Last Update : 25-March-2012, Sunday
 

મધ્ય પ્રદેશમાં આદિવાસી જાતિનું નિકંદન

 

પરિવાર નિયોજનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા સ્થાનિક કર્મચારીઓ ભોળી પ્રજાને ફોસલાવીને કે ધમકી આપીને ઓપરેશન કરી નાખે છે
મધ્ય પ્રદેશના નાનકડા ધૂળિયા ગામ રેવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પગથિયા ચઢતાં રામલાલને સાધારણ ચક્કર આવતા હતા અને તાવને લીધે શરીર તપતું હતું. આરોગ્ય કેન્દ્રમાં રહેલા ડોક્ટરને તે પોતાની તકલીફ જણાવે તે અગાઉ તો ૧૬ વર્ષના રામલાલને અંદરના રૃમમાં લઈ જઈને પથારીમાં સુવડાવી બે-ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઇન્જેક્શનની અસર થતાં જ થોડી ક્ષણોમાં રામલાલ બેભાન થઈ ગયો હતો. બાદમાં રામલાલને ડોક્ટરે કહ્યું હતું કે તેની નસબંદી કરવામાં આવી છે અને કમ્પાઉન્ડરે તેને આરોગ્ય કેન્દ્રનો દરવાજો દેખાડી દીધો હતો. રામલાલ તો આ સાંભળીને અવાચક થઈ ગયો હતો અને ભાંગેલા પગે માંડમાંડ ઘરે પહોંચ્યો હતો.
આજે ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં સૌથી નાની વયનો નસબંદી કરાવનાર કિશોર રામલાલ છે. જોકે સરકારી ચોપડામાં તો તેની વય પચીસ વર્ષની લખીને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને આ ઓપરેશન માટે તેને કોઈ વળતર સુદ્ધા ચૂકવવામાં આવ્યું નથી.
જોકે રામલાલના જીવનની દુઃખદ કહાની અહીં પૂરી થતી નથી. ઓપરેશનના થોડા દિવસ બાદ તેને સંજયગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રામલાલને કદાચ એ જાણ નહીં હોય કે તેણે જેના નામની હોસ્પિટલમાં સારવાર લીધી તે વ્યક્તિ એટલે કે સદ્ગત સંજય ગાંધીએ કટોકટી લાદવામાં આવી હતી તે ૧૯૭૫-૭૭ના વર્ષમાં 'નસબંદી'ની ઝુંબેશ ચલાવી હતી અને ભારે ટીકાપાત્ર બન્યા હતા.
રામલાલ દરિદ્ર કોલ આદિવાસી જાતિનો દૈનિક વેતન રળતો મજૂર છે. તે અને તેની જેવા ગરીબ-અભણ આદિવાસી યુવક-યુવતીઓ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ પાટીલના પરિવાર નિયોજનના લક્ષ્યાંકનો ભોગ બની રહ્યા છે. મધ્ય પ્રદેશની સરકાર ૨૦૧૨ને 'પરિવાર નિયોજન' વર્ષ તરીકે ઉજવવા માગે છે. આ માટે તેમણે કુલ ૭.૫ કરોડની વસતિમાંથી ૧૦ ટકા એટલે કે સાડા સાત લાખ લોકોનું ૩૧ માર્ચ સુધીમાં વ્યંધીકરણ ઓપરેશન કરવાનો લક્ષ્યાંક નિધાર્યો છે. આથી દરેક તાલુકા અને જિલ્લામાં જાણે લક્ષ્યાંક પૂર્ણ કરવાની હોડ ચાલી રહી છે. પરિણામે સરકારી કર્મચારીઓ લોકોને ફોસલાવતાં, બળજબરી કરતાં અને ધાકધમકી આપતાં હોવાની ફરિયાદો થઈ રહી છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે ઘણી જગ્યાએ તો કુંવારી તથા માનસિક અસ્થિર વ્યક્તિઓના ઓપરેશન પણ કરી નાખવામાં આવ્યા છે. '૭૦ના દાયકામાં સંજય ગાંધીએ જે ઝુંબેશ આદરી હતી તેને મુખ્ય પ્રધાન ચૌહાણ અતિ ઉત્સાહથી (!) આગળ ધપાવી રહ્યા છે. તેઓ માને છે કે વસતિ નિયંત્રણ પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આર્થિક વિકાસ થવો શક્ય નથી. તેઓ આને 'સદ્કાર્ય' માને છે. રામલાલ જેવા કિસ્સા વિશે પૂછતાં તેઓ કહે છે કે આ બધી ખોટી વાતો છે આવું કઈ બન્યું જ નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે લક્ષ્યાંક પૂર્ણ કરવા ભોળા, નિરક્ષર આદિવાસીઓને ફોસલાવવામાં, ડરાવવામાં કે ધમકાવવામાં આવે છે. જોકે નોંધનીય વાત એ છે કે લઘુમતીઓ જેવા અન્ય સમુદાયોને લક્ષ્યાંક પૂરો કરવા માટે નિશાન બનાવવામા ંઆવ્યા નથી. સતના અને રેવા જેવા ગામોમાં માત્ર ૬૦૦ રૃપિયા અને એક સાડીના બદલામાં લોકોની નસબંદી કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ સરકારની વેબસાઇટ પર આવતાં માસિક હેલ્થ બુલેટિનમાં અત્યાર સુધીમાં ૩,૭૨,૨૩૦ લોકોના ઓપરેશન થઈ ગયાની માહિતી છે. જોકે, આમાંથી માત્ર ૨૩,૩૧૬ જ પુરુષો છે. કારણ કે ઓપરેશન કરાવવા માટે મહિલાઓને ભોળવવી સહેલી હોય છે.
અન્ય રાજ્યોમાં લોકોને પરિવાર નિયોજન વિશે જણાવી ઓપરેશન કરાવવું કે નહીં તેનો નિર્ણય લેવાનો વિકલ્પ આપવામા ંઆવે છે. જ્યારે મધ્ય પ્રદેશના અધિકારીઓ તો લોકો પર ઓપરેશન માટે બળજબરી કરી રહ્યા છે.
આ માટે તેમણે ગરીબ, અભણ આદિવાસીઓ અને મહિલાઓને નિશાન બનાવી છે. ઓપરેશન માટે લોકોને તૈયાર કરવા તેમનું 'અંત્યોદય' કાર્ડ (ગરીબી રેખા નીચે હોવાનું કાર્ડ જેથી દર મહિને ૨૫ કિલો અનાજ મળે) રદ્દ કરી દેવાની ધમકી આપે છે. કાયમી રોજગારનો અભાવ અને કહેવાતા સુસંસ્કૃત સમાજની 'દયા' પર જીવતાં ગરીબ આદિવાસીઓ અંત્યોદય કાર્ડ રદ્ થવાની ભીતિથી ઓપરેશન કરાવી લે છે.અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે શું આદિવાસીઓને વસતિ નિયંત્રણની જરૃર છે ખરી? ૨૦૦૧માં થયેલી વસતિ ગણતરી મુજબ મધ્ય પ્રદેશમાં ૨૦.૩ ટકા લોકો આદિવાસી છે. ખાંડવ જિલ્લામાં વસતા કોર્કુ જેવા આદિવાસીઓ અત્યંત પછાત છે અને એક દાયકામાં તેમની વસતિમાં ૧૯.૩ ટકાનો જ વધારો થયો છે. જ્યારે મધ્ય પ્રદેશમાં સરેરાશ ૨૪ ટકા વસતિવધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ તબક્કામાં આદિવાસી વસતિમાં ઘટાડો થયો છે. કોલ, સહરિયા, મવાસી, કૈરવાડ, ગોંડ અને બૈગ જેવા અન્ય આદિવાસીઓની લોકસંખ્યામાં પણ નૌંધપાત્ર વધારો થયો નથી. આથી આવા આદિવાસીઓને નિશાન બનાવવાનો શો અર્થ છે?
જનસંખ્યા નિષ્ણાતો કહે છે કે જો સરકાર બાળ મૃત્યુ દરને ઘટાડવામાં સફળતા મેળવે તો ફળદ્રુપતા દરમાં આપોઆપ ઘટાડો થશે. ઓરિસ્સાએ આ જ ઉપાય અજમાવ્યો હતો. ત્યાં પણ આ જ પ્રકારની સામાજિક સ્થિતિ હતી. આમ છતા સરકારને બાળ મૃત્યુ દર ઘટાડવામાં સફળતા મળી છે. અત્યારે ત્યાંનો બાળ મૃત્યુ દર એક હજાર બાળકે ૨૧નો છે. જ્યારે દેશભરમાં મધ્યપ્રદેશમાં સૌથી ઊંચો બાળ મૃત્યુ દર છે. અહીં દર હજાર બાળકે ૬૭ બાળકો મરે છે અને દર હજાર બાળકે ૮૯ બાળકો પાંચ વર્ષથી મોટી ઉંમરના થતાં જ નથી. આદિવાસીઓમાં તો સ્થિતિ અત્યંત ગંભીર છે અને બાળ મૃત્યુ દરના આંકડા ઘણા વધારે છે. આનો અર્થ એ થાય કે આદિવાસીઓને વધુ સંતતિની છૂટ આપવી જોઈએ. તેમના માટે મૃત્યુની સામેનો આ વીમો છે. કારણ કે આદિવાસી પ્રજાનું જીવન પણ ટૂંકું જ હોય છે. બાળ મૃત્યુ ન થાય તો અછબડા જેવી બીમારીને કારણે તેમનું મોત થાય છે.
મધ્ય પ્રદેશના આદિવાસીઓ પાસે કોઈ વિકલ્પ જ નથી. વ્યંધીકરણ માટે સ્થાનિક વહીવટીઓ તેમને ધમકાવે (ગરીબી રેખાની નીચે હોવાથી મળતાં લાભ બંધ કરીશું) અથવા લોભાવે (અંત્યોદય કાર્ડ, રેશન કાર્ડ, ઘર, રૃા. ૬૦૦ અને એક સાડી આપવાનું કહે છે). આ પ્રક્રિયામાં મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ, કલેક્ટર, એસડીએમએસ, પટવારીથી લઈને આંગણવાડીના કાર્યકરો સંડોવાયેલા છે. આંગણવાડીના કાર્યકર તરીકે મોટેભાગે મહિલા છે અને તમામને વ્યંધીકરણ માટે ૧૦ લોકોને લાવવાની સૂચના આપવામાં આવી. આ માટે કાર્યકરને મહિલાદીઠ રૃા. ૬૦૦ અને પુરુષ દીઠ રૃા. ૧૧૦૦ આપવામાં આવે છે. જો તે પોતાના લક્ષ્યાંકને પૂરો ન કરી શકે તો તેના પર નોકરી ખોઈ બેસવાનું જોખમ તોળાતું હોય છે.
કેટલાક કિસ્સામાં તો તહેસીલદાર કે મહેસૂલ અધિકારી લોકોને રીતસર ધમકી આપતાં જોવા મળ્યા છે કારણ કે તેમના પર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટનું અને મેજિસ્ટ્રેટ પર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનું દબાણ હોય છે. આથી તેઓ (તહેસીલદાર કે મહેસૂલ અધિકારી) ઘરેઘરમાં પત્ર પાઠવે છે કે, 'તમારો પરિવાર બીપીએલ (ગરીબી રેખાની નીચે)ની યાદીમાં છે. અમને જાણવા મળ્યું છે કે ત્રણ બાળકો થયા છતાં તમે પરિવાર નિયોજનની પદ્ધતિ અપનાવી નથી. તમે અન્યોને પણ પરિવાર નિયોજનથી વિમુખ રહેવાનું કહો છો. આથી તમારું નામ બીપીએલની યાદીમાંથી કાઢી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પત્રનો પ્રત્યુત્તર આપવો.'
અભણ આદિવાસીઓને ધમકી એટલે શું તેની પણ ખબર હોતી નથી. તેઓ આ સરકારી પત્રને અન્ય પાસે વંચાવે છે અને પોતાનું નામ રદ થઈ જશે તે બીકમાં નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ વ્યંધીકરણ કરાવે છે. રેવામાં આવેલા દાભૌરાની ભાગોળે રહેતી રેખાએ આમ જ કર્યું હતું. ૧૨ સંતાનની માતા રેખા ઓપરેશન કરાવ્યા બાદ મળેલી સાડી બધાને ગર્વથી બતાવે છે. જોકે આ સાથે મળેલા રૃા. ૬૦૦ તો ક્યારના ખર્ચાઈ ગયા છે અને મહત્ત્વની વાત એ છે કે આ ઓપરેશન કરાવ્યાના બે મહિના અગાઉ જ રેખાએ નોંધનીય છે કે હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવનારી ગર્ભવતીને સરકાર રૃા. ૧૧૦૦ આપે છે જેમાંથી રૃા. ૩૦૦ સ્થાનિક ડોક્ટરને લાંચરૃપે આપવા પડે છે. રેવા ગામનું વ્યંધીકરણનું લક્ષ્યાંક પાર પડી ગયું છે. આથી તે વ્યંધીકરણ કાર્યક્રમ બાદ ડ્રો થનારી લોટરીનો હિસ્સો બન્યું છે. ઓપરેશન કરાવનારી પ્રત્યેક મહિલાને નંબર લખેલી કાપલી આપવામાં આવી છે. ડ્રોમાં જેનો નંબર આવશે તે મહિલાને રેફ્રિજરેટર આપવા આવશે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે અહીંના ગામોમાં વીજળી નથી અને પાણી લેવા અડધો કિલોમીટર દૂર આવેલા પમ્પ પર જવું પડે છે. આદિવાસીની બહુમતી ધરાવતા ખંડવા જિલ્લામાં પણ ૧૩ હજાર ઓપરેશન કરી લક્ષ્ય હાંસલ કરી લેવામાં આવ્યું છે. અહીંના કોર્કુ આદિવાસીઓને અત્યોદય કાર્ડ, રેશન અને ઘર આપવાનું વચન આપવામાં આવ્યું છે. ૬૦૦ રૃપિયા અને સાડી તો તરત જ આપી દેવામાં આવે છે જ્યારે ઘર તો માત્ર સપનામાં જ રહે છે. ઉલ્લેખનીય વાત એ છે કે કોર્કુ અને ગોંડ આદિવાસી જાતિ લુપ્ત થવાને આરે છે. અને સરકાર દ્વારા જ જે ઊંધુ વેતરાયું છે તે સીધું થવાની શક્યતા પણ નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved