Last Update : 25-March-2012, Sunday
 

પટલાણીનું ભાગ્ય ઊઘડશે? એ અમેરિકા જશે?

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

- 'અરે, તને સારી રીતે ઓળખે છે. તારા બાપા અને એવાએ એક જ ગામમાં રહેતા હતાને? અને ફળિયા ય પાસે પાસે. તને નાનપણમાં એ જોતા. બોલાવતા ય ખરા. પણ રહે! હું એમને જ ફોન આપું.'

 

પટલાણીના સગા કાકાનો દીકરો જશુભાઈ વર્ષોથી અમેરિકા હતો. એ થોડા સમય માટે ભારત આવવાનો હતો. પટલાણીને અને જશુભાઈને બચપણની દોસ્તી. જશુભાઈ એમના પિયરનો પડોશી. પટલાણી એને જશિયો જ કહે અને જશિયો પટલાણીને કમુડી કહે.
ચરોતરમાં તો જશભાઈ, બાબુભાઈ, રમણ, ઝવેર, કમળા, જમના જેવાં નામો બહુ પ્રચલિત. નામમાં ફેશનનો મોહ એમને બહુ નહિ.
જશુભાઈ ભારત આવે છે એ વાત ફોન પર સાંભળીને તરત પટલાણીએ બચપણની ભાઈબંધીને યાદ કરીને કહ્યું ઃ 'જશુ...'
'જશુ નહિ, જશિયો કહે'..જશુએ હસતાં હસતાં કહ્યું.
'જશિયા'...! પટલાણી ખીલખીલ હસતાં કહેવા લાગ્યાં ઃ 'જો તારે અહીં મારે ઘેર જ સીધા આવવાનું છે. બીજે ક્યાંય જાય તો મારા સમ.'
જશુભાઈનું ગામમાં ઘર હતું, થોડા સગાવહાલાય ખરા. પણ નિકટનું કોઈ નહિ. એટલે એનેય વિચાર આવ્યો કે ગામમાં ઊતરવા કરતાં કમુનું ઘર સારું. પણ પેથાભાઈને ગમે?
જશુ વિચાર કરેતે પહેલાં જ પટલાણીએ કહી નાખ્યું ઃ 'તારા જીજાનોય બહુ આગ્રહ છે..'
'એમનો મને ક્યાં પરિચય છે?'
'અરે, તને સારી રીતે ઓળખે છે. તારા બાપા અને એવાએ એક જ ગામમાં રહેતા હતાને? અને ફળિયા ય પાસે પાસે. તને નાનપણમાં એ જોતા. બોલાવતા ય ખરા. પણ રહે! હું એમને જ ફોન આપું.'
પટલાણીએ ફોન પેથાભાઈને આપ્યો અને ધીમેથી કાનમાં ફૂંક મારી ઃ 'જશુને બરાબર આગ્રહ કરજો. કેટલાં બધાં વરસે આવે છે?'
પેથાભાઈએ જશુભાઈને ભારોભાર આગ્રહ કરીને એમને ત્યાં જ ઊતરવાનો વાયદો લીધો.
પેથાભાઈ જશુભાઈ સાથે ખાસ સંબંધમાં નહિ,પણ પટલાણીને રાજી કરવા એમણે ય ખાસ આગ્રહ કર્યો.
જશુએ આમંત્રણ વધાવી લીધું. એનેય મનમાં, બચપણની કમુ હવે કેવી હશે, એના છોકરા, વહુને ગમશે? જીજા ય પહેલાં જેવા હશે? બદલાઈ ગયા હશે? એવા વિચારો આવતા રહ્યા.
અને એક વહેલી સવારે પેથાભાઈ અને એમનો બાબલો બંને એરપોર્ટ પરથી વાજતેગાજતે જશુભાઈને કારમાં તેડી લાવ્યા.
જશુએ નાનપણની કમુને જોઈ. ચાર આંખો હસી રહી. બંનેનો ઉમળકો વાતવાતમાં પ્રગટ થતો રહ્યો. ફેન્ટાએ એને નમસ્કાર કર્યા. પહેલી જ નજરે એ સંસ્કારી લાગી. જશુભાઈ થોડીજ વારમાં કુટુંબનો થઈ ગયો. પેથાભાઈએ 'બાપા'ની ઓળખાણ કરાવી. બાપાને બહુ પરખ થઈ નહિ. પણ જશુના બાપનું નામ નટવર સાંભળ્યું એટલે કહે - નટવર? નટવર દેસાઈ? અરે ઓળખ્યો. નટુ, નટુ. તું એનો છોકરો?
'હા, દાદા. એ તો હવે નથી. હું અમેરિકા છું.'
'ત્યાં લગન કર્યા છે?'
'ના, દાદા.'
'હારું કર્યું. ત્યાંની મડમડીઓ તો જુવાનજોધ છોકરાઓ પર એવી ભૂરકી નાખે છે કે એ બધા પછી મડમડીને જ દેખે છે. એની પાછળ લટ્ટુ થઈ જાય છે. એને ઉતાવળે પરણી બેસે છે... ને પછી મડમડી તો એક પડતો મેલીને બીજો, ને બીજાને તરછોડીને ત્રીજો. નાતરા જ કરતી રહે છે.'
જશુ હસી પડયો. મોટે મોટેથી બધી વાત કહી સંભળાવી ઃ 'દાદા! હવે આપણા લોકો મડમથી ભરમાતા નથી. દાદા! આપણી પટેલોની તો હવે ત્યાં બહુ જ વસ્તી થઈ ગઈ છે. ગુજરાતી લોકોમાં પટેલનો નંબર પહેલો આવે. એક આખું ગામ ન્યુ જર્સી તો પટેલોનું જ શહેર છે.'
દાદા ખુશ થયા - 'હવે અહીંથી પરણીને જજે.'
પટલાણી હસવા માંડયાં. જશુને ધીમેથી કહે ઃ 'તારે માટે એક છોકરી જોઈ રાખી છે.'
થોડા દિવસોમાં જ જશુના આગમનથી ઘરનું વાતાવરણ કિલ્લોલતું બની ગયું. પેથાભાઈને પણ એની જાતજાતની વાતોમાં રસ પડવાલાગ્યો. અમેરિકાની ઝીણી ઝીણી બાબતો ય તેમણે સાંભળી.
પેથાભાઈની સાથે કારમાં જશુ એના ગામ પણ જઈ આવ્યો. ગામ બદલાઈ ગયું હતું. ગામનો કૂવો પુરાઈ ગયો હતો. સડક ડામરની થઈ ગઈ હતી. અને બસ દોડતી હતી. એ એના સગાઓને મળ્યો, બધાને જશુના નવા દેદારથી નવાઈ લાગી. કેટલીક પૂછપરછ જશુને ગમી નહિ. સગાસંબંધી હજુ એને જૂનવાણી લાગ્યા. એનાં ઘરડાં ફોઈફુવાએ એને પ્રેમથી શીરોપુરી ખવડાવ્યાં. પેથાભાઈ લાંબી લપ્પનછપ્પનથી કંટાળ્યા હતા. એટલે ચારેક વાગતાં એમણે જશુને ઈશારો કર્યો - હવે જઈએ.
જશુનેય બદલાઈ ગયેલું ગામ ગમ્યું નહિ. એને તો જુનું વડ નીચે ચોતરાવાળુ, ધૂળિયું ગામ જોવું હતું.
સાંજે તો બંને શહેરમાં પાછા આવી ગયાં. પટલાણી તો એના બાળપણના ભેરુને અછોવાનાં કરતી હતી. એની તો વાતો ખૂટે જ નહિ અને એમાંય અમેરિકા વિશે પાર વિનાનું કુતૂહલ સમાય નહિ. મમ્મીની ઉત્સુકતા જોઈને બાબલાએ મજાક કરી ઃ 'જશુમામા! મમ્મીને અમેરિકા લઈ જાવ. એને બહુ હોંશ છે' અને પછી હસતાં હસતાં ઉમેર્યું ઃ 'એને સપનામાં ય અમેરિકા દેખાય છે.'
બાબલાએ તો ગમ્મતમાં વાત કરી હતી, પણ જશુમામાએ તેને ગંભીરતાથી વધાવી લીધી ઃ 'કમુ! સાચેસાચ તારે અમેરિકા જોવું છે? હું તને લઈ જઉં...'
પટલાણીની આંખો અને મોઢું બંને પહોળાં થઈ ગયાં ઃ 'હેં...એ..એ..' એવો આશ્ચર્યનો અને આશાનો ઉદ્ગાર નીકળી ગયો.
જશુએ કહ્યું ઃ 'હું ગમ્મતમાં નથી કહેતો. ખરેખર કહું છું. ભલે, પંદર દિવસ માટેય તું અમેરિકા આવ. તું જો તો ખરી! તને સ્વર્ગ જેવું લાગશે.'
પટલાણીના મોઢામાં તો જાણે લાપસીનો કોળિયો પડયો, એ હરખાઈને બોલી પડયાં ઃ 'સાચે જ? મારે તો આવવું જ છે... પણ તારા જીજા...'
'અરે એમને ય સાથે લઈ જઈશ. એક કરતાં બે ભલા.'

પટલાણીને તો હરખ અને ચિંતા બેય એકસાથે થવા માંડયાં. એ તો વર્ષોથી અમેરિકા જવા કૂદી રહ્યાં હતાં. પણ જશુના જીજાજી? એ કંઈ તૈયાર થાય? એ સાવ ઘરરખુ છે. ક્યાંય બહારગામ જવાની વાત જ નહિ. એ મૂર્તિ વળી અમેરિકા જાય? મને ય જવા દે?'
પટલાણીએ મોટો નિઃશ્વાસ નાખ્યો.
બાબલો અને ફેન્ટાને પાકી જાણ હતી કે મમ્મીને અમેરિકા જવાનો ક્રેઝ છે. બાબલાએ વાત પકડી લીધી. મમ્મીને કહે ઃ 'પપ્પાને જશુમામા સમજાવશે. એમને ય જોડે લેવાના છે... પછી ચિંતા શી?' અને જશુમામાને જ કહ્યું ઃ 'મામા! તમે જ પપ્પાને આગ્રહ કરીને તૈયાર કરો. એ બહુ જક્કી છે. એ જાય નહિ અને મમ્મીને ય બિચારીને ઘરમાં ગોંધી રાખે.'
પટલાણીને દીકરો વહાલો વહાલો લાગ્યો. એણે કહ્યું ઃ 'બાબલા! તુંય પપ્પાને બરાબર ઠોક પાડીને કહેજે. એમને મનાવવાનું તારું કામ.'
જશુભાઈ કહે ઃ 'તમે ફિકર ના કરો. જીજાજીને હું લપેટમાં લઈશ. સાળા તરીકે હું હક બજાવીશ. મને ના નહિ પાડે.'
પટલાણી કહે ઃ 'તને ખબર નથી. લાકડાનો લાડુ છે. એમ ભાંગે તેવો નથી.'
ફેન્ટાએ કહ્યું ઃ 'મમ્મી, હું ય પપ્પાને બહુ બહુ આગ્રહ કરીશ. તમારી કેટલાં વર્ષોની ઇચ્છા છે. ના કેમ પાડે? એ ય સાથે જ આવશે.'
પટલાણી ફેન્ટા પર વારી ગયાં ઃ 'વાહ! તું મારી દીકરી!'
જશુભાઈ કહે ઃ 'આપણે બધાં જ આગ્રહ કરીશું.'
બાબલો કહે ઃ 'ના માને તો એમની સામે ધરણાં...'
જશુભાઈ કહે ઃ 'એવો સમો નહિ આવે. જીજા મારી ઈચ્છાને માન આપશે. મને મારી બહેનને અમેરિકા બતાવવાની બહુ જ હોંશ છે. સાથે જીજા ય ભલા! એક કરતાં બે.' પટલાણી ચિંતા, કુતૂહલમાં સપડાયાં હતાં.
(ચાલુ)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved