Last Update : 25-March-2012, Sunday
 

'પાસ્ટ પરફોર્મન્સ'ની સલામતીમાં ઘેનમાં આપણને 'લાસ્ટ પરફોર્મન્સ' ના લેખાજોખા બહુ ક્રૂર પડકાર લાગે છે!
સવાલ એ નથી કે કઈ ઉંમરે રિટાયર થવું,
સવાલ એ છે કઈ આવકે રિટાયર થવું!

સ્પેકટ્રોમીટર- જય વસાવડા

- સચીન મહાન છે, અને રહેશે. લોર્ડસમાં એણે કાદિરને ફટકારેલા છગ્ગાથી પાકિસ્તાન સામે આજે ય કરેલા ઝમકદાર ૫૧ રન સુધી જોઇને આ લખાય છે એની પાસેથી નવી પેઢીએ ઘણું ય શીખવા અને કેળવવા જેવું છે. સાવ નજીક છે, એવા અમુક વિક્રમો હજુ એ મેળવી લે, એ નિજી ખ્વાહિશ છે.

ડોકટરે દર્દીને તપાસતાં કહ્યું ''ઓકે. તો તમને હાથ-પગ-ગરદનના સાંધામાં દુખાવો થાય છે. ચક્કર આવે છે. થાક લાગે છે. આંખે નંબર આવ્યા છે. માથું ભારે લાગે છે. વાળ ખરતા જાય છે. પંજો ધુ્રજે છે, પગે સોજા ચડે છે, અને દાત દુઃખે છે. ટ્રીટમેન્ટ શરૃ કરતા પહેલા મારે ઉંમર પૂછવી પડશે. કેટલા વરસ થયા?''
દર્દી ઃ ''હજુ તો સાહેબ પાંત્રીસ જ થયા છે.''
ડોકટરઃ ''ઓહ, મતલબ યાદશક્તિ પણ ઘસાતી જાય છે!''
* * *
આ ટૂચકો અચાનક યાદ એટલે આવી ગયો કે એક અભૂતપૂર્વ કહેવાય એવું સ્ટેટમેન્ટ પૂરી સલામી સાથે લિવિંગ લીજેન્ડ કહેવાય એવા લાડીલા માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે કહ્યું ઃ 'ટોપ ફોર્મમાં હોય ત્યારે રિટાયર થઈ જવું એ તો સ્વાર્થીપણું (સેલ્ફિશનેસ) છે! હું તો હજુ ય દેશની સેવા કરવા માંગુ છું!'
ત્ત્વાંચીને પથારીમાં જ ગલોટિયું ખાઈ જવાય એવું ફની સ્ટેટમેન્ટ છે આ! પણ આપણી જનતાને હવે કદાચ મની અને મનોરંજન સિવાય બહુ કશો ફરક નથી પડતો! એરોગન્સ (યાને અહંકારથી ઉદભવતી ઉદ્દંડતા) કોઈ શર્ટના કોલર ઉંચા કરીને ત્રણ બટન ખુલ્લા રાખીને લટકતો જાડો સોનાનો ચેઈન આંખ પર વિદેશી ગોગલ્સ સાથે દેખાડે, ત્યારે જ પ્રગટ થતી હોય છે, એવું નથી. કરોડો ચાહકોની દુઆઓનો ફાળો વારંવાર પોતાની મરણતોલ જીંદગી બચાવવામાં બોલતા બિગ બી અમિતાભ એ ચાહકોની લાગણી ખાતર પૌત્રીની એક ઝાંખીપાંખી તસવીર પણ ન બતાવે, એ બિટવીન ધ લાઈન્સ એરોગન્સ સમજવા જેટલી સમજણ હજુ સમાજની વિકસી નથી.
એ જ રીતે સચીન તેંડુલકરની અવિસ્મરણીય ક્રિકેટ કારકિર્દી જેટલી ગગનચુંબી અને ઉજ્જવળ છે. એટલું જ આ વિધાન હાસ્યાસ્પદ અને સ્વકેન્દ્રી છે. એના જ લોજીકને આગળ વધારીએ, તો સુનીલ ગાવસ્કર કે અનિલ કુંબલે શું દેશદ્રોહી હતા, કે ટોપ ફોર્મમાં હતા ત્યારે નિવૃત્તિ લીધી? શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, કોર્ટની વોલ્શ, રિચાર્ડ હેડલી. ઈત્યાદિ (વહેલી ફિટનેસ ગુમાવી દેતા) બોલર્સ હોવા છતાં જ્યારે રિટાયર થયા, ત્યારે આસાનીથી વધુ ખેંચી શકે તેમ હતા. કેટલાક રેકોર્ડસ પણ હાથવેંતમાં હતા. પણ ઉંમર વધશે, એમ સમસ્યા ઘટશે નહિ, પણ વધશે એ કુદરતી સત્ય સ્વીકારીને એમણે 'તુ સી ના જાઓ...'ના ચાહકોના આંસુને એવોર્ડ માનીને કરિઅરમાંથી ક્વીટ કરી નાખ્યું. એમને તો આ અદભુત બ્રહ્મજ્ઞાાનની ખબર નહિ ને! જે જમાનામાં થકવી દેનારું આજ જેટલું ક્રિકેટ રમાતું નહિ એ જમાનામાં વીસ વરસ રમીને ચાલીસની ઉંમરે રિટાયર થનારા ડોન બ્રેડમેને ૯૯ રનની એવરેજ ફક્ત એક ઈનિંગ વધુ રમે તો ૧૦૦ની થઈ શકે તેમ હોવા છતાં ક્રિકેટ અગાઉથી નક્કી કર્યા વિના છોડી દીધું. તો એ શું સ્વાર્થી હોવાનું ઉદાહરણ કહેવાય કે મમત્વનો ત્યાગ કરનાર સ્થિતપ્રજ્ઞા હોવાનું?
કોઈ પણ પ્રોફેશનમાં મોટે ભાગે રિટાયરમેન્ટની ઉંમર આવે (જે પ્રોફેશન મુજબ અલગ-અલગ હોવાની) ત્યારે વ્યક્તિ હજુ ય થોડો સમય કામ કરવા ફિટ જ હોય છે, અને ઘણી વાર ટોપ ફોર્મમાં હોય છે. લશ્કરના સેનાપતિઓથી લઈ કોલેજના પ્રોફેસરો સુધી! એવું જ કંપનીના સીઈઓથી આઈએએસ અફસરો સુધી, બેન્કના ક્લાર્કથી બસના ડ્રાઈવર સુધી લાગુ પડે. પણ ક્યારેક તો તરવાનું છોડી, બીજાઓ માટે જગ્યા કરી, કિનારે બેસીને કોમેન્ટરી કરવાનું શરૃ કરવું પડે. આ બધાને દેશની સેવા (પગાર- વળતર- મેવા ખાઈને સ્તો!) કરવી હોય છે. પણ પીળું પાન જો ખરે નહિ, તો લીલી કૂંપળ ફૂટે કઈ રીતે?
અનિલ કુંબલેના સ્માર્ટ રિટાયરમેન્ટ સમયે (જેના પછી એનું ટોપ ફોર્મ એણે તો આઈ.પી.એલ.માં બતાવ્યું પણ ખરું) આ જ કટારના લેખમાં લખેલું ''જો સ્ટેજ પરથી એક્ઝિટ લીધા પછી પણ અસરકારક બનવું હોય, તો આ આશ્ચર્ય અને અધૂરપનો આંચકો અનિવાર્ય છે. થોડુંક આવ્યું હોય, એ ભોજનની 'અતૃપ્તિ'નો ભાવ સતત સ્વાદેન્દ્રિયોમાંથી 'કાશ, મિલતા થોડા ઔર જયાદા'નો રસ ઝરતો રાખે છે. આવો સ્ત્રાવ થતો હોય, ત્યારે જ અલવિદા કહી દેવી એનું નામ રિટાયરમેન્ટ!''
એથી યે વધુ અગત્યનું 'ટોપ ફોર્મ'માં હોવાનું જજમેન્ટ છે! સચીન જેવો અદ્ભુત અને મહાન ક્રિકેટર થયો નથી, અને થશે પણ નહિ! (બીજો અમિતાભ હોય જ નહિ, પહેલો શાહરૃખ કે હૃતિક હોય એવું જ કંઈક!) પણ સચીન મેઘધનુષના ઢાળ પર છે. નહિ તો એની કક્ષાએ એક સદી માટે ૩૩ ઈનિંગ્સની રાહ પછી ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાની પીચ કે શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પછી બાંગ્લાદેશની ઘરઘરાઉ 'પાટા' વિકેટ પર, સદી થાય ત્યારે ટીમની બેટિંગ એવરેજ ઘટી જાય એટલા દડા જાય એવું ન થાય! વિરાટ આજકાલ વારંવાર રમે છે, એવી એકલવીરની માફક એકલે હાથે ટોટલ કમાન્ડમાં છેક સુધી નોટઆઉટ રહી, કોઈ ચેઝ, ફાઈનલ-સેમી ફાઈનલ જેવી બિગ મેચ અન્ડરપ્રેશર સિચ્યુએશન અને અઘરી પીચ/ બોલિંગ સામે કરી હોય એવું છેલ્લા વર્ષોમાં સ્વભાવે જ સંયમિત, શિસ્તબધ્ધ સચીનથી ભાગ્યે જ થયુ છે. અલબત્ત, એણે જે કંઈ કર્યું છે, એ કોઈનાથી થયું નથી એનો ઈન્કાર હોઈ જ ન શકે. પણ મનુષ્યના અવતારમાં તો ભગવાનો ય ભૂલપ્રુફ કે નબળાઈવિહીન કે સર્વગુણસંપન્ન રહ્યા નથી! આટલું જો પ્રજા સ્વીકારે તો ધાર્મિકને ઉંચાઈને બદલે આધ્યાત્મિક ઉંડાઈ કેળવી શકે!
બસ, આ વાત ન સ્વીકારવી એ આપણા ઉપખંડની જનતાજનાર્દનની જમાના જૂની લાક્ષણિકતા છે. આપણે વીઆઈપી સિન્ડ્રોમમાં જીવતી વ્યક્તિપૂજક પ્રજા છીએ. વીઆઈપી માટે સીટ રિઝર્વ્ડ જ હોય, એણે સ્પર્ધામાં જાત સાબિત કરવાની ન હોય! એટલે સચીન જ નહિ, કોઈ પણ ક્રિકેટર એવું કહે કે 'હું તો એન્જોય કરીશ, ત્યાં સુધી રમીશ' ત્યારે આપણો રીતસર મેમરી લોસ થઈ જાય છે કે એ ટીમ ગેઈમનો પ્લેયર છે. ઈન્ડિવિજયુઅલ એથ્લીટ કે ટેનિસ, સ્વીમિંગ જેવી સિંગલ પ્લેયર ગેઈમનો ખેલાડી નથી. અને ટીમ દેશ માટે સિલેકટર્સ પસંદ કરતા હોય છે, જે આજનું પરફોર્મન્સ કેવું છે એના પરથી સિલેકટ થતી હોય છે. કોણ ગેઈમને એન્જોય કર્યા કરે છે, તેના પરથી નહિ! અને બે સીરીઝ નબળી જાય પછી સિલેકશન થાય એ જ વીઆઇપી સિન્ડ્રોમા પણ આપણે ત્યાં સિલેકટર્સ પણ રાજકારણીઓ અને કરોડરજ્જૂ વિનાના કુરનીશબાજો હોય છે. બે ટર્મ માટે જ પ્રેસિડેન્ટ ચૂંટતી અમેરિકન પ્રજાને જયોર્જ બુશ કહે કે મને તો હજુ ય મજા આવે છે, હો - તો ય એમણે નવા ઉમેદવાર માટે જગ્યા કરી દેવી પડે!
રમવાનું તો માર્ટીના કે કોનર્સ જેવા પ્લેયેર્સ મોટી ઉંમરે ચાલુ રાખી જીત પણ મેળવેલી, પણ પછી ત્યાં સુધીમાં શારાપોવા, વિલિયમ્સો જુવાનીના જોરે કાઠું કાઢી વધુ ફોકસમાં આવી ગયા હતા. પણ ભારતને બાળાસાહેબ (ઠાકરે) હોય કે (જયોતિ) બસુ, મનગમતા વડીલના વડલા વગર જાણે જીવન નોંધારૃ લાગે છે, અને ક્રેઝી ફેન્સ જીદ કરી એમને ટકાવી રાખે છે. પછી ઓન પેપર દેવ આનંદ ૮૯ વર્ષ સુધી એક્ટિવ હતા, એવું કહેવાય પણ એ ભવ્ય ભૂતકાળનું કેરિકેચર બની રહ્યાં હતા - એવું કહો તો સુંવાળી, મોટી ઉંમરે પણ નવજાત અવસ્થાની ડૂંટીની નાળ કાપવાને બદલે ઝાલી રાખતી પ્રજાને માઠું લાગી જાય!
વડીલપુજક સમાજને લીધે જ ઉત્તમોત્તમ કંઠ ધરાવતા લતાજીની બધાએ એટલી પૂજા કરી કે ગુલશનકુમારે અનુરાધા પૌડવાલનું વાવાઝોડું ઉભું કરી પછી કવિતા, અલકા કે આજે સુનીધિ, શ્રેયા જેવી સિંગર્સના સાયકોલોજીકલ સ્વીકાર માટે જગ્યા ન કરી આપી - ત્યાં સુધી હેમલતાઓ, સુમન કલ્યાણપુરો તો ઠીક, આશા માટે ય જગ્યા જ ના થઈ! વળી, આત્મવિશ્વાસના જન્મજાત અભાવમાંથી પ્રગટતી ભવિષ્ય અંગેની ભીરૃતાને લીધે કરોડોના દેશમાં બીજું કોઈ સારૃં ગળું ય શોધો તો મળી શકે, એવી એડવેન્ચરસ આશા કે સર્ચિંગ સ્વભાવ આપણે કેળવ્યો જ નથી! ભૂતકાળને વળગી રહેવું, અને ભવિષ્યને હડસેલો મારતા રહેવો એ આપણી ઈમોશનલ વીકનેસ છે. માટે પરિવારની પાસ્ટ ગ્લોરીને વટાવીને હજુ ય રાહુલ ગાંધી દેશને દોરવાની પોતાની એલીજીબિલિટી સિધ્ધ કરી રહ્યાં છે.
એટલે જ મનોમન યુવાની પર ભરોસો મૂકી એને ધંધાની બાગડૌર સોંપવામાં વેપારી પિતા ડરીને એ પોતાના હાથમાં રાખે છે. એટલે જ માતા દીકરીને વારસામાં સંસ્કારના નામે સાહસ નહિ પણ પરંપરા આપે છે. એટલે સ્તો, પ્રજાના પૈસે જીવતા 'સેવક' એવા બાબુલોગને આપણે જાણે માલિક માની બેઠા છીએ! ચેમ્પીયન બનવું હોય તો રૃથલેસ બનવું પડે, વેવલા નહિં.
આપણી અંદર એવું જ એક બીજું મસમોટું બાકોરૃં છે. ગ્રીડ. મોહ, લોભ, તૃષ્ણા, ટોલ્સ્ટોયની પેલી વાર્તા 'હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ?' યાદ છે? સૂરજ ઢળે એ પહેલા જેટલું દોડી શકે એટલી જમીન તારી એવું જાગીરદારે કહ્યું, અને ખેડુત ખાસ્સી જમીન મેળવ્યા પછી પાછા ફરવાને બદલે હજું આટલા મીટર, દોડી જાઉં, હજુ જરાક આટલું જોર કરી લઉં, એવું વિચારવામાં ક્ષમતા બહાર શરીર ખેંચતો ગયો. અને સાંજ પડવા લાગી, ત્યારે પાછા ફરવા માટે ય દૂરથી વધુ જોર કરવું પડે તેમ હતું, અંતે ફસડાઈ પડયો - અને કબર માટેની ૬ ફીટ જગ્યા જ એને આખરે દફન થયો, ત્યારે મળી!
રેકોર્ડ (અને રૃપિયાની) લાલચ પણ આવું જ ચક્કર છે. એક પૂરો કરો ત્યાં બીજો સામે આવે વધુ દોડવાનો ધક્કો આપે. વિક્રમો સર્જવા એ ઉત્તમ બાબત છે. પણ માત્ર આંકડાઓને જ ફોકસમાં રાખ્યા કરવા એ સારી બાબત નથી! સચીન જેવા સફળ સેલિબ્રિટી કરતા ય આ એના પાગલ પૂજકોએ વધુ સમજવા જેવું છે. જીંદગીની સફરમાં

 

એક રેકોર્ડ કે એવોર્ડ નોંધાયો, એ સરસ મઘમઘતો બગીચો આવ્યો. ત્યાં થાક ઉતારો, આનંદ કરો. એ ક્ષણની મજા માણો. પણ પછી ત્યાં જ મંઝિલ નથી. વળી યાત્રા ચાલુ કરવાની છે. રાહુલ દ્રવિડે કહ્યું કે હું નિવૃત્તિ પછી બાળકોને સ્કૂલે તેડવા-મૂકવા જઇશ. ગુડ. મીન્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી એ રિટાયર થાય છે,

લાઇફમાંથી નહિં! કેવળ ચોગ્ગા-છગ્ગા જ એન્જોય કરી શકાય એવું નથી. ફેમિલી સાથેની ખટમધુરી મોમેન્ટસ પણ એન્જોય થઇ શકે. બોયકોટે કોમેન્ટ્રી એન્જોય કરી, તો નવી પેઢીએ એની રમત કરતાં ય વધુ એની કોમેન્ટ્રીમાં એન્જોય કર્યું! રિફલેકસ એકશન ધીમા થવાથી ખેલાડીએ રમવાનું કયારેક છોડવું પડે, નવા લોહીને અજમાવવા (એવી ટેલન્ટ કયાં છે? એવું પૂછતાં પહેલાં ફલોપ સિનિયર્સને જેટલા ચાન્સ ચાંદીની તાસક પર મળે છે, એવા ટેન્શનલેસ ચાન્સીઝ આપવા જોઇએ!) પણ રમત છોડવી ફરજીયાત નથી. જુદી જુદી ભૂમિકામાં એની સાથે કનેકટ થઇ શકાય છે!
લેકિન સચીન- જેને દેશની સેવા કહે છે, એ કંઇ પોતડી પહેરીને થતી દાંડીકૂચ નથી. કરોડોના એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાકટસ અને પ્રાઇઝ મની છે. ક્રિકેટ એન્જોય કરવાવાળા પાસે રણજી જેવી ટુર્નામેન્ટસ માટે સમય હોય કે ન હોય, આઇપીએલ એન્જોય કરવાનો સમય હોય જ છે! કારણ કે, એમાં લખલૂંટ કમાણી છે. બરાબર છે, જે સારૃં રમે એ વધુ પૈસા મેળવે, એમ જ હોવું જોઇએ. પણ ભારત વર્ષમાં પ્રજા ક્રિકેટ પાછળ એટલી આંધળી બનીને સાવ નકામા મેચ જોવામાં ય ઘેલી અને સટ્ટાખોર છે કે બીજી રમતના કોઇ ખેલાડીઓને જૂતાં લેવાના ય પૈસા નથી મળતાં! પોઇન્ટ એ છે કે કોઇ ક્રિકેટર માત્ર દેશની સેવા નથી કરતો, પોતાના બેન્ક બેલેન્સ-સેવા પહેલાં કરે છે. એના માટે તો આપણું બોર્ડ મોંગોલિયા અને સુદાન સાથે ય ટુર્નામેન્ટ ગોઠવે તેમ છે! ટોપ ફોર્મ કરતાં વધુ કમાણીની ટોચ બધાને દેખાતી હોય છે. પછી એમાંથી જાગે છે મિડિયામાં ઠલવાતી અહોભાવની આતશબાશીની આંખો આંજી દેતી ચકાચૌંધ!
જેમાં ક્રિકેટ કરતાં ક્રિકેટરને વધુ ચાહતો સમાજ એ જમીની વાસ્તવિકતા જોઇ નથી શકતો કે ૧૯૯૬માં રાહુલ દ્રવિડ ટેસ્ટમાં આવ્યા પછી ૧૬ વર્ષે આપણે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં, ૧૮ વર્ષે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં અને ૩૫ વર્ષ (લારાવાળા) વેસ્ટ ઇન્ડિઝને વેસ્ટ ઇન્ડિઝમા હરાવ્યું ત્યારે દરેકમાં દ્રવિડ મેન ઓફ ધ સીરિઝ હતો. પાકિસ્તાનને આઝાદી પછી પાકિસ્તાનમાં હરાવ્યું ત્યારે મેન ઓફ ધ મેચ હતો. જયાં સ્પર્ધાત્મકતાની સાચી કસોટી છે, અને સગવડિયું કમ્ફર્ટેબલ ક્રિકેટ નથી એવા ઓવરસીઝમાં છેલ્લા વર્ષને બાદ કરતાં દ્રવિડે સદી કરી હોય અને ભારત મેચ હાર્યુ હોય એવો ફકત એક જ ટેસ્ટ હતો! જયારે ભારતના ૧૩ વિદેશની ધરતી પરના ટેસ્ટ વિજયમાં ફકત એકમાં (ન્યુઝીલેન્ડ સામે) સચીન મેન ઓફ ધ મેચ હતો. દ્રવિડ સચીનથી ૨૪ ટેસ્ટ ઓછી રમ્યો, ૭ વર્ષ મોડો આવ્યો. કોઇ પણ ભારતીય માટે (ઇઝી એવી) સ્વદેશી પીચને બદલે ઓવરસીઝમાં વધુ એવરેજ મેળવી, વિશ્વમાં સચીન પછી ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો અને એને ખબર નહિં કે ટોપ ફોર્મમાં હો (જે હજુ ઇંગ્લેન્ડ સામે એ હતો જ)ને નિવૃત્ત થવું એ તો 'સ્વાર્થીપણું' કહેવાય, એટલે 'દેશસેવા' કર્યા વિના જ જતો રહ્યો!
સચીન મહાન છે, અને રહેશે. લોર્ડસમાં એણે કાદિરને ફટકારેલા છગ્ગાથી પાકિસ્તાન સામે આજે ય કરેલા ઝમકદાર ૫૧ રન સુધી જોઇને આ લખાય છે એની પાસેથી નવી પેઢીએ ઘણું ય શીખવા અને કેળવવા જેવું છે. સાવ નજીક છે, એવા અમુક વિક્રમો હજુ એ મેળવી લે, એ નિજી ખ્વાહિશ છે.
એને રમતો ના જોવો એટલે જાણે આખી જુવાનીને ભારે હૈયે વિદાય આપવી. એની સમીક્ષામાં લિજ્જત જ એ છે કે એ બેટથી જવાબ આપે, ત્યારે સાચા પડવા કરતા ખોટા પડવામાં વધુ આનંદ આવે ! એ ફિટ અને હિટ હોય, તો એ ભલે ૭ વર્લ્ડ કપ રમવાનો વિક્રમ નોંધાવે પણ રિફલેક્સીસ ધીમા પડે, એ બચાવવા એ સિલેક્ટિવ મેચીઝ રમે ત્યારે પોતાને નિઃસ્વાર્થ દેશસેવક સાબિત કરવાનો નાટકીય દંભ કરવાને બદલે આટલા અનુભવે હવે નવલોહિયાઓનું નેચરલ ગ્રમિંગ મેદાનની અંદર- બહાર કરતો રહે. બીજી રમતોના પાનસિંહ તોમરો માટે પોતાના પ્રચંડ પ્રસિદ્ધિ અને સમૃદ્ધિનો ઉપયોગ કરે. ખેલદિલીથી પોતાની રન અને ધનની ખાણ, દબાણ અને તાણ સ્વીકારે એ ભારત રત્ન બને કે ન બને, એ ભારત હ્ય્દય તો છે જ.
એની સિદ્ધિઓ અને સજજતા બેજોડ છે. એ એકમેળ સચીન છે, એટલે તો એની ચર્ચા કરવાનું મન એના માટેની ચાહતમાંથી જન્મે છે પણ જે વસ્તુ જરૃર કરતા વધુ ખેંચાય, ત્યારે એની પક્કડ ગુમાવી દેતી હોય છે આ લેખ પણ!
ફાસ્ટ ફોરવર્ડ
'સચીને કયારે નિવૃત્તિ લેવી, એ એને જ નક્કી કરવા દો' (દુનિયાભરનું મિડિયા)
'સચીને કયારે નિવૃત્તિ લેવી, એ અમે નક્કી કરીશું!' (દુનિયાભરના સ્પોન્સર્સ!ઃ)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved