Last Update : 25-March-2012, Sunday
 

શું માણસમાં રહેલો 'અસલ માણસ' જ 'રામ બોલો ભાઈ રામ' થઈ ગયો છે ?!

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

- પૈણ્યા પછી ભલભલા બડેખાં પણ 'બકરી' બની જતા હોય છે. ના, ભૈ, ના ! મારે બૈરીની 'બકરી' નથી બનવું !
સું થાય ? આંઈ રૃપિયા જ ક્યાં સે ? રૃપિયાની મા ને તો કૂતરા પૈણી ગ્યા સે. આ દરબારનું કાંક તો કરવું પડસે ! - વાછંટ

 

'દરબાર...!' 'હુ સે લ્યા રબારી ? કયમ આજ લાળા ચાવવા મંડયો સે ? જે કાંમ હોય ઈં કહી નાખ્ય...'
'વપત પડી સે...'
'અલ્યા દેહઈ ! ઇંમાં તીં સુ નવી વાત કરી ? વપત તો હવની પર પડે, ઈંમ તારી પર પણ પડી હશે...'
'ઘરમાં માંદગી છે...ને પૈસા નથી, દરબાર...'
'તો ઈંમ કે'નીં કે પૈસા લેવા આયો સે.'
'ઓવ્વે ! દહેક હજારની જરૃર હતી ! તમે ગામમાં છતવાળા આસામી છો, આલો તો મોટો ઉપકાર !'
'આલું તો ખરો, પણ પાછા ક્યારે આલેશ ?'
'ચારેક મઈનામાં દૂધે ધોઈને પાછા આલી દઈશ, દરબાર !'
- પૈસા માગવા આવનાર છે સૌરાષ્ટ્રના જસદણ પાસેના એક ગામનો વાછંટ રબારી. ને જે પૈસા આપનાર છે, એ છે આ જ ગામના રામસીભાઈ કાઠી દરબાર ! આખાય ગામમાં રામસીબાપુનું ખોરડું તરતું ખોરડું છે. ખેતીની મબલક આવક છે... તો ગમાણમાં આઠ-દસ ઢોરાંની દૂધની આવક પણ 'અધધધ' થઈ જવાય એટલી છે ! રામસીભાઈ દરબાર ફેંટો બાંધીને મૂછે તાવ દેતા દેતા ગામ વચ્ચે થઈને નીકળે ત્યારે બજારમાં એમના 'વટ'ની તોપો ફૂટવા લાગી જાય ! હા, એક વાત જરૃર છે, રામસીબાપુ રૃપિયે 'તાજા-માજા' છે, તો દિલના ય દુલા છે. દિલ તો બધા પાસે હોય, પણ બધા દિલવાળા 'દિલાવર' નથી હોતા ! બાપુ દિલના દિલાવર છે !
બાપુએ વાછંટ રબારીને દસ હજાર આપતા કહ્યું ઃ 'જો વાછંટ, વાયદો ખોટો નોં પડવો જોઈએ.'
'નોં પડે, બાપુ !'
પૈસા આપીને બાપુ નિજકાર્યમાં પરોવાઈ ગયા.. બાપુ એકલા જ છે... લગ્ન જ નથી કર્યા. આગ્રહો તો ઘણાય થયા, અને દબાણો ય પાર વગરવાં આવ્યાં. પણ રામસી બાપુનો તો એક જ જવાબ ઃ 'મારી આગળ લગનની વાત જ નોં કરશો. આપણે તો ભઈ એકલભાથી હારા. પૈણ્યા પછી મરદ જેવો બડેખાં મરદ પણ 'બકરી' બની જતો હોય છે. ના, ભૈ, ના. મારે બૈરીની બકરી નથી બનવું !' આ જવાબ આખાય પંથકમાં ઠેરઠેર પહોંચી ગયો હતો.... કેટલાકને ચિંતા પેઠી હતી. મરદ જેવો મરદ ના પૈણે, ઇં તો કેમનું હાલે ?
પણ હાલતું હતું...
રામસીબાપુના જીવનનું ગાડું ઠકરાણાં વગર જ હાલતું હતું. કોઈ પૂછતું ઃ 'બૈરા વગર કેમનું હાલે છે, બાપુ ?'
'બવ સરસ ! મજેથી હાલે છે !'
ગામ જેવું ગામ છે. ગામને આંખમાં વસી જાય એવો વગડો છે. પાદરમાં પીપળો છે, તો વડલો પણ છે. બાપુના બીજા બે ભાઈ પણ છે. બધા અલગ અલગ રહે છે. સૌ પોતાનો સંસાર લઈને બેઠા છે. ભાભીઓ છે, તો દોડાદોડી કરે એવા ભત્રીજાઓ ય છે ! પણ બાપુની વાત નોંખી છે.. અલગ ખોરડું... ખોરડાના મોભારે લટકે છે ખાનદાની... હા, આ ગામમાં વટ છે બાપુનો... રામસીભાઈ ખાચર.. કાઠી દરબાર !
સમયને સરકતાં ક્યાં વાર લાગે છે ?
કેલેન્ડરનાં પતાકડાં ફાટયાં.
સમયની ક્ષણો ચાળણીમાંના પાણીની જેમ બુંદ બુંદ ટપકી રહી.
ચાર મહીના વીતી ગયા.
ને એક દિવસે રામસી દરબારને યાદ આવ્યું ઉઘરાણું. યાદ આવ્યો વાછંટ. યાદ આવ્યા દસ હજાર રૃપિયા ! માળો, પૈસા આલવા જ નોં આવ્યો ! ગરજ મટી એટલે તું કોણ ને હું કોણ ? એકવાર રસ્તામાં મળી ગયો વાછંટ.... દરબારે ઉઘરાણી કરી. તો વાછંટ બોલ્યો ઃ 'બાપુ, થોડા દંન ખમી જાવ...'
'ભલે...'
વળી દરબારે ફરી ઉઘરાણી કરી તો વાછંટે કહ્યું ઃ 'હવે ઝાઝા દિ' નથી... દૂધે ધોઈને આલી દેશ !'
'ભલે.'
વાયદા પર વાયદા. પૈસા નથી મળતા દરબારને, એક સરસ મજાનો વાયદો મળી જાય છે ! સરસ મજાનું બહાનું મળી જાય છે ! બાપુ 'ભલે' 'ભલે' કર્યે જાય છે ! પણ હવે તો એ ય કંટાળ્યા હતા... ક્યાં સુધી એના વાંઝિયા વાયદા સાંભળ્યા કરવા ? ક્યાં સુધી એનાં બહાનાં સાંભળવાં ? તો વાછંટ પણ વિચારતો હતો ઃ 'કાવડિયાના નામને કાગડા ખઈ ગ્યા સે. વસમા દા'ડા હાલે સે... ને દરબાર છાલ મેલવાનો નથી... હુ થાય ? રૃપિયાની માને તો કૂતરા પૈણી ગ્યા સે. બવ હેરાન કરે સે દરબાર... દરબારનું કાંક કરવું પડસે...'
કહે છે કે માણસની ઇમાનદારીને કળજુગ ખાઈ ગયો છે ! માણસના કાળજાં કાળાં થઈ ગયાં છે ! જૂઠ, લુચ્ચાઈ અને બેઈમાનીનું બજાર ગરમાગરમ છે... સજ્જનતાનું સરોવર સૂકાઈ ગયું છે, ને 'સચ્ચાઈ'ના બારમાના લાડવા લોકો ઝાપટી રહ્યા છે છે ! રામસી દરબારે વાછંટની વિપત જાણી અને પૈસા આપ્યા. પણ વાછંટના કાળજામાં અચાનક જ 'કાળો કળજુગ' પેસી ગયો ! નથી આલવા પૈસા ! જોઈ લઈશ દરબારને ! ઈં સમજે સે શું મને ? એ કાઠી દરબાર સે, તો હું કાંઈ કમ છું ? હું ય વાછંટ દેહઈ છું ! રસ્તામાં વચ્ચે ઊભો રાખીને ઇજ્જતનો કચરો કરી નાખે સે... પણ હવે જોઈ લો વાછંટના ભડાકા...
- રામસી દરબાર બાઈક પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા... ત્યાં જ સામેથી આવતા વાછંટ પર એમની નજર પડી. એમણે બૂમ પાડી ઃ 'વાછંટ ! ઊભો રહે. મારા પૈસા તો આલ.'
વાછંટ નજીક આવ્યો.
બાપુએ બાઈક ઊભી રાખી.
'વાછંટ.'
'આ આયો, બાપુ !'
- ને બાઈકને નીચા નમીને સરખી ગોઠવતા રામસી દરબાર કંઈ વિચારે એ પહેલાં તો વાછંટના હાથમાં રહેલું સાત ઇંચીયું ચાકૂ ખચાક્... કરતુંકને દરબારના ગળા પાસે ઘૂસી ગયું.... ધારદાર ચાકૂ કરોડરજ્જુને નુકસાન કરીને અંદર ઊતરી ગયું... ને અંદર જ તૂટી ગયું ! હા, ગળા પાસે ચાકૂની માત્ર મૂઠ જ દેખાઈ રહી હતી !
'ઓહ ! અરેરે...' કરતાં દરબાર ફસડાઈ પડયા. લોહીનો ફુવારો ઊડયો. વેદનાને કારણે દરબાર ચીસાચીસ કરી રહ્યા હતા ઃ 'વાછંટ ?... વાછંટ... ભૂંડા તેં ભૂંડાશ કરી !' પણ વાછંટ તો કયારનો ય રફુચક્કર થઈ ગયો હતો !
થોડીવારમાં ટોળું ભેગું થઈ ગયું.
દરબારના ભાઈઓ ને ભત્રીજા આવી પહોંચ્યા... ફોન જતાં જ એકસો આઠ નંબરની વાન આવી ગઈ. દરબારને દવાખાને લઈ ગયા... ત્યાંથી તાલુકા હેલ્થ સેન્ટરમાં ! પણ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા ઃ 'પેશન્ટની સારવાર અહીં શક્ય નથી... એને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં લઈ જાવ. ત્યાં ડૉ. પ્રભાકરને મારું નામ દઈને કહેજો... કામ પતી જશે !'
હો.... હા થઈ રહી હતી !
દોડાદોડી.
ઘોંટાઘોંટી.
દરબાર વેદનાથી કણસતા હતા ઃ 'ઓ રે, કોઈ મને બચાવો...' ને પૂરા ચાર કલાક પછી કોઈ રામસી દરબારનો હાથ પકડીને કહી રહ્યું હતું ઃ 'રામસીભાઈ, હું બચાવી લઈશ તમને ! ચિંતા ન કરો... હું મારી તમામ આવડત અને ક્ષમતાને કામે લગાડી દઈશ !' બોલનાર હતા દાક્તરી યુનિફોર્મમાં સજ્જ સુપ્રિન્ટેડેન્ટ ડૉ. પ્રભાકર ! ને પછી તો ફટાફટ.... ધડાધડ શરૃ થઈ ગઈ ટ્રીટમેન્ટ ! બાટલા ચઢાવાયા. બેહોશીમાં ઇંજેક્શન અપાયાં. પોલીસ કેસ થયો હતો... સાથે પોલીસ પણ હતી. પણ દરબારના સગાંવહાલાં માટે અત્યારે સૌથી મહત્વની વાત એક જ હતી ઃ રામસીભાઈને બચાવી લેવાની...!
આખાય કેસની સિલસિલાબંધ કથા જાણ્યા પછી ડૉ. પ્રભાકર વિચારવા લાગી જાય છે ઃ 'માણસના મનમાં આટલી બધી કાળાશ ભરી હશે ? માણસનું કાળજું જ લાગે છે કે બળેલો કોલસો થઈ ગયું છે ! નહિતર પોતાના ઉપકારી ઉપર માણસ આટલો ક્રૂર અને કુટીલ બની શકે ખરો ? માણસનું કર્મ આટલું બેઈમાન હોઈ શકે ખરું ? માણસનો 'માહ્યલો' કેમ આટલો બધો બદલાઈ ગયો છે ? ઋજુ કોમળ હૃદય ધરાવતો માણસ જેવો માણસ શું ક્રૂર કંસની નાતમાં વટલાઈ ગયો છે ? કે પછી માણસમાં રહેલો 'અસલ માણસ' જ રામ બોલો ભાઈ રામ થઈ ગયો છે ?'
ઘટના અટપટી છે. સચ્ચાઈ અને ઇમાનદારીના સર્વનાશની છે. કોઈ જખ્મ આપે છે, કોઈ જખ્મી બને છે, તો કોઈ મલમ લગાવે છે. માનવતા સ્વયં જખ્મી બની ગઈ છે !
દ્રશ્ય જ એવું હતું.
માણસ પલંગ પર પડયો છે. એના ખભા પર ગળા પાસે ચાકૂની માત્ર મૂઠ દેખાય છે. સાત ઇંચનું ધારદાર ચાકૂ એની કાયામાં ઊતરી ચૂક્યું છે. કરોડરજ્જુના મણકા તૂટયા છે. ને ચાકૂ એથી ય આગળ વધીને તૂટી ગયું છે.... કલ્પના કરતાં ય કંપારી છુટી જાય એવા આ દ્રશ્યમાં સામેલ થઈ જાય છે દયાથી ભર્યા ભર્યા દિલવાળા, માણસની પીડા જોઈને દ્રવી જનાર અને એ પીડાને હણવા માટે સૂઝ, ક્ષમતા, અનુભવ અને સાધનો સાથે સજ્જ થનાર, માણસને જખ્મી કરનાર કળજુગ સામે સતયુગની ઢાલ ધરી દેનાર ડૉ. પ્રભાકર...! હા, માત્ર બે જ દિવસમાં ઓપરેશન પછી રામસીભાઈના દેહમાં ચેતનાનો સંચાર થાય છે. એ આંખો ખોલે છે. ભાગ્યે જ જાણવા મળે એવી આ ઘટનાનો ભોગ બનનાર, ને બે-અઢી દિવસના 'બેહોશી-પ્રવાસ' પછી ચેતનાના પ્રદેશમાં પાછા ફરેલ કાઠી દરબાર રામસીભાઈ આસપાસ ઊભેલાં પોતાના સગાઓને પૂછે છે ઃ 'કોણ છે મને મોતના મુખમાંથી હેમખેમ બચાવી લેનાર દેવદૂત ?'
'ના, રામસીભાઈ ! હું દેવદૂત નથી..' ઝડપથી નજીક આવેલા ડૉ. પ્રભાકરનો છે એ અવાજ.
'તો ?'
'તો ડૉ. સાહેબ, ભલે તમે તમારી જાત માટે દેવદૂત ન કહેવા દો, પણ અમે તો તમને કર્મદૂત તો જરૃર કહીશું..' બોલી ઊઠે છે ટોળામાં ઊભેલા એક સજ્જન.
ડૉ. પ્રભાકરના હોઠ પર રમી રહે છે પતંગિયાની પાંખ જેવું, કર્તવ્ય બજાવ્યાના સંતોષ જેવું, ને એક દેવદૂતના ચહેરા પર હોય એવું રમકડા જેવું સ્મિત ..! એમના હાથમાં પેશન્ટનો હાથ છે ને એમના મુખમાંથી એમની પોતાની લાક્ષણિક સ્ટાઈલમાં શબ્દો સરી પડે છે ઃ 'નાઉ યૂ આર ઓલ રાઈટ, રામસીભાઈ ! નવી, તાજી-માજી અને સ્વસ્થ જિંદગી તમને મુબારક !'
હાસ્યનો એક ઉછાળ આવે છે.
આસપાસ ઊભેલું ટોળું સ્મિતથી તરબોળ બની જાય છે... રામસીભાઈ બચી ગયા છે... ચિંતા ચિતાને સ્વાધીન થઈ ગઈ છે. સૌના શ્વાસ લીલાછમ્મ થઈ ગયા છે. ત્યાં જ રામસીભાઈ બોલી ઊઠે છે અચાનક ઃ 'આઘા હટો... મને જોઈ લેવા દો કર્મદૂતનો ચહેરો...'

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved