Last Update : 25-March-2012, Sunday
 

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા પંચમહાલના આદિવાસીઓ

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 

- ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી પ્રજાસમૂહોની છે.

ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી પ્રજાસમૂહોની છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાની ડુંગરમાળામાં, દાંતાથી લઈને ડાંગ સુધીના ૨૦ હજાર માઇલના વિસ્તારમાં ભીલ, દુબળા, ધોકિયા, ચૌધરી, ધાનકા, કુંકણા, વારલી, નાયકડા, ઢોલચા, કોટવાળિયા, બામચા, પારધી, પોમલા, કાથોડી અને રાઠવા જેવા ૧૯ વનવાસી સમુદાયો વસવાટ કરે છે. આ સમુદાયો પાસે એમની આગવી કલા અને સંસ્કૃતિ છે. એમના નીજી રીતરિવાજો અને માન્યતાઓ છે. એમના આગવા દેવી-દેવતાઓ, મેળા અને ઉત્સવો છે. આ પ્રજા હજારો વર્ષથી જંગલો અને પહાડોમાં વસવાટ કરતી આવી છે.
આજે વાત કરવી છે પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિને ખોળે વસતા વનવાસીઓની. આ વિસ્તારમાં મુખ્ય વસતી ભીલ, નાયક અને રાઠવાઓની છે. એમાં મુખ્ય વસ્તી ભીલોની છે. આપણે ત્યાં વસતા આદિવાસીઓ મુખ્યત્વે ત્રણ જાતિના વંશજો ગણાય છે ૧. મોંગોલોઇટ, ૨. પ્રોટો ઓર્સ્ટોલોઇડ અને ૩. નિગ્રોટોલોઇડ. આ ત્રણ વંશના તત્ત્વો આપણે ત્યાંની આદિવાસી પ્રજામાં જોવા મળે છે. આર્થિક દ્રષ્ટિએ જોતાં તેમનું જીવનધોરણ ખૂબ જ નીચું છે. તેમની જરૃરિયાતો ઘણી ઓછી છે. પોતાને જોઈતી વસ્તુઓ પોતે જ પેદા કરી લે છે. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આ વનવાસી નગરોમાં કામધંધા માટે આવતા થયા છે. આર્થિક ઉપાર્જન મેળવતા થયા છે એટલે એમની સંસ્કૃતિમાં પણ શહેરી તત્ત્વો દાખલ થવા માંડયા છે.
અહીં આપણે ઉડતી નજર કરી લઈએ પંચમહાલના ભીલોની સંસ્કૃતિ પર. 'ભીલ' શબ્દ દ્રવિડ ભાષાના બિલ (મ્ૈનની) શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કેટલાક એવું માને છે કે તામિલ 'બીલ' (મ્ૈન) શબ્દ ઉપરથી ભીલ શબ્દ આવ્યો છે. બંને શબ્દોનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે તેના પરથી તેઓ 'બિલ' તરીકે ઓળખાયા હશે. સમયાન્તરે આ શબ્દનો અપભ્રંશ થવાથી ભીલ શબ્દ ઉતરી આવ્યો હશે. બીજી માન્યતા એવી છે કે સંસ્કૃત ભાષામાં ભીલ શબ્દનો અર્થ 'કાપવું' એવો થાય છે. આ લોકો જંગલમાં ઝાડ વગેરે કાપતા હોવાથી તેઓ ભીલ શબ્દથી પ્રચલિત થયા હશે.
શ્રી જ. મ. મલકાણ નોંધે છે કે ભીલોનો સૌ પ્રથમ ઉલ્લેખ 'કથા-સરિત્ સાગર'માં મળે છે. ભીલ પ્રજા એ કાળે બળવાન હતી અને વિંધ્યની આજુબાજુના પ્રદેશમાં વસતી હતી. ભીલોને દશ્યુના નામે પણ ઓળખવામાં આવતા. 'ભીલ' શબ્દનો ઉલ્લેખ 'ઋગ્વેદ'માં પણ જોવા મળે છે. રામાયણમાં શબરીનો ઉલ્લેખ આવે છે તે ભીલ હતી. ભીલ પ્રજા પ્રાચીન કાળમાં હતી. તેઓ મૂળ ભારતના વતનીઓ છે એમ માનવામાં આવે છે. આર્યોના આગમન પછી તેઓને જંગલો અને પહાડોમાં નાસી જવું પડયું.
આ ભીલો કાળા રંગના હોય છે. કવચિત્ ઘઉંવર્ણા કે ગોરા પણ નજરે પડે છે. તેઓ શરીરે મજબૂત બાંધાના, ઉંચા, સુદ્રઢ અને કસાયેલા હોય છે. તેઓ બહાદુર, સાહસિક અને વિશ્વાસુ પણ ખરા. અન્ય વિસ્તારોની જેમ પંચમહાલના આદિવાસીઓ શહેરોની માફક 'ઘરોના જંગલો'માં નથી રહેતા અર્થાત્ એક સાથે ઘરો બાંધીને નથી રહેતા. જંગલો, ડુંગરાઓ કે ડુંગરાઓની ગાળીઓમાં પોતપોતાના ખેતરોમાં જુદા જુદા ઝુંપડાઓ બાંધીને રહે છે. તો ક્યાંક છૂટાછવાયા દસ- પંદરના જૂથમાં રહે છે તેને 'ફળિયા' કહે છે. આવા ફળિયા મળીને ગામ થાય છે. આદિવાસી ભીલોના દરેક ગામમાં એક મુખી હોય છે, તેને પટેલને નામે ઓળખવામાં આવે છે. પટેલ ઉપરાંત દરેક આદિવાસી ગામમાં કોટવાળ હોય છે. તે ઘેર ઘેર ખબર પહોંચાડે છે ને જરૃર પડયે ગામલોકોને ભેગા પણ કરે છે. કોટવાળ કૂંડુ- અર્થાત્ ઢોલ વગાડીને ગામલોકોને જાણ કરે છે ને એમની બોલીમાં 'કોટવાળ ગાંગર્યો' કહે છે.
ભીલ વનવાસીઓનો મુખ્ય ધંધો ખેતીનો હોય છે. ખેતરના નાનકડા કટકામાં તેઓ જરૃરિયાત પૂરતું અનાજ ઉગાડી લે છે. એમના ખેતરો વાડ વગરના હોય છે. કૂવા કાચા, થાળા વગરના અને છીછરા હોય છે. સગાવહાલાંની સહાયથી વાંસ, વળી અને કામઠાંના ઝૂંપડાં બાંધી લે છે. તેઓ ખેતી ઉપરાંત જંગલમાંથી છાણાં, ખાખરાના પાન, લાકડા, ગુંદર, મધ, કેસૂડાના ફૂલ, મહુડા અને ફળો એકઠાં કરીને વેચે છે. આ ઉપરાંત મજૂરી કામ પણ કરે છે.
પંચમહાલના વનવાસી ભીલોની ભાષા 'ભીલોડી' તરીકે જાણીતી છે તે ગુજરાતી ભાષાની એક બોલી છે. આ બોલીની ખાસિયતો એ છે કે તેઓ પોતાને માટે હંમેશા બહુવચન જ વાપરે છે. 'હું'ને બદલે 'હમુ' એટલે અમે. જ્યારે બીજા માટે તેઓ એકવચન જ વાપરે છે. ભલે પછી તેઓ રાજવી કેમ ન હોય ! એને 'તું' કહીને જ સંબોધે છે. ભીલોના ઉદ્ધારક ઠક્કર બાપાને પણ 'તું' કહીને જ બોલાવતા. આ એમની તોછડાઈ નહીં પણ ચાલતી આવેલી પરંપરા જ છે.
આજે તો નવી હવાના સંપર્કમાં આવવાથી ભીલોના પહેરવેશમાં ખૂબ પરિવર્તન આવ્યું છે પણ હમણાં સુધી તો પુરુષો ત્રણેક હાથ લાંબો અને હાથેક પહોળો લંગોટ પહેરતા, માથે ફાળિયું બાંધતા અને અંગ પર પછેડી ઓઢતા. સ્ત્રીઓ કાછડો મારી શકાય તેવો ઘેરા લાલ અથવા ભૂરા રંગનો ઘાઘરો, શરીર પર લાલ અથવા ભૂરા રંગનું ઓઢણું અને દેશી કાંચળી પહેરતી.એમનો ઘેરદાર ઘાઘરો ઘૂંટણથી સહેજ નીચો પણ કાછડા જેવા બે અલગ ભાગવાળો હોય છે તેને કારણે ખેતીના કામકાજમાં અને નૃત્ય કરવામાં ઘણી સરળતા રહે છે. પુરુષોના કપડા સાવ સાદા પણ ભીલ સ્ત્રીઓના કપડાં રંગબેરંગી અને એમના ઘરેણા બહુધા કથીર અને ચાંદીના હોય છે.
ભીલોમાં લગ્નની પસંદગી બે રીતે થાય છે. એક તો મા-બાપ પોતે જ દીકરા દીકરીની પસંદગી કરીને એમને પરણાવે છે. બીજું છોકરા છોકરી પોતે જ પસંદગી કરી લે છે. મા-બાપની પસંદગીમાં વિધિસર લગ્ન થાય છે. એ પહેલા સગાઇનું ચોગઠું ભાંજગડિયો અર્થાત્ ગોર ગોઠવી આપે છે. ભીલોમાં બાળ લગ્નની પ્રથા નહિવત્ જોવા મળે છે. પુનર્લગ્ન, વિધવા- વિવાહ, નાતરું અને પ્રેમ લગ્નની પ્રથા પ્રચલિત છે. વિધવા સ્ત્રી બીજાની સાથે નાતરું કરે ત્યારે તેના અગાઉના ઘરના છોકરા હોય તો તેને સાથે લઈ જાય છે. નવા પતિએ આ છોકરા ઉંમરલાયક થાય ત્યાં સુધી એનું ભરણપોષણ કરવું પડે છે. મોટા થયા બાદ બાળકોને તેના કુટુંબીઓ લઈ જાય છે.
લગ્ન પ્રસંગે મુહૂર્ત જોવરાવવાની પ્રથા નથી. લગ્ન ગુરૃવારે કે શુક્રવારે જ કરવાની પરંપરા છે. લગ્ન પ્રસંગે ઝુંપડા લીંપી-ગુંપીને તૈયાર કરવામાં આવે છે. લગ્નના દિવસે વહેલી સવારે મંડપ રોપાય છે તેમાં માણેકસ્તંભને બદલે 'સાલેડાં' રોપવામાં આવે છે. સાલેડાંની આજુબાજુ ચૉરી બાંધવામાં આવે છે. લગ્ન પહેલા વાનાં ભરવાનો રિવાજ છે. વરપક્ષના વાનાં વધારે હોય છે. કન્યાના ઓછા હોય છે. વરને ત્યાં ગણેશ બેસાડીને વાનાં ભરાય તે પછી કન્યાને કહેણ મોકલાય અને તેને ત્યાં વાના ભરાય. વરકન્યાને સ્નાન કરાવી પીઠી ચોળવામાં આવે છે. આ વિધિને 'ચંદ્રણિયો' અને 'મહાવણો' કહેવામાં આવે છે. દર વાનાના દિવસે રાત્રે ભીલ લોકો વર-કન્યા ખાંધે લઈ ખૂબ નાચે છે. ગીતો ગાય છે. ઢોલનગારા વગાડે છે અને લગ્નનો આનંદ માણે છે.
પંચમહાલના વનવાસીઓમાં પ્રેમલગ્નની અર્થાત્ 'ઉદાળી' જવાની કે 'ગીદી' જવાની પ્રથા પણ પ્રચલિત છે. છોકરો- છોકરી પ્રેમમાં પડે ત્યારે મા-બાપનું ઘર છોડીને નાસી જાય છે. ૧૫- ૨૦ દિવસ જંગલમાં એકાંત સ્થળે રહે છે. કન્યાના બાપને આ વાતની જાણ થાય એટલે વરના બાપ પાસે દાપું લેવા જાય છે. એમાં રોકડ નાણાં અને ઢોરઢાંખર અપાય છે એ પછી બંને વેવાઈ બને છે.
ભીલોનો મુખ્ય ખોરાક મકાઈ છે. કોદરા, બંટી, બાવટો, ચણા, તુવેર, અડદ, વટાણા, ઘઉં, જવ ઓછાવત્તા પ્રમાણમાં વાપરે છે. રોજ જમવામાં મકાઈના રોટલા, અડદની દાળ અથવા થૂલી રાંધીને ખાય છે. એમના પકવાન એટલે ચણાના લોટમાં, તેલમાં તળેલા 'ઢેબરાં'. દરેક આદિવાસી દૂઝણું રાખે છે પણ દૂધ- ઘી વાપરતા નથી. પ્રસંગોપાત તેઓ માંસાહાર પણ કરે છે.
પંચમહાલના ભીલો અન્ય આદિવાસીઓની જેમ દેવ-દેવલાઓમાં અને ધર્મમાં અત્યંત આસ્થા ધરાવે છે. ચોખા, ઝાંપડી, કાળકા, સુદાઈ, ઘોડાજો, બીરબાજ, કચુંબર, વગાજો, કોહાજો, હાદરજો, મનાતો, મોઝીદા અને ઇંદરાજ જેવા દેવ-દેવીઓને માને છે. તેમના દેવો માટે મોટું દેવાલય મંદિર નથી હોતું. આ દેવી-દેવલાઓની મૂર્તિઓને અન્ય સંપ્રદાયોના દેવ- દેવીઓની મૂર્તિઓ જેવો ખાસ આકાર, શણગાર કે ઠાઠમાઠ હોતો નથી. સામાન્ય રીતે દેવોનું નિવાસસ્થાન ગામની ભાગોળ, કોઈ મોટા વડ અથવા શીમળો, મહુડો, પીપળો, આંબલી, વગેરે વૃક્ષો હોય છે. ડુંગર પર બેઠેલા દેવોની બાધા- માનતા કે ધાર્મિક વિધિ માટે વર્ષમાં બે- ત્રણ વાર જાય છે.
બધા દેવો પાસે બાધા રાખીને માંગણી કરી શકાય પણ બડવો જે દેવ પાસે માગણી કરાવે એ દેવ પાસે જ માંગણી કરી શકાય. બડવો અર્થાત્ ભુવો પોતાની મરજી પ્રમાણે કોઈ પણ

 

 

દેવની બાધા રખાવે. ગંભીર માંદગી હોય કે કોઈ મરણ પથારીએ હોય ત્યારે 'ઇંદરાજની ડાળુ' નામની મોટી બાધા રાખવામાં આવે છે.
ગામમાં રોગચાળો ફેલાય અને માણસો કે ઢોર મરવા માંડે ત્યારે તેઓ બડવાને બોલાવે છે. બડવો કહે તે દેવના સ્થાનકે સૌ ભેગા થાય છે. બડવો ધૂણે છે. ગામના ભીલો ભેગા થઈ આખી રાત ડાકલા ને ઠામડા વગાડી દેવોની પ્રાર્થના કરે છે. એ સમયે કોઈ દળતું નથી, ખાંડતુ નથી કે વાસીદું પણ કાઢતું નથી. બડવો ધૂણીને ભોગ ધરાવે બાદ જ સઘળા કામો થાય છે.
ખેતરમાં નવું ધનધાન્ય પાકે ત્યારે દેવોને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તેને 'જાતર' તરીકે ઓળખવામાં આવે છે. આ જાતર ન થાય ત્યાં સુધી ઘર લીંપવાનું કે સ્ત્રીઓનાં માથા ઓળવા- ચોળવા વગેરેનું કાર્ય થતું નથી.
ભીલ પ્રજા પૂર્વજો, વીરો કે સાધુઓની પૂજા કરતી નથી. તેઓ બાબારામને માને છે. વૃદ્ધ વડીલો રામાયણની છૂટક છૂટક વાતો બાળકોને કહી સંભળાવે છે. તેઓ રામનવમીનો તહેવાર ઉજવીને રામની પૂજા કરે છે. શબરી પણ રામભક્ત જ હતી ને ! આ સંસ્કાર એમનામાં ઉતરી આવ્યો હશે એમ લાગે છે. પંચમહાલના પંથકોમાં ઘોડેસ્વાર પાળિયા પણ જોવા મળે છે. આ પાળિયા ભીલોમાં પૂર્વે થઈ ગયેલા વીરપુરુષોની સ્મૃતિ સંઘરી રાખવા માટે હોય છે. એની પૂજા કરવામાં આવતી નથી પણ કાળી ચૌદશે માત્ર ભોગ ચડાવવામાં આવે છે. આર્થિક રીતે ગરીબાઇમાં જીવન બસર કરનારા ભીલ આદિવાસી પ્રજાના જીવનમાં તહેવારો અને ઉત્સવોનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. તેઓ ઉત્સવ ટાણે મસ્ત બનીને જીવનનો આનંદ લૂંટે છે. હોળી, દિવાળી, અખાત્રીજ, દિવાસો, પીઠોરો, આંબલી અગિયારસ, જન્માષ્ટમી, ગોળ ગધેડો વગેરે તહેવારો ને મેળા માણે છે. હોળીનું આખું અઠવાડિયું નાચવા ગાવામાં ગાળે છે, હોળીના બીજા દિવસે 'ચૂલમેળા' યોજાય છે જેમાં સળગતા અંગારાવાળી ચૂલમાં બાધા- માનતાવાળા ઉઘાડા પગે સાત વાર શ્રદ્ધાપૂર્વક ચાલે છે.
હોળીના છઠ્ઠા દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. એક થાંભલા ઉપર ઉંચે ગોળની થેલી મૂકાય છે. આ થેલીને લેવા જુવાનિયા થાંભલા પર ચડવા જાય છે ત્યારે કોરેમોરે ઉભેલી છોકરીઓ તેને ડંડા મારીને નીચે પાડે છે એમ છતાં કોઈ સાહસિક જુવાનડો સોટાઓનો માર સહન કરીને ગોળની પોટલી લઈ આવે છે. મોટા ભાગના જુવાનિયાઓ વાંસળી વગાડતા વગાડતા ને મજા કરતા કરતા કરતા આ મેળામાં આવે છે. જૂના કાળે જેસાવાડા અને ઝાલોદના રામજી મંદિર અને અન્ય જગ્યાએ 'તીરંદાજ'ની હરિફાઈઓ પણ થતી. દૂર દૂરથી તીરંદાજો તીર વડે નિશાન પાડવા આવતા. આ પરંપરા આજે તો લગભગ લુપ્ત થઈ ગઈ છે. જે વર્ષે મેહૂલો મન મૂકીને વરસ્યો હોય અને અનાજ સારું પાક્યું હોય તે વર્ષે ઉત્સવો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.
ભીલોની દિનચર્યા પર નજર કરીએ તો સવારે ઉઠીને જમીન ખેડવા, બી વાવવા, રોપવા કે કણસલા ઝૂડવા જાય છે. ખેતી અંગેનું કામકાજ શરુ કરતા પહેલાં 'બાબા ગણેહ'નું નામ લે છે ત્યાર પછી કાર્ય આરંભે છે. જ્યારે કોઈ સગુવહાલું કે ઓળખીતું રસ્તે યા ઘરે મળે ત્યારે એકબીજાને 'રામ રામ બાબા' કહીને માન આપે છે. આવું છે પંચમહાલના આદિવાસીઓનું જીવન અને આવી છે એમની સંસ્કૃતિ.

તસવીર ઃ વિવેક દેસાઈ

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved