Last Update : 25-March-2012, Sunday
 

જાતને જડેલા જવાબો...

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

જાતને જડેલા જવાબો...

શા માટે?
લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈં તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૃપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઈલાજો શા માટે?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી?
'પી' 'પી' કહેનારા બોલે છે, આ 'પાજો' 'પાજો' શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
નમન-નમનમાં હોયે છે કૈં વધતો-ઓછો ફેર નકી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાની-છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે - 'મધુકર'નો મલાજો શા માટે?
- મધુકર રાંદેરિયા

ગુજરાતી રંગભૂમિના તખ્તા પર સિધાર્થ રાંદેરિયાને અભિનય કરતા જોવા એ લ્હાવો ગુજરાતી પ્રજા આજકાલ ખોબલે ખોબલે અનુભવે છે. એમના પિતાશ્રી મધુકર રાંદેરિયાની યાદ એમના એક નાટકને જોતાં જોતાં તાજેતરમાં ફરી એકવાર જીવંત થઈ. અને ગુજરાતી ગઝલના શરૃઆતના જાજરમાન, મોભાદાર અને આજે પણ સાંભળવા ગમે એવા શેરો સ્મૃતિમંત થયા. એમાંનો એક કહું? સાંભળો...
''હું આપની વાતો ના માનું
એવું તો કશુંયે ખાસ નથી
પણ આપની વાતો જાદુ છે,
જાદુમાં મને વિશ્વાસ નથી''
શેર વાંચ્યા પછી નીકળેલી વાહ જાનદાર શેરની મહામૂલી સોગાદ છે. ગમતી વ્યક્તિ આપણને ફોસલાવી દેવામાં ઉસ્તાદ હોય છે. ત્યાંથી જ પ્રેમ પ્રથમ પગથિયું ચઢવાની શરૃઆત કરે છે. પ્રસ્તુત ગઝલ આવા જ 'હકાર'ને મેળવવા ઝંખતા ઝૂરાપાનો તરાપો છે. હવે શહેરમાં ચકલી અને કાબર ઓછા થતાં જાય છે. 'કાગડા'ઓની સંખ્યા એમની એમ, હેમખેમ છે. ક્યાંક પુષ્કળ પ્રમાણમાં સુલભ થઈ ગયેલું શબ્દકર્મ પણ જવાબદાર હોય! અતિશયોક્તિ એ અશક્ત સર્જનનું પરિણામ છે.
ઘણી વ્યક્તિને સંબોધવા માટે કોઈ ને કોઈ આડશની જરૃર પડે છે. તો જ તમે એના ગળામાં ઘંટ બાંધી શકો! કવિ એ જ રીતે વાદળને નામે ગમતી વ્યક્તિને કહે છે કે તમે વરસો અથવા વિખરાઈ જાવ પરંતુ અમથા ગાજવાનું બંધ કરો! બોલવા કરતાં કરેલા કામની સાર્થકતા વધારે હોય છે. આમ પણ એટલે જ કહેવાયું છે કે સેવાને જીભ નથી હોતી!
ઘૂંઘટ આપણી ભારતીય રસપરંપરાનું પ્રતીક છે. સૌંદર્યના વખાણ પહેલાં સસ્પેન્સ ઊભું કરવાનું એ માધ્યમ છે. જેનાથી કવિતામાં કે કહેવાની વાતમાં નવો રંગ-નવો જોમ ઉમેરાય છે. પણ વાસ્તવિકતા તો ઘૂંઘટ ખોલીને જોવાની ચહેરાની કવિતામાં છે. કવિ વડીલોની લાજ કાઢવાના એ સમયના રિવાજોને સીધો પ્રહાર કરે છે.
પતંગિયું આગમાં બળી ન જાય એ માટે આગ ઓલવવાની કે પતંગિયાને કાઢી મૂકવાની જરૃર નથી. પ્રેમની દુનિયા પાગલ છે અને એમાં વહેવારુ ઈલાજો નથી ચાલતા! એમાં તો પ્રેમ પોતે જ પોતાનો કાયદો ઘડે છે.
હવે મયખાનામાં જે 'પી' 'પી' કહેતા હતા એ પોતે જ 'પાજો' 'પાજો' બોલે છે. આ હાલત કેવી રીતે થઈ? ક્યાંક સફળતાનો નશો સંતોષનું સરનામું ભૂલી જાય છે ત્યારે આવી દશા આપણા નસીબ ઉપર રાજમુગટ પહેરે છે!
હૃદયમાં જે જન્મે છે એ મહોબ્બતને હૃદયમાં જ દફનાઈ જવા દો પછી એને નિઃસાસા અને આંસુનો જનાજો કાઢીને યાદ રાખવાની ગુસ્તાખી કરવા જેવી નથી. સમયસર શરૃ થતી વાત લંબાવ્યા વગર પૂરી થાય ત્યારે સમયનું એક ચક્ર ફળીભૂત થતું હોય છે.
નમન કરવું, વંદન કરવા અને નમેલી આંખોથી કોઈકને નવાજવા એ બધામાં ફેર છે. શરમ એ તો આ બધાનું મોરપિચ્છ છે. ગમતી વ્યક્તિ આવું કરે છે ત્યાં જ આપણી મહત્તા અને પ્રેમની શરૃઆત થાય છે.
તમારા માટે જ આ દિલ અનામત રાખ્યું છે પરંતુ થોડીક ધીરજ રાખવી એ પણ પ્રેમનું સૌંદર્ય જ છે. તમે ઉતાવળ કરશો તો અને રોજ તકાજો કરશો તો તકને વિસરીને સહન કરવું પડશે. ફૂલોથી મધુકરનો મલાજો રાખવો એ તો હવાની ગેરહાજરીમાં આબોહવાનું માન રાખવા જેવું છે!
જીવનના હકારની આ કવિતા એવા પ્રશ્નો પૂછે છે જે સ્વયં જવાબો છે. આપણને પ્રતિપ્રશ્નમાંથી જવાબો શોધતા આવડે છે પણ પ્રશ્નો પોતે ઉત્તર બને ત્યારે જીવવાનું વધુ સરળ અને સહેલું બને છે. દુનિયાના પ્રશ્નો દુનિયાને મુબારક પણ જાતને જડેલા જવાબો એ તો આપણી પ્રસન્નતાનો ઉત્સવ છે. આ કવિતા વાંચતી વખતે પ્રત્યેક ધબકારા જૂની મખમલની ચાદર ઓઢીને ઠંડીની રાહ જોયા વગર હૂંફની માત્રાનો વધારો કરતી અનુભૂતિ છે. મધુકર રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના ઈતિહાસનું જમાપાસું છે અને ગુજરાતી રંગભૂમિ એમના દીકરા સિધ્ધાર્થ રાંદેરિયા પર આફરીન છે! રંગભૂમિના પલ્લા પર એમનું વજન ખાસ્સું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved