Last Update : 25-March-2012, Sunday
 

કસરત કોણે-ક્યારે-કેવી રીતે કરવી જોઈએ?

ફિટનેસ - મુકુંદ મહેતા

 

- ખોરાકમાં લીધેલા કાર્બોહાઈડ્રેટસ એટલે કે શર્કરાનું ઓક્સીજનથી દહન કરીને શરીરને શક્તિ આપવાની અને લાંબું જીવાડવાની પરમકૃપાળુ પરમેશ્વરની અકળ ક્રિયા ને કરામત એટલે કસરત. માનવજાત પર પરમેશ્વરે કેટલી બધી કૃપા વરસાવી છે

આપણે જ્યારે કસરતની વાત કરીએ ત્યારે શારીરિક કસરતની વાત કરીએ છીએ. કસરતનો બીજો કોઈ અર્થ નથી પણ કસરત એટલે શારીરિક શ્રમ. કસરત એટલે હાથને પગને હલાવવા. કસરત એટલે હવામાં રહેલા ૨૦ ટકા ઓક્સીજનને ફેફસા વાટે શરીરમાં દાખલ કરી શરીરના એકેએક અંગના અગણિત કોષોને શક્તિ આપવાની ક્રિયા. ખોરાકમાં લીધેલા કાર્બોહાઈડ્રેટસ એટલે કે શર્કરાનું ઓક્સીજનથી દહન કરીને શરીરને શક્તિ આપવાનું અને લાંબું જીવાડવાની પરમકૃપાળુ પરમેશ્વરની અકળ ક્રિયા ને કરામત એટલે કસરત. માનવજાત પર પરમેશ્વરે કેટલી બધી કૃપા વરસાવી છે. ચક્રગતિ માફક હવાનો ઓક્સીજન ફેફસા વાટે માનવી શરીરમાં શક્તિના અંશ તરીકે લે છે અને શરીરમાં વપરાયા પછી અશુધ્ધ હવા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૃપે પ્રત્યેક માનવી ઉચ્છવાસ વાટે બહાર કાઢે છે. આજ કાર્બન ડાયોક્સાઈડ વૃક્ષો અને નાના મોટા છોડ પોતાની વૃધ્ધિ માટે લઈ લે છે અને બદલામાં માનવીને ઓક્સીજનની ભેટ આપે છે. કલ્પના કરો કે આવું ના કર્યું હોત તો? માનવી કોઈપણ જાતનો શ્રમ કે કસરત ના કરે ત્યારે પણ તેને શ્વાસ તો લેવો પડે છે. કારણ શરીરને શક્તિ આપવાનું અને જીવાડવાનું આ એક જ કાર્ય પરમેશ્વરે તેને સોંપ્યું છે. બાળક જન્મે અને રડે ત્યારથી ફેફસાની આ હવા લેવાની ક્રિયા જ્યારે માનવી મૃત્યુ પામે ત્યારે શ્વાસ બંધ થઈ જાય ત્યારે બંધ થાય છે. પરમેશ્વર માનવીને લાંબું જીવાડવા ઈચ્છે છે પણ જેમ જેમ માનવી સુખી અને સમૃધ્ધિવાન થતો ગયો તેમ હાથપગ હલાવવાની ક્રિયા એટલે કે શ્રમ કરવાનું ભૂલી ગયો. પરિણામ શું આવ્યું તે તમે જાણો છો. એક નાનો દાખલો લઈએ. એક મીણબત્તી સળગાવીએ તો એ સળગ્યા કરે પણ એની ઉપર કાચનું વાસણ ઢાંકી દઈએ તો તરત હોલવાઈ જાય તે રીતે તમે શ્વાસ વાટે ઓક્સીજન લેવાની ક્રિયા જો ઓછી કરો - એટલે કે કસરત ના કરો - તો તમે પણ ધીરે ધીરે હોલવાઈ જાઓ એટલે કે વાળ ધોળા થાય. આંખે ઓછું દેખાય. કાને ઓછું સંભળાય, ચાલ ડગુમગુ થાય અને ઘડપણનાં લક્ષણો તમારા ઘડપણની ચાડી ખાય. યાદ રાખો સ્વસ્થ શરીર હોય તો મન પણ સ્વસ્થ રહે.
એક જમાનો હતો ત્યારે માનવીને કસરતનું કહેવું પડતું નહોતું. રોજની ક્રિયામાં જ કસરત આવી જતી હતી. તે વખતે ઉભાં રસોડાં નહોતાં, ડાઈનિંગ ટેબલ પર જમવાનું નહોતું. ઉપલા માળે કે અગાસીમાં જવા દાદર ચઢવો પડતો હતો. લિફ્ટ નહોતી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવા વાહન નહોતાં. એટલે સુધી કે તમારે ટોઈલેટ જવા નીચે બેસવું પડતું હતું. કોમોડ નહોતા. ટૂંકમાં, કોઈપણ જાતનો શ્રમ કે કસરત જેમ જેમ ઓછા થતા ગયા એટલે શારીરિક ક્ષમતા તો ગઈ પણ એને કારણે શરીરની રોગ સામે લઢવાની ક્ષમતા જતી રહી. શરીર અનેક જાતના બેક્ટેરીઆ અને વાયરસથી અનેક રોગનો ભોગ બન્યું અને એના કરતાં ડાયાબીટીસ-બી.પી. હાર્ટ એટેક વગેરે રોગો જેને જીવનશૈલીની વિષમતાના રોગ કહેવાય તે પણ શરીરમાં જાણે અજાણે ઘર કરી ગયા.
હવે લોકો જાગૃત થઈ ગયા છે અને કસરત કરવા માંડયા છે પણ દરેકના અલગ અલગ કારણો હોય છે. ૧. કોઈ હેલ્થ ક્લબમાં જઈ કસરત કરી શરીરના સ્નાયુ મજબૂત દેખાય તેવા કરીને હી-મેન બનવા માગે છે. ૨. કોઈ હૃદય-ફેફસા-રક્તવાહિનીઓની ક્ષમતા વધારવા કસરત કરે છે તો કોઈ ૩. પસંદગીની રમત-વોલીબોલ-ફૂટબોલ-હોકી વગેરે રમતમાં ક્ષમતા વધારવા કસરત કરે છે. ૪. વળી કોઈ પોતાનું વધી ગયેલું વજન ઓછું કરવા કે બી.પી. અને ડાયાબીટીસને કાબુમાં રાખવા કસરત કરે છે. ૫. કોઈને તરવામાં કોઈને ચાલવા કે દોડવામાં મઝા પડે છે માટે કસરત કરે છે. ૬. કોઈ હરીફાઈમાં મેડલ લેવા કસરત કરે છે. ૭. વળી કોઈ એવી કસરત (લાફીંગ ક્લબની) પસંદ કરે છે જેમાં મઝા તો આવે પણ સાથે સાથે વધારે લોકોને મળવાનું થાય અને સહારો તેમજ પ્રેમ મળે. ગમે તે કારણ હોય પણ કસરત કરવાનું શ્રેષ્ઠ કારણ તમે મને પુછો તો ''રોગ રહીત અને માનસિક તનાવ રહીત લાંબી આનંદમય જીંદગી જીવવી હોય તો દરેક પુરૃષ-સ્ત્રીએ રોજની દિનચર્યામાં જેમ તમે રોજ બ્રશ કરો છો - રોજ સ્નાન કરો છો - રોજ જમો છો અને રોજ સૂઈ જાઓ છો તેમ તમારે રોજ કસરત કરવી જોઈએ.''
કસરતના પ્રકાર
૧. હળવી કસરત - આ કસરત કરવામાં વિશેષ શ્રમ ના પડે અને તમે વાતો કરી શકો. દા.ત. ધીમી ગતિની ચાલ.
૨. થોડીક શ્રમવાળી કસરત - જેમાં તમારે થોડો શ્વાસ લેવો પડે. તમે સળંગ વાત ના કરી શકો. દા.ત. ઝડપથી ચાલો - દાદરો ઝડપથી ચઢો. અથવા ઢાળ ચડો તે આ પ્રકારની કસરત કહેવાય.
૩. ખૂબ શ્રમવાળી કસરત ઃ આ કસરતમાં તમને હાંફ ચડે, તમે તાત્કાલિક બોલી ના શકો. ઉપરની બન્ને કરતાં આ કસરતનું પ્રમાણ વધારે હોય. દા.ત. દોડવાની- સાયકલ ચલાવવાની અને હેલ્થક્લબમાં વજન ઉચકવાની કસરત.
વૈજ્ઞાાનિકોએ કસરતના નીચે પ્રમાણે પ્રકાર પાડયા છે.
૧. એરોબીક કસરત ૨. એનેરોબીક કસરત ૩. એજીલીટી કસરત. ૪. યોગા.
૧. એરોબીક કસરત
આ કસરત કરવાનું મુખ્ય ધ્યેય પરમેશ્વરે હવામાં છુટ્ટે હાથે આપેલો ઓક્સીજન (પ્રાણવાયુ) બને એટલો શરીરમાં વધારે જાય તે છે. ડલાસ (ટેક્સાસ) શહેર સ્થિત ડો. કુપર એરોબીક સેન્ટરના વડા ડો. કેનેથ કુપરે સન ૧૯૬૦માં 'એરોબીક' શબ્દની ભેટ જગતને આપી. ૧૯૮૬માં ડો. કુપરના એરોબીક સેન્ટરમાં ટ્રેઈનીંગ લેવાનો અદ્ભુત અનાયાસ પ્રસંગ મને પરમેશ્વરની મહેરબાનીથી મળેલો અને મને ટ્રેઈનિંગ લીધા પછી 'ફીટનેસ સ્પેશ્યાલીસ્ટ'નું સર્ટીફીકેટ મળેલું. આજ ડોક્ટર કુપરે 'બાઈસીકલ અર્ગોમીટર' નામના સાધનથી કસરત કરનારા સૌ-દોડનારા-સાયકલ ચલાવનારા-તરનારા એથલેટનો અભ્યાસ કરી એરોબીક કેપેસીટી એટલે કે તેમના ફેફસાની હવાનો ઓક્સીજન લેવાની કુલ શક્તિ માપીને નક્કી કરી. એમના પ્રથમ પુસ્તક 'એરોબીક્સ' અને છેલ્લા પુસ્તક 'એરોબીક પ્રોગ્રામ ફોર ટોટલ વેલ બીઈંગ'માં જણાવ્યા પ્રમાણે કોઈપણ કસરત ૪૦ મિનિટથી વધારે હોવી ના જોઈએ. પહેલી પાંચ મિનિટ 'વોર્મઅપ' પછી ૩૦ મિનિટ બિલકુલ અટક્યા વગર દોડવાની-સાયકલ ચલાવવાની કે તરવાની કસરત અને છેલ્લે પાંચ મિનિટ કુલીંગ ડાઉન એટલે કે સ્ટ્રેચીંગ કસરત કરવી જોઈએ. એરોબીક ભાગ સામાન્ય રીતે થોડી વધારે (મોડરેટ) ઈન્ટેન્સીટી (વેગ)થી લાંબા અંતર માટે દોડવામાં ૩૦ મિનિટમાં ૩ થી ૪ કિ.મી., સાયકલ ચલાવવામાં ૮ થી ૧૦ કિલોમી અને તરવામાં એક કિલોમીટર એ પ્રમાણે હોવી જોઈએ.
એરોબીક કસરત તમે હેલ્થ ક્લબમાં ટ્રેડમીલ પર પણ કરી શકો. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એરોબીક કસરતથી તમારું હૃદય-ફેફસાં -રક્તવાહિની મજબુત થવામાં ઓછામાં ઓછા ત્રણ માસ થશે માટે ઝડપ કે અંતર વધારશો નહી અને સોનેરી નિયમ યાદ રાખશો કે એરોબીક કસરત કરતાં પહેલાં તમારા ડોક્ટર પાસે મેડીકલ ચેકઅપ કરાવી લેશો.
એરોબીક કસરતના ફાયદા
૧. ફેફસાથી શ્વાસ લેવાના સ્નાયુ મજબુત થાય. ૨. હૃદયના સ્નાયુ મોટા થાય અને મજબુત થાય. જેને લીધે તમારું હૃદય ઓછી મહેનતે વધારે કામ કરે. ૩. આખા શરીરના સ્નાયુ સુદ્રઢ અને સુડોળ થાય. ૪. આ કસરતથી બી.પી. નોર્મલ થઈ જાય. ૪. લોહીનું પરિભ્રમણ વધે. ૫. લોહીના કણ (રક્તકણ)ની સંખ્યા વધે. એટલે તેઓની હવામાંનો ઓક્સીજન જુદાં જુદાં અંગોમાં પહોંચાડવાની શક્તિ વધે. ૬. ઉંઘ સારી અને ખલેલ વગરની આવે. ૭. શરીર મજબુત થાય તેથી મનની સ્થિતિ મજબુત થાય. એટલે કે નકારાત્મક વિચારો ઓછા થાય. પરિણામે માનસિક તનાવ અને તેનાથી થતી તકલીફો ઓછા થઈ જાય. ૮. હાર્ટ એટેકનો ડર જતો રહે. ૯. હાડકાં મજબૂત થાય. કારણ તેમની મજબુતાઈ માટે કેલ્શ્યમ મળે અને લોહી મળે.૯. શારીરિક ક્ષમતા (સ્ટેમીના) અને સ્નાયુની ધારકશક્તિ (એન્ડયોરન્સ) વધે. ૧૦. સ્નાયુની ક્ષમતા ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ ગ્રહણ કરવાની વધે. ૧૧. લોહીનો પ્રવાહ સ્નાયુને વધારે મળે. ૧૧. સામાન્ય રીતે શક્તિ માટે સ્નાયુ ગ્લુકોઝ વાપરે પણ એરોબીક કસરત વખતે સ્નાયુ શક્તિ માટે ચરબીનો ઉપયોગ પણ કરે એટલે શરીરમાંથી ચરબી ઓછી થાય. શરીર સુડોળ બને.
૨. એનેરોબીક કસરત
એનેરોબીકનો અર્થ હવા લીધાવગર કરવાની કસરત. આ કસરતમાં તમારા શરીરના સ્નાયુ વધારે શક્તિવાળા અને મજબૂત થાય છે. આ કસરત થોડાક સમય માટે ખુબ વેગ (ઈન્ટેન્સીટી)થી કરવાની હોય છે. દા.ત. ઓલેમ્પીકમાં ૧૦૦ મીટરની અને ૨૦૦ મીટરની દોડ. કોઈપણ વખતે આ કસરતમાં બે મિનિટથી વધારે સમય હોવો જોઈએ નહી. એનેરોબીક એટલે શોર્ટ (થોડો સમય) અને ફાસ્ટ (ખુબ ઝડપ). આ કસરતમાં ૧. વજન ઉચકવાની કસરત ૨. સ્પ્રિન્ટ (ઝડપી દોડ) ૩. ખુબ વેગ અને ઝડપથી દોરડા કુદવા. ૪. આઈસોમેટ્રીક્સ (મશીનથી કરવાની કસરત)
એનેરોબીક કસરતમાં ૧. ઓછી કેલરી વપરાય. ઓક્સીજન બિલકુલ ના વપરાય. ૩. હૃદય કે ફેફસાને એરોબીક કસરત જેટલો ફાયદો ના થાય. ૪. ફક્ત શરત જીતવા અને મેડલ મેળવવા કરવામાં આવે. ૫. આ કસરતથી સ્નાયુની શક્તિ, કદ અને મજબુતાઈ વધે. ૬. જેમ જેમ સ્નાયુનું કદ વધે તેમ તેમ ચરબી વધારે બળે. ૭. એનેરોબીક કસરત કરનારના સ્નાયુ મજબુત થાય અને કદ વધે. ૮. શરીર સુદ્રઢ અને સુડોળ બને. ૯. આ કસરત કરવાથી હાડકા ખુબ મજબુત થાય. ૧૦. સાંધા અને લીગામેન્ટ મજબુત થાય. ૧૧. વજન કાબુમાં રહે.
(૩) એજીલીટી કસરત અથવા એજીલીટી ટ્રેઈનીંગ
કોઈપણ મેદાની રમત (ફીલ્ડગેમ)માં ઘડીકમાં ૧. સ્પીડ વધારવી પડે ૨. સ્પીડ ઘટાડવી પડે. ૩. કોઈવાર દિશા બદલવી પડે અને તે વખતે બેલેન્સ પણ રાખવું પડે તેમજ શારીરિક કંટ્રોલ રાખવો પડે. દા.ત. ટેનીસની રમતમાં રમનારને ઘડીઘડીમાં આગળ અને પાછળ દોડવું પડે. એકદમ એક દિશામાંથી બીજી દિશામાં જવું પડે અને તે વખતે બધું ધ્યાન બેલેન્સ રાખી દડાને સામેની બાજુમાં મોકલવો પડે. દરેક સેકન્ડે આ બધું બદલાયા કરે અને તેમાં જીતવાનું ધ્યેય હોવું જોઈએ. આ જ વાત હોકી, વોલીબોલ, સોસર, રગ્બી, બેડમિગ્ટન, સ્વૉશ, બોક્સીંગ, કુસ્તી, માર્શલઆર્ટ, બાસ્કેટ બોલને પણ લાગુ પડે. આ કસરત કોઈપણ મેદાની રમતમાં કૌશલ્ય મેળવવા કરવી પડે. આ કસરત જેમ જેમ વધારે સમય કરો તેમ તેમ તમને જે રમત હોય તેમાં ઈનામ/મેડલ મળવાના ચાન્સ વધતા જાય. ૪૦ વર્ષ પછી આ કસરત કરવી ના જોઈએ. સાંધાને નુકસાન થવાનો સંભવ છે.
૪. યોગા
આસનો તરીકે ઓળખાતી આ કસરતને 'સ્ટ્રેચીંગ એક્સરસાઈઝ' પણ કહેવાય. આનાથી તમારું બેલેન્સ અને સાંધાને વાળવાની ક્રિયા ધીરે ધીરે સુધરે. સાથે પ્રાણાયામ કરવાથી ફેફસાની ઓક્સીજન લેવાની કેપેસીટી સુધરે. તમારું પોશ્ચર (બેસવાની ક્રિયા) સુધરે. આખી દુનીયામાં 'યોગા'ની ક્રિયા કરવામાં આવે છે જેમાં પોશ્ચર, મેડીટેશન અને શ્વાસોચ્છવાસની ક્રિયા પર મુખ્યત્વે ધ્યાન આપવામાં આવે છે.
કસરત ના કરો તો શું થાય?
૧. વજન વધે. ૨. વજન વધવાથી ૩. સાંધાનો વા થાય. ૪. બી.પી. થાય. ૫. હાર્ટ એટેક આવે. ૬. કેન્સર પણ થાય. ૭. ઘડપણ વહેલું આવે. ૮ રોગ સામે લડવાની શક્તિ જતી રહે એટલે શરીર ચેપી રોગોનું ઘર બની જાય. ૯. મગજની નસ તૂટી જાય અને લકવો પણ થાય. ૧૦. તમે કસરત ના કરો તો તમારી યાદશક્તિ અને જાતીય શક્તિ ઓછી થાય. ૧૧ આંખે ઓછું દેખાય, મોતીઓ જલદી આવે. ૧૨. કાને ઓછું સંભળાય. ૧૩. દાંત પડી જાય. ૧૪. ચામડીને કરચલી પડે. ૧૫. કમરેથી વાંકા થઈ જાઓ. ૧૬. હાડકાં પોલાં થઈ જાય. ૧૭. ફ્રેક્ચર જલદી થાય. ૧૮ કંપવા (પાર્કિન્સન્સ ડીસીઝ) થાય. ૧૯. માનસિક સંતુલન ના રહે. ૨૦ કોઈપણ કારણ વગર સ્ટ્રેસ વધે. ૨૧. એટીટયુડ નેગેટીવ થઈ જાય. ૨૨. તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય. ૨૩. સ્ત્રીઓમાં સ્તનના અને ગર્ભાશયના કેન્સર થવાના ચાન્સ વધે. ૨૪. પાચન શક્તિ ઓછી થાય. ૨૫. એસીડીટી-ગેસ થાય. ૨૬. શરીરમાં અનેક ઠેકાણે દુખાવા થાય. ૨૭. આયુષ્ય ઘટે. ૨૮. દારૃ-સિગરેટ-તમાકુ વ્યસનના ભોગ બનો. ૨૯. દવાઓ લેવાનું વ્યસન થઈ જાય. ૩૦. નિરાશા અને હતાશાને કારણે માનસિક રોગ થાય.
કસરત કરવાનું નક્કી કરો તો આટલું ધ્યાન રાખશો.
૧. શા માટે શરૃ કરવી છે ઃ ૧. વજન ઓછું કરવા. ૨ ડોક્ટરે કહ્યું છે માટે ૩. કોઈ રોગ થયો છે માટે. ૪. તંદુરસ્તી મેળવવા - ગમે તે હોય પણ ડોક્ટર પાસે શરીરની તપાસ કરાવી સલાહ લઈને કસરત શરૃ કરશો.
૨. શરૃઆત ધીમેથી કરશો. કોઈપણ પ્રકારની કસરત કરો, ધીરે ધીરે વધારશો. ઉતાવળે આંબા ના પાકે આ યાદ રાખશો.
૩. મનમાં નક્કી થાય ત્યારે જ કરશો. દેખાદેખીથી કસરત ના કરશો. તમને ગમે તે જ પ્રકારની કસરત કરશો. પરાણે કોઈના કહેવાથી કસરત શરૃ ના કરશો. કસરતને ગમાડશો.
૪. સમૂહમાં થાય તેવી કસરત સારી. યુવાન હો ત્યારે વોકીંગ-રનીંગ-ટેનીસ-બેડમિગ્ટન-ફૂટબોલ વગેરે કસરતો થાય કારણ ગુ્રપમાં કરવાની છે. મોટી ઉંમરે ભારે કસરત ના થાય. લાફીંગ ક્લબની કસરત સારી.
૫. એક્સપર્ટની સલાહ લેશો. તમારા શરીરની કેપેસીટી-ઉંમર-વજન-જાતિ ધ્યાનમાં રાખી એક્સપર્ટ તમને સલાહ આપે તે કસરત કરશો.
૬. કસરત બદલ્યા કરો. એકની એક કસરથી કંટાળો આવે તો બદલ્યા કરો. તમારી મરજી.
૭. ધ્યેય નક્કી કરશો. તબીયત સારી રાખવી છે. હરીફાઈમાં પહેલું આવવું છે. વજન ઓછું કરવું છે.
૮. સમય ગોઠવો. દિનચર્યામાં જ કસરતને ગોઠવી દો. ૧. ઓફીસે સાયકલ ચલાવી જાઓ. ૨. રીસેસમાં ચાર પાંચ વખત દાદર ચઢો ઉતરો. ૩. ઓફિસમાં (ઘણી કંપનીમાં હોય છે.) કસરતના સાધન હોય તો અર્ધો કલાક ટ્રેડમીલ પર ચાલો.
૯. સ્વિમિંગ કરો. અઠવાડીએ એક બે વાર સ્વિમિંગ કરો.
૧૦. કસરતના ક્લાસ જોઈન કરો. તમારી અનુકૂળતા પ્રમાણે યોગા જેવી બીજી કસરતના ક્લાસ જોઈન કરો.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved