Last Update : 21-March-2012, Wednesday
 

ચાલો ગૌરવ લઈએ કે ''આપણે તેંડુલકર યુગમાં હયાત છીએ''
The Last Emperor

વિવિધા - ભવેન કચ્છી

''જાઓ દોડી લો, ૧૦૦ રન આપ્યા'' તેમ હરિફ-ટીમ કહે તો પણ હાંફી જાય તેવા ક્રિકેટ ચાહકોનો એક વર્ગ તેંડુલકરની ૧૦૦ સદીની સિદ્ધિ છતાં તેની લીટી નાની કરવાની મનોવૃત્તિ બતાવે છે

''જરો થોભો, વિચારો...ટેસ્ટની ૫૧ અને વન-ડેની ૪૯ એમ ૧૦૦ સદી કઈ રીતે થઈ હશે-''વોન

વિદેશના ચાહકો તો તેમના ખેલાડીઓ કે સર્જકો માટે ગૌરવ લેતા હોય છે આપણે જ કેમ આવી માનસિકતા ધરાવીએ છીએ ?
ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા ઃ બાંગ્લાદેશ સામે ભારત હાર્યું તેનો દોષ પણ તેંડુલકરની ૧૦૦મી સદી પર ઢોળાયો
ક્રિકેટના 'ડાય હાર્ડ' ચાહકોમાં સ્વ. ડોનાલ્ડ બ્રેડમેનની બેટિંગની વાત નીકળે ત્યારે આપણને ઘણી વખત એવી કુતૂહલતા થાય કે તે કેવું રમતા હશે ? તે વખતે તેમની ક્રિકેટ વિશ્વમાં કેવી ધાક હશે ? હાશ, આપણે તે યુગમાં જઈ શકતા હોત કે જન્મ્યા હોત તો ? મિત્રો, બ્રેડમેનને નહીં માણવાનો વશવશો ના કરશો. તમે તેંડુલકર ૧૦૦મી આંતર રાષ્ટ્રીય સદી ફટકારી તે ''ન ભૂતો ન ભવિષ્યતિ'' ઘટનાના સાક્ષી છો. એક ભારતીય તરીકે ગૌરવ અનુભવાય તેવા તેંડુલકર યુગમાં છો તે ઊંડો શ્વાસ લઇ મહેસૂસ કરો. તમારી જાતને નસીબદાર માનો.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને તેંડુલકરની સિદ્ધિને બિરદાવતા કોઈ ભારતીયે પણ ના કરી હોય તેવી સંવેદનશીલ કોમેન્ટમાં જણાવ્યું છે કે ''જરા થોભો, વિચારો, ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ અને વન-ડેમાં ૪૯ એમ ૧૦૦ સદી એટલે શું. ૧૬ વર્ષની વયથી ૩૮ વર્ષ સુધી રમતા રહેવું અને બંને ફોરમેટમાં મળીને ૩૩૮૫૪ રન ફટકારવા તે કલ્પના જ રોમાંચિત કરવા પૂરતી નથી !''
તેંડુલકર અને ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનો પૈકી પોન્ટીંગની બંને ફોરમેટની કુલ ૭૧, કાલિંસની ૫૯, લારાની ૫૩ સદી છે. તેના સીવાય ક્રિકેટ ઇતિહાસના જે પણ બેટ્સમેનો છે તેની ટેસ્ટ અને વન-ડે સદીનો સરવાળો તેંડુલકરની વન-ડે (૪૯) કે ટેસ્ટ (૫૧) સદી બેમાંથી કોઈપણથી વધુ નથી થતો ! ઉદાહરણ તરીકે લારા (૫૩) પછી દ્રવિડનો ક્રમ આવે છે. બંને ફોરમેટમાં મળીને તેણે કુલ ૪૮ સદી નોંધાવી છે.
૫૨ ટેસ્ટમાં ૨૯ સદી સાથે ૬૯૯૬ રન નોંધાવનાર બ્રેડમેન તેની ૯૯.૯૬ની એવરેજ થકી મહાન છે તો તેની સામે તેંડુલકરની ૧૦૦ સદીનો આંક વધુ વજનદાર ના કહેવાય ?
તેંડુલકરની ક્રિકેટ માટેની અદ્વિતીય ધગશ, કિશોરવયથી અત્યાર સુધી વિશ્વ શ્રેષ્ઠ બોલરોનો ખાતમો બોલાવતા રહેવું, તેની શિસ્ત, સાદગી, ''ડાઉન ટુ અર્થ'' પ્રકૃતિ, રનના ઢગલા વિશે બધા જ જાણે છે.
તેંડુલકર હાલના રેકોર્ડ કરતા અડધી મંઝલે પહોંચીને અટકી ગયો હોત તો પણ મહાન બેટ્સમેન તરીકે ગણના પામત.
આજે આપણે માત્ર તેંડુલકરની વાત નથી કરવી પણ આપણી રાષ્ટ્રીય માનસિકતાના પ્રતિબિંબ તરફ નિર્દેશ કરવો છે.
આપણી કોઈપણ ક્ષેત્રની મહાન કે સિદ્ધિવંતિ વિશિષ્ટ હસ્તી હોય તેને એમ જ ઉતારી પાડવાની આપણી મનોવિકૃત્તિ વિશ્વભરમાં જાણીતી છે.
ઉદાહરણ તરીકે તેંડુલકરને મહાન બેટ્સમેન તરીકે નહીં સ્વીકારવો તેના માટેના તમામ પ્રકારના તર્કો, પાયાહિન આરોપો અને તુચ્છ સ્તરની દલીલો ચાહકો ધાણી ફૂટતી હોય તેમ કે ગુટકા વાગોળતા કરતા રહીએ છીએ. વિશ્લેષણ, વિવેચન કે ટીકાનો ચાહકોને હક્ક છે પણ તેમાં 'લૂઝ ટોક' કે આપણી પૂર્વગ્રહ આધારીત પૂર્વધારણા પ્રમાણે ઇરાદો જ નકારાત્મક હોય તેવી પ્રતિતિ વધુ જોવા મળે છે. આપણે તેંડુલકર કરતા નીચો બતાવવા બ્રેડમેનથી માંડી રિચાર્ડસ, લારા, ગ્રેગચેપલ વધુ સારા તેમ પૂરવાર કરવા શું કામ કવાયત કરતા હોઈશું ?
ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે વિન્ડિઝના વિવેચકો અને મોટા ભાગના ચાહકો તેંડુલકર કરતા તેમના મહાન ક્રિકેટરોને સમકક્ષ મૂકે છે ત્યાં કોઈ એમ નથી કહેતું કે તેંડુલકર બ્રેડમેન કરતા ગ્રેટ છે કે પછી લારા, રિચાર્ડસ કરતા તેંડુલકર કયાંય ચઢિયાતો.
એક આપણી જ પ્રજા એવી છે કે જે આપણુ ગૌરવ નથી ધરાવતી જે મેચમાં તેંડુલકરે ૧૦૦મી સદી ફટકારી તે મેચમાં ભારત બાંગ્લાદેશ સામે હાર્યું એટલે ઘણા ચાહકોએ તેંડુલકરની સિદ્ધિના અવસરને પણ ના છોડયો અને ઓનલાઈન કોમેન્ટ કરી કે ''જોયુને, તેંડુલકર રેકોર્ડ માટે જ રમે છે. તેની ૧૦૦મી સદી થાય એટલે સાવધતાથી રમ્યો અને ભારતનો સ્કોર ૨૮૯ જ (!) થયો. જો તે નોરમલ રમ્યો હોત કે આઉટ થઈ ગયો હોત તો ભારત ૩૦૦ પણ રન કરી શકત. તે દેશ માટે રમતો જ નથી.''
આવી ટીકાઓનો જોરદાર જવાબ આપતા એક ચાહકે વળતી કોમેન્ટ કરી કે ''૨૮૯ રન નાનો સ્કોર ના કહેવાય...બાંગ્લાદેશ સામે તો નહીં જ, આપણા બોલરોએ કંગાળ બોલિંગ નાંખીને ૨૮૯ રન બાંગ્લાદેશને કરવા દીધા ત્યારે આપણા બોલરો અને થર્ડ ગ્રેડના ફિલ્ડરો દેશ માટે નથી રમ્યા તેમ કેમ કોઈ કહેતું નથી ?''
વાત સાવ સાચી છે. જાગો ઇન્ડિયા જાગો. આ હદે આભારહિનતા, અદેખાઈ કે કોઈને 'ઓબ્જેક્ટીવ' રીતે નહીં બિરદાવવાની મનોસ્થિતિમાંથી બહાર કયારે આવીશું ? ગાવાસ્કર મહાન બન્યો ત્યારે તેને મતલબી કહેતા હતા. કપિલ દેવને રેકોર્ડ ભૂખ્યો અને હવે તેંડુલકર એવરેસ્ટ કરતા પણ ઉંચાઈએ છે ત્યારે તેના કરતા ગાવાસ્કરનું પ્રદાન વધારે. રિચાર્ડસ અને લારા બેસ્ટ જેવું કહેનારો બહોળો વર્ગ છે.
ઘણા તેંડુલકરની ટીકા કરનારા કેવા છે જાણો છો ? એમ જ ઓટલા પર બેસીને ચાહકો કહેતા હોય છે કે તેંડુલકર સારો બેટ્સમેન ખરો પણ ઓફ સાઈડમાં રિચાર્ડસ વધુ પાવરફુલ હતો. લારાની બેટિંગ જોવી વધુ ગમે. તે જામી જાય પછી ડેન્જરસ.
એક વર્ગ એવો પણ છે જેઓ ક્રિકેટ જાણે એક જ વ્યક્તિની રમત હોય અને બધી મેચો જીતાડવી કે બચાવવી તેંડુલકરના એકલાની જ જવાબદારી હોય તેમ કહેતો રહ્યો છે કે તેંડુલકર રમે તેમાં ભારત બહુ ઓછું જીત્યું છે. ખરા સમયે જ તે આઉટ થઈ જાય છે. તેને ભારતની પડી જ નથી. તે અંગત સ્વાર્થ માટે જ રમે છે. બીજા દેશમાં તો તેઓના ચાહકો કે વિવેચકો તેમના ક્રિકેટર માટે આવું નથી કહેતા. ટીકાકાર પોતે પણ જાણતાં હોય છે કે તે અતાર્તિક ટીકા કરી રહ્યો છે. પણ, બસ આવું કહેતા રહેવાનું.
આવા ચાહકોની જાણ માટે એટલું કહી શકાય કે તેંડુલકરે ફટકારેલી ૪૯ વન-ડે સદીમાંથી ૩૦માં ભારત જીત્યું છે. તેણે જે ૫૧ ટેસ્ટ સદી ફટકારી છે તેમાંથી ભારત ૨૦ ટેસ્ટમાં જીત્યુ છે. ૧૦ ટેસ્ટમાં હાર્યું છે અને ૨૧ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. માની લો કે આવો રેકોર્ડ ના હોત તો પણ તેંડુલકર આઉટ થાય તે સાથે ભારત એકડા વગરના મીંડા જેવું લાગતું હતું તેનું શું ?
શા માટે બિલોરી કાચથી આપણે અન્ય ક્રિકેટરોના આંકડાના તાણાવાણા કાઢવાની તસ્દી નથી લેતાં. માત્ર આપણી મહાન હસ્તીઓ ને જ ચર્ચાની એરણ પર મુકીએ છીએ.
બધી દલીલો થશે પછી ટીકાકારોનો એક વર્ગ હરિફ બોલરોનો તોપગોળો લઈને આવશે. આપણે તો ડેવિડસન, લિંડવોલ, હોલ, ગ્રીફીથથી માંડી બેનોની બોલિંગ જોઈ નથી. સારા બોલરો હશે પણ, આપણી નેગેટિવ વૃત્તિ જુઓ. આપણે કહીશું કે ''એ વાત ખરી કે તેંડુલકરે રનના ઢગલા ખડક્યા. પણ એ જમાના જેવા બોલરોનો તો તેંડુલકરને સામનો કરવો નહોતો આવ્યો ને. શક્ય છે તેનો રેકોર્ડ ૬૦ કે ૭૦''ના દાયકામાં હોત તો આટલો બુલંદ ના હોત !''
તેંડુલકરે ૧૬ વર્ષની વયે ઇમરાન ખાન, વકાર યુનુસ, અક્રમ અને કાદીરની ધોલાઈ કરવાથી કારકિર્દીની શરૃઆત કરી તે આપણે યાદ નથી કરતા. જે તે અરસાના શ્રેષ્ઠ બોલરો હોય તો જ ટીમમાં સ્થાન મળ્યું હોય. વોર્ન, મેકગ્રા, અખ્તર, વોલ્શ, મેકડરમોટ, બિશપ, મુરલીધરન, ડોનાલ્ડ, હોગાર્ડ, ફલીનોફ, સ્ટેન, બ્રેટ લી થી માંડી ૧૯૮૯થી ૨૦૧૨ના ૫૦ ટોપ બોલરો સામે તે રમ્યો છે. જે વોર્નને ઝૂડી શકે તે ક્રિકેટ ઇતિહાસના કોઈ પણ સ્પિનરને ઝૂડી શકે. મેકગ્રા, અખ્તર, ડોનાલ્ડ, વોલ્સ, પેટરસન, બિશપ, લી અને સ્ટેન તેમજ પાક.ના અન્ય બોલરોથી વિશેષ ક્રિકેટ ઇતિહાસમાં વધુ મહાન બોલરો નહતા.
કદાચ હોય તો પણ ઓસ્ટ્રેલિયાના ચાહકો તેમના પોન્ટીંગ સ્ટીવ વો કે હેડનને નીચા ઉતારવા માટે કે વેસ્ટ ઇન્ડિયનો રિચાર્ડસ, લારાને કદ પ્રમાણે વેતરવા ગળાની નસો નથી ફુલાવતા.
તેંડુલકરની ૧૦૦મી સદી ૩૬૯ દિવસ અને ૩૩ ઇનિંગની ઇતેંજાર પછી તે થઈ તે ખરૃ. તેની પ્રતિષ્ઠાને ધક્કો પણ પહોંચ્યો. પણ માત્ર ૧૦૦મી સદીના સંદર્ભમાં ટીકા કરતા આપણે એ ભૂલી ગયા કે તેણે ૯૯ સદી ફટકારી છે તેનું શું ? તેવી જ રીતે તેંડુલકર નિષ્ફળ ગયો અને ભારત હાર્યું ત્યારે આપણે એમ નહોતા કહેતા કે તેંડુલકર ના રમ્યો એટલે આપણે હાર્યા કે ડ્રોના ખેંચી શક્યા.
તેંડુલકરે જે ૩૩ ઇનિંગ રમી હતી તેમાં બે વખત નર્વસ નાઇન્ટી, ૮૦ તેમજ ચારેક અર્ધી સદી ફટકારી ચૂક્યો હતો. ભારતના અન્ય બેટ્સમેનો કરતા તો તે ભારે નહોતો જ પડયો.
ખરેખર તો તેંડુલકરે સદી ફટકારવી કે રનના ઢગલા ખડકવા એટલા આસાન અને સહજ બનાવી દીધા હતા કે તેના માટેની ધન્યતા કે રોમાંચની લાગણી આપણે ગુમાવી બેઠા હતા. ઓસ્ટ્રેલિયા કેપ્ટન માઇકલ કલાર્કે ભારત સામેની શ્રેણી અગાઉ તેંડુલકરને મૌલિક રીતે દાદ આપતા કહ્યું હતું કે, ''હવે હું તેંડુલકરના એક પછી એક કોઇ સ્પર્શી ના શકે તેવા કિર્તિમાનો જાણીને એક પ્રકારનો કંટાળો અનુભવુ છું.''
જ્યારે કોઈ હસ્તીને આપણે 'ગોડ ગિફટેડ' કરીને નવાજીએ એટલે આપોઆપ તેના પુરૃષાર્થ કે સિદ્ધિ માટે ના તપને અન્યાય કરી બેસીએ છીએ. કેમકે તમામ જશ ભગવાને તેના પર ખાસ કૃપા વરસાવી છે તે બાબતને આપી દેતા હોઈએ છીએ. જ્યારે તેંડુલકરને તો 'ભગવાનની ગિફ્ટ' નહીં ખૂદ ''ક્રિકેટ ગોડ'' માનીએ છીએ. ભગવાન જે પણ લીલા કરે તેમાં નવું શું ? આવું તેંડુલકરને પણ લાગુ પડવા માંડયું. જશ બધો ભગવાનને જાય અને ત્રુટિ માટેની ટીકા ખેલાડી તરીકેના તેંડુલકરને ફાળે જાય.
૧૦૦ સદી કે આટલા રન કોઈ ખેલાડીને તમે ઉત્કૃષ્ટ શાળા-કોલેજ કે રણજી ટ્રોફી ટીમ સામે રમાડતા રહો તો પણ ના થાય.
તેંડુલકર ૧૮૮ ટેસ્ટ રમ્યો છે. પાંચ દિવસની ટેસ્ટના આગાળના અને પાછળના એક દિવસ તે જે તે ટેસ્ટ શહેરમાં હોય તે રીતે ગણીએ તો એક ટેસ્ટ દીઠ અઠવાડિયું ગણો તો સાડા ચાર વર્ષ જેટલો સમય તેનું ધ્યાન આટલી ટેસ્ટ માટે જ કેન્દ્રિત હશે.
હવે તેમાં તેણે રમેલી ૪૬૨ વન-ડે ઉમેરો. એક વન-ડે માટે તેને ત્રણ દિવસ માટે એકાગ્ર રહેવું પડે તે રીતે જોતા બીજા સાડા ત્રણ વર્ષ આમ આઠ વર્ષ સંપૂર્ણ ટેસ્ટ કે વન-ડેમાં રમ્યો હશે. ઘણા એ ભૂલી ગયા છે કે તેંડુલકરે કારકિર્દીના પ્રથમ દસ વર્ષ વન-ડેમાં નિયમિત બોલર તરીકે પણ ભારતની જીતમાં પ્રદાન આપ્યું છે. તમે કહી શકશો કે તેંડુલકરે કેટલી વન-ડે વિકેટ ઝડપી છે ? જી હા...તેની વન-ડે વિકેટનો આંક ૧૫૪ છે! ચાર વખત તેણે ચાર વિકેટ અને બે વખત પાંચ વિકેટ ઝડપી છે. ૮૦૪૪ બોલ ફેંકીને તેણે ૬૮૩૮ રન આપ્યા છે. એમ તો શરૃમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ બોલિંગ નાંખતો હતો. તેણે ૪૫ ટેસ્ટ વિકેટો ઝડપી છે.
તે રીતે તેંડુલકર સ્ટીવ વો અને કાલિસ જેવી ઓલરાઉન્ડ પ્રતિભા ધરાવે છે. ટેસ્ટમાં ૧૧૩ અને વન-ડેમાં ૧૪૦ એમ ૨૫૩ કેચો તેણે ઝડપ્યા છે. આ ઉપરાંત પ્રથમ કક્ષાના ક્રિકેટની ટુર્નામેન્ટોમાં તેણે ૬૦ સદી ફટકારી છે.
તેંડુલકરે આટલા વર્ષો માનસિક દબાણ હેન્ડલ કર્યું છે તેના વિશે વિચારનારા કેટલા ? ભારતમાં ક્રિકેટ એ ધર્મ અને તેંડુલકર ભગવાન મનાતો હોય એટલે બે પ્રકારની અપેક્ષા તેની પરાકાષ્ઠાએ હોય, એક તો ચાહકો તેંડુલકરની અડધી સદીની તો નોંધ જ નથી લેતા. અત્યારે તેંડુલકરની વિકેટ એટલી કિંમતી નથી મનાતી બાકી, હરિફ ટીમ તેંડુલકરની વિકેટ લેતા જ અડધી બાજી જીતી ગઈ તેમ માનતી હતી. બીજું, તેંડુલકરને પોતાનામાં રહેલી ક્ષમતા પ્રમાણે પ્રતિભા બહાર લાવવાનું દબાણ પણ હોય જ.
મહત્ત્વની ટુર્નામેન્ટ કે ટેસ્ટ શ્રેણી અગાઉ જે 'હાઈપ' ઉભો થતો કે અખ્તર વિરુદ્ધ તેંડુલકર, મેકગ્રા-તેંડુલકર, વોર્ન સામે તેંડુલકર, તેવી જરીતે જે તે અરસાના તમામ બેસ્ટ બોલરો સામે તેંડુલકરનો મુકાબલો જ મેચમાં ઇતેજારી જગાવવા અને ધંધો કરવા માટે મીડિયામાં ચગાવાતો રહ્યો છે. બે દાયકાથી પણ વધુ આ રીતે રમતા રહેનારને રાત્રે ઉંઘ પણ કઈ રીતે આવી શકતી હશે ?
૨૦૦૨નાં વર્લ્ડકપમાં તો સર્વોચ્ચ સ્કોર સાથે ભારતને ફાઇનલ સુધી લઈ ગયેલો. ફાઇનલમાં નિષ્ફળ જતા જ ''જોયું ને, દશેરાએ જ ઘોડું ના દોડયું.'' કહેનારો વર્ગ મેદાન પર આવી ગયો હતો.
પાકિસ્તાન સામેના ૧૯૯૯ વર્લ્ડકપના અતિ વિસ્ફોટક ઘરબી રાખતા દબાણવાળી મેચમાં અખ્તરને છગ્ગો ફટકારીને તેણે જીતનો ટંકાર કર્યો હતો. તે વખતે તે ૯૮ રને આઉટ થયો હતો. શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે સર્જેલી રનની આંધી પણ બધાને યાદ હશે જ. અખ્તર અને વોર્ન જેવા બોલરો કબૂલે છે કે તેંડુલકર અમને ફટકારતો હોય તેવું સપનામાં આવે છે.
મિની વર્લ્ડકપ જેવી હીરો કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને આખરી ઓવરમાં છ રન જ કરવાના હતા ત્યારે તેંડુલકરે ૫૦મી ઓવરમાં ત્રણ જ રન આપતા ભારત જીત્યુ હતું.
ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે કહ્યું હતું કે તેંડુલકર જેવું દબાણ વિશ્વના કોઈપણ શ્રેત્રની હસ્તીને નહીં હોય તેમ હું માનું છું. ક્રિકેટ માટે ઝનૂની અને રાતોરાત ફૂલોમાંથી જૂતાનો હાર પહેરાવી દે તેવા ચાહકોનો અબજથી વધુ વસ્તી ધરાવતો ભારત દેશ છે. તેંડુલકર એ હદે તેના ક્રિકેટમાં મનથી એકાગ્ર રહે છે કે કોઈ જોડે નજર પણ નથી મેળવતો. તે કાનમાં આઇપોડ થકી સંગીત જ સાંભળતો રહે છે. દ્રવિડે પણ કહ્યું તેમ વાસ્તવિક જીવનથી દૂર એક કોશેટોમાં જ રહે છે.
ચેપલે તેને એક વખત સૂચન કર્યું કે, ''હળવા રહેવા મિત્રો જોડે પાર્ટીમાં જતો હોય તો ?'' તેંડુલકરે વન લાઈનર ઉત્તર આપતા એટલું જ કહ્યું કે, ''ગ્રેગ, મારા કરતા ભારતમાં તારા મિત્રો વધુ હશે !'' વી આર પ્રાઉડ ઓફ યુ સચિન....

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved