Last Update : 25-March-2012, Sunday
 

ગુજરાત રાજ્યની ઝડપી વિકાસયાત્રામાં ઉમેરાય છે નવું સોપાન ઃ ધોલેરા 'સર'

હોટલાઇન - ભાલચંદ્ર જાની

- ગુજરાત રાજ્યનો નકશો હાથમાં લઈએ તો ધોલેરા શહેર તો નાનું ટપકાં જેવડું લાગે. આ નગરને નજરોનજર જોઈએ તો પણ તેમાં કંઈ દમ ન લાગે. પરંતુ ગુજરાત સરકારની યોજના સમયસર સાકાર થાય તો ધોલેરા ભારતનું સર્વપ્રથમ 'હાઈટેક સીટી'બનશે.

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સારો યોગ આવે ત્યારે અનાયાસે જ તેનો ઉધ્ધાર થાય છે. આવું જ કંઈક ગુજરાતના નાના, ઉજ્જડ, ગુમનામ ગણાતા ગામડાંઓની બાબતમાં પણ થયું છે. બાવલીધારી, ભડિયાદ, ભાણગઢ, ગોરાસુ, કાદીપુર વગેરે ડઝનેક ગામડાં આમ તો ધંધુકા તાલુકાનો જ એક હિસ્સો છે, પરંતુ આ ગામો અને તેની પ્રજાનું નસીબ એકાએક સોળે કળાએ ખીલી ઊઠયું છે. નિમિત્ત બની છે એક યોજના જેને ગુજરાત સરકારના અધિકારીઓ 'ધોલેરા સર'ના નામે ઓળખાવે છે. આ પ્રકલ્પ વિશે વિગતવાર વાત કરું એ પૂર્વે એટલું જરૃર કહીશ કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પાર પડી રહેલી આ યોજના ગુજરાતને જબરદસ્ત આર્થિક લાભ કરાવશે. એટલું જ નહીં, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક નાના ગામડાંઓ તથા નાના નગરો એકાએક ધનના ઢગલા પર આળોટતાં થઈ જશે.


અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામો અને માત્ર વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર ધંધુકા તાલુકામાં સરકાર દ્વારા ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન 'સર' સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એરપોર્ટ સાથે અંદાજે ૪૩,૦૦૦ હેક્ટરમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, વ્હેર હાઉસિંગ, સોલાર પાવર, હાઉસિંગ સેક્ટર, કોમર્શિયલ સેક્ટર, બ્લેક બક સેન્ચુરી નોલેજ સિટી, લોજિસ્ટિક પાર્ક તેમ જ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાનું છે જેના કારણે ધોલેરા પંથકના વિકાસના દ્વારા ખુલ્લા થશે તેમ જ આજુબાજુ ગામોના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજૂબત બનશે.ગુજરાત સરકારે ધોલેરા 'સર'ને ડેવલપ કરવા શરૃઆતના કરોડરજ્જુ સમાન તબક્કા પ્રમાણે રસ્તાઓ વિકસાવવા, એરપોર્ટ માટે પ્રિ-ફેસિલિટી, ગાંધીનગર વાયા અમદાવાદથી ધોલેરા સુધીનો મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને વિકસાવવાનું નક્કી કર્યું છે. આ માટે ગુજરાત સરકારે રોકાણકારોને આકર્ષવા સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ પણ અમલમાં મૂકી છે.


આર્થિક દ્રષ્ટિએ ગુજરાત સરકાર ગુજરાતમાં ધોલેરા 'સર'ને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઇસી)માં સમાવેશ કરી ધોલેરા વિસ્તારના ગુજરાતનું મોટામાં મોટું ઇકોનોમિક હબ તરીકે વિકસાવવાનું પ્રયોજન કરી રહી છે. ધોલેરા 'સર'માં જે ગામોનો સમાવેશ થાય છે તેમાં ધંધુકા તાલુકાના બાવલિયારી, ભડિયાદ, ભાણગઢ, ભીમતળાવ, ધોલેરા, ગોરાસુ, કાદીપુર, ખૂણ, મહાદેવપુરા, મીંગલપુર, મુંડી, ઓટિરયા, પાંચી, રાહતળવા, સીંઘડા, ઝાંખી, આંબળી, ચેર, ગોગલા તેમ જ બરવાળા તાલુકાના હેતપુર, સંગાસર અને સોઢી ગામોનો સમાવેશ થાય છે. સરકારે ૨૬,૦૦૦ હેક્ટર જેટલી જગ્યા ધોલેરા 'સર'ને ફાળવણી કરી છે તેમ જ ૧૭૦૦ હેક્ટર જેટલી જગ્યા એરપોર્ટ માટે નક્કી કરેલ છે તેમ જ ધોલેરા 'સર'ના કરોડરજ્જુ સમાન રોડનું કામકાજ શરૃ થઈ ગયું છે.


ગુજરાત રાજ્યનો નકશો હાથમાં લઈએ તો ધોલેરા શહેર તો નાનું ટપકાં જેવડું લાગે. આ નગરને નજરોનજર જોઈએ તો પણ તેમાં કંઈ દમ ન લાગે. પરંતુ ગુજરાત સરકારની યોજના સમયસર સાકાર થાય તો ધોલેરા ભારતનું સર્વપ્રથમ 'હાઈટેક સીટી' બનશે. પ્રસ્તાવિત દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આવરી લેવાયેલું આ નાનું નગર જોતજોતામાં મેગાસીટી બની જશે. કેટલાક સરકારી બાબુઓ તો અત્યારથી જ ધોલેરાનો ઉલ્લેખ 'સ્માર્ટ સીટી' તરીકે કરે છે!


અમદાવાદ શહેરથી ૧૨૦ કિ.મી. દૂર આવેલું ધોલેરા 'હેવી એન્જિનિયરીંગ' ઉદ્યોગો માટેના ઝોનમાં સંપૂર્ણ વિકસીત થયા પછી કદમાં સિંગાપુર કરતા પણ મોટું ગણાશે. અદ્યતન માળખાકીય સુવિધા ધરાવતું નવું ધોલેરા સ્વનિર્ભર, 'ઇકો-ફ્રેન્ડલી સીટી' હશે. ત્યારે તેની કુલ વસતિ ૨૦ લાખની હશે અને આઠ લાખ લોકોને રોજીરોટી પૂરી પાડશે.


ધોલેરાની કાયાપલટમાં જે જમીનોનો સમાવેશ થાય છે તે બિનઉપજાઉ તેમ જ બિનફળદ્રુપ જમીનના કારણે અહીંના લોકોને રોજીરોટી માટે હિજરત કરીને અન્ય પ્રદેશોમાં જવું પડતું હતું પરંતુ ધોલેરાને 'સર' તરીકે જાહેર થવાથી અહીં જુદા-જુદા એકમો સ્થપાવાના હોવાથી અહીંની પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગયેલ છે અને અગાઉ ત્રણ-ચાર વર્ષ પહેલાં ૩૦થી ૪૦ હજાર રૃપિયા વીઘાદીઠ ભાવ હતો તે આજે છેલ્લા બે વર્ષમાં ૩થી ૫ લાખ રૃપિયા વીઘાદીઠ ભાવ પહોંચી ગયો છે જે આગામી દિવસોમાં વધુ ઊંચકાઈ શકે તેમ છે.


અહીંની બિનઉપજાઉ જમીનમાં અગાઉ કોઈ પણ જમીનની લે-વેચ નહીંવત્ હતી પરંતુ જ્યારથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન 'સર' જાહેર થઈ છે ત્યારથી આ વિસ્તારમાં ઉદ્યોગો આવવાના હોવાની સંભાવનાથી ખરીદદારોની લાઇન લાગે છે. અહીં ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર જાહેર થવાથી લોકોને રોજગારી મળી રહેશે તેવી આશાઓ બંધાઈ છે.


દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમિતાભ કાન્ત કહે છે કે, ''અમે આ પ્રોજેક્ટ હાથમાં લીધો એ પહેલાં દુનિયાના બીજા ઘણાં સુવિકસીત શહેરોનો અભ્યાસ કર્યો હતો. ભારતમાં ચંદીગઢ સિવાય એક પણ શહેરનો એકડેએકથી વિકાસ થયો નથી. કોઈ પણ સ્થળને એક આધુનિક સુવિધાઓ સાથેના શહેરમાં પરિવર્તિત કરવા ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે. ધોલેરા યોજનામાં નવા શહેરને સાકાર કરવા ૯૦૦ ચોરસ કિ.મી. જેટલી જમીન સંપાદિત કરવા ઝડપથી પગલાં લેવાઈ રહ્યાં છે. આસપાસના અનેક ગામડાંઓને આ ભાવિ શહેરમાં સમાવી લેવાશે.


ધોલેરાનું નવું શહેર એવી રીતે સુગઠિત કરાશે કે રહેઠાણો, શાળા-કોલેજ, શોપિંગ મોલ, બિઝનેસ ઓફિસો એકબીજાની નજીક હોય. મોટા ભાગની ઇમારતો પણ ઊંચી હશે જેથી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને ઊર્જામાં બચત થાય. જોવાની વાત તો એ છે કે આ સમગ્ર કોરિડોરમાં સિંગાપુર જેવા એક નહીં પણ છ શહેરો ઊભા થશે. જેની પાણી, વીજળીની જરૃરિયાત આંતરિક રીતે જ પૂરી પડાશે. આ શહેરો પોતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટ ધરાવતા હશે, તેમજ ઔદ્યોગિક કચરાનો રિસાયક્લીંગ પ્લાન્ટ પણ હશે જેથી પ્રદૂષણની સમસ્યા જ ન રહે. જાપાનના કિતાક્યુશુ મોડેલ પર આધારીત આ શહેરો તેમાં ઉત્પન્ન થનારો તમામ કચરો પુનઃ ઉપયોગમાં લેશે.


આ જંગી પ્રોજેક્ટનો થોડો લાભ મહારાષ્ટ્રને પણ થશે. દીધી બંદર પાસે ૩૫૦ ચો. કિ.મી. વિસ્તારને આવરી લેતા નવા નગરની રચના થશે. એવી જ રીતે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ નવા શહેર આકાર લેશે.

 

આ તમામ શહેરોની બધી જ ઇમારતો રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ધરાવતી હશે. જેથી વરસાદનું પાણી ગટરમાં વહી ન જતાં તેનો ઉચિત ઉપયોગ થશે. ઘન કચરાનું સ્પેશિયલ પ્લાન્ટમાં રિસાયક્લિંગ કરીને ઘરવપરાશની ચીજો બનાવાશે. ચાર જાપાની કંપનીઓ તોશિબા, મિત્સુબીસી, હિટાચી અને જેજીસીનું કોન્સોર્ટિયમ આ દિશામાં આગળ વધીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણામાં પ્લાન્ટ સ્થાપી રહ્યું છે.


માત્ર ધોલેરાના વિકાસ પાછળ જ અંદાજે રૃા. ૫૦,૦૦૦ કરોડ ખર્ચાશે. ગુજરાત સરકારે પ્રારંભમાં રૃા. ૩૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરી દીધું છે. જાપાને પણ ૧૩૦ કરોડ રૃપિયાની સહાય કરવાનું વચન આપ્યું છે. બીજા નાણાં 'પબ્લિક-પ્રાઈવેટ' કંપનીઓની ભાગીદારી થકી મેળવાશે.
એક રીતે એમ પણ કહી શકાય કે કોરિડોરનો આ મેગા પ્રોજેક્ટ ભારતની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઈને જોડતા ૧૪૮૩ કિ. મી. લાંબા રેલરૃટનો સર્વાંગી વિકાસ સાધશે. જેનો કુલ ખર્ચ ૯૦ અબજ ડૉલર થશે. એકવાર આ યોજના પરિપૂર્ણ થશે એટલે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ બમણાં થઈ જશે. આશરે ૧૮ કરોડ નાગરિકો આ યોજનાનો સીધો કે આડકતરો લાભ મેળવશે.


મુંબઈ-દિલ્હી ઇન્ડ. કોરિડોર યોજના અંતર્ગત પ્રત્યેક ૨૫૦ ચો. કિ.મી.ના એવા નવ મેગા ઇન્ડસ્ટ્રીયલ ઝોન કંડારવામાં આવશે. આ ઝોનમાં થયેલા ઉત્પાદનો તેમજ કાચી સામગ્રીની હેરફેર માટે હાઈસ્પીડ ફ્રેઈટલાઈનની રચના કરવામાં આવશે. આ સિવાય ત્રણ નવા અદ્યતન બંદરો, છ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા મુંબઈ-દિલ્હીને સાંકળતો છે લેન ધરાવતો ફ્રી એક્સપ્રેસ વે બાંધવામાં આવશે. ૪૦૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ આ સમગ્ર ઝોનને પ્રવૃત્તિઓથી ધમધમતો રાખશે. આ તમામ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓને ટેકારૃપ એવા અસંખ્ય પેટા-ઉદ્યોગો, સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ ખીલી ઊઠશે. જેના વિકાસ માટે કેન્દ્ર સરકાર ઉપરાંત જાપાન સરકાર તથા જાપાનીઝ કંપનીઓએ આર્થિક સહાય આપવાના કરાર કર્યા છે.


ધોલેરા નજીક ફેદરા ખાતે વર્લ્ડ કલાસ એરપોર્ટ અને એર કાર્ગો કોમ્પ્લેક્સ સ્થપાશે. જેને કારણે ગુજરાતના દરિયાકિનારે આવેલા બંદરોની માલની હેરફેરની ક્ષમતામાં સતત વધારો થશે. ગુજરાત સરકારે અમદાવાદથી વાયા ધોલેરા થઈ ભાવનગર જતો છ લેનનો હાઈ-વે બનાવવાની યોજનાને પણ પ્રાધાન્ય આપ્યું છે. 'અર્લી બર્ડ' તરીકે ઓળખાતી આ યોજનામાં હાલના અમદાવાદથી વટામણ-પીપળી ધોલેરા થઈને ભાવનગર જતાં ૧૮૦ કિ.મી. લાંબા ખખડધજ માર્ગને છ- લેનમાં ફેરવી નાંખવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત 'અર્લી બર્ડ' યોજનામાં ગાંધીનગર, અમદાવાદ અને ધોલેરાને જોડતી ૧૨૦ કિ.મી. લાંબી મેટ્રો ટ્રેનનો પણ સમાવેશ થાય છે.


રેલવે ફ્રેઈટ કોરિડોર દિલ્હી નજીકના તુઘલખાબાદથી શરૃ થશે અને મુંબઈ નજીક વસઈ રોડ સુધી પહોંચશે. માર્ગમાં કુલ નવ જંકશન હશે. આ રેલવે લાઈનની બેઉ બાજુએ ૧૫૦ કિ.મી.ના વિસ્તારને ઇન્વેસ્ટમેન્ટ રિજન ઘોષિત કરવામાં આવશે. આ કોરિડોર યોજના હેઠળ પહેલા તબક્કામાં નવા શહેરો ઊભારવાની યોજના ૨૦૧૮ સુધીમાં પુરી થશે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે-બે તથા રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એક-એક ગેસ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપવાની શરૃઆત થઈ ચૂકી છે. રાજસ્થાનમાં તો એક જંગી સોલાર પાવર પ્લાન્ટ પણ સ્થપાઈ રહ્યો છે.


મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના એક પ્રવકતાએ જણાવ્યા મુજબ આ કોરિડોરને લીધે રાજ્યનું ઔદ્યોગિક ઉત્પાદન આવતાં ત્રણ દાયકામાં વધીને ૨૦,૦૦૦ અબજનું થઈ જશે. આ જ ગાળામાં રોજગારીની નવી ૨૩ લાખ તકો ઊભી થશે. આ નિગમ દ્વારા કોરિડોરના વિસ્તારમાં ૭૦,૦૦૦ હેકટર જમીન સંપાદિત થઈ રહી છે અને પાણી પુરવઠા તથા મજબૂત રસ્તા બાંધવા માટેની તજવીજ થઈ રહી છે.
આમ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, યોજના છ રાજ્યો માટે લાભદાયી છે. પરંતુ 'ધોલેરા સર' પ્રકલ્પ સાથે યોજનાનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્ય ખાટી જશે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved