Last Update : 21-March-2012, Wednesday
 

શિક્ષણ પદ્ધતિની ખામીને કારણે ટયૂશનો અનિવાર્ય થઇ ગયાં છે

 

બે ઘરનો પરોણો ભૂખ્યો રહે તેમ સ્કૂલમાં અને ટયૂશનમાં એમ બંને ઠેકાણે ભણવા જતો વિદ્યાર્થી અભ્યાસમાં નબળો રહી જાય છે
દસમાં ધોરણની પરીક્ષાઓ પૂરી નથી થઇ કે આવતાં વર્ષ માટે ટયૂશન ટીચરોનાં બૂકીંગ શરૃ થઇ ગયાં છે. ગુજરાતમાં સ્કૂલમાં ભણાવતાં શિક્ષકો ઉપર ટયૂશન કરવાની બાબતમાં કાયદાથી પ્રતિબંધ છે તો પણ ટયૂશનની હાટડીઓ ધમધમે છે. તેનું કારણ એ છે કે સ્કૂલની શિક્ષણ પદ્ધતિ ખામીભરેલી છે. આજની શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓને ઘેટાંબકરાની જેમ ઠાંસીને ભરવામાં આવે છે. ક્યારેક એક જ વર્ગમાં ૫૦થી ૬૦ વિદ્યાર્થી ભરવામાં આવ્યા હોય છે. આ સંયોગોમાં શિક્ષક તમામ વિદ્યાર્તીઓ પ્રત્યે વ્યક્તિગત લક્ષ્ય આપી શકે તે શક્ય જ નથી. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ વર્ગમાં શું ચાલે છે, તેની ગતાગમ પડતી નથી. આ કારણે ટયૂશન અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. કોઇ પણ મધ્યમ વર્ગના પરિવારનું બજેટ બનાવવામાં આવે ત્યારે ૨૫થી ૩૦ ટકા રકમ બાળકોના શિક્ષણ પાછળ અનામત રાખવી પડે છે. પાંચ વ્યક્તિઓના એક પરિવારમાં ત્રણ બાળકો ભણતાં હોય તો મહિને અનાજ-કરિયાણાંનો જેટલો ખર્ચ આવે છે, તેના કરતાં પણ વધુ ખર્ચ શિક્ષણ અને ટયૂશન તેમ જ સ્ટેશનરી પાછળ આવે છે. તેમાં પણ એકાદ બાળક જો દસમાં કે બારમાં ધોરણમાં ભણતું હોય તો કુલ ઘરખર્ચના ૫૦ ટકા જેટલી રકમ શિક્ષણ પાછળ અનામત રાખવી પડે છે. શિક્ષણ આટલું ખર્ચાળ થઇ જવાનું મુખ્ય કારણ એ છે કે શાળામાં બાળકને જે કાંઇ ભણાવવામાં આવે છે, તેનાથી તેનો કોઇ ઉદ્ધાર થતો નથી. આજે જમાનો સ્પર્ધાનો છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ ગળાકાપ સ્પર્ધા છે. તબીબી અને ઈજનેરી કોલેજમાં એક સીટ ઉપર એડમિશન લેવા માટે ૫૦-૧૦૦ વિદ્યાર્થીઓ ગળાકાપ હરિફાઇમાં ઉતરે છે. શિક્ષણનો સીધો સંબંધ સારી કારકિર્દી સાથે અને શ્રીમંતાઇ સાથે જોડાઇ ગયો છે. જેને પરીક્ષામાં સારા માર્ક્સ આવે તેને સારી કોલેજમાં પ્રવેશ મળે, સારી કોલેજમાં અને સારા કોચિંગ ક્લાસમાં ભણનારને સારા વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મળે અને સારો વ્યવસાયલક્ષી કોર્સ કરનારને સારા પગારની અને ઉચ્ચ સ્ટેટસની નોકરી મળે, એવો હવે સીધો હિસાબ થઇ ગયો છે. સારી ડિગ્રી મેળવવી એ બજારમાં જઇને સારી બ્રાન્ડનું ટીવી કે સારું વોશિંગ મશીન ખરીદી લાવવા જેવું ગણિત બની ગયું છે. જેમ વધુ પૈસા ખર્ચવાથી વધુ સારું ટીવી કે વોશિંગ મશીન ખરીદી શકાય, તેમ વધુ રૃપિયા ફેંકવાથી વધુ સારી ડિગ્રી ખરીદી શકાય, એવું મોટાં ભાગનાં માબાપ માનવા લાગ્યા છે. આ કારણે તેઓ બેન્કમાંથી લોન લઇને પણ પોતાનાં બાળકને સારી ગણાતી સંસ્થામાં પ્રવેશ અપાવવાની કોશિષ કરે છે. વિદ્યાર્થીઓનું અને વાલીઓનું મુખ્ય લક્ષ્ય ભણીગણીને હોંશિયાર બનવાનું નહીં પણ પરીક્ષામાં યેનકેન પ્રકારેણ વધુ માર્ક્સ મેળવવાનું હોય છે. આ પ્રક્રિયામાં પાઠયપુસ્તકો કરતાં ગાઇડ, સ્કૂલ કરતાં કોચિંગ ક્લાસ અને વર્ગશિક્ષક કરતાં ટયૂશન ટીચર વધુ સહાયભૂત બને છે, માટે તેમની પાછળ વધુ પૈસાની ફાળવણી કરવામાં આવે છે. તેની પાછળ એવી ગણતરી કામ કરતી હોય છે કે વધુ નાણાં ખર્ચવાતી વધુ સારું શિક્ષણ ખરીદી શકાય છે.
કોચિંગ ક્લાસોનું અને ટયૂશન ટીચરોનું ધ્યેય વિદ્યાર્થીઓને જ્ઞાાની અને સંસ્કારી બનાવવાનું નથી હોતું પણ તેમને પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવાની કળા શિખવવાનું હોય છે. આ કળામાં ચૌર્યકળાનો પણ સમાવેશ થઇ જાય છે. મુંબઇના એક કોચિંગ ક્લાસમાં પરીક્ષા અગાઉના મહિનામાં બારણાં બંધ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કેવી રીતે કરવી તેની કળા પણ ભણાવવામાં આવે છે. આ રીતે ચોરી કરીને મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલા વિદ્યાર્થીઓ આ કોચિંગ ક્લાસનું નામ રોશન કરે છે અને નવાં સત્રમાં તેમને વધુ નાણાં કમાવામાં મદદગાર બને છે. ગુજરાતમાં તો બોર્ડની પરીક્ષામાં શિક્ષકો જ વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પોતાના કેન્દ્રનું પરિણામ સારું લાવવાનો ઉદ્યમ કરે છે.
મુંબઇમાં તો દસમાં કે બારમાં ધોરણનું પરિણામ બહાર પડે ત્યાર પછી જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં ઝળક્યા હોય તેમની પાછળ કોચિંગ ક્લાસના સંચાલકો સૂંઠ ખાઇને પડી જાય છે. આ વિદ્યાર્થીઓ કોઇ ચોક્કસ કોચિંગ ક્લાસમાં ન ભણ્યો હોય તો પણ તેમની પાસે એવું લખાવી લેવામાં આવે છે અને બદલામાં તેમને મફતમાં લાખો રૃપિયાની ભેટસોગાદો આપવામાં આવે છે. આ વિદ્યાર્થીના ભવિષ્યના શિક્ષણનો બધો ખર્ચો ઉપાડી લેવા પણ આ કોચિંગ ક્લાસના સંચાલકો તૈયાર થઇ જાય છે. વિદ્યાર્થી અને તેનાં માતાપિતા આ સોદાબાજી માટે તૈયાર થઇ જાય એટલે કોચિંગ ક્લાસના સંચાલકો બીજા દિવસથી આ વિદ્યાર્થીની તસવીર સાથે પોતાની જાહેરખબરો શરૃ કરી દે છે. આ સમાજ સાથે છેતરપિંડી જ છે. મેરિટ લિસ્ટમાં ચમકનારા વિદ્યાર્થીઓ આ છળમાં ભાગીદાર બને છે. હકીકતમાં આ મેરિટ લિસ્ટની પ્રથા જ બંધ કરવા જેવી છે.
સમાજમાં આજે એવા ધનકુબેરો છે, જેમની પાસે પૈસાની કોઇ કમી નથી. તેઓ પૈસા ફેંકીને ડિગ્રીઓ ખરીદવામાં માને છે. અગાઉ આ વાલીઓ પોતાનાં બાળકને તબીબી કે ઈજનેરી કોલેજમાં પ્રવેશ મળી જાય તે માટે પરીક્ષાનાં પેપરો ફોડાવતા હતા અને પરીક્ષકોને લાંચ આપીને પોતાનાં બાળકને વધુ ટકા આવે તે માટે મહેનત કરતા હતા. એ સમયે તબીબી અને ઈજનેરી કોલેજોમાં માત્ર મેરિટને આધારે જ બેઠકોની ફાળવણી કરવામાં આવતી હતી, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો હાથ ઉપર રહેતો હતો. હવે વ્યવસાયી શિક્ષણ આપતી કોલેજોએ મેનેજમેન્ટ ક્વોટા, એનઆરઆઇ ક્વોટા વિગેરે છટકબારીઓ કમાણી કરવા માટે શોધી કાઢી છે. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની તો રીતસર હરાજી કરવામાં આવે છે.
એક વિદ્યાર્થીને બારમાં ધોરણની પરીક્ષામાં ૯૦ ટકા આવ્યા હોય તો પણ તેને ઓપન મેરિટની કેટેગરીમાં પ્રવેશ નથી મળતો. બીજા વિદ્યાર્થીને ૫૫ ટકા આવ્યા હોય તો પણ તેના પિતાશ્રી ૮-૧૦ લાખ રૃપિયાનું ડોનેશન આપીને મેનેજમેન્ટ ક્વોટાની બેઠક ઉપર કબજો જમાવી લે છે. શ્રીમંતો પૈસા ખર્ચીને બેઠક પચાવી પાડે છે, પછાતો પોતાનું બેકવર્ડ ક્લાસનું પ્રમાણપત્ર રજૂ કરીને ઓછા ટકા હોય તો પણ પ્રવેશ મેળવી લે છે. સહન કરવાનું મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીને ભાગે આવે છે. જે બેઠક ઉપર તેનો અધિકાર હતો તે બીજાને ફાળવી દેવામાં આવતાં તે હતાશાનો શિકાર બની જાય છે. સમાજને એક તેજસ્વી ડોકટર મળવાને બદલે પૈસાદાર પણ ઠોઠ ડોકટર મળે છે, કારણ કે ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થીની સરખામણીમાં ૫૫ ટકા મેળવનાર વિદ્યાર્થી ઠોઠ જ હોય, તેમાં કોઇ શંકા નથી.
શિક્ષણના ક્ષેત્રનું જે વેપારીકરણ થયું છે, તેના માટે સમાજની મનોદશા પણ અમુક અંશે જવાબદાર છે. આજે વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી હોતો પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય છે. પરીક્ષા પદ્ધતિ પણ ખરેખરા તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય કરનારી છે. એક વિદ્યાર્થી બધા જ વિષયો બરાબર ભણે છે, સમજે છે અને પોતાના મગજમાં ઉતારે છે. બીજો વિદ્યાર્થી કોઇ વિષય સમજ્યા વિના માત્ર ગાઇડ વાંચીને અને કોપી કરીને સારા માર્ક્સ મેળવી લે છે. હોંશિયાર વિદ્યાર્થી ગાઇડની મદદ નથી લેતો કે કોપી નથી કરતો એટલે તેને ઓછા માર્ક્સ આવે છે. તેને ખબર પડે છે કે કોપી કરનારા ઠોઠ વિદ્યાર્થીને પણ તેના કરતાં વધુ માર્ક્સ આવ્યા છે, ત્યારે તેને હતાશા ઘેરી વળે છે. સ્કૂલમાં જનારાં બાળકો એવું શીખે છે કે પરીક્ષામાં ચોરી કરવાથી જ જીવનમાં પ્રગતિ થાય છે.
આજની સ્કૂલોમાં શિક્ષણ આપવામાં આવે છે, તેમાં કોઇ ભલીવાર નથી હોતો. શિક્ષકોને ભણાવવામાં રસ નથી હોતો, વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી હોતો. સ્કૂલમાં પોતાનું નામ ચાલુ રાખવું હોય તો વર્ગમાં આવવું પડે અને હાજરી પૂરાવવી પડે, એ દરેક વિદ્યાર્થીઓ જાણતા હોય છે; માટે તેઓ કમને પણ સ્કૂલે આવે છે. ભણવા માટે તો તેઓ કોચિંગ ક્લાસમાં કે ટયૂશનમાં જતા હોય છે. માટે શાળામાં કે કોલેજમાં તેઓ માત્ર મસ્તી અને તોફાન કરે છે. કોઇ વિદ્યાર્થી ખરેખર સ્કૂલમાં ભણવા માંગતો હોય અને કોચિંગ ક્લાસમાં જવા ન માંગતો હોય તો પણ તેને ભણાવવા કોઇ તૈયાર નથી. શિક્ષક એમ જ માની લે છે કે વિદ્યાર્થી ટયૂશનમાં ભણી લેશે. આ કારણે વિદ્યાર્થી સ્કૂલમાં જેટલા કલાકો ગાળે છે, તે સમય વ્યર્થ જ જાય છે. વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં કે ટયૂશનમાં જાય છે ત્યારે ટીચર માની લે છે કે વિદ્યાર્થી સ્કૂલમાં ભણીને જ આવ્યો છે. આ કારણે તેને ભણાવવાને બદલે માત્ર હોમવર્ક અને પુનરાવર્તન કરાવવામાં આવે છે. બે ઘરનો પરોણો ભૂખ્યો રહી જાય તેવી વિદ્યાર્થીઓની હાલત છે. વિદ્યાર્થી જેટલો સમય સ્કૂલમાં ગાળે છે, લગભગ તેટલો જ સમય હોમવર્ક, કોચિંગ ક્લાસ અને પ્રાઇવેટ ટયૂશન પાછળ ફાળવે છે. તેમ છતાં ભણતરમાં કંઇ દમ નથી હોતો. વિદ્યાર્થીઓને જો સ્કૂલમાં ભણવાનું ન ફાવતું હોય અને કોચિંગ ક્લાસ વગર ન ચાલતું હોય તો સરકારે તમામ કોચિંગ ક્લાસને સ્કૂલ તરીકે માન્યતા આપીને તેમને વાર્ષિક પરીક્ષા લેવાની અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવાની સત્તા આપી દેવી જોઇએ. આવું કરવામાં આવશે તો સ્કૂલોમાં વેડફાતો સમય બચી જશે અને કોચિંગ ક્લાસનાં સંચાલકોમાં પણ જવાબદારીની ભાવના આવશે.
ભારતમાં હવે શિક્ષણનું ખાનગીકરણ થઇ જ ગયું છે. સફાઇ કામદાર પણ પોતાનાં બાળકને સરકારી મફત સ્કૂલમાં ભણાવવા માંગતો નથી પણ આકરી ફી ચૂકવીને કોન્વેન્ટમાં ભણાવવા તૈયાર હોય છે. આ કારણે મુંબઇમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ વિદ્યાર્થીઓના અભાવમાં બંધ પડી રહી છે. અમુક શાળાઓએ તો વિદ્યાર્થીઓની સંખ્યાને ટકાવી રાખવા માટે અંગ્રેજી માધ્યમના વર્ગો પણ શરૃ કર્યા છે. વિદ્યાર્થીઓને જો સરકારી સ્કૂલોમાં અભ્યાસ ન કરવો હોય તો સરકારી સ્કૂલો બંધ કરવી જોઇએ અને તેની પાછળ કરવામાં આવતો અબજો રૃપિયાનો ખર્ચ બચાવી લેવો જોઇએ. સરકારે શિક્ષણની વ્યવસ્થા ઉપર અંકુશ રાખવાનો પોતાનો મોહ જતો કરવો જોઇએ અને શિક્ષણનું સંપૂર્ણ ખાનગીકરણ કરી નાંખવું જોઇએ. વિદ્યાર્થીને જ્યાં ભણવું હોય ત્યાં ભણે, શિક્ષણ ખાતાની ભૂમિકા ફક્ત પરીક્ષાઓ લેવાની અને પ્રમાણપત્ર આપવાની જ હોવી જોઇએ. જો આવું કરવામાં આવશે તો કરોડો વિદ્યાર્થીઓ સ્કૂલ, કોચિંગ ક્લાસ, ટયૂશનો, ઘર વિગેરે વચ્ચે હડિયાપટ્ટી કરવામાંથી બચી જશે અને તેમને એક જ સ્થળે સંપૂર્ણ નક્કર શિક્ષણ મળી જશે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved