Last Update : 25-March-2012, Sunday
 
 

વિશ્વામિત્ર 'રાજર્ષિ'માંથી 'બ્રહ્મર્ષિ' કેવી રીતે થયા ?

સ્પાર્ક - વત્સલ વસાણી

 

- અહંકાર સિવાય પરમાત્મા અને આપણી વચ્ચે બીજી કોઈ બાધા નથી. માત્ર અહંકારનો પડદો દૂર થાય તો ચોમેર આપણને એમની ઉપસ્થિતિનો અનુભવ થશે

 

હિન્દ ધર્મશાસ્ત્રોમાં આવતી આ એક પ્રાચીન કથા છે ઃ
વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રિય હતા. ક્ષત્રિય પરિવારમાં જન્મેલા અને બ્રાહ્મણ થવાની અથક ચેષ્ટા કરતા હતા. ક્ષત્રિય હોવાથી સંકલ્પ તો એમનામાં હતો જ. એટલે ઘોર તપશ્ચર્યા કરવામાં એ લાગી ગયા. લોકો એમને 'રાજર્ષિ' તરીકે ઓળખવા લાગ્યા. પણ વિશ્વામિત્રની ઇચ્છા 'બ્રહ્મર્ષિ' તરીકે સન્માનિત થવાની હતી.
એ વખતમાં બ્રહ્મર્ષિ એમને જ કહેવામાં આવતા જેમને પોતાને પણ 'બ્રહ્મમજ્ઞાાન' થયું હોય. જેમનું જીવન બ્રહ્મય થઇ ગયું હોય તે જ ખરા અર્થમાં બ્રાહ્મણ છે. વસિષ્ઠ આવા બ્રાહ્મણ હતા. લોકો એમને 'બ્રહ્મર્ષિ' કહીને નવાજતા. અને એ બધા એવું માનતા હતા કે જયાં સુધી વસિષ્ઠ માન્યતા ન આપે, વિશ્વામિત્રને 'બ્રહ્મર્ષિ' કહી શકાય નહીં. બ્રહ્મજ્ઞાાની જ બીજા બ્રહ્મજ્ઞાાનીને ઓળખી શકે. વિશ્વામિત્રના શિષ્યો વારંવાર વસિષ્ઠ (ઋષિ) સમક્ષ આવીને નિવેદન કરતા કે વિશ્વામિત્રને તમે બ્રહ્મર્ષિ તરીકે સ્વીકારો અને જાહેરમાં એમને બ્રહ્મજ્ઞાાની કહીને નવાજો. કોઈપણ ધર્મસભામાં જયાં વસિષ્ઠ હોય ત્યાં વિશ્વામિત્રને પણ નિમંત્રણ મળતું અને જયારે સંબોધન કરવાનો સમય આવતો ત્યારે વસિષ્ઠ વિશ્વામિત્ર માટે 'રાજર્ષિ' શબ્દનો ઉપયોગ કરતા. બ્રહ્મર્ષિ કહીને ક્યારેય નવાજતા નહીં. વિશ્વામિત્રને આ વાત કાયમ વાગ્યા કરતી. એમનો અહંકાર ઘવાતો. ક્ષત્રિયનું લોહી અંદરથી તપી જતું, પણ થાય શું ?

વસિષ્ઠને કોઈ પૂછતું કે તમે એમને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા ? .. તો એમનો જવાબ સદા એક સરખો જ રહેતો - 'બ્રહ્મર્ષિ' એ કોઈ ડિગ્રી નથી. માગવાથી બીજું બધું મળે છે પણ બ્રહ્મજ્ઞાાન એ કોઈ માગવાની કે કોઈના દ્વારા બક્ષિસ યા વારસામાં મળતી વસ્તુ નથી. એ માટે તો વ્યકિતએ પોતે જ યાત્રા કરવી પડે છે. અહંકારની કાળમીંઢ શિલાઓને ચરણની ધૂળ (બારીક રેતી) સુધી લઇ જવાની એ યાત્રા છે. 'હું કંઇક છું. મારી અવગણના કેમ ? હું બધાથી આગળ, બધાથી ઉપર..' આવી જેમના મનમાં ઇચ્છા કે ચેષ્ટા છે તે સદા બ્રહ્મજ્ઞાાનથી દૂર જ રહે છે, કેમ કે એ વિપરીત દિશામાં જવાની ચેષ્ટા છે.
જન્મથી કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય તરીકે ભલે ઓળખાય પણ હકીકતમાં તો એ એક અનુભવ છે. જે સમજે છે તે તો કહે જ છે કે જન્મથી તો બધા જ શૂદ્ર હોય છે. બ્રાહ્મણ ઘરમાં જન્મનાર વ્યકિત પણ અંદરથી શૂદ્ર હોઇ શકે અને શૂદ્રના ઘરમાં જન્મનાર જો બ્રહ્મજ્ઞાાની બને તો એને બ્રાહ્મણ જ કહેવાય. ક્ષત્રિયનો સ્વભાવ છે સંઘર્ષ, સતત ચેષ્ટા, પોતાના જ પ્રયાસ દ્વારા ઇચ્છિત વસ્તુને મેળવી લેવાની એકધારી મથામણ. પણ બ્રહ્મજ્ઞાાન માત્ર ચેષ્ટાથી મેળવી શકાતું નથી. એ તો પરમાત્માનો પ્રસાદ છે. હાથ પ્રસારીને અસ્તિત્વના ચરણમાં જે નમી જાય છે તેની જ અંજલિમાં આત્મજ્ઞાાનનો પ્રસાદ વરસે છે. જેના અંતરમાં અહંકારનો એક નાનકડો પણ અંશ નથી, જે સતત અને બેશરત અસ્તિત્વના ચરણમાં નમેલ રહે છે તે જ બ્રહ્મજ્ઞાાન માટે લાયક બને છે. વિશ્વામિત્ર નમવા માટે રાજી ન હતા. એમને તો એમ જ હતું કે કોઇ પણ વસ્તુ પ્રયાસથી મેળવી શકાય છે. ઘોર તપશ્ચર્યા કરવામાં આવે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલી જાય છે તો બ્રહ્મજ્ઞાાન કેમ ન મળે ? ક્ષત્રિયનું લોહી હજુ પણ જીતવાની જીદ લઇને બેઠું હતું. જયારે પરમાત્માના મંદિરનું પહેલું પગથિયું પણ ત્યાંથી જ શરૃ થાય છે, જયાં વ્યકિત હાર કબૂલે છે. પોતાનો પ્રયાસ જેને નાનો લાગે છે. અંજલિમાં મહાસાગર ઠાલવીને જીવવાની જીદ જેને વામણી લાગે છે તે જ બ્રહ્મ મંદિરના પ્રવેશદ્વાર પર ઊભા રહેવાની પાત્રતાને પામે છે.
વિશ્વામિત્રે વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા કરી પણ વસિષ્ઠના મુખેથી - 'બ્રહ્મર્ષિ' શબ્દ ન જ નીકળ્યો. પ્રયાસ કે સાધના જયારે અહંકારને એકઠો કરવાનું માધ્યમ બને છે ત્યારે આવું જ થાય છે. વ્યકિતને લાગે છે કે હવે હું લાયક છું. મેં મારી જાતને બિલકુલ વિશુદ્ધ કરી લીધી છે, પણ જયાં સુધી અંદર અહંકાર છે, પોતે બિલકુલ 'લાયક' છે એવો જયાંથી ઉદ્ઘોષ આવે છે, તે સાધુના કપડામાં છૂપાયેલો શેતાન છે. અને તે અહંકાર જ બ્રહ્મર્ષિ થવામાં બાધક છે.
આમ ને આમ વર્ષો વીતી ગયા. વિશ્વામિત્ર હવે વૃદ્ધ થયા. એક દિવસ શિષ્યોએ કહ્યું કે અમે આખરી વાર એમની પાસે ગયેલા પણ એ બુઢ્ઢો હજુ પણ જીદ છોડતો નથી. એ તો કહે છે કે વિશ્વામિત્ર હજુ પણ બ્રાહ્મણ નથી થયા. ક્ષત્રિય હતા અને આટઆટલા તપ પછી ક્ષત્રિય જ રહ્યા છે.
આટલી વાત સાંભળતાં જ રાફડામાં સૂતેલો સાપ ફેણ મારીને બેસી ગયો. ક્રોધ ફરીથી ભભૂકી ઊઠયો. સાધુસંતનો સ્વાંગ ઘડીભરમાં અસ્તવ્યસ્ત બની ગયો. અંદરથી ક્ષત્રિયનું લોહી ગરમ થઇ ગયું. એમણે તલવાર લીધી. પૂર્ણિમાની રાત હતી. એ તો ગયા વસિષ્ઠના આશ્રમમાં. અડધી રાત્રે પણ બ્રહ્મચર્ચા ચાલતી હતી. શિષ્યોનું વૃન્દ આસપાસ બેઠેલું હતું. આવા સમયમાં તલવાર લઇને ધસી જવું યોગ્ય ન લાગ્યું. એટલે મોકાની રાહ જોઈને વિશ્વામિત્ર એક મોટા વૃક્ષની પાછળ છૂપાઈ ગયા. બધા જાય એટલે એકલા પડેલા વસિષ્ઠને રહેંસી જ નાખવા છે અને બતાવી દેવું છે કે મને 'બ્રહ્મર્ષિ' ન કહેવાનું પરિણામ આખરે શું આવ્યું ?!
વાર્તાલાપ ચાલુ હતો. વિશ્વામિત્ર કાન સરવા કરીને બધી વાત સાંભળી રહ્યા હતા. એવામાં એક શિષ્યે પૂછયું - 'વિશ્વામિત્રને આપ 'બ્રહ્મર્ષિ' કેમ નથી કહેતા ? એમની તપશ્ચર્યા સામે આપ કેમ નથી જોતા ? ... એમની પીડા તો સમજો.. ! હવે કેટલીક વાર છે ?'
વસિષ્ઠે કહ્યું - 'બસ, અણી પર આવી ગઈ છે વાત. બધું પૂરું થવાની તૈયારીમાં છે. માત્ર એક જ પગલું આગળ ભરાય એટલે હું તૈયાર છું. એ માત્ર બ્રાહ્મણ જ નહીં, શ્રેષ્ઠ બ્રાહ્મણ બની શકે એવી એમની સંભાવના છે. પાતળો એવો અહંકારનો પડદો હજુ બાકી છે. એ તૂટે તો એ બ્રાહ્મણ જ છે. અને એક બીજી વાત પણ કહી દઉં કે અત્યારે પણ એ તમારા કરતાં વધારે સારા બ્રાહ્મણ છે.
આસપાસ એકઠા થયેલા શિષ્યો જન્મ- જાત બ્રાહ્મણ હતા. આથી વસિષ્ઠે કહ્યું 'એમને જો તમારા જેવા બ્રાહ્મણ થવું હોય તો 'બ્રહ્મર્ષિ' કહીને નવાજવામાં મને કોઈ વાંધો નથી. પણ હું જોઈ રહ્યો છું કે એ સુપાત્ર છે. એમનામાં અગાધ શકિત અને સંભાવના છે. આથી હું થોડી વધુ પ્રતીક્ષા કરું છું અને કોઈ પણ ક્ષણે એમનામાં બ્રહ્મનો વિસ્ફોટ શક્ય છે.'
આટલું વાક્ય હજુ પૂરું પણ નથી થયું ત્યાં તલવાર ફેંકીને વિશ્વામિત્ર વસિષ્ઠના ચરણમાં ઢળી પડયા. આંખોમાંથી વહેતી અશ્રુધારાએ વસિષ્ઠના ચરણ પખાળ્યા. અચાનક વસિષ્ઠના મુખેથી શબ્દો સરી પડયા, 'ઊઠો, બ્રહ્મર્ષિ ! જે અંતિમ બાધા હતી તે હવે તૂટી ગઈ છે.'
ઓશો આ કથાના સંદર્ભમાં કહે છે - 'અહંકાર' સિવાય પરમાત્મા અને તમારી વચ્ચે બીજી કોઈ દિવાલ નથી. તમે પોતે જ પરમાત્મા છો. માત્ર અહંકારનો પડદો દૂર કરો.. અને ચોમેર તમને એની ઉપસ્થિતિનો અનુભવ થશે.'
ક્રાન્તિબીજ
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
ને રાખજો રૃડી રીત રે,
ધીખતી ધરતી જુઓ ત્યાં તો
પાથરી દેજો પ્રીત રે...
- ગંગાસતી

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved