Last Update : 22-March-2012, Thursday
 

તામિલનાડુના કુન્દાકુલમ ન્યુક્લિયર પ્રોજેક્ટનો સ્થાનિક સંસ્થા દ્વારા વિરોધ
વિદેશી ભંડોળ મેળવતાં એનજીઓ પર ગૃહમંત્રાલય કડક કાર્યવાહી કરી રહ્યું છે

 

છેલ્લા ઘણાં સમયથી તામિલનાડુના લોકો ત્યાંના કુન્દાકુલમ્ ન્યુક્લિયર પ્રોજેક્ટ સામે જબરો વિરોધ નોંધાવી રહ્યા છે. આ વિરોધમાં 'ગ્લોબલ વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ' નામનું નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન (એનજીઓ) લોકોેને સંપૂર્ણ ટેકો આપી રહ્યું છે. પરંતુ આ સ્વયંસેવી સંસ્થા સાથે સંકળાયેલો માનો થંગરાજન હમણાં એકદમ ટેન્શનમાં છે, અને તે પોતાની સંસ્થાની બદનક્ષી કરનાર સરકારનો વિરોધ કરી રહ્યો છે.
વાસ્તવમાં છેલ્લા થોડા સમયથી તામિલનાડુની સ્વયંસેવી સંસ્થાઓ પર પસ્તાળ પડી રહી છે. તેમાંય જે સંસ્થાઓ અહીંના કુન્દાકુલમ્ ન્યુક્લિયર પ્લાન્ટના વિરોધમાં પોતાનો સ્વર બુલંદ કરી રહી છે તેમને માટે તો બોરિયા-બિસ્તરા બાંધી ઘરભેગા થવાનો વખત આવી ગયો હોય એમ લાગે છે. વાસ્તવમાં દક્ષિણ ભારતમાં આવેલી હજારો સ્વયંસેવી સંસ્થાઓ પર સરકારનો સકંજો કસાઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં તેમને વિદેશથી મળતા દાનના પ્રવાહમાં ઓટ આવવાથી આ સંસ્થાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. અને હવે તેમની ઉપર 'ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ' (એફસીઆરએ)નો ભંગ કરવાનો આરોપ મૂકનાર સરકાર સામે તેમને લડવાની નોબત આવી છે. અત્રે ઉલ્લેખનીખ છે કે આ કાનૂન હેઠળ જ તેમને વિદેશમાંથી દાનની રકમ મળે છે. આમાંની ઘણી સ્વયંસેવી સંસ્થાઓ કુન્દાકુલમ્ ન્યુક્લિયર પ્રોજેક્ટના વિરોધમાં સંડોવાયેલી છે.
અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ કોલકત્તા'ના જણાવ્યા મુજબ 'ટુટિકોરીન ડાયોસેસન એસોસિએશન' અને 'રૃરલ અપલિફ્ટ સેંટર' (આરયુસી) જેવી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓના બેંકના ખાતા પણ સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. આ સંસ્થાઓએ તેની સામે રિવિઝન પિટિશન કરવાની ધમકી આપી ત્યારે જ એફસીઆરએએ અન્ય ડઝનેક એનજીઓ પર ત્રાટકવાનો નિર્ણય કર્યો હતો.
ગયા મહિને જ મદુરાઈ સ્થિત 'પિપલ્સ વૉચ' નામની સ્વયંસેવી સંસ્થાની એફસીઆરએએ મુલાકાત લીધી હતી. આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેન્રી થાઈપેન કહે છે કે આજની તારીખમાં સ્વયંસેવી સંસ્થાઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સરકાર પહેલાં અમને ૩૧ પ્રશ્નો મોકલે છે જેના અમારે ઉત્તર આપવાના રહે છે. ત્યાર બાદ એફસીઆરએ અમારી સંસ્થાની મુલાકાત લે છે. છેવટે અમારી સામે કોઈપણ જાતની સ્પષ્ટતા કર્યા વિના અમારા બેંક ખાતા સ્થગિત કરી દેવામાં આવે છે.
થંગરાજની સ્વયંસેવી સંસ્થા પણ એફસીઆરએના સાણસામાં આવી ગઈ છે. આ સંસ્થા એવો ઘણો દાવો કરે છે કે તેને વર્ષ ૨૦૧૦થી વિદેશથી ભંડોળ આવવાનું બંધ થઈ ગયું છે. હવે આ સ્વયંસેવી સંસ્થા એફસીઆરએના આદેશ સામે અપીલ કરવાનું વિચારી રહી છે. થંગરાજે જણાવ્યા મુજબ તેમની સંસ્થાને મળેલા દાનની રકમનો ઉપયોગ વર્ષ ૨૦૦૪માં આવેલી સુનામીમાં તબાહ થયેલા થયેલા લોકોના પુનર્વસન માટે કરવામાં આવ્યો હતો.
એફસીઆરએની વેબસાઈટ મુજબ તામિલનાડુમાં ૫,૮૨૭ સ્વયંસેવી સંસ્થાઓ છે. જ્યારે તેના પડોશી રાજ્ય કર્ણાટકમાં ૩,૦૦૦ અને મહારાષ્ટ્રમાં ૪,૦૦૦ જેટલી સ્વયંસેવી સંસ્થાઓ કાર્યરત છે. તામિલનાડુની આ દરેક સંસ્થાને વર્ષ ૨૦૧૧માં પણ વિદેશી ભંડોળ મળ્યું હતું, જેમાંની ૨૩૫થી વધુ સંસ્થાઓએ એક કરોડ રૃપિયાથી વધુ દાનની રકમ મેળવી હતી.
મહત્વની વાત એ છે કે જેમ મહારાષ્ટ્રના દરેક એનજીઓને તેનું રજિસ્ટ્રેશન 'ચેરિટિઝ કમિશ્નર'માં કરાવવું પડે છે તેમ તામિલનાડુની સંસ્થાઓની નોંધણી કોઈ એક મંડળ હેઠળ નથી થતી. અહીંના એનજીઓની નોંધણી રાજ્યની વિવિધ સોસયાટીઓના રજિસ્ટ્રાર પાસે ટ્રસ્ટ અથવા સોસાયટી તરીકે થાય છે. તેમણે તેમના નાણાંકીય વહેવારની વાર્ષિક વિગતો જે તે સોસાયટીના રજિસ્ટ્રારને જ આપવાની રહે છે. મઝાની વાત એ છે કે જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીને એ વાતની જાણ જ નથી હોતી કે તેમને ત્યાં કઈ કઈ સંસ્થાઓએ નોંધણી કરાવી છે.
'તામિલનાડુ વોલન્ટરી હેલ્થ અસોસિએશન' હેઠળ ૭૦૦ એનજીઓ ચાલી રહી છે. આ સંસ્થાના સામાજિક કાર્યકર સૈલિના આર્નોલ્ડ કહે છે કે સરકાર અને અન્ય સંસ્થાઓને વિદેશી દાન પ્રવાહ વિશે જાણકારી મળે પછી તેઓ પણ તેમાં કૂદી પડે છે. તે વધુમાં કહે છે કે ઘણાં જિલ્લાઓમાં હજારો સ્વયંસેવી સંસ્થાઓ આવેલી છે જેમાંની ઘણી તો નામ માત્રની છે.
મોટાભાગના એનજીઓ બાળ હક, આદિવાસી અને દલિત કલ્યાણ, મહિલા સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રે સેલ્ફ-હેલ્પ ગુ્રપ સાથે મળીને કામ કરે છે. જોકે છેલ્લા દસેક વર્ષમાં તેમને મળતાં દાનમાં ઘણી ઓટ આવી છે. છેલ્લે અહીં સુનામી દરમિયાન ભરપૂર વિદેશી સહાય આવી હતી. બાકી હવે દાતાઓ વધુ દરિદ્ર પ્રદેશમાં દાનની રકમ મોકલી રહ્યાં છે.
જર્મનીની દાતા સંસ્થા 'ટેરે-ડી-હોમ્સ'ના જી.જે.જ્યોર્જ કહે છે કે અમે હવે એવા રાજ્યો તરફ વળી રહ્યાં છીએ જ્યાંની સમસ્યાઓ ખરેખર જટિલ છે. વાસ્તવમાં ઝારખંડ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પ્રદેશ કરતાં તામિલનાડુની સ્થિતિ ઘણી વધુ સારી છે. તે વધુમાં જણાવે છે કે તેમની સંસ્થા આગામી ત્રણથી પાંચ વર્ષમાં તામિલનાડુમાંથી ધીમે ધીમે ખસી જશે.
એક સમયમાં બ્રિટન સ્થિત 'ક્રિશ્ચિઅન એઈડ'માંથી ભંડોળ મેળવતી સંસ્થાના અર્નોલ્ડ કહે છે કે અમારા માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. ઘણી સંસ્થાઓ તો બંધ થઈ ગઈ છે અથવા જેમાં ઝાઝા ભંડોળની જરૃર ન પડે એવા માઈક્રો ફાઈનાન્સ અથવા સેલ્ફ-હેલ્પ ગુ્રપ તરફ વળી છે. વિવિધ ક્ષેત્રે જે તે સ્થળોએ ફરીને કામ કરતાં લોકો કહે છે કે વર્ષ ૨૦૧૦માં એફસીઆરએના કાયદામાં ફંડ ટ્રાન્સફર તેમ જ તેના ઉપયોગ વિશે સુધારા કરવામાં આવ્યાં ત્યારથી આ કાનૂન વધુ કડક બન્યો છે. એફસીઆરએના નંબર વિના કોઈ સંસ્થા વિદેશી ભંડોળ નથી મેળવી શકતી અને એનજીઓએ તેમના વાર્ષિક નાણાંકીય વહેવારના ઓડિટ રિપોર્ટ આપવાં પડે છે.
ટેરે-ડી-હોમ્સના જ્યોર્જ કહે છે કે અમારા ભાગીદાર અમારી સંસ્થાના નાણાંકીય વહેવારો પર ચાંપતી નજર રાખતા હોવા ઉપરાંત એફસીઆરએ પણ તેના ઉપર બાજ નજર રાખે છે. એફસીઆરએને થોડાં વર્ષ અગાઉ અમારા રિપોર્ટમાં કાંઈક અસમાનતા જણાતાં અમને પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જ્યારે હકીકતમાં અમારાથી ગણતરીમાં ભૂલ થઈ ગઈ હતી.
મદુરાઈ સ્થિત 'એક્તા રિસોર્સ સેંટર ફોર વુમન'ને ન્યુઝીલેન્ડ અને જર્મનીથી દાનની રકમ મળે છે. આ સંસ્થાના સ્થાપક અને ડાયરેક્ટર બિમલ ચંદ્રશેખર કહે છે કે અમારે ત્યાં ભંડોળની ચકાસણી કરવા ગુપ્તચર સંસ્થાના અધિકારીઓ આવ્યાં હતાં. અમારા ચોપડા તેમના માટે ઉઘાડાં હતાં. અમારો બધો નાણાંકીય વહેવાર ચોક્ખો હતો. આમ છતાં અમે અધિકારો અને હકો વિશે જાગૃતિ ફેલાવવા પાછળ જે ખર્ચ કરીએ તેનો પાઈએ પાઈનો હિસાબ રાખવો મુશ્કેલ હોય છે. મહત્ત્વની વાત એ છે કે જો તમારી સંસ્થા લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરતી હોય અને તેમાં કોઈ સરકારી પ્રોજેક્ટ સંડોવાયેલો હોય તો તમારા માથે રાજ્ય વિરોધી કામ કરવાનો કે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ આવી પડે. ચંદ્રશેખર કહે છે કે જો કોઈ સંસ્થાને શૈક્ષણિક હકો વિશે જાગૃતિ ફેલાવવા માટે ભંડોળ મળ્યું હોય અને તેઓ આ રકમનો વપરાશ કોઈ ખરીદી માટે કરે તો તેમાં ખોટું શું છે?
ઘણાં લોકો એમ માને છે કે રાજ્યમાં આવેલી સ્વયંસેવી સંસ્થાઓનું નિયમન થવું આવશ્યક છે.
જોકે ઈટાલીની ફંડિંગ એજન્સી 'સેસ્વી'ના ચેન્નાઈ સ્થિત લાઈઝોન ઓફિસના મર્સી ફેલ્સિટા કહે છે કે માત્ર સરકાર જ સ્વયંસેવી સંસ્થાઓના નાણાંકીય લેવડ-દેવડ પર બાજ નજર નથી રાખતી, પણ દાતાઓ સુધ્ધાં તેમના દાનનો શી રીતે અને ક્યાં વપરાશ થયો તેના ઉપર નજર રાખે છે. તેથી દરેક ડોનર એજન્સી તેના ભંડોળનો યોગ્ય હિસાબ રાખે છે. આ જે તે એજન્સીની જવાબદારી પણ હોય છે.
પરંતુ એનજીઓને આજે એ વાતની ચિંતા સતાવે છે કે સરકારને એમ લાગે છે કે તેઓ ન્યુક્લિયર પ્રોજેક્ટના વિરોધીઓને ટેકો આપી રહ્યાં છે. જેમ કે ટુટીકોરીન ડાયોસીસ એસોસિએશનના કેટલાંક સભ્યો ન્યુક્લિયર પ્રોજેક્ટનો વિરોધ કરનાર કેથલિક ફિશરમેન કમ્યુનિટીના છે.
ગૃહ મંત્રાલયે નોંધ્યું હતું કે જર્મની અને વેટિકનથી ભંડોળ મેળવતાં અને શાળા તેમ જ અનાથાશ્રમો ચલાવતા 'ડાયોસીસ' એ એફસીઆરએ ૨૦૧૦ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી લોકહિતમાં તેમના બેંક ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંસ્થાના ફાધર વિલિયમ સંથનામ કહે છે કે કુન્દાકુલમ ન્યુક્લિયર પ્રોજેક્ટ સામે જનતા વિરોધ કરી રહી છે. એમાં અમારું નામ સાવ ખોટી રીતે સંડોવવામાં આવ્યું છે. આરંભના તબક્કામાં બિશપે ન્યુક્લિયર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકોને તેમના દેવળમાંથી નૈતિક ટેકો આપ્યો હતો. અમે તેમને કોઈ નાણાંકીય મદદ નથી કરી.
મંત્રાલયમાંથી બેંક ખાતા સ્થગિત કરવાનો આદેશ મેળવનાર આરયુસીએ એવા મતલબની રિવિઝન પિટિશન કરી હતી કે તેમને આપવામાં આવેલો આદેશ આપખુદ અને કાનૂનની વિરૃધ્ધનો છે. પિટિશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્સપેક્શન કરવા આવેલા અધિકારીને તેમના રેકોર્ડમાં કોઈ અનિયમિતતા કે અસમાનતા જોવા નહોતી મળી. તેમણે વર્ષ ૧૯૮૨થી ૨૦૧૧ સુધીના સઘણા નાણાંકીય વહેવાર અને તેમને મળેલા દાનની વિગતો આપી હતી.
કુલ મળીને એમ કહી શકાય કે તામિલનાડુમાં સારા અને નરસા બંને પ્રકારના એનજીઓ કાર્યરત છે. પરંતુ વિડંબણા એ છે કે સુકા સાથે લીલું બળે તેમ ખરેખર સારું કામ કરી રહેલી સ્વયંસેવી સંસ્થાઓ પર પણ ખોટાં કામ કરી રહેલા એનજીઓને કારણે પસ્તાળ પડી રહી છે.

- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved