Last Update : 25-March-2012, Sunday
 

''કાઠિયાણી, કાળજું કઠણ કરજો'

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

કુંડલા પરગણાની લગોલગ ''ધોવત'' નામનો ગામનો ટીંબો. ટીંબાને પાળતી ને પોષતી કંઇ કેટલીય કથાઓ કાંઠા પર કંડારતી બે કાંઠે વહેતી શેતલ. એના સ્થિર પાણી પર જળકુકડિયું તરે, માછલીયું ટોળે વળે. ઉભા કાંઠે ઉભેલી વનરાજીમાંથી કોયલના ટહૂકા સરે. ગઢની રાંગ પરથી મોરના ગહેંકાટ ખરે. સાંજ પડયે કુંજડીયુની કતાર બંધાય ત્યારે અંબર રળિયામણું રૃપ ધરે.
'ધોવત' ગામના સુવાંગ ધણી ડોહલ ખુમાણ જાતા આભને ટેકો દે એવો અડાભિડ આદમી. પારકી પીડા ને પારખનારો, ભીડ પડયે ભડ થઇને ઉભો રહેનારો. ભાણને પૂજનારો. પરાક્રમી પરાધર કાઠી દરબાર.
ડેલીએ ડાયરો જમાવટ લે. ઠુંગાની ત્રાસકુ ફરે. રૃપાની ગળણીએ ગળાયેલો કસુંબાના કટોરા ભરાય. પછી સાત ખોટયનો ભાણીઓ મોસાળમાં એક માસીના હાથમાંથી બીજી માસીના હાથમાં રમે એમ સાત કણ્યે ચઢેલો ડૂંઘો (હુક્કો) એક હાથમાંથી બીજા હાથમાં ફરતો રહે.
આવા ડોહલ ખુમાણને આંગણે દીકરી રાજબાનાં લગન લેવાણાં છે. ધોબા ગામના ઘરે ઘરે ચાકળા, ટોડુલીયા અને લીલા તોરણના પાન ફરે છે. આંગણે, અરઘે છે. શેરીયું ચોખ્ખી ચણાક છે.
દરબારગઢની ડેલીએ ઢોલ ઢબૂક્યા શરણાયુના સૂર સર્યા. મંગળ ઘડીના વધામણા કર્યા.
શુકન જોઇ ઘોડે ચઢોરે વરરાજા!
શુકન દીવો હોય રે...
એવા પ્રસ્થાનના મંગળ ગીત સાથે રાજુલા પરગણાના પાટી માણસ ગામનો કુંવર દાદો વરૃ હથેવાળે પરણવા ઘોડે રાંગવાળી. હોળા લાંખડા કોટીલા અને વરૃ નુખના કાઠી દરબારોએ જાનૈયા તરીકે ઘોડા હાંક્યા.
સોનાની ગીનીએ ઝડાયેલા હંબેલ પટ્ટા ઝગારા દઇ રહ્યા છે. ઢાંકાની મલમલી અંગરખે ઢાલવા છાતીયુ ઢબુરાયેલી છે. ઉરેબ ઉપર બગસરાની પછેડીયુની ભેટ વળેલી છે. ભેટમાં સૌની મુઠે કટારીઓ ખોસેલી છે. ફાંકડી જુવાનીને વાંકડી મૂછના કાતરા શોભાવી રહ્યા છે.
ધાબાના પાદરમાં પૂગતાં જ વળાવીઆની જામગરી બંદૂકના બરીઆન ઉપર કળીયું ચંપાણીને ભડાકા ઉપર ભડાકા થયા. જાન પૂગ્યાને સંકેત સાંપડતાં વરના સામૈયા થયાં.
વર તોરણે આવ્યો. માંડવા, મધ્યે ગોર મા'રાજે અગ્નિદેવને પ્રગટ કર્યા. ધીરા ધીરા દરબારગઢની દોઢીએ ઢોલ ઝબુકતા રહ્યા. શરણાયુના સૂર સરતા રહ્યા. ગામ બધું હરખના હિલોળે ચઢયું છે. લગ્ન વિધિ જવતલ હોમવાનો સમો આવુ આવુ થઇ રહ્યો. ધનબાએ દીકરા સુખાને કહ્યું ઃ 'બેટા, હમણા તારે જવતલ હોમવાનું ટાણું થાશે. સોનાની સળીવાળો સાફો બાંધીને સાબદો રે!'
હજુતો મુછનો દોરો ફુટુ ફુટું થઇ રહ્યો છે. જુવાનીમાં ડગ દેવું દેવું થઇ રહ્યો છે. જનેતાના વેણે સુખાએ પટારામાંથી સાફો કાઢી બાંધવા માટે કટ કટ મેડીના પગથિયા ચઢીને પટારાનું ઢાંકણ ઉઘાડવા ગયો ત્યાંતો, ભરાઇ રહેલા કાળોતરાની પૂછડી પગે દબાણીને આંખના પલકારામા ડંખ દીધોને ઘડી સાપડીમાં સુખાની રગેરગમાં હળાહળ વ્યાપી ગયું ને સુખો ઢળી પડયો. આંખો ફાટી રહી. પડવાનો અવાજ ઉઠતા હાંફળા ફાંફળા થાતા ધનબાએ ઉપર આવીને જોયું તો દીકરાનું મડદું ભાળ્યું ને કાળોતરાને ખાળમાંથી સરતો દીઠો! પળવાર ફાટી આંખે જોઇ રહ્યા. બીજી પળે કાળજાને કાઠું કરી ખુમાણને મેડી ઉપર બોલાવ્યા. પંડયના પુત્રનું મડદું જોતાં જ પહાડ જેવા ડોહલ ખુમાણનાં ગાત્રો ગળવા લાગ્યાં. અંગે પરસેવો છૂટી ગયો. પણ બીજી પળે મનને મક્કમ કરી બોલ્યા ઃ
'કાઠિયાણી, કાળજું કઠણ કરજો. હું જાણું છું જનેતાના જીવને!'

'હે સુરજ દેવ! કયા જનમના પાપ પુગ્યા કે આ મંગળ ટાણે અમંગળ!
થાનારૃ થઇ રહ્યું !
ધનબાથી ધુ્રસકુ મુકાઇ ગયું. પીઠીઆળી પુત્રી માંડવા મધ્યે બેઠી છે. ''સબુરી રાખજો. મોળા પડયા તો દીકરીના ઓરતા અધૂરા રહી જાશે. તમે રામ ધાધલના દીકરી!''
કંઠે આવતું ધ્રસકુ પાછું ધરબીને બેય મેડીના પગથિયા ઉતરી ગયા. ધનબાએ છેડો તાણીને કપાળ ઢાંક્યું. ડોહલ ખુમાણે ગઢની પાછળ પાંચ માણસોને બોલાવી નિસરણી મુકાવી સુખાની નનામી સ્મશાને બારોબાર લઇ જવાની ગોઠવણ કરી. ડાયરા હારે વાતુના ફડાકા દેતા રહ્યા. દીકરીના અવસરને રૃડો જ રાખવો હતો. છાતીમાં ડુમો ભરાતો હતો. પાછો હડસેલીને જાણ્યે કાંઇ કરતા કાંઇ અજુગતું બન્યું નથી એમ ઠાવકાઇ દેખાડી રહ્યા હતા. ડોહલ ખુમાણ ''રંગ કાઠીઆણી, રંગ તુને!' તારી ધારણાને પીગળવા ટાણે પહાડ થઇને ઉભા રહી એ તમારી વશેકાઇ જેવી તેવી નો'કે'વાય.'' મનોમન આવી વાણી વાગોળતા રહ્યા.
ઘૂમટામાંથી રાજબાની નજર આઘું પાછું નિરખે છે. એ નજર માડી જાયા સુખાને શોધી રહી છે. હમણાં આવશે પણ ભાઇને ઠેકાણે કાકાનો દીકરો ભાઇ વીહામણ આવ્યો. જવતલ હોમાણા સુખો ન દેખાણો તે ન જ દેખાણો.
રંગેચંગે લગન પૂરા થયાં. જાન ઉઘલવાની ઘડી આવી. રાજબા જનેતાને ભેટતાં ભેટતાં બોલી,
''માં, ભાઇ ક્યાં?''
''ભાઇ તો ઘોડી ડાંમણ તોડાવીને ભાગી છે એને ગોતવા ગયો છે. એનું ક્યાં નક્કી હોય છે? ઇ તુંથી ક્યાં અજાણ્યું છે એમ ટાણહર પાછો વળ્યો ક્યાં વળે એવો છે.''
એટલું બોલતા બોલતાં ઉરમાંથી ઉઠેલો વલોપાત બારો નીકળે એ પે'લા પાછો હડસેલી મેલ્યો- બોલ્યા, 'વિદાયની વેળા આવી ગઇ છે. પરણેતર હાર્યે પરહરો. તુને તારી ફૂઇ મારા કરતાય સવાઇ સાચવશે. મારા પેટ!''
કસુંબલ સાફો કેસરીઓ માફો લઇને વિદાય થયો. માંડવો અણોહરો થયો ને 'ધોબા' ગામ માથે સુનકાર છવાઇ રહ્યો.
નોંધઃ ''ધોબા''ના દરબાર ડોહલ ખુમાણની દાતારીને કવિએ કીર્તિ કળશ ચઢાવ્યા છે. છપ્પનીયા દુકાળમાં લોકને ઉગારનાર ડોહલ ખુમાણના ગાન ગવાયા છે.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદ વીસ વર્ષ પછી ફરી ગડદાબાદ બનશે?
કોમર્સના સ્ટુડન્ટનું સાયન્સનામુ
આર્યુવેદની રીતે ચૈત્રી નવરાત્રિનું શું મહત્ત્વ છે?
લગ્નજીવનની ખટાશને મીઠાશમાં કન્વર્ટ કરે હસી-મજાક
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved