Last Update : 22-March-2012, Thursday
 

વોડાફોને ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ ભરવો જોઇએ કે નહીં?

 

કેન્દ્ર સરકારને વોડાફોન પાસેથી કેપિટલ ગેઇન ટેક્સ વસૂલ કરવામાં સુપ્રીમ કોર્ટની લપડાક મળ્યા પછી તે પાછલી અસરથી કાયદામાં ફેરફાર કરવા ઇચ્છે છે

કોઇ સામાન્ય વેપારી ઈન્કમ ટેક્સ કે સેલ્સ ટેક્સ ભરવામાં અખાડા કરે તો સરકારી ખાતાંઓ તેની પાછળ પડી જાય છે અને પેનલ્ટી સાથે ટેક્સ વસૂલ કરીને જ જંપે છે. વોડાફોન નામની મલ્ટીનેશનલકંપનીએ તેના શેર વિદેશની ભૂમિ ઉપર ટ્રાન્સફર કર્યા પણ તેનો ધંધો ભારતમાં હતો. આ કારણે વોડાફોન કંપનીએ ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો નીકળતો હતો, પણ કાયદાની છટકબારીનો લાભ લઇને આ કંપની ટેક્સ ભરવામાં અખાડા કરી રહી છે. કેન્દ્ર સરકારે તેની સામે સુપ્રિમ કોર્ટમાં કેસ કર્યો તો સરકાર બે વખત હારી ગઇ છે. હવે વોડાફોન પાસેથી ટેક્સ વસૂલ કરવા અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને નાકામિયાબ બનાવવા સરકાર રિટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટથી કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેનો કોર્પોરેટ વિશ્વ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. સરકાર અને વોડાફોન વચ્ચેનો જંગ બરાબરનો જામ્યો છે.
વોડાફોન કંપની પાસેથી ભારતનું ઈન્કમ ટેક્સ ખાતું શા માટે ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ માંગી રહ્યું છે તેની એક લાંબી કથા છે. વોડાફોન એક બ્રિટીશ મલ્ટીનેશનલ કંપની છે અને તેનું હેડ ક્વાટર્સ લંડનમાં છે. વોડાફોનની ગણતરી દુનિયાની સૌથી મોટી મોબાઇલ કંપનીઓમાં થાય છે. દુનિયાભરમાં તેના આશરે ૪૦ કરોડ ગ્રાહકો છે. વોડાફોનનું પોતાનું નેટવર્ક આશરે ૩૦ દેશોમાં છે અને તેના ભાગીદારો બીજા ૪૦ દેશોમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. ભારતમાં અગાઉ હચિસન નામની વિદેશી કંપની પોતાનું મોબાઇલ નેટવર્ક ચલાવતી હતી. ઈ.સ. ૨૦૦૭ની સાલમાં વોડાફોને હચિસન પાસેથી તેનો ભારતનો ધંધો ખરીદી લીધો હતો. આ સોદો આજના ડોલરના ભાવે આશરે ૫૫,૦૦૦ કરોડ રૃપિયામાં પડયો હતો. જો હચિસન કંપની ભારતમાં નોંધાયેલી હોત તો તેણે ભારતના કાયદાઓ મુજબ ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડયો હોત. આ ટેક્સ બચાવવા હચિસન કંપનીએ ચાલાકી કરી. તેણે આ સોદો ટેક્સના સ્વર્ગ તરીકે વિખ્યાત કેમેન આઇલેન્ડમાં નોંધાયેલી તેની પોતાની શાખા દ્વારા પાર પાડયો હતો. આ કારણે ભારતના ઈન્કમ ટેક્સ ખાતાંને ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો ફટકો પડયો હતો.
ઈન્કમ ટેક્સ ખાતાંએ વોડાફોન કંપનીને ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ ચૂકવવા નોટિસો મોકલી હતી, પણ વોડાફોન કંપનીએ તેના વકીલો મારફત જવાબ આપી દીધો હતો કે આ સોદો વિદેશની ભૂમિ ઉપર થયો હોવાથી ભારતના સત્તાવાળાઓ તેના ઉપર ટેક્સ વસૂલી શકે નહીં. ઈન્કમ ટેક્સ ખાતાંની દલીલ એવી હતી કે હચિસનનો ધંધો ભારતની ભૂમિ ઉપર ચાલતો હોવાથી તેણે ભારતના ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ ભરવો જોઇએ. વિદેશમાં રહેતા કોઇ ભારતીય એનઆરઆઇ તેનો ભારતમાં ભાવેલો બંગલો કોઇ વિદેશીને વેચે પણ નાણાંની ચૂકવણી વિદેશની ભૂમિ ઉપર કરવામાં આવેતો તેણે ભારતના કાયદા મુજબ કેપિટલ ગેઇન ટેક્સ ભારતમાં ચૂકવવો પડે એવી આ બાબત હતી.
વોડાફોન કંપનીએ ભારતના ટેક્સ અંગેના કાયદાઓનો હવાલો આપીને જવાબ આપી દીધો હતો કે આ સોદો વિદેશની ભૂમિ ઉપર થયો હોવાથી તેઓ ભારતમાં ટેક્સ ચૂકવવાને પાત્ર નથી. ઈન્કમ ટેક્સ ખાતાંએ વોડાફોન પાસેથી ૧૧,૦૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ વસૂલ કરવા સુપ્રિમ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસને કારણે ભારતમાં ધંધો કરતી મલ્ટીનેશનલ કંપનીઓ ચિંતામાં પડી ગઇ હતી. ઈન્કમ ટેક્સ ખાતાંનો કેસ દાખલ કરતાં સુપ્રિમ કોર્ટે વચગાળાનો આદેશ કરતાં વોડાફોન કંપનીને ૨,૫૦૦ કરોડ રૃપિયાની ડિપોઝીટ અને ૮,૫૦૦ કરોડ રૃપિયાની બેન્ક ગેરન્ટી જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. વોડાફોને આ આદેશનું પાલન કરીને ૨,૫૦૦ કરોડ રૃપિયા ભરી દીધા હતા.
ભારતની સુપ્રિમ કોર્ટે પ્રવર્તમાન કાયદાનું અર્થઘટન કરીને આ વર્ષની ૨૦મી જાન્યુઆરીએ વોડાફોનની તરફેણમાં ચુકાદો આપ્યો કે 'વોડાફોન-હચિસન વચ્ચેનો સોદો કેમેન આઇલેન્ડમાં થયો હોવાથી ત્યાં ભારતના ટેક્સ કાયદા લાગુ કરી શકાય નહીં.' આ રીતે સુપ્રિમ કોર્ટે ઈન્કમ ટેક્સ ખાતાંની પિટીશન ફગાવી દીધી હતી અને વોડાફોન કંપનીની ૨,૫૦૦ કરોડ રૃપિયાની ડિપોઝીટ બે મહિનામાં પાછી આપવાનો ઓર્ડર કર્યો હતો. ઈન્કમ ટેક્સ ખાતાંને આ ચુકાદાથી સંતોષ નહોતો થયો એટલે તેણે સુપ્રિમ કોર્ટમાં જ રિવ્યૂ પિટીશન કરી હતી. આ રિવ્યૂ પિટીશન અગાઉ ચુકાદો આપનારા ચીફ જસ્ટિસ સરોશ કાપડિયાની બેન્ચ સમક્ષ આવી હતી. સુપ્રિમ કોર્ટે મંગળવારે આ રિવ્યૂ પિટીશન પણ ખારીજ કરી નાંખી હતી. કેન્દ્ર સરકાર પાસે બીજો કોઇ ઉપાય ન રહેતા તેણે તરત જ વોડાફોન કંપની પાસેથી લીધેલા ૨,૫૦૦૦ કરોડ રૃપિયા રિફન્ડ કર્યા હતા.
જોકે સુપ્રિમ કોર્ટની લપડાક પછી પણ કેન્દ્ર સરકારે વોડાફોન પાસેથી ટેક્સની વસૂલાત કરવાનો પોતાનો જંગ ચાલુ રાખ્યો છે. કેન્દ્ર સરકારે ઈ.સ. ૨૦૧૨-૧૩નું જે બજેટ (ફાઇનાન્સ બિલ) સંસદમાં રજૂ કર્યું છે તેમાં ઈ.સ. ૧૯૬૧ના ઈન્કમ ટેક્સ એક્ટમાં એક સ્પષ્ટતા (ક્લેરિફિકેશન) સામેલ કરવામાં આવી છે, જે મુજબ વિદેશની ભૂમિ ઉપર કરવામાં આવતા ભારતની મિલકતના સોદાઓ પણ કરપાત્ર બને છે. આ કલમમાં ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે તેને પાછલી અસરથી (રિસ્ટ્રોપેક્ટિવ ઈફેક્ટથી) લાગુ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જો ફાઇનાન્સ બિલ સંસદમાં જેમ છે તેમ પસાર થઇ જાય તો આ સ્પષ્ટતાના પ્રતાપે ઈન્કમ ટેક્સ ખાતું ફરીથી વોડાફોનને ૧૧,૦૦૦ કરોડ વસૂલ કરવાની નોટિસ મોકલી શકે છે. વોડાફોન પાસે ટેક્સ ભરવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.
કેન્દ્ર સરકાર અને વોડાફોન વચ્ચે ૧૧,૦૦૦ કરોડ રૃપિયા માટેની ખેંચતાણ તેની ચરમ સીમાએ પહોંચી છે. આ મામલો હવે ઈન્કમ ટેક્સ ખાતાંના કમિશનર કે અધિકારીઓના સ્તરે નથી લડાતો. ખુદ નાણાં પ્રધાન પ્રણવ મુખરજી આ બાબતમાં અંગત રસ લઇ રહ્યા છે. તેમની સામે સુપ્રિમ કોર્ટની ચીફ જસ્ટિસ સરોશ કાપડિયા છે, જેઓ એક નહીં પણ બે વખત વોડાફોનની તરફેણમાં ચુકાદાઓ આપી ચૂક્યા છે. ચીફ જસ્ટિસ સરોશ કાપડિયાની છાપ અત્યંત ઈમાનદાર અને નિષ્ઠાવાન જજ સાહેબ તરીકેની છે. તેમણે જે ચુકાદો આપ્યો છે તે કાયદાનું સચોટ અર્થઘટન કરીને જ આપ્યો છે. સરકારને ખ્યાલ આવ્યો છે કે પ્રવર્તમાન કાયદા હેઠળ વોડાફોન સામે લડવાનો કોઇ અર્થ નથી. જો ઈન્કમ ટેક્સનો પ્રવર્તમાન કાયદો સુધારવો હોય તો તેના માટે સંસદમાં નવું બિલ લાવવું પડે અને લાંબી સંસદીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે. તેને બદલે સરકારે શોર્ટ કટ અપનાવીને ફાઇનાન્સ બિલમાં જ પ્રવર્તમાન કાયદામાં સ્પષ્ટતા દાખલ કરવાનું નક્કી કર્યું છે.
વોડાફોન કંપનીને પણ ખ્યાલ આવી ગયો છે કે ફાઇનાન્સ બિલમાં જે સ્પષ્ટતાની કલમ દાખલ કરવામાં આવી છે તેનો હેતુ તેના પાસેથી ૧૧,૦૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાનો જ છે. વોડાફોન અત્યારે તો ફાઇનાન્સ બિલ સંસદમાં પસાર થવાની રાહ જોઇ રહી છે. સંસદમાં આ બિલ પસાર થઇ જાય તે પછી તેની પાસે ૧૧,૦૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવાની નોટિસ કાઢવામાં આવશે તે નક્કી છે. ત્યારે વોડાફોન કંપની જો રૃપિયા ભરવા ન માંગતી હોય તો તે ફરીથી સુપ્રિમ કોર્ટમાં જઇ શકે છે અને ફાઇનાન્સ બિલમાં કરવામાં આવેલી 'સ્પષ્ટતા'ને બંધારણીય બેન્ચ સમક્ષ પડકારી શકે છે. કાયદાના અને બંધારણના નિષ્ણાતો કહે છે કે જો સંસદ મૂળ કાયદાના હાર્દને બદલ્યા સિવાય તેમાં માત્ર સ્પષ્ટીકરણ લાવવા માંગતી હોય તો તેને એમ કરવાનો અધિકાર છે. હવે નક્કી એ કરવાનું રહે છે કે સરકારનું 'સ્પષ્ટીકરણ' મૂળ કાયદાનું સ્વરૃપ બદલી નથી નાંખતું ને? જો આ સ્પષ્ટીકરણ મૂળ કાયદાના ઢાંચાને બદલી નાંખતું હોય તો તે સુપ્રિમ કોર્ટ દ્વારા રદ્દ પણ થઇ શકે છે.
બીજો મુદ્દો એવો છે કે સરકારને કોઇ કાયદામાં ફેરફાર કરવાનો અથવા તેમાં સ્પષ્ટીકરણ આપવાનો અધિકાર છે, પણ અત્યંત વિશિષ્ટ સંયોગોમાં જ તેને પાછલી અસરથી લાગુ કરી શકાય છે. વોડાફોન કંપની સરકારના આ સ્પષ્ટીકરણને સુપ્રિમ કોર્ટમાં બે રીતે પડકારી શકે છે. એક, આ સ્પષ્ટીકરણ દ્વારા મૂળ કાયદાનો અર્થ બદલાઇ જતો હોવાને કારણે સંસદમાં કાયદો સુધારવા માટેનો ખરડો લાવવો જોઇએ. બે, આ કાયદાને પાછલી અસરથી લાગુ કરવો પડે એવા કોઇ વિશિષ્ટ સંયોગો નથી, માટે તેને પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં. વોડાફોન કંપની ફાઇનાન્સ બિલના સંભવિત 'સ્પષ્ટીકરણ' સામે સર્વોચ્ચ અદાલતમાં જાય તો આ બે મુદ્દે તેને રાહત મળી પણ શકે છે. જોકે કેન્દ્ર સરકારની તૈયારી આ બાબતમાં છેક સુધી લડી લેવાની હોવાથી આ મેટર છેવટે પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ પણ જઇ શકે છે.
કેન્દ્ર સરકાર ઈન્કમ ટેક્સ એક્ટમાં જે 'સ્પષ્ટીકરણ' કરવા ચાહે છે તેનું લક્ષ્યાંક માત્ર વોડાફોન કંપની નથી પણ બીજી અડધો ડઝન કરતાં વધુ કંપનીઓ છે. આ બધી મલ્ટીનેશનલકંપનીઓ દ્વારા તેમના ભારતના ધંધાના સોદાઓ વિદેશોમાં કરવામાં આવ્યા છે અને કરચોરી કરવામાં આવી છે. જો સરકાર આ બધી કંપનીઓ પાસેથી કરની વસૂલાત કરી શકે તો તેને ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ કરોડ રૃપિયાની આવક થઇ શકે છે. આ કાંઇ નાનીસૂની રકમ નથી. માટે જ કેન્દ્ર સરકાર આ બાબતમાં વોડાફોનની પાછળ પડી ગઇ છે.
કેન્દ્ર સરકાર વોડાફોન પાસેથી ૧૧,૦૦૦ કરોડ રૃપિયા વસૂલ કરવા જે પુરૃષાર્થ કરી રહી છે તેને કારણે ઉદ્યોગ જગત દ્વારા એવી બૂમરાણ મચાવવામાં આવી રહી છે કે જો સરકાર આ રીતે વિદેશી કંપનીઓની પાછળ પડી જશે તો દેશમાં વિદેશી મૂડી આવતી બંધ થઇ જશે. આ બૂમરાણમાં કેટલાંક રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકો પણ પોતાનો સાદ પૂરાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારનો સ્પષ્ટ મત છે કે વિદેશી કંપનીઓને ભારતમાં ધંધો કરીને કરચોરી કરવાની પરવાનગી આપી શકાય નહીં. વિદેશી કંપનીઓની એવી દલીલ વાહિયાત છે કે સરકાર જો કરની કડક વસૂલી કરશે તો તેની અસર અમારા ધંધા પર પડશે. વિદેશી કંપનીઓને ભારતમાં ધંધો કરવાનો અધિકાર છે તો સરકારને તેમની પાસેથી કર વસૂલ કરવાનો અધિકાર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved