં ભાજપના ઉમેદવારને હરાવીને પોતાનો પ્રભાવ પુરવાર કરી આપ્યો છે.
સાતમી માર્ચે કર્ણાટકની હાઇ કોર્ટનો ચુકાદો યેદિયુરપ્પાની તરફેણમાં આવ્યો ત્યારથી તેમણે મોવડીમંડળ સમક્ષ રજુઆત કરવા માંડી હતી કે તેમને ફરીથી મુખ્યપ્રધાન બનાવવામાં આવે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી અને રાજ્ય સભાના નેતા અરૃણ જેટલી યેદિયુરપ્પાને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા માંગે છે, પણ લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજ જેવા નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. યેદિયુરપ્પાની માંગણી બાબતમાં ભાજપના મોવડી મંડળે કોઇ નિર્ણય ન આપ્યો ત્યારે યેદિયુરપ્પાએ ગવર્નર સમક્ષ વિધાનસભ્યોની પરેડ કરીને પોતાની બહુમતી પુરવાર કરવાની તૈયારી કરી હતી. જો યેદિયુરપ્પાએ આ પગલું ભર્યું હોત તો કર્ણાટકમાં ભાજપની સરકાર ગબડી પડી હોત. આ ધબડકો અટકાવવા મોવડી મંડળે યેદિયુરપ્પા સામે સમાધાન કરી લીધું તે પછી તેમણે બજેટ સત્રમાં સહકાર આપવાનું વચન આપ્યું છે. આ બજેટ સત્ર ૩૦મી માર્ચે પૂરું થાય તે પછી યેદિયુરપ્પાને ફરીથી મુખ્યપ્રધાન બનાવવામાં આવશે એમ માનવામાં આવે છે. કર્ણાટકમાં ભાજપની વર્તમાન સરકાર અનેક કૌભાંડોને કારણે બદનામ થઇ ગઇ છે. પહેલા માઇનિંગ કૌભાંડ ગાજ્યું. તેને કારણે યેદિયુરપ્પાને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું. પછી ભાજપના વિધાનસભ્યો ચાલુ બેઠકમાં મોબાઇલ ઉપર પોર્ન ફિલ્મ જોતાં પકડાયા તેને કારણે પક્ષની અને સરકારની ભારે બદનક્ષી થઇ હતી. માલપેમાં રેવ પાર્ટીના આયોજનમાં પણ ભાજપના નબીરાઓનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. હવે ફરીથી યેદિયુરપ્પાએ ઉપાડો લીધો છે. જો ભાજપનું મોવડીમંડળ યેદિયુરપ્પાના બ્લેક મેઇલિંગને વશ થશે તો તેને કારણે કર્ણાટકના મતભેદોને તો ગલત સંદેશો જ મળવાનો છે. આવતાં વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ભ્રષ્ટાચારી યેદિયુરપ્પાના નેતૃત્વ હેઠળ ભાજપ આ ચૂંટણી લડશે તો કેવી રીતે જીતશે એ મુખ્ય સવાલ છે. વિધાનસભ્યોનો ટેકો મેળવવો એ એક બાબત છે અને પ્રજાના મતો મેળવવા એ બીજી બાબત છે. ઉડ્ડીપી સંસદીય બેઠકના પરિણામો ભાજપના મોવડી મંડળ માટે પણ લાલ બત્તી સમાન છે.
ૅૅયેદિયુરપ્પા ભાજપના મોવડી મંડળ માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યા છે. ભાજપ જો તેમને દૂર રાખવાની કોશિષ કરે તો તેમના હાથમાંથી કર્ણાટક જાય તેમ છે. કર્ણાટકમાં યેદિયુરપ્પાએ વર્ષોની જહેમતથી એકલા હાથે ભાજપનું ઘડતર કર્યું છે. તેમના બરનો કોઇ નેતા કર્ણાટકમાં ભાજપમાં દેખાતો નથી. કર્ણાટકને ટકાવી રાખવા જો યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો તેણે દિલ્હી ગુમાવવું પડે એમ છે. ભાજપની નેતાગિરી દિલ્હીમાં યુપીએ સરકારના ભ્રષ્ટાચારને અને ગેરવહિવટને ઇ.સ. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓનો મુખ્ય મુદ્દો બનાવવા માંગે છે. જો કર્ણાટકમાં તેણે યેદિયુરપ્પાને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા પડે તો ભાજપના દાવામાંથી હવા જ નીકળી જાય તેમ છે.
ભારતનું રાજકારણ અત્યંત મલિ અને જટિલ થઇ ગયું છે. જે રાજકારણીઓ ઇમાનદાર અને નિષ્ઠાવાન છે તેઓ પ્રજામાં ખાસ પ્રભાવ ધરાવતા નથી. જે રાજકારણીઓમાં ઇમાનદારી અને નિષ્ઠા નથી તેઓ પ્રજામાં માનીતા છે અને પક્ષને ચૂંટણીઓ જીતાડી શકે છે. આપણી પ્રજા પણ હવે એવું માનવા લાગી છે કે કોઇ વ્યક્તિ બેઇમાની કરીને શ્રીમંત બેઇમાની કરીને શ્રીમંત બને તો તેમાં કાંઇ ખોટું નથી. કદાચ તેમને પોતાને જો તક મળે તો તેઓ પણ આ રીતે શ્રીમંત બનવામાં સંકોચ અનુભવે તેમ નથી. આ સંસ્કારનો પ્રારંભ સ્કૂલની પરીક્ષામાં ચોરી કરીને થાય છે. યથા રાજા, તથા પ્રજા જે દેશની પ્રજાને બેઇમાની આચરીને આવવામાં કાંઇ ખોટું નથી. કદાચ તેમને પોતાને જો તક મળે તો તેણો પણ આ રીતે શ્રીમંત બનવામાં સંકોચ અનુભવે તેમ નથી. આ સંસ્કારનો પ્રારંભ સ્કૂલની પરીક્ષામાં ચોરી કરીને થાય છે. યથા રાજા તથા પ્રજા જે દેશની પ્રજાને બેઇમાની આરરીન આગળ આવવામાં કાંઇ ખોટું ન જણાતું હોય તો તેમણે શાસકો પણ એવા જ મળે છે.ં
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved