Last Update : 25-March-2012, Sunday
 

શેર-એ-ક્રિકેટ ઃ સચિન તેંડૂલકર

પારિજાતનો પરિસંવાદ - ડૉ.કુમારપાળ દેસાઈ
 

- ખુદ મહાન ક્રિકેટરો પણ જેને માત્ર સ્વપ્નમાં જુએ, તે સચિન તેંડુલકરે વાસ્તવિક રીતે હાંસલ કર્યું અને ક્રિકેટના ઈતિહાસમાં બ્રેડમેન, લેન હટન, ગ્રેગ ચેપલ, વિવિયન રિચાર્ડસ, બ્રાયન લારા એ બધા દિગ્ગજ ખેલાડીઓમાં સચિન તેંડૂલકર સૌથી મહાન બેટ્સમેન સાબિત થયો છે.

મનઝરૃખો

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. ૧૮૦૯ થી ઈ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમ્યાન અદ્ભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે અમેરિકાની સ્વાધીનતાના પાયામાં 'ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,' એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઇ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.' અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરટે અભિનંદન આપતાં કહ્યું,
'મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.'

 

આડત્રીસ વર્ષના સચિન તેંડૂલકરે ૧૯૮૯ના નવેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ગઇ ૧૬મી માર્ચે એણે એકસો આંતરરાષ્ટ્રીય સદીનો વિક્રમ હાંસલ કર્યો. સદીની સદી કરવાનો સચિન તેંડૂલકરનો વિક્રમ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઇ ચૂક્યો છે અને કોઇ થોડાં વર્ષોમાં તો આ વિશ્વવિક્રમની નજીક નથી, તેથી એ પેઢીઓની પેઢી સુધી અણનમ રહેશે તે નિશ્ચિત છે.
ખુદ મહાન ક્રિકેટરો પણ જેને માત્ર સ્વપ્નમાં જુએ, તે સચિન તેંડુલકરે વાસ્તવિક રીતે હાંસલ કર્યું અને ક્રિકેટના ઈતિહાસમાં બ્રેડમેન, લેન હટન, ગ્રેગ ચેપલ, વિવિયન રિચાર્ડસ, બ્રાયન લારા એ બધા દિગ્ગજ ખેલાડીઓમાં સચિન તેંડૂલકર સૌથી મહાન બેટ્સમેન સાબિત થયો છે. ક્રિકેટના આ એવરેસ્ટ સચિન તેંડૂલકરમાં સતત સાત વિશિષ્ટ બાબતો છે.
એક એનો નમ્ર, મહેનતુ, મધ્યમ-વર્ગીય ઉછેર અને એને અનુરૃપ અભિગમ. એના પિતા રમેશ તેંડૂલકર અધ્યાપક હતા અને એની માતા પણ નોકરી કરતા હતા. એના ભાઇ અજિતે સચિનને માટે આ રમતનાં દ્વાર ખોલી આપ્યાં. એની પત્ની અંજલિ પણ સતત સાથ આપતી રહી. આ મધ્યમવર્ગીય કુટુંબમાં સિદ્ધિ અને સંપત્તિઓની રેલમછેલ આવી હોવા છતાં એમના જીવન પ્રત્યેના વલણમાં લેશમાત્ર પરિવર્તન આવ્યું નહીં. પોતાના અંગત જીવનને પોતાની રમતથી દૂર રાખવાનું પસંદ કરતાં સચિન તેંડૂલકરની એની પત્ની સાથેની ઘણી ઓછી તસવીરો જોવા મળશે અને અંજલિનો ઈન્ટરવ્યૂ તો ભાગ્યે જ વાંચવા મળશે. આમ આ કુટુંબે સિદ્ધિ અને સમૃદ્ધિ દિમાગ પર કોઇ અસર કરી જાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખ્યું અને તેથી આજ સુધી આ કુટુંબની ઘણી બાબતો અંગત જ રહી છે. ભારતીય ક્રિકેટરોની પત્નીઓમાં પણ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં સજી-ધજીને બેસવાની પ્રણાલિકા છે, જેથી ટેલિવિઝન પર એ સહુને દ્રશ્યમાન થાય. અંજલિએ ક્યારેય સ્વપ્નમાં પણ આવો વિચાર કર્યો નથી અને તેથી સચિનની મધ્યમવર્ગીય નમ્રતા આજે પણ એના પરિવારમાં જોવા મળે છે.
સચિનની બીજી વિશેષતા તે ભારતીય ગુરુપરંપરામાં ઘણી ગાઢ શ્રદ્ધાની છે. આથી જ્યારે તક મળે ત્યારે પોતાની ટેકનિકની ક્ષતિઓ વિશે વિચારે છે અને પોતાના નિશાળના અભ્યાસકાળ દરમ્યાનના ગુરુ રમાકાંત આચરેકરને મળવા દોડી જાય છે. આ ગુરુ શિષ્ય પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવે છે અને તેઓ તો એમ માને છે કે સચિને હજી પણ રમવાનું ચાલુ રાખવું જોઇએ. નિવૃત્તિ લેવાની કોઇ જરૃર નથી. સચિન તેંડૂલકર વિદેશના પ્રવાસે જતાં પૂર્વે અને વિદેશથી પાછા આવ્યા બાદ પોતાના એંસી વર્ષના ગુરુ રમાકાંત આચરેકરને મળવા માટે જાય છે. આ રીતે સચિનની ગુરુભક્તિ પણ એક સૌજન્યશીલ માનવીને શોભે એવી છે.
તેંડૂલકરની ત્રીજી વિશેષતા એ તેની રમત પ્રત્યેની એકાગ્રતા અને સમર્પણશીલતા. સચિનને આદર્શ મોટર રેસની ફોર્મ્યુલા-વનનો ચાલક માઇકલ શુમાકર છે અને એના જેવી એકાગ્રતા એ એની બેટિંગમાં રેડવા સતત કોશિશ કરે છે. સચિન એનું ચિત્ત આખુંય ક્રિકેટ પર જે રીતે 'ફૉક્સ' કરે છે, તેવા ખેલાડીઓ આજે વિશ્વક્રિકેટમાં જડવા મુશ્કેલ છે. એની ક્રિકેટ પ્રત્યેની એકાગ્રતા અને સમર્પણશીલતા અદ્વિતીય હોવાથી સચિન વય વધવાની સાથોસાથ સિદ્ધિઓ પણ મેળવતો રહ્યો છે અને ક્રિકેટના અનેક પડાવ વટાવીને આગળ ધપતો રહ્યો છે. નેટ પ્રેકિટસની બાબતમાં તો સચિને કમાલ કરી છે. ગઇકાલે સદી કરી હોય, તો પણ આજે એ સમયસર નેટ-પ્રેક્ટિસમાં હાજર થઇ જાય. ફોર્મમાં હોય કે ફોર્મમાં ન હોય, પણ વહેલી સવારે ઊઠીને નેટ-પ્રેક્ટિસ કરવાની નક્કી. પોતાની કારકિર્દીના સતત ત્રેવીસ વર્ષ સુધી આ નેટ-પ્રેક્ટિસ કરવાની નિયમિતતા એણે જાળવી રાખી છે તે અસાધારણ વાત છે.
સચિનની ચોથી વિશેષતા છે એની બેટિંગ-ટેકનિક. ક્રિકેટની 'મૅથડ' જાળવીને છટાદાર રીતે રન નોંધાવવાની કલા એણે હસ્તગત કરી છે. બેટિંગને એટલી આસાન બનાવી છે કે એની રમતમાં ઝડપ, સાહજિકતા અને સરળતા જોવા મળે છે. સચિન સતત સંપૂર્ણતા માટે કોશિશ કરતો હોય છે, આથી બેટિંગમાં રહેલા દોષને વિડિયોમાં જોઇને જાણે છે, ત્યારે એ તરત પોતાના એ દોષને દૂર કરવા માટે પ્રયાસ કરે છે. આને પરિણામે ગોલંદાજો એના પર પ્રભુત્વ મેળવી શકતા નથી. એક જમાનામાં ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ટેકનિકનો મહિમા હતો. એ પછી વન-ડે અને ટી-૨૦ આવતાં ટેકનિકની બાબતોમાં ખેલાડીઓનું વલણ શિથિલ બન્યું. રન સાથે જ નિસબત હોવાથી એ ખેલાડીઓ આડેધડ સ્ટ્રોક લગાવવા માંડયા છે. જ્યારે સચિનની બેટિંગમાં ભાગ્યે જ આવો આડેધડ લગાવાતો સ્ટ્રોક જોઇ શકાય.
સચિનની પાંચમી બાબત છે એની દ્રઢ સંઘભાવના. કૃષ્ણમાચારી શ્રીકાંતના નેતૃત્વની હેઠળ કારકિર્દીની શરૃઆત કરનાર સચિન ખુદ સુકાની બન્યો અને આજે મહેન્દ્રસિંહ ધોનીના હાથ નીચે રમે છે. એક જમાનામાં ભારતીય ટીમમાં કપિલદેવ અને બિશન બેદી અથવા તો ગાવસ્કર અને કપિલદેવ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. વાડેકર અને બેદીને પણ વિશેષ બનતું નહોતું, જ્યારે સચિન તેંડૂલકરની ખૂબી એ છે કે દરેક કૅપ્ટન સચિનને ઈચ્છતો હોય છે, એટલું નહીં પણ જો સચિન કદાચ નબળો દેખાવ કરે, તો એ સુકાની એનો સબળો બચાવ કરતો હોય છે. કોઇ નવો સવો ખેલાડી પણ સુકાની બને, તો એને સહકાર આપવામાં સચિન ક્યારેય પાછીપાની કરતો નથી. ડ્રેસિંગરૃમમાં સચિનની હાજરી ટીમને આત્મવિશ્વાસ આપતી હોય છે.
એક ટીમ-મેન તરીકે સચિનની આગવી વિશેષતા એ છે કે એ દરેક ખેલાડીને સતત ઉપયોગી થવાનો વિચાર કરતો હોય છે. એણે જોયું કે અજિત આગરકર મુંબઇની ટીમમાં મુખ્યત્વે બેટ્સમેન તરીકે રમતો હતો અને થોડી ગોલંદાજી કરતો હતો. સચિને એને મુખ્ય ગોલંદાજના રૃપમાં ફેરવી નાખ્યો. આજના વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ સચિને શીખવેલા પાઠ માટે તેનો આભાર માને છે અને કપરી ક્ષણોમાં નિષ્ફળતાથી ઘેરાય ત્યારે માર્ગદર્શન માટે સચિનની પાસે દોડી જાય છે અને સચિન પાસેથી હૂંફ અને માર્ગદર્શન બંને પામે છે.
સ્વસ્થતા તો કોઇ સચિન તેંડૂલકર પાસેથી શીખે. વિનોદ કાંબલીથી માંડીને શિવસેનાએ સચિનને વિવાદમાં ધકેલવાનો પ્રયાસ કર્યો, ત્યારે સચિને ક્યારેય એની સ્વસ્થતા ગુમાવી નથી. શેન વોર્ન કે મલિંગા જેવા ગોલંદાજોએ સચિનને ખબર પાડી દઇશું એવી બડાશો હાંકી ત્યારે સચિને ક્યારેય એનો શબ્દોથી પ્રત્યુત્તર આપ્યો નથી. માત્ર બેટથી જ જવાબ આપ્યો છે. વારંવાર ઈજાઓથી પરેશાન થતો રહ્યો. પીઠનો દુઃખાવો, કોણીનો દુઃખાવો, ખભાનો દુઃખાવો અને શરીરના બીજા ભાગોનો દુઃખાવો પણ ક્યારેય એણે ઈજાની રોકકળ કરી નથી અને સાજો થઇને ફરી મેદાન પર આવ્યો છે.
આજના સમયમાં ક્રિકેટર પણ ફિલ્મસ્ટારની માફક લાઇમ લાઇટમાં રહેવા માટે સતત ધમપછાડા કરતા હોય છે, ત્યારે સચિન સદાય લાઇમ લાઇટથી દૂર રહે છે. ખેલાડીઓને વિવાદ સર્જવા માટે ઉશ્કેરવા માટે ઓસ્ટ્રેલિયન પ્રેસ જાણીતું છે. સચિને આવાં કોઇપણ વિદ્યાનોનો ક્યારેય જવાબ વાળ્યો નથી અને તેથી શેન વોર્ન કે ગ્રેગ ચેપલ પાસેથી બેફામ નિવેદનોનો જે 'ગરમ મસાલો' મિડિયાને મળે છે, તેવો ક્યારેય સચિન પાસેથી મળ્યો નથી.
ખેલાડી વિક્રમ સર્જે, ત્યારે પોતાની સિદ્ધિની વાત કરતો હોય છે અને ત્યારે થોડી બડાશ પણ લગાવતો હોય છે. જ્યારે સચિને પ્રત્યેક સિદ્ધિને ઘણી હળવાશથી લીધી છે. એની આ સ્વસ્થતાને કારણે જ સચિન ખેલાડીઓનો આદર્શ (રોલ મૉડલ) બની ગયો. ભારતનો અને ક્રિકેટની રમતનો એમ્બેસેડર ગણાયો.
ક્રિકેટની રમત મેદાન પર ખેલાય છે, એના કરતાં ખેલાડીના મનમાં ખેલાતી હોય છે. એમાં પણ ગયા વર્ષે ૧૨મી માર્ચે સચિન તેંડૂલકરે દક્ષિણ આફ્રિકા સામે ૯૯મી સદી કરી. પછી દુનિયા આખી એની એકસોમી સદીની રાહ જોતી હતી. સચિન રેસ્ટોરાંમાં જાય કે મિત્રોને મળવા જાય, તો બધા એક જ સવાલ કરતા કે તમે એકસોમી સદી ક્યારે કરશો? ક્યારેક એમ લાગતું કે પોતે કરેલી ૯૯ સદીઓ જાણે સાવ ભૂલાઇ ગઇ છે! એ રમવા જાય ત્યારે સ્ટેડિયમ પર, એ શહેરમાં અને ટેલિવિઝન પર- બધે જ એની એકસોમી સદી અંગેની એક પ્રકારની પ્રચંડ ઉત્સુકતા જોવા મળતી. તેત્રીસ- તેત્રીસ દાવ ખેલ્યો, પણ સદી હાથ લાગી નહીં. ૯૯મી સદીને એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો અને તે દરમ્યાન સચિનના ટીકાખોરો કહેવા લાગ્યા કે સચિને ખરેખર તો વિશ્વકપ પછી નિવૃત્ત થઇ જવાની જરૃર હતી. કોઇએ કહ્યું કે સચિને નિવૃત્તિ લઇ લેવી જોઇએ, કારણ કે એ ટીમને માટે બોજારૃપ બની ગયો છે. કોઇએ તો સિલેકશન સમિતિને એવી હાકલ કરી કે સચિન જાતે ન જાય, તો એને રુખસદ આપી દો!
આ બધા પ્રવાહોની વચ્ચે સચિને જે માનસિક સ્વસ્થતા દાખવી, તે ક્રિકેટના ઈતિહાસમાં બેમિસાલ છે. ક્રિકેટને ધર્મ લેખતા ભારતમાં ખેલાડી ઉપર અપેક્ષાઓનું પ્રચંડ દબાણ આવતું હોય છે. આવે સમયે સચિને બાંગ્લાદેશના મીરપુરમાં એકસો આડત્રીસ દડામાં સદી પૂરી કરી. એણે જે સ્થળે સદી હાંસલ કરી તે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ છે અને સચિન એ મેદાન પર શેર-એ-ક્રિકેટ બની રહ્યો.
ક્ષણનો સાક્ષાત્કાર
દેહનો પડછાયો જોઇએ છીએ અને પાછળ પાછળ આવતા પોતાના પડછાયાને ઓળખીએ છીએ, પરંતુ વ્યક્તિની પાછળ માત્ર દેહનો જ પડછાયો આવતો નથી. એની પાછળ સતત એના કર્મનો પડછાયો ચાલતો હોય છે. આંખોથી પાછા વળીને વ્યક્તિ પોતાનો પડછાયો જુએ છે, પરંતુ મનથી પાછા ફરીને પોતાના કર્મનો પડછાયો જોતી નથી.
એણે કરેલાં શુભકર્મોનો સાથ એને જીવનભર મળતો રહે છે, જે રીતે એને એના પડછાયાનો સાથ મળે છે. એ પોતાનાં અશુભ કર્મોનો પડછાયો ભૂલી જવા ચાહે છે, એના તરફ આંખ મીંચે છે, એની ઉપેક્ષા કરે છે. સમય જતાં વિસ્મૃત થઇ જશે એમ માને છે, પરંતુ એના અશુભ કર્મનો પડછાયો એનો પીછો છોડતો નથી. એ ગમે ત્યારે, ગમે તે કાળે અને ગમે તે સમયે પ્રગટ થાય છે. આથી વ્યક્તિએ પોતાના દેહના પડછાયાના વિચારની સાથે કર્મના પડછાયાની વિશેષ ચિંતા કરવાની જરૃર છે.
એક નાનું અશુભ કર્મ વેરનું એવું વાવેતર કરે છે કે, મહાભારત સર્જાય છે અને મનમાં જાગતી સામાન્ય શંકા રામાયણ સર્જે છે, આથી માણસે એના શુભ-અશુભ કર્મના પડછાયાનો વિચાર કરવો જોઇએ, કારણ કે બીજો પડછાયો તો એને છોડી જાય છે, પણ કર્મનો પડછાયો માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ એની લગોલગ રહે છે અને વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડતો હોય છે!

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved