Last Update : 25-March-2012, Sunday
 

મારે 'કહેવાતો ભારતીય' નથી બનવું

કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
 

- ''દરેક સંબંધની એક શાન હોય છે. કોઈના લાગણીભીના સંબંધમાં ધાડ પાડવી એ પણ એક અનૈતિક કૃત્ય છે''-

 

- ''બેટા, માના હૃદયમાં પાર્ટીશન નથી હોતું. પાર્ટીશન તો ઉભું કરે છે સંતાનોની લાગણીના સંબંધોને માગણીના સંબંધ બનાવી દેવાની ગણતરીભરી વૃત્તિ !''

અધુનાદેવીને કોઈ એમ પૂછે કે તમારે કેટલા પુત્રો ? તો તેઓ કહેતા ઃ ''મોટાનું નામ છે ત્યાગેન્દ્ર અને નાનાનું નામ છે અજેન્દ્ર. મારે બે દીકરાઓ છે.'' અધુનાદેવીના શબ્દો સાંભળી ત્યાગેન્દ્રનું બળ્યું-જળ્યું હૃદય શીતળતા અનુભવતું, પણ અજેન્દ્રના હૃદયમાં એ શબ્દો તીરની જેમ ભોંકાતા. એ વિચારતો ઃ ''શું થઈ ગયું છે મારી મમ્મીને ? વ્યર્થ જ પોતાની મૃત સહેલીના દીકરાને પોતાનો દીકરો માની બેઠી છે ! ન કશી સગાઈ, ન કશો નજીકનો સંબંધ ! ત્યાગેન્દ્રની મમ્મી મરતી વખતે તેની જવાબદારી મમ્મીને સોંપતી ગઈ, અને એક લપ વળગી. મમ્મી રહી વચનની પાકી. મૈત્રીનું મૂલ્ય સમજવાનો ઝંડો લઈને ફરનારી. આજે લોકો લોહીના સંબંધોનેય પાણી જેવા ગણતા થઈ ગયા છે ત્યાં પારકાંને પોતાનાં ગણવાનો તો પ્રશ્ન જ ક્યાંથી ઉદ્ભવે ?''
અજેન્દ્ર ત્યાગેન્દ્રની સતત ઉપેક્ષા કરતો. નાની-નાની બાબતોમાં તેનું અપમાન કરતો. પણ ત્યાગેન્દ્ર અજેન્દ્રને પોતાનો નાનો ભાઈ ગણીને હંમેશાં ક્ષમા આપતો.
સમયચક્ર ઘૂમતું જ રહ્યું. દોઢ દાયકાનો સમય પાણીના રેલાની જેમ પસાર થઈ ગયો. ત્યાગેન્દ્રએ સ્નાતક થયા પછી બેંકની નોકરી સ્વીકારી અને અજેન્દ્રએ વ્યાપારમાં ઝંપલાવ્યું.
અધુનાદેવીની પ્રતિષ્ઠાને લીધે અજેન્દ્ર માટે ઉપરાછાપરી માગાં આવતાં હતાં, પરંતુ અધુનાદેવીએ નક્કી કર્યું હતું કે તેઓ પહેલાં ત્યાગેન્દ્રના લગ્ન કરાવશે અને ત્યારબાદ જ અજેન્દ્રનાં. મમ્મીની ત્યાગેન્દ્ર માટેની તરફદારી જોઈ અજેન્દ્રને ક્યારેક ગુસ્સો પણ આવી જતો, પણ પપ્પાના મૃત્યુ બાદ જે રીતે મમ્મીએ તેને વહાલથી ઉછેર્યો હતો, એનું સ્મરણ કરીને એ ખામોશ બની જતો.
ત્યાગેન્દ્ર જેટલો ઉદાર,નમ્ર અને નિખાલસ હતો, અજેન્દ્ર તેટલો જ ઘમંડી, ઉડાઉ અને ઇર્ષ્યાળુ હતો. અધુનાદેવીને તે વારંવાર સમજાવતો ઃ ''મમ્મી, ત્યાગેન્દ્ર પાછળ ઘસાશો તો ખુવાર થઈ જશો. તમારો સંબંધ તેનાં લગ્ન થઈ જાય, ત્યાં સુધીનો જ છે. લગ્ન પછી જોજો, એનું લોહી કેવું સફેદ થઈ જાય છે ! હું તો તમારો પોતાનો પુત્ર છે. માંદગીમાં તમારે ઓશીકે આવીને હું બેસવાનો, ત્યાગેન્દ્ર નહીં. માટે ત્યાગેન્દ્રના લગ્નના સ્વપ્નાં જોવાનું છોડી દો અને મારા વિશે વિચારો તો સારું.'' પણ અધુનાદેવીના મન પર અજેન્દ્રની આવી વાતોની કશી જ અસર નહોતી થતી. અને ત્યારથી ઘરમાં સંઘર્ષના શ્રીગણેશ મંડાયા હતાં.
અજેન્દ્ર ત્યાગેન્દ્ર તથા અધુનાદેવી સાથે ખપ પૂરતી જ વાત કરતો. ત્યાગેન્દ્રએ અધુનાદેવીને સમજાવ્યાં અને અજેન્દ્ર માટે છોકરી જોવાનું ચાલુ કર્યું...ત્યાગેન્દ્ર અજેન્દ્રને સરપ્રાઇઝ આપવા માગતો હતો પણ અજેન્દ્રએ જ ઘરમાં બધાંને મોટું સરપ્રાઇઝ આપી દીધું.
ત્યાગેન્દ્ર અને અધુનાદેવી અજેન્દ્રના ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત હતાં, તે જ સમયે અજેન્દ્ર પોતાના વર્તમાનને નવો વળાંક આપવામાં મશગૂલ હતો. અને એક રાત્રે એ ઘેર પાછો ફર્યો ત્યારે એની સાથે એક અજાણી યુવતી હતી. અજેન્દ્રએ હસતાં-હસતાં કહ્યું હતું ઃ ''મમ્મી, આ છે-અજબ. એટલે કે...મિસિસ અજબ અજેન્દ્ર અમે કોર્ટની રાહે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધાં છે. મેં ખર્ચ કર્યા વગર લગ્ન પતાવી દીધાં છે. હવે તમારે મારી ચિંતા કરવાની જરૃર નથી. બબ્બે દીકરા પાછળ ખર્ચ કરીને તમે ખાલી થઈ જાઓ તો પછી વારસામાં મારા માટે શું મૂકશો ?''
અને વારસો પણ મને જ મળશે એની શી ખાતરી ?....'' અજેન્દ્રને આગળ બોલતો અટકાવીને અધુનાદેવીએ કહ્યું હતું ! ''બેટા, માના હૃદયમાં પાર્ટીશન નથી હોતું. પાર્ટીશન તો ઉભું કરે છે સંતાનોની લાગણીના સંબંધોને માગણીના સંબંધ બનાવી દેવાની ગણતરીભરી વૃત્તિ !''
અને અજેન્દ્ર ચૂપ થઈ ગયો હતો. છએક મહિના પછી અજેન્દ્રએ કહ્યું હતું ઃ ''મમ્મી, એક મ્યાનમાં બે તલવાર રાખવાનો પ્રયત્ન કરવામાં જોખમ મ્યાન માટે ઊભું થાય છે, તલવારે કશું ય ગુમાવવાનું હોતું નથી એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે રસ્તે જડેલી બુઠ્ઠી તલવારને તમે સાચવવા માગો છો કે તમારા ઘરની પાણીદાર સમશેરને ? મમ્મી, આજે એ વાતનો ફેંસલો કરી લો કે તમારો સગો પુત્ર કોણ છે ? હું કે આ ત્યાગેન્દ્ર ?''
અજેન્દ્રની આંખમાંથી અંગારા વરસી રહ્યા હતા. અધુનાદેવી કશું બોલે એ પહેલાં જ ત્યાગેન્દ્રએ કહ્યું ઃ ''અજેન્દ્ર, મમ્મીજીનો પુત્ર તું છે. હું તો છું માત્ર આંગળીનો નખ. નખ કદી આંગળી માટે અનિવાર્ય ન બની શકે. એણે એમ કરવાની કોશિશ પણ ન કરવી જોઈએ. નખનું કામ છે, આંગળીની શોભા વધારી મદદરૃપ થવાનું. કપાઈ જવું એ નખની નિયતિ છે. અજબ તારા જીવનને હરિયાળું બનાવવા આવી છે. તારું લગ્નજીવન સુખી થાય એમ હું ઈચ્છું છું. મમ્મીજીએ ઉછેરીને મને મોટો કર્યો છે. એમના ઘણા ઉપકારો છે મારી પર એમના એકના એક દીકરાને ઘર છોડવું પડે એવું હું હરગિઝ નહીં થવા દઉં.
''ભાઈ અજેન્દ્ર, અહીંની બેંકમાંથી મારી ટ્રાન્સફર થઈ છે. એટલે આપણે સાથે રહેવાનો પ્રશ્ન રહેતો નથી. તું, અજબ અને મમ્મીજી નિરાંતે રહેજો. મમ્મીજીની ખબર જોવા તું પરવાનગી આપીશ, તો હું આવતો-જતો રહીશ. બીજું મમ્મીજીની મિલ્કત તને ભલે મળે, પણ મમ્મીજીની મમતામાં તો મારો ભાગ ખરો ને ? 'વીલ'નું દાન મારે નથી જોઈતું. ભાઈ, મમ્મીજીનું જે છે તે બધું તારું જ છે, બધા પર તારો જ અધિકાર છે...કાલે સવારે જ મારી બેંકની નવી બ્રાન્ચમાં હાજર થવા માટે હું બોમ્બે જવાનો છું.'' બોલતાં-બોલતાં ત્યાગેન્દ્ર ગળગળો થઈ ગયો હતો.
અને ત્યાગેન્દ્ર તથા અજેન્દ્ર અલગ થઈ ગયા હતા. અધુનાદેવીને તેનો ભારે આઘાત લાગ્યો હતો....પરંતુ તેઓ ચૂપ રહ્યાં હતાં.
અધુનાદેવી ઇચ્છતાં હતાં કે અજેન્દ્ર અને તેની પત્ની અજબ તેમની સાથે રહે. પરંતુ યુ.એસ.એ.માં વસતાં પોતાના માતા-પિતાના આશીર્વાદ લેવાનું બહાનું કાઢીને અજબ અજેન્દ્રને લઈને અમેરિકા ઉપડી ગઈ, એ પછી એક પણ દિવસ સાસરે આવી નહીં...કે ના અજેન્દ્રને આવવા દીધો !
અજબ દોઢ વર્ષ બાદ એકાએક આવી, ત્યોર તેની ગોદમાં નાનકડો પુત્ર નાદ હતો. અજેન્દ્ર તથા પોતાના પૌત્રને જોઈને અધુનાદેવી ખુશ થઈ ગયાં હતાં. પુત્રજન્મના સારા સમાચાર પોતાની માતાને જણાવવાનીયે અજેન્દ્રને આજ સુધી આવશ્યકતા જણાઈ નહોતી...એ જાણીને અધુનાદેવીને ખૂબ જ દુઃખ થયું હતું પરંતુ, નાનકડા સુંદર નાદને જોઈને અધુનાદેવી બધું જ ભૂલી ગયા...
ઘરમાં પ્રવેશતાંની સાથે જ અજબે કહ્યું હતું ઃ ''મમ્મી, લો સંભાળો આ તમારી 'મૂડીનું વ્યાજ.' હું તો કંટાળી ગઈ છું. હું અને અજેન્દ્ર બન્ને જોબ કરીએ છીએ, એટલે નાદને મારા મમ્મી સાચવે છે. પણ મને એમ લાગ્યું કે નાદ જો તમારી સાથે રહેશે તો તેને લાડ લડાવવામાં તમારો દિવસ ક્યાં પૂરો થઈ ગયો એની તમને ખબરેય નહીં પડે. તમે એકલાં છો એટલે જ હું નાદને અહીં લઈ આવી છું. તમે પૈસાની ચિંતા ન કરશો. આમે ય તમારી મિલ્કત પર અજેન્દ્ર ઉપરાંત નાદનો હક પણ કહેવાય તો ખરો જ ને ? મમ્મીજી, પારકાં પાછળ પૈસા ખરચવા કરતાં પોતાના સ્વજનો પાછળ પૈસા ખરચવાનો આનંદ જ કાંઈક ઓર હોય છે,.... ખરું ને મમ્મીજી ? ઓહ, હું તો વાતોમાં ને વાતોમાં ભૂલી ગઈ કે મારે મારી એક ફ્રેન્ડને ત્યાં જવાનું છે. જમવાનું પણ ત્યાં જ રાખ્યું છે. હું અને અજેન્દ્ર જમીને આવીએ છીએ. તમારો નાદ તમને સોંપ્યો. સાચવજો...એને....
અને અજબ અધુનાદેવીના બેડરૃમમાંથી બહાર નીકળી ગઈ હતી. જતાં પહેલાં નાદના મસ્તક પર હાથ ફેરવવાનીય એને ફુરસદ નહોતી.
એકાદ અઠવાડિયું ઇન્ડિયામાં રોકાઈને અજેન્દ્ર અને અજબ પાછાં અમેરિકા ઊપડી ગયા હતાં. ત્યારથી નાદ દાદીમા અધુનાદેવીની ગોદમાં છે...અજેન્દ્ર અને અજબ વર્ષમાં એકાદ વાર નાદની ખબર લેવા આવતાં, પણ શહેરના પોતાના મિત્રો- પરિચિતોને મળીને દિવસો પસાર કરતાં. અજબ હોટલમાં જ ઊતરવાનો આગ્રહ રાખતી..., મમ્મીજીને તકલીફ ન લેવી પડે એવા બહાના હેઠળ. અજેન્દ્ર અને અબજને અધુનાદેવી કે નાદ સાથે લાગણીભર્યા બે શબ્દોની આપ-લે કરવાની પણ ફુરસદ નહોતી.
ત્યાગેન્દ્ર અધુનાદેવી અને નાદને પંદર દિવસમાં એકવાર મળવા અચૂક આવતો. ઘરમાં જોઈતી ચીજવસ્તુનું ધ્યાન રાખતો. નાદને સારામાં સારી શાળામાં એડમિશન અપાવી ત્યાગેન્દ્રએ અધુનાદેવીની ચિંતા ઓછી કરી હતી. ત્યાગેન્દ્ર જ્યારે પણ નાદને મળવા આવે ત્યારે તેને બહાર ફરવા લઈ જતો...રમકડાં અપાવતો....નાદને ગમતું ખવડાવતો...આમ નાદ અને ત્યાગેન્દ્ર લાગણીના બંધનમાં બંધાઈ ગયા હતા. નાદ ત્યાગેન્દ્ર અંકલની હંમેશાં વાટ જોતો...
નાદ જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ ત્યાગેન્દ્રએ તેની ખબર લેવાનું વધારી દીધું હતું અને અજેન્દ્રએ કામના દબાણનું બહાનું કાઢીને ધીરે ધીરે ઇન્ડિયા આવવાનું ઓછું કરી દીધું હતું. અજબ ક્યારેક અધુનાદેવી સાથે ફોન પર વાત કરતી.. ત્યારે પણ તેમનો આભાર માનવાને બદલે ભાષણ આપતી...''જુઓ મમ્મીજી, મારા નાદને મારે 'સ્ટફલૅસ' ઇન્ડિયન યુવક નથી બનાવવાનો, એનું ધ્યાન રાખજો પાછાં. પૈસાની ખોટ તો આપણે ત્યાં છે નહીં. સારી કોન્વેન્ટ શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવજો. અંગ્રેજી ઢબના અપટુડેટ વસ્ત્રો અને વેસ્ટર્ન સ્ટાઈલનું જમવાનું, આ બધું અત્યારથી જ શીખવજો. નહીં તો એ 'કન્ટ્રીટાઈપ' બારદાનને અમેરિકામાં કોઈ સંઘરશે નહીં. બહુ લાડ કરીને એને વેવલો બનાવશો નહીં. એ પંદર વર્ષનો થશે એટલે હું જાતે એને લેવા આવીશ ત્યાં સુધીની જવાબદારી તમારી.
પરંતુ નાદ તો જુદી માટીનો બનેલો હતો...એને દાદીમા ખૂબ વહાલાં હતાં...અને ત્યાગેન્દ્ર અંકલ તો સૌથી વધારે વહાલા હતા. નાદના ઘડતરમાં ત્યાગેન્દ્રનો મોટો ફાળો હતો. સ્નેહ, સંસ્કાર, નમ્રતા અને વિવેક બાળપણથી જ નાદને વારસામાં મળ્યા હતા. અધુનાદેવીને ઉંમરને કારણે આંખે ઝાંખપ આવી હતી. નાનાં-મોટાં કામોમાં નાદ એમને મદદ કરતો હતો. અધુનાદેવી નાદને કામ કરવાની ના પાડે ત્યારે તે મીઠાશથી કહેતો ઃ 'દાદીમા, તમે ચિંતા શું કામ કરો છો ? હું તમારો દીકરો નથી ? તમારું મારે માથે ઋણ છે....આજે મારા પપ્પા અહીં હોત તો તમારી સેવા ન કરત ?' કહીને અધુનાદેવીને ગળે વળગી પડતો.
અને અધુનાદેવી રડી પડતાં....અજેન્દ્ર પોતાને ઠારશે એવી આશા ઠગારી નીવડી. એ આઘાત તો એમણે સહી લીધો પણ નાદને તેમના પ્રેમ અને લાગણીની કદર છે, એનો એમને આનંદ હતો.
નાદ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ દાદીમાની વધુ ને વધુ કાળજી રાખવા માંડયો. સ્કૂલમાં વેકેશન પડે, એટલે નાદ દાદીમાને લઈને ત્યાગેન્દ્ર અંકલને મળવા ઉપડી જતો. વાર-તહેવારે ત્યાગેન્દ્ર અંકલે પણ નાદને મળવા દોડી આવવાનું એણે તેમની પાસેથી વચન લીધું હતું.
અને એક દિવસ સવારે સાતેક વાગ્યે નાદની મમ્મી અજબનો ફોન આવ્યો ઃ ''મમ્મીજી, અમે વહેલી તકે નાદને અમેરિકા તેડી જવા માટે આવીશું. વિઝાની ફોર્માલિટી ચાલુ જ છે. ભારતમાં રાખીને મારે એને 'દેશી' નથી બનાવવો. આખરે દાદીમા એ પાલક માતા છે, સગી માતાના વહાલની ખોટ બાળકને સાલતી જ હોય છે. તમે નાદને માનસિક રીતે તૈયાર કરજો.''
દાદીમાં અધુનાદેવીને અજબની વાત સાંભળી ભારે આઘાત લાગ્યો હતો અને મનોમન અજેન્દ્ર અને અજબ પ્રત્યે ગુસ્સો પણ આવ્યો હતો. નાદ દાદીમા માટે ટેકણ લાકડી હતો. અજબ નાદને છીનવી લઈને દાદીમાના જીવનનો સંધ્યાકાળ બગાડવા ઇચ્છતી હતી ?
અને એ પછી એક મહિને અજેન્દ્ર અને અજબ નાદને અમેરિકા લઈ જવા આવી પહોંચ્યાં હતાં.
અજબએ મમ્મી તરીકે નાદને વાત્સલ્યથી ભીંજવવાની કોશિશ કરી, પણ નાદ અળગો જ રહેતો હતો..
રાત્રે ભોજન બાદ સહુ સાથે બેસીને નાદને અમેરિકા લઈ જવાની ચર્ચામાં પરોવાયાં, પણ નાદે કહ્યું ઃ ''મમ્મી, સંબંધનો ઉપર ચઢવા માટેના પગથિયા તરીકે ઉપયોગ ન થાય. ઘણીવાર પુત્ર જે ધર્મ અદા ન કરે તે પૌત્રે અદા કરવો પડે છે ! દરેક માણસ લાગણી અને પ્રેમને મહત્ત્વ આપવાને બદલે સ્વાર્થને જ મહત્વ આપે તો જનજીવન ઝેર બની જાય. મમ્મી, તમારે મન હું જીવનનો એક હિસ્સો છું, પણ દાદીમા માટે તો હું જ સર્વસ્વ છું. દરેક સંબંધની એક શાન હોય છે. કોઈના લાગણીભીના સંબંધમાં ઘાડ પાડવી એ પણ એક અનૈતિક કૃત્ય છે. હું દાદીમાના ચરણોમાં સમર્પિત ફૂલ છું. દાદીમા આયા નથી, જીવતી-જાગતી મમતા છે, એમને રખેવાળની નજરે ના મૂલવીશ. હું ભારતીય છું અને ભારતીય જ રહેવા માટે સંકલ્પબદ્ધ છું. મારે 'કહેવાતો ભારતીય' નથી બનવું. ગૂડ નાઈટ મમ્મી, ગૂડ નાઈટ પપ્પા, સબકો સન્મતિ દે ભગવાન. અને દાદીમા, ચાલો, દરરોજની જેમ મને પંપાળીને પોઢાડી દો.''
અને અજેન્દ્ર તથા શ્રીમતી અજબ ખાલી હાથે અમેરિકા પાછાં ફર્યાં હતાં.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved