Last Update : 25-March-2012, Sunday
 

લાઈટહાઉસ પ્રકરણ - 9

- ધૈવત ત્રિવેદી

 

ગત રવિવારે આપણે જોયું...
હોમ મિનિસ્ટર દયાલ સાહાએ તેની ઔકાતનું ભાન કરાવ્યું. છેવટે સાહાએ જ તેને તમામ દિવાદાંડીનું લિસ્ટ તૈયાર કરવા અને તાત્કાલિક અસરથી વિરમને બગીખાના ચોકીને બદલે અન્યત્ર ખસેડવા સુચના આપી. બીજી તરફ, માનસિંહ મહાલમાંથી ઝડપાયા પછી રાવીને ખબર પડી કે તેણે જેની સામે ગન તાકી છે એ જૂનો સાથીદાર અભરામ સુમરા છે ત્યારે તેને પણ રાહત થઈ. સુમરા, અભિમન્યુ અને રાવી મટિયાવાડ ખાતે સુમરાના એક ખાનગી ઠેકાણે આશરો લીધો. રાતભરના ઉજાગરાને લીધે થોડીક ઊંઘ ખેંચ્યા પછી આગળનો પ્લાન વિચારવો એમ નક્કી કરીને સુમરા ઊંઘી ગયો પણ રાવી અને અભિમન્યુ વચ્ચે ચણભણ થઈ તેમાં સુમરા જાગી ગયો. તેણે બંનેને કડકાઈથી ટપાર્યા અને ત્રણેય હવે એકબીજાની જરૃરિયાત સમજે એ જરૃરી છે એવું સમજાવીને સુમરો ઊંઘી ગયો. એ વખતે રાવી પોતાની કિટ ગોઠવી રહી હતી અને અભિ તેને જોઈ રહ્યો હતો. અભિએ રાવીની કીટમાંથી ખુલી ગયેલા રોડ એટલાસ પર નજર માંડી હોત તો તેને ખ્યાલ આવ્યો હોત કે તેણે ત્રણ-ચાર જગ્યાએ માર્કિંગ કર્યા હતા અને દરિયાકાંઠાની એ દરેક જગ્યાએ દિવાદાંડી હતી. હવે વાંચો આગળ...

 

- તે વિરમને સવાલો પૂછતો હતો અને એ સાલો તેની હાંસી ઊડાવતો હતો ત્યારે તેણે ભયાનક ગુસ્સામાં વિરમનું માથું ભીંત સાથે અફળાવ્યું હતું. એ પછી તેણે વિરમને પૂછ્યું હતું કે, 'તારૃં અને સાહાનું શું બખડજંતર છે?' ત્યારે સાલાએ સીધો જવાબ આપવાને બદલે ખડખડાટ હસીને કહ્યું હતું, 'તારી માને પૂછ, તને પેદા કરવા માટે તેણે કોની સાથે બખડજંતર કર્યું હતું!'

મધરાતે જંપી ગયેલી બગીખાના ચોકીનો સુમસામ સન્નાટો અચાનક મોબાઈલની રિંગથી ચોંકી ઊઠયો. ખુરશીના ડાબા ખૂણે ડોક ઢાળીને ઘસઘસાટ ઊંઘી રહેલા કાસમે અધબિડાયેલી આંખે પેન્ટના ખઇસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ઊંઘરેટા અવાજે કહ્યું, 'હેલ્લો...'
'જાપ્તો સાબદો કર. બદલો કરવાનો છે. અમે આવીએ છીએ.' સામા છેડેથી જાફરે બે જ વાક્યમાં વાત પૂરી કરી દીધી.
મંજાયેલા પોલીસકર્મીની એ રીઢી તાસિર હતી. ઓછામાં ઓછા શબ્દોમાં કામ ચલાવો અને કોઈનો પણ વિશ્વાસ ન કરો એ રાજાવતની મોડસ ઓપરેન્ડીનો પાયો તેના વિશ્વાસુ માણસોએ પણ બરાબર પચાવ્યો હતો. કાસમે ઊંઘરેટી આંખોમાંથી ઘેન ખંખેર્યું. ખુરશી પરએકધારૃં ટૂંટિયું વળીને અકડાઈ ગયેલું શરીર તંગ કર્યું અને કાચી ઊંઘની તંદ્રાને ઝાટકો માર્યો. ટેબલના ખાનામાંથી ટોર્ચ કાઢીને તે લોકઅપ તરફ ગયો અને કટાઈ ગયેલા લોખંડના સળિયા વચ્ચેથી તેણે ટોર્ચનું અજવાળું ફેંક્યું. એકપણ બારી વગરની અંધારી, ભેંકાર, ગંધાતી ઓરડીની બરાબર વચ્ચોવચ ભોંય પર વિરમ ઊંધેકાંધ પડયો હતો.
અધમૂઆ થીને લગભગ બેશુધ હાલતમાં જંપી ગયેલા વિરમનો પહોળો બરડો શ્વાસોચ્છવાસથી ઊંચકાતો કાસમ ઘડીભર જોઈ રહ્યો. રાજાવતે કેટલી બેરહેમીથી ભીંત સાથે તેના માથ અફળાવ્યા હતા એ કાસમે નજરે જોયું હતું. ગુનેગારોનું ટોર્ચરિંગ જોવાની અને કરવાની કાસમને કોઈ નવાઈ ન હતી પણ વિરમ કોઈ રેલવે સ્ટેશન પરથી ઊઠાવેલો મામૂલી ખિસ્સાકાતરું ન હતો. એમ છતાંય રાજાવતના હુકમથી કાસમ પણ પ્રેમજીની સાથે વિરમની સરભરામાં જોડાયો હતો. તેમણે બેઉએ વિરમને પીઠ પાછળથી ભીંસી રાખ્યો હતો અને રાજાવતે હાથમાં જાડા રબ્બરની મૂઠ પહેરીને વિરમને ધમાર્યો હતો. રબ્બરની મૂઠ પહેરીને ઘુસ્તા મારવાથી માર બેવડાય અને તેમ છતાં શરીર પર નિશાન ન પડે. લાકડીને બદલે લીલી શેરડીના સાંઠાથી ગુનેગારને ધોકાવ્યો હોય તો બીજે દિવસે કોર્ટમાં હાજર કરાય ત્યારે એ ચકામા બતાવીને ફરિયાદ ન કરી શકે. પોલીસખાતાની આ બધી પરંપરાગત તરકીબોમાં રાજાવતે કેટલોક મૌલિક ઉમેરો પણ કર્યો હતો. પણ વિરમની ધરપકડ હજુ સાહેબે ક્યાંય કેમ બતાવી નથી? કાસમ હુકમ ઊઠાવનારો એટલો ચુસ્ત જણ હતો કે તે પોતાના મનમાં ય આવા સવાલને ઊભા ન થવા દેતો. ઓર્ડર એટલે ઓર્ડર, એમાં સામે સવાલ નહિ કરવાનો. ના, મનોમન પણ નહિ.
- અને હવે જાપ્તો સાબદો કરવાનો ઓર્ડર હતો. મતલબ કે, વિરમને ઊઠાડવાનો હતો કે પોતે તૈયાર થઈને રાહ જોવાની હતી? ગડમથલમાં અટવાયેલો કાસમ ઘડીભર લોકઅપના સળિયાને અઢેલીને ઊભો રહ્યો. વિરમ ઊંઘી ગયો હતો કે બેહોશ હતો? પોતે ધારો કે તેને ઊઠાડે અને એ કંઈક સવાલ કરે તો? જેની ગાડી નીકળે તોય પોતે રોડ પર ઊભા રહીને ટટ્ટાર શરીરે સલામી આપી હોય એ જ ઉપરી અધિકારીને પૂરીને માર્યા પછી તેની આંખમાં કેમ જોઈ શકાય? વિરમની પડછંદ કદકાઠી અને નક્કર સીસા જેવા સ્નાયુઓ જોતાં આટલા માર પછી ય ધારો કે તે કાસમને ભીડવી દે તો? કલ્પના માત્રથી કાસમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ના.. ના.. એવું જોખમ ન લેવાય. નિર્ણય પર આવીને કાસમના શરીરમાંથી કાચી ઊંઘની સુસ્તી હવે ગાયબ થઈ ચૂકી હતી. પરસાળની બહાર ઓટલા પર રાખેલા માટલામાંથી તેણે પાણી ભર્યું અને છાલક મારીને મોં ધોયું. બરાબર એ જ વખતે રાજાવતની ગાડી મુખ્ય રસ્તાથી બગીખાનાની કાચી સડક તરફ વળી રહી હતી.
'ઊઠાડ પેલા ભડવાને...' ગાડીમાંથી છલાંગભેર ઉતરતા વેંત હાથ લંબાવીને રાજાવત તાડૂક્યો હતો. પાછળના દરવાજેથી ઉતરેલા પ્રેમજી અને જાફરના ચહેરા પરની તંગદીલી જોઈને કાસમ કળી ગયો હતો કે મામલો કશોક ગંભીર છે. રાજાવતે અણગમાથી લાકડાની જૂની, ગંદી ખુરશી તરફ નજર નાંખી અને પછી ટેબલની ધારને અઢેલીને સિગારેટ જલાવી. દયાલ સાહાએ તેને ઠંડાગાર ડામ આપ્યા હતા તેનો દઝારો રાજાવતને ભડકાવી ચૂક્યો હતો. સાહાએ તેને ગાળો દીધી હોત તો બે લાફા વળગાડી દીધા હોત તો ય રીઢા રાજાવતને ઓછું અપમાનજનક લાગ્યું હોત. તેને બદલે સાલાએ ક્લોરોફોર્મમાં નવડાવીને પછી રૃંવેરૃંવે ભાલા ભોંક્યા હતા.
હજુ ય તેને લાઈટહાઉસનો મામલો ગળે ઉતરતો ન હતો. બૂટ પાછળ સંદેશો લખીને વિરમ લાઈટહાઉસમાં મોકલે, કોઈક છોકરી એ બૂટ મેળવી લે અને એ બૂટ પાછળ પણ લખેલું હોય, 'લાઈટહાઉસમાં જા...!!' લાઈટહાઉસ તો ચોક્કસ જ કોઈક બીજી જ જગ્યા હોઈ શકે પણ બીજી એટલે કઈ? બૂટ લઈ જનારી એ છોકરી કોણ હતી? તેને કેવી રીતે ખબર પડી કે ગમે ત્યારે હોટેલ લાઈટહાઉસમાં વિરમનો સંદેશો આવશે? બગીખાના પહોંચતા સુધીમાં આખા રસ્તે રાજાવતે બ્લેકબેરીના મેમોપેડમાં શક્યતાઓનું ચેકલિસ્ટ તૈયાર કરી નાંખ્યું હતું.
સૌથી પહેલાં તો હોટેલ લાઈટહાઉસના માલિક અને મેનેજરને ઊંચકી લેવાના છે. એમની પાસેથી વિરમનું કનેક્શન અને પેલી છોકરીનો ચહેરો ઓળખવો પડશે. પછી છોકરીને ય દબોચવી જ રહી. એ જો પકડાઈ ગઈ તો લાઈટહાઉસનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. પણ લાઈટહાઉસની શક્યતા વિશે સાહાને કશીક ખબર હોય અને એ સાલો મને ઊંધા રવાડે ચડાવતો હોય તેમ બની શકે? રાજાવતે મેમોપેડમાં એ શક્યતા લખીને અન્ડરલાઈન કરી. તેણે સાહાનું એ વાક્ય બરાબર નોંધ્યું હતું, 'તું એ છોકરીને ઓળખતો નથી' મતલબ કે સાહા તેને ઓળખે છે? તો એ સાલો મને આમતેમ ભેખડે ભરાવવાને બદલે સીધો રસ્તો કેમ નથી ચિંધતો? કે પછી એ રસ્તે જોખમ ભરપૂર છે અથવા તો તેને પોતાની પ્રતિષ્ઠા ખરડાવાનો ડર છે એટલે મને આગળ ધરી રહ્યો છે? ઓહ્હ્.. તો કાલે ઊઠીને કદાચ મારા હાલ પણ વિરમ જેવા થાય ને! બાળપણમાં તેનો ભાઈ ઘરના ઓટલે ચોકઠું દોરીને શૂન્ય-ચોકડી રમવા રાજાવતને ધરાર બેસાડતો પણ તેને એમાં જબરો કંટાળો આવતો. એકધારૃં મગજ કસીને એ થાકી જાય એટલે ગુસ્સે થઈને કૂકરીઓ ઉછાળીને ચોકઠું ભૂંસીને નાસી જતો. આજે પણ કોયડાઓ વચ્ચે અટવાઈને તેના અણુએ અણુમાંથી 'તોડી નાંખું... ભાંગી નાંખું' પ્રકારના પોકારો થવા માંડયા હતા. સાહા કંઈક ગેઈમ રમી રહ્યો હોય તો પણ હુકમનો એક્કો વિરમ તેના કબજામાં હતો. હવે ગમે તેમ કરીને તેનું મોં ખોલાવવું જ રહ્યું.
'સાહેબ...' જાફરે તેનાથી સ્હેજ દૂર રહીને ધીમેકથી કહ્યું એટલે રાજાવતના મગજનું ધમસાણ અટક્યું. 'સાહેબ, એ હજુય બેહોશ છે અને...' જાફર જે રીતે અટકી-અટકીને બોલી રહ્યો હતો એથી રાજાવતની આંખોમાં ગુસ્સો તરી આવ્યો. '...તેના બંને કાનમાંથી લોહી નીકળી રહ્યું છે.'
થર્ડ ડિગ્રીનો ઉસૂલ હતો. આરોપીને કોઈપણ પ્રકારે લોહી નીકળવું ન જોઈએ અને ઢોરમાર માર્યા પછી આરોપીને બે કલાક સુધી પાણી નહિ આપવાનું. લોહી નીકળે તો એ પૂરાવો બની જાય અને ભય, માર, તણાવ હેઠળ શ્વસનતંત્ર બેકાબૂ હોય ત્યારે ખૂબ પાણી પીવાથી પણ હાર્ટ એટેક આવી શકે. રાજાવતનો ગુસ્સો બેફામ હતો. એ મારવા બેસે ત્યારે તેને ભાન ન રહેતું. એટલે કસ્ટોડિયલ ડેથની સ્થિતિ ટાળવા તે મેડિકો-લિગલ એડવાઈઝનો હંમેશા બરાબર ખ્યાલ રાખતો. પણ વિરમના કિસ્સામાં તે સાચે જ બેકાબૂ બની બેઠો હતો એ યાદ કરીને રાજાવતના ચહેરા પર તણાવનો ઝબકારો થઈ ગયો. તે વિરમને સવાલો પૂછતો હતો અને એ સાલો તેની હાંસી ઊડાવતો હતો ત્યારે તેણે ભયાનક ગુસ્સામાં વિરમનું માથું ભીંત સાથે અફળાવ્યું હતું. એ પછી તેણે વિરમને પૂછ્યું હતું કે, 'તારૃં અને સાહાનું શું બખડજંતર છે?' ત્યારે સાલાએ સીધો જવાબ આપવાને બદલે ખડખડાટ હસીને કહ્યું હતું, 'તારી માને પૂછ, તને પેદા કરવા માટે તેણે કોની સાથે બખડજંતર કર્યું હતું!'
- અને પછી ભભૂકી ઊઠેલા રાજાવતે તેના દિવાલસરસા ટેકવેલા માથા પર લાતો મારી હતી અને ત્યારે થયેલા ધડામ્ અવાજોથી જાફર અને કાસમ પણ ગભરાઈ ગયા હતા.
- અને હવે તેના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના મગજને કશુંક ડેમેજ, નેક્રોસિસ રપ્ચર થયું હશે?
'તેના શ્વાસની ગતિ કેવી છે?' રાજાવતે સવાલ તો પૂછી નાંખ્યો પણ જવાબની રાહ જોવા જેટલી ધીરજ હવે તેનામાં ન હતી. તે સપાટાભેર લોકઅપ તરફ ભાગ્યો. જાફર પણ તેની પાછળ દોરાયો. વીજળીના કનેક્શન વગરના લોકઅપમાં પ્રેમજીએ પેટ્રોમેક્સ જલાવી હતી અને તેના અજવાળામાં બેઉ હાથ માથા પાછળ પહોળા કરીને વિરમ ચત્તોપાટ પડયો હતો. તેના પગ આંટીમાં બિડાયેલા હતા. રાજાવતે તેના નાક પાસે આંગળી ધરી રાખી. હાશ, શ્વાસનો લય તો એકધારો અને નિયમિત છે. તેણે આંખના પોપચા ખોલીને મોબાઈલના સ્ક્રિનની લાઈટ ધરી. રિફ્લેક્શન પણ મળે છે.
'ગાડી કમ્પાઉન્ડમાં લઈ લે. બહારની બત્તી બૂઝાવી દે...' રાજાવતે ફટાફટ હુકમો છોડવા માંડયા. '...અને ઝડપથી આને પાછલી સીટ પર સૂવડાવી દે...'
રાજાવતના અવાજમાં તાકિદ હતી કે ઉચાટ હતો એ જાફર કળી શકતો ન હતો.
*** *** ***
'વિરમ ઝડપાઈ ચૂક્યો છે'
રાવીએ તદ્દન સપાટ સ્વરે બારીની બહાર જોતાં કહ્યું એ સાથે સુમરા અને અભિમન્યુ સ્તબ્ધ થઈ ગયા. સુમરાના હાથ થાળીમાંથી રોટલાનું બટકું તોડતાં અટકી ગયા અને સફરજન કાપી રહેલી અભિના હાથની છરી અટકી ગઈ.
ત્રણેક કલાકની ગાઢ ઊંઘ લીધા પછી સુમરો તરોતાજા થઈ ચૂક્યો હતો. અભિએ ઘડીક પડખા ફેરવ્યા હતા. ઘડીક નફ્ફટપણે રાવીની સામે તાક્યા કર્યું હતું અને પછી કંટાળીને એ ય ઊંઘી ગયો હતો. રાવીએ એ ત્રણ કલાક ભારે ગડમથલ હેઠળ વિતાવ્યા હતા. સુમરા સાથે ગાઢ પરિચય હતો. તેની કાબેલિયત અને વિરમ પ્રત્યેના આદર અંગે પણ તેને કોઈ શંકા ન હતી. પણ આ પત્રકાર સાલો કોણ હતો અને શા માટે છાપાની ઓફિસ છોડીને આમ મધરાતે બંદૂકના ભડાકા કરતો માનસિંહ મહાલમાં આવી ચડયો હતો એ તેને સમજાતું ન હતું. સુમરા તેનો ભરોસો કરવાનું કહેતો હતો પણ રાવીને હજુ ગડ બેસતી ન હતી. વાત ફક્ત વિરમના લાપતા થવા પૂરતી જ હોત તો તો...
ના, ન કહી શકાય. બધું તો હરગીઝ ન કહી શકાય. ના, સુમરાને પણ નહિ અને આ પત્રકારને તો કોઈકાળે નહિ. પણ તો પછી, એ એકલે હાથે આટલા માથાભારે અને પહોંચતા લોકોનો સામનો કરી શકશે? વિરમને છોડાવી શકશે? સુમરાની વાતમાં તથ્ય તો હતું જ. વિરમનો પતો લગાવવો એ એકલા હાથે તેનાં માટે મુશ્કેલ તો હતું જ, પણ અશક્ય હતું એવું સ્વીકારવાનો રાવીનો સ્વભાવ ન હતો. વિરમ આઝાદ થાય એ તેનું પ્રાથમિક લક્ષ્ય હતું. એકવાર વિરમ તેની જોડે હોય તો પછી એ આખી દુુનિયાને પછાડવાનું ગુમાન ધરાવતી હતી. છેવટે તેણે બહુ ગણતરીપૂર્વકનો જુગાર રમવાનું નક્કી કર્યું.
'ક્યારે?' હવે અભિની આંખોમાં અચંબો અને આઘાત બંને હતા. ખેપાની પત્રકાર તરીકેની તેની ઈજ્જત હવે દાવ પર લાગી ગઈ હતી. વિરમનું કબાડું શું હતું તેનો ય હજુ પતો લાગતો ન હતો અને હવે વિરમ પકડાઈ ગયો તોય તેને ખબર સુદ્ધાં ન પડી? તેણે મનોમન પોતાના ઈન્ફોર્મર નેટવર્કને ગાળો દઈ દીધી.
'ચાર દિવસ થયા.' રાવીએ બારીની બહાર ઘૂમરાતી નજર ફેરવ્યા વગર એવા જ સપાટ સ્વરે જવાબ વાળ્યો.
'ખોટી વાત. તું અમને નાહકના ઘૂમાવી રહી છે. ચાર દિવસથી પકડાયો હોય અને મને ગંધ સુદ્ધાં ન આવે એ...'
'તારા બાપનું નામ જેમ્સ બોન્ડ છે?' રાવીએ જરાક ગરદન ઘૂમાવીને ધારદાર નજરે અભિનું વાક્ય કાપ્યું.
'અફકોર્સ નોટ, પણ મારા બાપનું નામ બેવકૂફ પણ નથી. તને ભડાકા કરવા સિવાય બીજું ભાન નહિ હોય પણ ધરપકડ થાય તો ક્યાંક એની નોંધ હોય અને આ વિરમ છે.. વિરમ રાજદેવ, સિનિયર આઈપીએસ ઓફિસર.. દિવસોથી લાપતા... એ પકડાય એટલે...'
'એક મિનિટ... એક મિનિટ...' ખંધા સુમરાએ બંનેની વાતમાંથી સાર પામી લીધો. 'ધરપકડ થઈ હોય તો નોંધ થાય ને!'
'ઓહ યસ્સ.. બિલકુલ યસ્સ..' અભિને પણ હવે રાવીની ગુસ્તાખીનો તંત પકડાયો. 'સત્તાવાર રીતે નહિ, પણ ખાનગી ધોરણે વિરમ પકડાયો છે... મતલબ કે...'
'મામલો શું છે?' સુમરો હવે ગંભીર બની ચૂક્યો હતો. વિરમ પાસેથી કેટલીક અગત્યની વાતો કઢાવવી હોય તો જ દયાલ સાહા કે રાજાવત તેને પહેલાં ગુપ્તરાહે ઠમઠોરે અને પછી જરૃર પડયે ધરપકડ જાહેર કરી દે અથવા તો બહુ જોખમ હોય તો નકલી એન્કાઉન્ટરમાં ઠાર કરી દે.
'મામલો તો હું ય નથી જાણતી...' રાવીએ બારી પાસેના નેતરના મૂઢા પર પગ ટેકવ્યો.
'તું જુઠ્ઠું બોલે છે' હવે સુમરો પણ શંકાશીલ બની ચૂક્યો હતો.
'બાય ગોડ, મને સાચે જ ખબર નથી. છેલ્લા બે મહિનાથી વિરમ કોઈક ભેદી મિશન પર હતો. અમારી વચ્ચે કોઈ જ સંપર્ક ન હતો'
'તું માનસિંહ મહાલમાં શું કરતી હતી?' અભિએ રાવીની દલીલ ધ્યાન પર લીધા વગર બીજો સવાલ ઝિંક્યો.
'જે તમે બંને કરતા હતા... અટકળ. વિરમ હોય તો ક્યાં હોઈ શકે તેનું અનુમાન.'
'પણ તને તો ખબર હતી કે વિરમ ઝડપાઈ ગયો છે તો પછી તું ત્યાં કેમ હતી?' સુમરાએ થાળી હડસેલી દીધી હતી અને એક પગ ખાટની ઈસ સાથે ટેકવીને તે ચૂંચી આંખે સવાલ કરીને મનોમન ગણતરીઓ માંડી રહ્યો હતો.
'મને એના ઝડપાવાની ખબર હતી, એને ક્યાં રખાયો છે એ તો મારે શોધવાનું હતું.' રાવીએ આ ધાણીફૂટ ઈન્ટ્રોગેશનની તૈયારી રાખી જ હતી.
'વેલ, તને કેવી રીતે ખબર પડી કે વિરમ ઝડપાઈ ચૂક્યો છે?'
હવે રાવી સતર્ક થઈ ગઈ. વાત બિલકુલ તેણે ધારેલા વળાંક સુધી લાવવામાં તે સફળ રહી હતી અને હવે જ ખરી કસોટી હતી.
'સુમરાને પૂછ...' રાવીએ નેતરના મૂઢા પર બેસીને સલૂકાઈથી કહી દીધું.
'મને...?' સુમરાને ય આશ્ચર્ય થયું. 'હું શું જાણું યાર?'
'કેમ? વિરમની સ્ટાઈલથી તું અજાણ છે? તેનું સોલિડ વિશ્વાસુ નેટવર્ક તારાથી અજાણ્યું છે? તું પોતે જ એવા નેટવર્કનો એક હિસ્સો નથી?'
'હમ્મ્મ્...' સુમરો મનોમન કશીક ગડ બેસાડતો હતો પણ અભિ હજુ ય મૂંઝાયેલો હતો.
'એટલે? વોટ ડૂ યુ એક્ચ્યુઅલી મીન ટૂ સે?'
'માય ડિઅર જર્નો...' રાવીનો અવાજ હવે બદલાઈ રહ્યો હતો. તેની ચંચળ આંખોમાં હવે છૂપું તોફાન નાચતું હતું. 'આઈ સિમ્પલી મિન ટૂ સે ધેટ યુ નીડ ટૂ લર્ન સો મેની થિંગ્ઝ અપાર્ટ ફ્રોમ યોર બિઝનેસ... ઉછીની ગન પેન્ટમાં ખોસી દેવાથી તું ડોન નહિ થઈ શકે અને નાહકના પેટ પર ગનના સોળ ઊઠી આવશે... જસ્ટ આસ્ક સુમરા વોટ આઈ મિન ટૂ સે..' તેણે તદ્દન બેદરકારીથી સુમરા ભણી આંગળી ચિંધી.
'ના.. મને પણ કશું જ સમજાયું નથી રાવી.. મુદ્દાની વાત કર... અભિના સવાલનો સીધો જવાબ આપ...' સુમરો હવે દૃઢતાથી બેઠો થયો. તેને લાગતું હતું કે રાવી જાણીજોઈને વાત ગૂંચવી રહી હતી.
'ઓહ કમ ઓન.. ઈટ્સ વિરમ સ્ટાઈલ...' રાવીના અવાજમાં ગુમાન વર્તાતું હતું. 'બટ ફર્સ્ટ ઓફ ઓલ, આઈ નીડ અ પ્રોમિસ...' તેણે સવાલિયા નજરે બંનેની સામે જોયું.
'શેનું પ્રોમિસ?'
'વિરમને છોડાવવામાં તમે મને મદદ કરશો...' તેણે ડાબા હાથ વડે જમણા અંગુઠાનો નખ કાપતા કહ્યું.
'હા બિલકુલ...' સુમરો જાણે આ સવાલની જ રાહમાં હોય તેમ બોલી ઊઠયો.
'અફકોર્સ નોટ... નોટ એટ ઓલ...' અભિએ ખુરશીમાંથી ઊભા થતાં મક્કમતાપૂર્વક હવામાં હાથ વિંઝી દીધા. 'જ્યાં સુધી મને આખો મામલો મારી હથેળીની રેખા જેટલો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી... ડોન્ટ કન્સિડર મી વિધિન'
'ધેન, યુ કાન્ટ ગો આઉટ ઓફ ધીસ રૃમ...' રાવીએ કમરમાં ખોસેલી બેરેટા પિસ્તોલ ખેંચી. 'મારી હયાતિ અને હાજરી જાણ્યા પછી તું બહાર જાય એ મને પાલવે તેમ નથી.'
'ઓહ શટ અપ યુ મેડ ગર્લ, તું તારી જાતને સમજે છે શું?' હવે અભિ પણ બરાબર ગિન્નાયો હતો. 'એક જ મિનિટમાં તને તારી ઔકાતનું ભાન કરાવી દઈશ. યાદ રા...'
'એક મિનિટ અભિ...' હવે સુમરો ય ઊભો થઈ ગયો હતો. 'તેની વાત સાચી છે અને તું પણ ખોટો નથી. તેની પાસે તારા પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. પણ રાવી, તારે વિરમ કેવી રીતે ઝડપાયો તેનો જવાબ તો આપવો જ પડશે... પછી હું અભિની જવાબદારી લઈ શકું.'

 

 


'બટ...' અભિ વિરોધ કરવા જતો હતો ત્યાં સુમરાએ સખ્તાઈથી તેનો ખભો દાબ્યો.
'વેલ... ' રાવીએ ઊંડો શ્વાસ લીધો એ સાથે તેના તંગ ટોપમાં ન સમાતા તેના ભરાવદાર સ્તનોમાં ઉછાળ આવતો સ્પષ્ટ વર્તાયો. 'વિરમના અનેક ઠેકાણા એવા છે જ્યાં એ ગમે તે હાલતમાં પોતાના સંદેશા મને મોકલે છે.'
'હમ્મ્મ્મ્...' સુમરાને હવે કશીક ગડ બેસતી હતી.
'એવું જ એક ઠેકાણું છે હોટેલ લાઈટહાઉસ.. હરિયાળા બજારથી સ્હેજ આગળ. બે દિવસ પહેલાં ત્યાં મને તેનો સંદેશો મળ્યો ત્યારે મને સમજાયું કે એ ઝડપાઈ ચૂક્યો છે.'
'સંદેશો કોણે આપ્યો? શું સંદેશો હતો?'
'છજીૈં લક્ષ્મણસિંહ ભદૌરિયાના બૂટ પાછળ તેણે લખ્યું હતું...'
'શું?' સુમરાના અવાજમાં કંપન હતું અને અભિની વિસ્ફારિત આંખો કાનમાં ઓરાતા વાક્યો સ્વીકારી શકતી ન હતી.
'લાઈટહાઉસમાં જા...' રાવીએ સિલિંગમાં ઘૂમતા પંખા ભણી તાકીને તદ્દન સપાટ સ્વરે કહી દીધું.
'હેં?' બંનેનો અવાજ આઘાતથી તરડાઈ જતો હતો.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved