Last Update : 25-March-2012, Sunday
 

હિટલરનો દીકરો શોધવાની કવાયત કહાં ગયા ઉસે ઢૂંઢો...

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

 

- વધુ એકવાર હિટલરનો તથાકથિત દીકરો ચર્ચામાં છે. ૧૯૮૫માં ૬૭ વર્ષની વયે મૃત્યુ પામેલો જીન મેરી લોરેટ નામનો
ફ્રેન્ચ માણસ હિટલરનો પુત્ર હોવાનો લંડન સ્થિત 'ધ ટેલિગ્રાફ' અખબારે ઘટસ્ફોટ કર્યો છે. હિટલર વિશે અનેક કિંવદંતીઓ અને વાયકાઓ આજે સાત દાયકા પછી પણ કેડો છોડતો નથી ત્યારે પ્રસ્તુત છે, હિટલરના બહુ
ચર્ચાયેલા અને હજુ ય રહસ્યમય રહેલા એ તથાકથિત દીકરા વિશેની કેટલીક રોચક દાસ્તાન...

 

'આપણે આપણા મહાન દેશની આવતીકાલના રક્ષક છીએ. આપણે આવતીકાલના આર્યન સુપરમેન બનવા સર્જાયા છીએ. આપણી ભવ્ય પરંપરાનું પ્રાણાંતે પણ રક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે. રાષ્ટ્ર કાજે આપણા નેતાના આદેશ પર આપણે સ્વયંનું બલિદાન આપી દેતાં સહેજ પણ ખચકાઈશું નહિ.'
એકવાર વાંચીએ તો પણ કોઈ ખડતલ લશ્કરી દળની પ્રતિજ્ઞાા હોવાનું અનુમાન કરી શકાય. જી હા, એ લશ્કરી દળની જ પ્રતિજ્ઞાા છે પણ એ દળ ફક્ત ૧૨-૧૫ વર્ષના લબરમૂછિયાઓનું બનેલું હતું. રણમોરચે ઘૂઘવતી તોપ અને ધાણીફૂટ મશીનગનની સામે હાથ આવે એ હથિયાર લઈને લડેલા એ દળનું નામ હિટલર યુથ. બીજા વિશ્વયુદ્ધના આરંભથી અનેક મોરચે મિત્રરાજ્યોને હંફાવ્યા પછી છેવટે જ્યારે નાઝી જર્મની હાર ખમી રહ્યું હતું અને મિત્રરાજ્યોની સેના દરેક દિશાએથી બર્લિન ભણી આગળ ધપી રહી હતી ત્યારે છેવટ સુધી જેમણે હથિયાર હેઠા ન્હોતા મૂક્યા, શરણાગતિ ન્હોતી સ્વીકારી અને પોતે તાલીમી યોદ્ધા ન હતા છતાં ય જેમણે ભીષણ સામનો કર્યો હતો એ સેનાનું નામ હિટલર યુથ.
ઈતિહાસ કમનસીબે વિજેતાઓના હાથે લખાય છે એટલે પરાજિતના પરાક્રમોને ય હળવા હાથે નાલેશીનો ઘસરકો મારી દેવાનો ધારો છે. એ ન્યાયે હિટલર યુથ વિશે બહુ મોડું સત્ય બહાર આવ્યું હતું. જર્મનીનું જ નહિ, સશસ્ત્ર સંગ્રામના ઈતિહાસનું એ એક એવું પ્રકરણ છે જેમાં જાંફેસાનીની કેસરભીની કહાની પણ છે અને રાષ્ટ્રના નામે નવલોહિયા તરૃણોની લાગણી બહેકાવીને ગુમરાહ કરવાની કાલિમા પણ છે. તેમાં વતન કાજે ખપી જવાની શહાદત પણ છે અને બેરહેમ અત્યાચારોનું શોણિતરંગી દર્દ પણ છે.
નાઝીવાદનો વ્યાપ વધારવા માટે નવી પેઢીના બાળકો અને તરૃણોને પ્રચારમાં સામેલ કરવાના ઈરાદે હિટલર યુથની રચના થઈ હતી. પ્રારંભમાં રોજ સાંજે એક કલાક માટે જર્મનીના મોટા શહેરોના કોઈ મેદાનમાં તરૃણો, બાળકો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે એકઠાં થાય, ત્યાં તેમને અખંડ અને મહાન જર્મનીની ભવ્ય પરંપરા વિશે માહિતગાર કરવામાં આવે. રાષ્ટ્રવાદપ્રચૂર (એટલે કે નાઝીવાદ પ્રેરિત રાષ્ટ્રવાદ) ગીતો ગવાય અને છેલ્લે વતન કાજે ખપી જવાની પ્રતિજ્ઞાા લેવાય. હિટલરે ઊભી કરેલી આ સેનાને એટલો પ્રચંડ પ્રતિસાદ મળ્યો કે પછી તો ફરજિયાતપણે ૮થી ૧૫ વર્ષના બાળકો માટે હિટલર યુથમાં જોડાવું ફરજિયાત કરી દેવાયું અને હિટલર યુથના સ્વયંસેવકોને કેળવવાનો એકાધિકાર નાઝી લશ્કરને સોંપી દેવાયો. નાઝી લશ્કરે હેન્રિક હિમલરની દોરવણી હેઠળ ૧૦થી ૧૪ અને ૧૫થી ૧૮ના બે વયજૂથ માટે ખાસ અભ્યાસક્રમો ઘડયા. તેમના માટે શાનદાર ગણવેશ, લશ્કરને હોય તેવું બેન્ડ, લશ્કરી કમાન્ડ અને થોડા હળવા શસ્ત્રોની તાલીમ પણ નિયત થઈ. આકરી શિસ્ત હેઠળ આવા વાતાવરણમાં પલોટાયેલા તરૃણોના અધકચરા અને ભાવનાશીલ માનસ પર 'હિટલર એ જ જર્મની' અને 'જર્મની એ જ હિટલર' એવું સૂત્ર દૃઢ થઈ જાય તેમાં નવાઈ ન હતી.
પોલેન્ડ પર હુમલો કરીને નાઝીઓએ વિશ્વવિજયના મંડાણ કર્યા ત્યારે હિટલર યૂથનો ખરો ઉપયોગ શરૃ થયો. પ્રારંભમાં આ લબરમૂછિયા છોકરાઓ ફાળો એકઠા કરવાનું કામ કરતાં. સૈન્ય માટે રસદ (પૂરવઠો) મોકલવાના કામમાં પણ તેમનો ઉપયોગ થયો. ધીમે ધીમે ૧૫થી ૧૮ વર્ષના જૂથને તો પેરામિલિટરી ફોર્સનું કામ પણ સોંપાવા લાગ્યું. જીતાયેલા પ્રદેશોમાં વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં પણ હિટલર યૂથના છોકરડાઓનો ઉપયોગ થતો હતો. એક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ કે, હિટલર યૂથના ૨૫ લાખ સ્વયંસેવકો જ ચાવીરૃપ ભૂમિકામાં હતા.છેવટે રશિયાના મોરચે ભીષણ પછડાટ ખાધા પછી જર્મનીની આગેકૂચ થંભી ગઈ અને હિટલરના વળતા પાણીનો આરંભ થયો. ત્રણ દિશાએથી મિત્ર દેશોની સેના ધસમસતી બર્લિન ભણી આગળ વધી રહી હતી ત્યારે સ્વંય હિટલર બર્લિનની ઉત્તર ભાગોળે જમીનતળથી નીચે બનાવેલા છૂપા બંકરમાં આશરો લેવા જતો રહ્યો હતો. નિશ્ચિત પરાજયના એ આખરી દિવસોમાં નાઝી સૈન્ય પડી ભાંગ્યું હતું. લશ્કર કે જાસુસીતંત્રની ગેરહાજરીમાં એ વખતે દુશ્મોને બર્લિન સુધી પહોંચતા રોકવાની અશક્ય જવાબદારી હિટલર યૂથના છ હજાર છોકરડાંઓને સોંપાયેલી હતી. માનવામાં ન આવે એવું પરાક્રમ દાખવીને જાનના જોખમે આ છોકરાએ એ ફરજ બજાવી પણ છેવટે બળુકી રશિયન સેના સામે તેમનો ઘોર પરાજય નિશ્ચિત જ હતો.
હિટલર યૂથના આટલાં લંબાણભર્યા પરિચય પછી હેરતઅંગેજ વાત હવે આવે છે.
બર્લિનની ભાગોળે પ્રવેશેલું રશિયન સૈન્ય હિટલરને શોધી રહ્યું હતું ત્યારે અમેરિનક સૈનિકોનું એક દળ હિટલર યૂથના એક ખાસ છોકરાનું પગેરું દબાવી રહ્યું હતું. તેમની પાસે કોઈ ઠોસ માહિતી ન હતી પરંતુ હિટલર યૂથનું એ જમાનામાં અતિ પ્રચલિત બનેલું એક પોસ્ટર હતું (જુઓ બાજુનો ફોટો), જેમાં હિટલરના કરડા ચહેરાની છાયામાં એક ગર્વોન્નત કિશોરનો ચહેરો ચિતરેલો હતો. પરાજય ભાળી ગયા પછી બંકરમાં છૂપાઈ ગયેલો હિટલર આત્મહત્યા કરતાં પહેલાં એક જ દિવસ માટે બહાર આવ્યો હતો. એ દિવસ હતો ૨૦ એપ્રિલ, ૧૯૪૫. હિટલરનો એ છેલ્લો જન્મદિવસ હતો. એ દિવસે તેણે હિટલર યૂથના કેટલાંક જાંબાઝ તરૃણોને બહાદુરીનો ચંદ્રક એનાયત કર્યો હતો અને એ ત્રણેય છોકરડાંઓને સલામત રીતે જર્મનીની બહાર મોકલી દેવાની સૂચના આપી હતી. એ ત્રણ પૈકીનો એક ૧૪ વર્ષિય કિશોર એટલે હિટલર યૂથના પોસ્ટરમાં દેખાતો સોહામણો છોકરો પોતે!
એ કોણ હતો? કોનું સંતાન હતો? યુદ્ધ પછી એ ક્યાં ગયો? બર્લિનમાં પ્રવેશેલા અમેરિકન લશ્કરે આ દરેક સવાલોના જવાબ મેળવવા આભ-પાતાળ એક કર્યા. હિટલર યૂથના પકડાયેલા દરેક સ્વયંસેવકોની આકરી પૂછપરછ કરી. કેટલાંકને તો વર્ષો સુધી ગેરકાયદેસર ગોંધી રાખ્યા પણ હિટલર યૂથના એ પોસ્ટર બોયનું પગેરું ક્યાંય ન મળ્યું તો ન જ મળ્યું. હિટલરના આર્કિટેક્ટ રહી ચૂકેલા આલ્બર્ટ સ્પિયરે યુદ્ધ પત્યા પછી ઈંગ્લેન્ડમાં આશરો લીધો હતો. તેણે ૧૯૭૦ આસપાસ કરેલા દાવા અનુસાર, હિટલરે જેમને સલામત દેશ બહાર મોકલવવાની સૂચના આપી હતી એ ત્રણેય છોકરાઓને પ્રથમ નોર્વે અને પછી આર્જેન્ટિના લઈ જવાયા હતા. અમેરિકા-રશિયાએ આલ્બર્ટ સ્પિયરના આ દાવાની ખરાઈ ચકાસવા પણ બહુ ઉધામા કર્યા હતા પરંતુ એ પોસ્ટર બોયનું કોઈ પગેરું હાથ લાગ્યું ન હતું.
આજે સાત દાયકા પછી ટેલિગ્રાફ દાવો કરે છે એ જીન મેરી લોરેટ હિટલરનો પોસ્ટર બોય હોઈ શકે?
સવાલ આસાન છે પણ તેનો જવાબ ઈતિહાસના ગર્ભમાં ક્યાંક દટાયેલો પડયો હોઈ શકે.

હિટલરના વારસદાર છે અને છે જ... શોધો!

 

મૃત્યુની અંતિમ પળો સુધી અપરિણિત રહેલો એડોલ્ફ હિટલર જાહેરમાં એવું કહેતો હતો કે, હું જર્મનીના હિતને પરણી ચૂક્યો છું અને મારા વિચારને વરેલો હરકોઈ જર્મન મારો વારસદાર છે. આમ છતાં, એ અંગત જિંદગીમાં એક સરમુખત્યારને છાજે એવો જ રંગીન હતો. ઈવા બ્રાઉન ઉપરાંત તેને અન્ય અનેક સ્ત્રીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા અને એ પૈકીની ત્રણેક સ્ત્રીઓ તો હિટલરની ખાસ ગણાતી. હિટલરની સેક્રેટરી રહી ચૂકેલી ગેર્ડા ક્રિશ્ચિયને સિત્તેરના દાયકામાં અમેરિકન પત્રકાર ચાર્લ્સ હેમિલ્ટનને આપેલી મુલાકાતમાં હિટલરને ર્વેના મેહેરિયન નામની સ્ત્રી મિત્ર થકી એક પુત્ર થયો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ગેર્ડાએ એવો દાવો કર્યો હતો કે, ર્વેના ગર્ભવતી થયા પછી હિટલરે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી પરંતુ ર્વેનાએ ડોક્ટરને સાધીને ગર્ભપાત ટાળ્યો હતો. ઓકે, તો પછી શ્વેના થકી થયેલા છોકરાનું શું થયું? હિટલરના નામની ધાક જુઓ. તેના મૃત્યુના સાડા ત્રણ દાયકા પછી પણ રશિયાએ ર્વેનાના છેડા શોધ્યા. હિટલરના મૃત્યુ પછી એ જ ડોક્ટરને પરણી ગયેલી ર્વેના નોર્વેમાં વસતી હતી. તેને ત્રણ સંતાનો હતા. ત્રણેય સંતાનોના રશિયાએ આઠ-દસ વખત ટેસ્ટ કર્યા. ડીએનએ ટેસ્ટની જેમ નવી ટેક્નોલોજી આવતી જાય તેમ રશિયા ચકાસતું રહ્યું. છેવટે ૧૯૮૮માં રશિયાએ સ્વીકારી લીધું કે એ ત્રણ પૈકી એકપણ સંતાન હિટલરનું નથી.

 

હિટલરે ટનબંધ સોનું ક્યાંક મોકલી દીધું છે. શોધો! 

 

હિટલરની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેણે માત્ર દોઢ દાયકામાં તદ્દન બેહાલ જર્મનીને ઔદ્યોગિક ઉત્પાદનની દૃષ્ટિએ યુરોપભરમાં અવ્વલ બનાવી દીધું હતું. એ ઉપરાંત હિટલરે યહુદીઓની કરોડો ડોલરની સંપત્તિ અને સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. અંધાધૂંધ પરિસ્થિતિમાં યહુદીઓએ સ્થાવર સંપત્તિ વેચીને સોનું ખરીદવાનું ચાલુ કર્યું તો નાઝી સૈનિકોએ સોનાના ગુપ્ત ખજાના જપ્ત કરી લીધા. એ રીતે હિટલર પાસે નાંખી દેતા ૪૦૦ ટન સોનું એકઠું થયું હોવાની વાયકા હતી. યુદ્ધ જ્યારે આખરી તબક્કામાં પહોંચ્યું ત્યારે હિટલરે ખાસ જહાજ દ્વારા આર્જેન્ટિના ખાતે ખજાનો ખસેડયો હોવાની વાયકાએ જોર પકડયું ત્યારે અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરનો પાંચ વર્ષનો લોગ ચકાસ્યો હતો. એમાં ત્રણેક શંકાસ્પદ જહાજો મિત્રરાજ્યોના હુમલાથી ડૂબી ગયાનું જાણ્યા પછી અમેરિકાએ સમુદ્રના તળિયા પણ ચકાસી લીધા હતા. છેલ્લે, ૧૯૯૨માં જર્મન યુદ્ધજહાજ બિસ્માર્કનો કાટમાળ શોધવા ગયેલા મરજીવાઓએ પણ આ કહેવાતા ખજાનાની તલાશી લઈ લીધી હતી. 

 

સસ્પેન્સના ૭ દાયકા શંકા તો છે જ પણ ખાતરી નથી

 

હિટલરના મૃત્યુને આજે સાત દાયકા થયા છે. સ્વાભાવિક રીતે જ જેમ જેમ સમય વિતતો જાય તેમ સત્ય પર પ્રકાશ ફેંકતા પૂરાવાઓ ઝાંખા થતા જાય. વાસ્તવિકતાઓમાં વાયકાઓ ઉમેરાઈને એટલી હદે એકરસ થઈ જાય કે સાચું- ખોટું પારખવું મુશ્કેલ બની જાય. જોકે આ મામલે પાશ્ચાત્ય દેશોની ઇતિહાસ પ્રત્યેની સભાનતા વધુ અક્સિર પૂરવાર થઈ છે.
ઐતિહાસિક તથ્યો સાથે જ નિસબત રાખતાં સંદર્ભ ગ્રંથો ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ સમયની ફિક્શન અને ફિલ્મોમાં પણ ઘણેખરે અંશે ઇતિહાસ સાથે લગોલગ કદમ મૂકવાનો પ્રયાસ થયો છે. એવી જ એક ફિલ્મ છે ડાઉનફોલ. ૨૦૦૪માં રિલિઝ થયેલી આ ફિલ્મની વિશેષતા એ છે કે તેમાં સર્વપ્રથમ વખત હિટલરના દૃષ્ટિકોણથી તેના આખરી દિવસોની વાત કહેવામાં આવી છે. હિટલર વિશે બનેલી અઢળક ફિલ્મો મોટાભાગે અમેરિકન અને બ્રિટિશ બેનરની હોવાથી તેમાં વિજેતાઓનો દૃષ્ટિકોણ સ્વીકારાયો છે. જ્યારે ફિલ્મ ડાઉનફોલમાં હિટલરને નૃશંસ અને ઘાતકી હત્યારા હોવા ઉપરાંત મોત માથે ભમતું હોય ત્યારે તેનો અભિગમ કેવો હોઈ શકે તેની કલ્પના આ ફિલ્મને હિટલર વિશેની શ્રેષ્ઠ ફિલ્મમાં સ્થાન આપી શકે છે.
આ યાદગાર ફિલ્મની બીજી વિશેષતા એ છે કે તેમાં હિટલર યૂથના એ રહસ્યમય અને તથાકથિતપણે હિટલરના પોતાના સંતાન કહેવાતા કિશોર સાથે હિટલરનો આખરી મેળાપ દર્શાવાયો છે (જુઓ નીચેની તસવીર). ફિલ્મમાં ક્યાંય એ હિટલરનો દીકરો હોવાની શંકા સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ તેની સાથેના હિટલરના મેળાપ પછી હિટલરની માંજરી આંખોમાં છવાતી ભીનાશમાં એ સંબંધ કશોક વિશિષ્ટ હોવાની છાપ જરૃર ઊભી થાય છે. ફિલ્મમાં હિટલરની સેક્રેટરી ટ્રોડી જંગનું સત્તાવાર બયાન પણ છે. ૨૦૦૨માં અવસાન પામેલી ટ્રોડીએ પણ હિટલરને દીકરો હોવાનો અને યુદ્ધના અંત પછી સલામત જગ્યાએ તેને મોકલી દેવાયો હોવાનો દાવો કર્યો હતો. હિટલર અને ઈવા બ્રાઉને ખરેખર આપઘાત કર્યો ન હતો અને તેમની જગ્યાએ ડમીને ગોઠવીને એ બંને તો નાસી ગયા હતા એવી એક માન્યતાના આધારે વિખ્યાત લેખક ઈરવિંગ વોલેસે અદ્ભૂત થ્રિલર નોવેલ લખી છે, ધ સેવન્થ સિક્રેટ. હાથ-પગ બાંધીને વાંચવા મજબૂર કરી દેતી આ નોવેલમાં પણ હિટલર અને ઈવા તેમના સંતાનના સંપર્કમાં હોવાની અને ફરીથી નાઝીવાદ ઊભો કરવા પ્રયત્નશીલ હોવાનું અત્યંત ચોંકાવનારી ઢબે કલ્પના થઈ છે.

 

વાયકા અનેક, ચિહ્નો પણ અનેક પણ ઠોસ પુરાવા ક્યાં ?
સાવિત્રીદેવી મુખર્જીઃ નાઝીવાદનું એક દિલચશ્પ પાત્ર

 

- યસ, એમનું નામ નખશીખ ભારતીય છે. સાડી પહેરેલો તેનો ફોટો જુઓ તો પણ એ ભારતીય જ લાગે. વાણી-વર્તન અને વ્યવહાર પણ અદ્દલ ભારતીય. પણ એ મહિલા ગ્રીક હતી. ભારતથી અત્યંત પ્રભાવિત થઈને ભારતીય નામ ઉપરાંત જીવનરીતિ સ્વીકારી ચૂકેલી સાવિત્રીદેવી ઉર્ફે મેક્ઝિમિયન પોર્ટાસ હિટલરની એટલી કટ્ટર સમર્થક હતી કે એક તબક્કે હિટલરના કહેવાતા દીકરાનું પગેરું શોધવા અમેરિકા અને રશિયાએ સાવિત્રીદેવીની પણ આકરી પૂછપરછ કરી હતી

 

એમની વાતની શરૃઆત સ્વામી વિવેકાનંદથી થાય અને અંત શંકરાચાર્યથી આવે. વચ્ચે વચ્ચે હરિવંશપુરાણ અને ગીતગોવિંદ અને તુલસીદાસની ચોપાઈ પણ આવતી રહે. કાર્લ માર્ક્સ વિશે એ બોલે ત્યારે ભલભલા અભ્યાસુઓ પણ મોંમાં આંગળા નાંખી જાય અને વોલ્તેયર કે નિત્સે વિશે કહે ત્યારે તેનો ગહન અભ્યાસ વર્તાયા વગર ન રહે. પહેલી નજરે એ ભારતીય વિદુષી કે સાધ્વી જ લાગે. એક તબક્કે અંગ્રેજોની આંખમાં પણ ધૂળ નાંખી ગયેલી એ મહિલાનું નામ મેક્ઝિમિયન પોર્ટાસ. ભારતીય ન હોવા છતાં સવાઈ ભારતીય બનેલી, જર્મન ન હોવા છતાં સવાઈ જર્મન બનેલી એ ભેદી, રહસ્યમય અને અત્યંત વિદ્વાન મહિલા ગ્રીક હતી. તત્વચિંતન અને રાજનીતિ જેવા બબ્બે વિષયમાં પી.એચ.ડી. કરી ચૂકેલી આ જાજરમાન અને બુદ્ધિમંત મહિલા ખરેખર કોણ હતી, એક વિદ્વાન હતી કે નાઝી જાસુસ હતી, તેનું હિટલર સાથેનું ઘનિષ્ઠ જોડાણ ખરેખર કેટલું હતું એ વિશે આજ સુધી ફોડ પાડી શકાતો નથી.
બાળપણથી જ અતિશય મેધાવી ગણાતી એ મહિલાને નાઝીવાદ સાથે ગાઢ સંબંધ હતો. એ ભારતમાં ક્યારે આવી તેના કોઈ પૂરાવા નથી પરંતુ એવી ધારણા છે કે હિટલર ખુદ તેની બુદ્ધિપ્રતિભાથી અત્યંત પ્રભાવિત હતો અને સામે સાવિત્રીદેવી ઉર્ફે મેક્સિમિયન પણ હિટલરના ઉગ્ર રાષ્ટ્રવાદથી મોહિત હતી. સ્વસ્તિકના ચિહ્ન, આર્યોના મૂળ વિશે તેનું સંશોધન હિટલરે જર્મનો કોલેજોમાં અભ્યાસક્રમ તરીકે દાખલ કરાવ્યું હતું. મેક્સિમિયન દૃઢપણે માનતી હતી કે સમગ્ર વિશ્વમાં શુધ્ધ રક્ત ફક્ત આર્યોનું જ છે અને જર્મન, ગ્રીક અને ભારતીયો જ મૂળ આર્યોના જનીન ધરાવે છે. આદર્શવાદથી પ્રેરાઈને નર્યો વાણીવિલાસ કરતી એ કહેવાતી વિદ્વાન ન હતી. તેણે લખેલા વીશથી વધારે પુસ્તકો જે-તે સમયે દુનિયાભરમાં ચર્ચાસ્પદ બન્યા હતા.
૧૯૩૦ પછી ભારત આવીને તેણે સાવિત્રીદેવી મુખર્જી જેવું નખશીખ ભારતીય નામ ધારણ કર્યું હતું અને શુદ્ધ હિન્દીમાં તેણે ભારતમાં અનેક વ્યાખ્યાનો પણ આપ્યા હતા. ભારતમાં પણ તેણે હિન્દુ રાષ્ટ્રવાદનું સમર્થન કરીને હિટલરની માફક હિન્દુઓને એકત્ર કરે તેવા આગેવાનની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો. સાવિત્રીદેવીના સ્વાંગમાં આ કહેવાતી વિદુષી મહિલા વાસ્તવમાં જર્મન જાસુસ છે એવી માન્યતા હેઠળ અંગ્રેજ સરકારે અગિયાર વખત તેમની અટકાયત કરી હતી પણ ક્યારેય કશું જ વાંધાજનક ન મળી આવતાં તેમની ગ્રીક નાગરિકતાને લીધે તેમને છોડી મૂકવા પડયા હતા.
આમ છતાં, સાંઠના દાયકામાં જ્યારે હિટલરના કહેવાતા દીકરાની વાયકાએ જોર પકડયું ત્યારે રશિયાના દમિત્રી કોરેન્દિન નામના જાસુસે દેશત્યાગ કરીને અમેરિકાનું શરણ લીધું ત્યારે હિટલરના દીકરાનું ઠેકાણું સાવિત્રીદેવીની જાણમાં હોવાના પૂરાવા આપ્યા હતા. હિટલરના આખરી દિવસોના રશિયાએ કબજે કરેલા પત્રો, નોંધ, ફાઈલ પૈકીની કેટલીક સરકારી સામગ્રીમાં એક વિદુષી મહિલાનો સાંકેતિક ઉલ્લેખ હતો અને ફ્યુરર (એટલે કે હિટલર)નો વિચાર અને વાસ્તવિક વારસો હવે એ દેખભાળ કરશે તેવી પણ નોંધ હતી. એ મહિલા એટલે સાવિત્રીદેવી મુખર્જી એવી ધારણા હેઠળ અમેરિકાએ પણ સાવિત્રીદેવીની સઘન પૂછપરછ કરી હતી.
એક તરફ આ મહિલા આટલી પ્રકાંડ પંડિત છે તો બીજી તરફ હિટલર જેવા માથાફરેલા માણસ પર પણ તેનો પ્રભાવ છે. એ નાઝીવાદની કટ્ટર અને જાહેર સમર્થક પણ છે અને ભારતીય દર્શનની અધિકૃત અભ્યાસુ પણ છે. આટલી તાજુબી ઓછી હોય તેમ, સાવિત્રીદેવીનું સૌથી મોટું પ્રદાન પ્રાણીઓના અધિકારો વિશેનું છે. સાંઠના દાયકામાં તેમણે પ્રાણીઓ પર થતી ક્રુરતા સામે વિશ્વવ્યાપી ઝૂંબેશ ચલાવીને વ્યાપક જાગૃતિ આણી હતી અને પ્રાણીઓના રક્ષણને લગતા આરંભિક વૈશ્વિક કાયદાઓ ઘડવામાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. ૧૯૮૨માં ઈંગ્લેન્ડ ખાતે અવસાન પામેલા સાવિત્રીદેવીએ મૃત્યુ સુધી પોતાના ભેદી વ્યક્તિત્વની શાખ અકબંધ રાખી હતી. મૃત્યુના દસેક દિવસ પહેલાં તેમણે પોતાના વસિયતનામાના છેલ્લા પેરેગ્રાફમાં અત્યંત રહસ્યમય ભાષામાં લખ્યું હતું, 'કેટલાંક લોકો કદી મરતા નથી. કેટલાંક સત્ય કદી સામે આવતાં નથી. દુનિયા પોતાનો ઢાંચો બદલતી રહે, સમય બદલાતો રહે, માન્યતાઓ પણ બદલાતી રહે પરંતુ કેટલાક સત્ય અકબંધ રહે છે. હું જઈશ એ સાથે જગતના કેટલાક ન ઓળખાયેલા સત્યો પણ જશે.'
એ ન ઓળખાયેલું સત્ય શું હશે? કે એ સત્ય ન ઓળખાય એમાં જ માનવજાતનું શ્રેય હશે?

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved