Last Update : 25-March-2012, Sunday
 

ભગવાન મહાવીરે વ્યક્તિના આભા (ઓરા) મંડળની વાત કરી હતી, વિજ્ઞાાન આજે તેને સ્વીકારતું થયું છે
યે દુનીયા રંગરંગીલી

હોરાઇઝન - ભવેન કચ્છી

- વાઈબ્રેશન, ઓરા અને એનર્જી ઝીલતા ઉપકરણો બની રહ્યા છે
- તમારામાં અંતઃસ્ફૂરણા કે સિક્સ્થ સેન્સ હોય તો તમે પણ આ દુનિયાને અનુભવી શકો છો
- આભા મંડળ વ્યક્તિના ડીએનએનો ફાઇનલ સ્કેન રિપોર્ટ છે તેમ પણ સંશોધન બહાર આવી શકે

ઘણીવખત અમુક વ્યક્તિને મળતા કે તેમની આંખો સામે જોતા આપણે પણ કોઈ અજબની ઉર્જા મેળવતા હોઈએ તેવું મહેસુસ કરીએ છીએ. પ્રભાવ એવો પણ હોઈ શકે કે નજર ના પણ મીલાવી શકીએ. અમુક ઘેર કે સ્થળે જતા આપણે એક નોખા પ્રકારની જ દિવ્ય કે પ્રફુલ્લીત બનાવી દે તેવી શાંતિનો અહેસાસ કરીએ છીએ. ઘણા સ્થાને આપણું મન કચવાય, કંઈક અમંગળ-ઉચાટભર્યું વાતાવરણ પણ ઝીલાઈ જતું હોય છે.


ઉર્જા (એનર્જી), આંદોલનો (વાઈબ્રેશન) અને ઓરા (આભા)ની એક દુનિયા છે. અત્યાર સુધી તેને આધ્યાત્મ ક્ષેત્રની રીતે જ શ્રધ્ધા-અશ્રધ્ધાના રૃપે જોવામાં આવતું હતું પણ હવે શરીરની સ્થુળ અને સુક્ષ્મ રચના, ડીએનએ તેમજ જે પણ ઉપકરણો બનતા ગયા તેના સિધ્ધાંતો જોતા વિજ્ઞાાનિક રીતે પણ પૃથક્કરણ થતું ગયું છે.


પૃથ્વી પરની દરેક વ્યક્તિના ચિત્તની તેમજ કર્મોના નિચોડરૃપ સ્થિતિ કેવી છે તેનું આભામંડળ તેના શરીરની આસપાસ સતત રચાયેલું હોય છે. તેના આંદોલનો વધતા-ઓછા તમામ માનવી ઝીલતા હોય છે.
ભગવાન મહાવીર, બુધ્ધ, શ્રીકૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત કે તમામ દેવ-દેવીઓની તસવીરોમાં ચહેરા પાછળ પ્રકાશમય ગોળ પૂંજ બતાવાય છે તે આભા મંડળનું જ નિરૃપણ છે.


ભગવાન મહાવીરે આભા મંડળ અને રંગના વિજ્ઞાાનને તેમના સમયકાળમાં પધ્ધતિસર સમજાવ્યા હતા. તેમણે છ લેશ્યાઓમાં થિયરી વર્ગીકૃત કરી હતી. સમુદ્ર ગાઢ અને શાંત પ્રકૃતિ અને સ્થિતિ ધરાવે છે તેવું જ આપણા આત્માનું છે. પણ અશુધ્ધ મન અને ચિત્ત વૃત્તિના લહેરો-તરંગો સમુદ્ર ડહોળે છે. અશાંત બનાવે છે. આ લહેરો એટલે જ 'લેશ્યા'.
જ્યારે તમામ લેશ્યાઓ શાંત થઈ જાય એટલે શુધ્ધ આત્માની પ્રતિતિ કરાવતું વ્યક્તિ પ્રતિબિંબીત થાય છે.


પતંજલીએ જેને ચિત્તવૃત્તિ કહી છે તેને ભગવાન મહાવીરે 'લેશ્યા' તરીકે ઓળખાવી છે. પ્રતિ પળ કોઈને કોઈ તરંગની પકડમાં આપણે આવી જઈએ છીએ. ચિત્તના જેટલા વધુ તરંગો હશે તેમ આપણી ભીતરમાં જે ગહન સમુદ્ર હશે તે ડહોળાશે.
પ્રત્યેક વ્યક્તિની આપાસ છ પૈકીની કોઈ એક લેશ્યા રહેવાની જ. આ છ લેશ્યાને મહાવીરે કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદમ અને શુકલ જેવા નામ આપ્યા છે. પશ્ચિમના દેશોમાં રંગોની દુનિયા પર ઊંડો અભ્યાસ થઈ રહ્યો છે. આજકાલ તો કલર થેરેપી, વાસ્તુ શાસ્ત્રની પ્રચલિતતા પણ વધતી જાય છે. કંપનીની સફળતા માટેતેની પ્રોડક્ટના પેકિંગનો રંગ નિર્ણાયક ભુમિકા ભજવતો હોય છે.


મનોવિજ્ઞાાનીઓ કહે છે કે જો તમે તમારા રૃમને તમામ બાજુઓથી લાલ રંગે રંગી દો, તેમાંની લાઈટો, વસ્તુઓ, કાર્પેટ બધું લાલ બનાવી તેમાં ત્રણ કલાક જ વિતાવો તો તમે એક પ્રકારનો ખળભળાટ અનુભવશો. કેમ લાલ રંગ ઉકળાટ લાવે છે. ભડકાવે છે. હૃદયને ઉત્તેજીત રાખવા કુદરતે લોહીનો રંગ પણ લાલ રાખ્યો છે. આખલો અને દરિયો લાલ રંગના કપડાથી ભડકે છે. ઉછાળા મારે છે. જંગમાં માર ખાતા હોઈએ અને આપણા શરીર પર પડી ગયેલા ઘામાંથી લોહી ટપકતું જોતાં જ વળતો હુમલો કરવાનું ખુન્નસ નથી ચઢતું? ક્રાંતિકારીઓ તેમના ઝંડાનો લાલ રંગ પસંદ કરે છે.
જુદા જુદા રંગ જોતાં શરીરમાં જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેના થકી જુદા જુદા મુડ, મિજાજ બનાવતા સ્ત્રાવો ઝરતા હોય છે.
પ્રાકૃતિક સૌંદર્ય મહત્તમ લીલા રંગનું છે. તપ, સાધના અને મનની હળવાશ હરિયાળા વાતાવરણમાં અનુભવાય છે. એજ જંગલ કે પ્રકૃતિ પાનખરમાં આપણને વ્યથિત કરી દે છે.


સફેદ રંગ શાંતિ, સ્થિરતા, સાદગી, આશક્તિ વિહિનતા અને પારદર્શકતાની લાગણી જન્માવે છે.
આપણે અહીં રંગની બાહ્ય દુનિયા થકી આપણી અંતરંગ દુનિયા પરના પ્રભાવની વાત કરવા કરતા આપણા પોતાની પ્રકૃતિનો, ચિત્ત વૃત્તિનો રંગ કેવો છે તે જોવાનો પ્રયત્ન કરીશું. મહાવીર સ્વામીએ માનવીને છ લેશ્યાઓમાં વર્ગીકૃત કર્યો છે જેમાંથી ત્રણને 'ધર્મ' અને ત્રણ રંગના આભા મંડળને 'અધર્મ' વર્ગમાં મુક્યા છે. કૃષ્ણ-કાળી, નીલ-લીલી અને ત્રીજી કાપોત-કબૂતરના ગળાના રંગ જેવા માનવીની લેશ્યા હોય તો અનુક્રમે સૌથી ખરાબ, ખરાબ અને તેના કરતા ઓછી ખરાબ એમ ત્રણ અધર્મ લેશ્યા કહી શકાય.
જ્યારે તેજ-અગ્નિના રંગની આછી સહેજ પીળાશ પડતી લાલ લેશ્યા સારી, પદમ પીળી વધુ સારી અને છેલ્લી શુકલ-સફેદ લેશ્યા શ્રેષ્ઠ મનાય છે.


મહાવીરે પ્રત્યેક રંગની લેશ્યા માટે તે વ્યક્તિ કેવી હોઈ શકે તેની સમજ આગમ શાસ્ત્રોમાં આપી છે. અભ્યાસના આધારે એ પણ જાણવા મળ્યું છે કે નાના બાળકને તેમજ બિલાડીને આવી લેશ્યાઓ દેખાતી હોય છે.
સાચો સાધુ, સંત કે આધ્યાત્મિક વ્યક્તિઓ સામી વ્યક્તિના 'ઓરા' જોઈ શકે છે. તેઓ વ્યક્તિને તેના રૃપ, દેખાવ કે દુન્યવી સફળતાથી નથી મુલવતા પણ તેઓના ઓરા આભા મંડળને આધારે જ તેની જોડે વર્તન કરે છે. અંતર રાખવું કે નહીં તે નક્કી કરે છે.


કૃષ્ણ-શ્યામ લેશ્યા ધરાવતી વ્યક્તિ ક્રોધ, ઇર્ષ્યા, કામવાસના હિંસકતા જેવા અવગુણો ધરાવતી હશે. તે વ્યક્તિ કારણ વગર બીજાનું કંઈક જોઈને બળતી હશે. તેને પોતાને નુકસાન થતું હોય તો વાંધો નહીં. સફેદ રંગ લેશ્યા ઉત્કૃષ્ટ છે. સફેદ રંગ સૂર્યના કિરણોને પરત મોકલી દે છ તે રીતે ત્યાગનું પ્રતીક છે સફેદ લેશ્યા ધરાવતી વ્યક્તિ આથી જ કંઈ ઝીલતી કે શોષતી નથી. તમામ ક્રિયા- પ્રતિક્રિયા પરાવર્તન પામે છે. જે વ્યક્તિ પોતાનું નુકસાન ના થાય તે હિત જુએ પણ બીજાને નુકસાન થાય તેની પરવા જ ન કરે તો વ્યક્તિ નીલ- લીલી લેશ્યાની માલિક હોય છે. આ લેશ્યા કૃષ્ણ કરતા સારી મનાય છે આવી વ્યક્તિઓએ કાયદાનો ભય બતાવીને કે સત્સંગ થકી તેમની નરી સ્વાર્થવૃત્તિમાંથી તમે અટકાવી શકો છો. જ્યારે શ્યામ લેશ્યા ધરાવતી વ્યક્તિ તો કાયદાથી પણ ડર્યા વગર બીજાને નુકસાન પહોંચાડી શકશે.


ત્રીજા લેશ્યા કાપોત- કબૂતરના કંઠ જેવા રંગની બતાવાઈ છે. કાળો રંગ ફિક્કો પડે તો લીલો અને લીલો રંગ ફિક્કો પડે તો કાપોત રંગ બની જાય. આવી વ્યક્તિ પોતાને નુકસાન થતું હોય તો સહન કરી લેેેશે. પણ બીજાને નુકસાન નહીં પહોંચાડે તે પરમાર્થનું વિચારતો થયો હશે. તેના જીવનમાં બીજાની ચિંતા અને દરકાર લેવાનું શરૃ થઈ ગયું છે.


કૃષ્ણ-શ્યામ અને નીલ લેશ્યા ઘરાવતી વ્યક્તિ પ્રેમ નથી કરી શકતી કાપોત લેશ્યા ધરાવનારમાં પ્રેમના અંકુર ફૂટી શકે છે. કૃષ્ણ લેશ્યા ધરાવનાર માત્ર ધૃણા જ કરી શકે છે. નીલ લેશ્યાવાળી વ્યક્તિ સંબંધો રાખે પણ માત્ર સ્વાર્થ આધારિત. કૃષ્ણ લેશ્યા એટલે ગાઢ અંધકાર, નીલ લેશ્યા એટલે પરોઢ પહેલાનો અંધકાર અને કાપોત લેશ્યા એટલે પરોઢ જાગરણની અવસ્થા.
જો આપણે આમાંની કેવી પ્રકૃતિ છે તેનો નિખાલસતાથી મનોમન વિચાર કરીને જાગૃતિ સાથે પ્રમોશન મેળવવા માંગીએ તો આગળની ત્રણ અવસ્થા તરફ આગેકૂચ કરી શકીએ.


આ ત્રણ શુભ લેશ્યા એટલે તેજ, પદમ અને શુક્લ- સફેદ. કપોત લેશ્યાનો રંગ લીલાશને ઉઘાડતો પરોઢના આકાશ જેવો છે તો તેજ રંગ જાગરણ પછીના સૂર્યોદયની લાલાશ જેવો છે. અગ્નિ જેવો લાલ રંગ સૂર્યોદય વખત જેવો દેખાશે. જેમ સૂર્ય તેના કિરણો બીજાને સરખા ભાગે આપે છે તેવી જ રીતે તેજ લેશ્યા ધરાવતી વ્યક્તિઓ બીજાને બિનશરતી, અવિરત પ્રેમ આપશે તેમાં તેને દુન્યવી રીતે સહન પણ કરવું પડતું હશે. અહીં જ અધ્યાત્મની મંઝિલની શરુઆત થાય છે. એટલે તેજ લેશ્યાનો સૂર્યોદય જેવા ભગવો રંગ સાધુ ધારણ કરે છે.
સૂર્યોદયની ભગવા જેવી અવસ્થાથી આગળ વધીને અહંકાર કે 'સ્વ' ભાન નાશ પામે એટલે સૂર્ય એટલે સફેદ મધ્યાહ્નની અવસ્થા અગાઉની પીળાશ પડતું હશે. આ લેશ્યાનો રંગ પદમ કહી શકાય જ્યારે તમામ સ્પર્ધા, સંઘર્ષ, આસક્તિ કે અહંકાર છૂટી જાય એટલે સૂર્યોદય વખતની અને મધ્યાહ્નના ગોળાના સફેદ રંગ વચ્ચેનો રંગ લેશ્યા ધારણ કરે તો તે પદમ અવસ્થા કહેવાય.


છઠ્ઠી અને અંતિમ લેશ્યા સફેદ છે. તેમાં માનવી પૂજનીય સંત કે 'સાચા ગુરુ'નું સ્થાન મેળવી શકે છે. સફેદ સત્ચિતની અવસ્થા છે બધી જ લેશ્યાઓ આ રંગમાં શાંત થઈ જાય છે.
મૃત્યુ પામતી વખતે આપણી જે લેશ્યા રહે છે તે જ લેશ્યામાં આપણે જન્મીશું. તમે કેવા છો તેનુ આત્મમૂલ્યાંકન પણ લેશ્યા કે આભામંડળની સ્થિત જાણીને કરી શકો છો તે પ્રમાણે ઉન્નતિ અને જાગૃતિનો માર્ગ બનાવવો રહ્યો.


'મેનેજમેન્ટ ગુરૃ લોર્ડ ક્રીષ્ના' પુસ્તકમાં એવું જણાવાયું છે કે શ્રીકૃષ્ણ સામી વ્યક્તિની પ્રકૃતિને તેમની આગવી કુનેહ પ્રમાણે પારખીને તે પ્રમાણે તેની સાથે વર્તાવ કરતા.
લેશ્યા કે આભા મંડળની તસ્વીરો ઝીલાય તે દિશામાં વિજ્ઞાાન આગળ ધપી રહ્યું છે. વિજ્ઞાાન વ્યક્તિની સંયમ કે અહિંસા કે પછી આવેગ- વિકારો માટે જુદા જુદા સ્ત્રાવો ઝરવાની અંતઃક્રિયાને જવાબદાર ઠેરવે છે. આવી સીસ્ટમ લેશ્યાના આધારે પ્રત્યેક વ્યક્તિમાં કેમ જુદી જુદી હોય છે તે પણ કોયડો છે. આભા મંડળ વ્યક્તિના ડીએનએનો ફાઇનલ સ્કેન રિપોર્ટ છે તેવું પણ સંશોધન પણ બહાર આવી શકે.

 

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved