Last Update : 21-March-2012, Wednesday
 

આજે સારા કાર્યને બિરદાવવાને બદલે લોકો વખોડતા કેમ હોય છે ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

 

આજે સારા કાર્યને બિરદાવવાને બદલે લોકો વખોડતા કેમ હોય છે ?
સમુદ્રનાં મોજાં મોતી લાવીને કિનારા પર વિખેરી દે છે. પણ બગલો તેને અડકતો સુદ્ધાં નથી, જ્યારે હંસ તે મોતીને વીંણી-વીંણીને ચણે છે
* આજે સારા કાર્યને બિરદાવવાને બદલે લોકો વખોડતા કેમ હોય છે ?
* પ્રશ્નકર્તા ઃ ભાવસાર કનૈયાલાલ હરિભાઈ, અંબાજી માતાનું ચાચરુ, મુ. વડનગર
સંસ્કૃતમાં એક સુભાષિત છે, જેનો સારાંશ એ છે કે ગુણોની પરખ (કદર) કરનારા (ગુણજ્ઞ માણસો) વિરલ (બહુ જ થોડા) હોય છે. નિર્ધન પર સ્નેહ રાખનારા બહુ થોડા હોય છે. બીજાનું કાર્ય કરવામાં આનંદ લેનારા બહુ થોડા હોય છે અને બીજાને દુઃખે દુઃખી થનારા બહુ જ થોડા હોય છે.
માણસના સ્વભાવની એક બહુ મોટી નબળાઈ છે તેનામાં રહેલી ઈર્ષ્યાવૃત્તિ. ઈર્ષ્યા પર સંયમ રાખે તે સંત અથવા સજજન. ઈર્ષ્યા એક પ્રકારનો મનોવિકાર છે. ઈર્ષ્યાને વશ થએલો માણસ નંિદારસમાં પણ નિપુણ હોય છે. જે માણસ બીજાનો દ્વેષ કરે છે, તે મનોમન અન્ય સમર્થ કે પ્રતિસ્પર્ધી કરતાં પોતાને નબળો માને છે. અને એવી માનસિક નબળાઈને વશ થઈ પ્રતિશોધ કે બદલો લેવાની તક શોધતો હોય છે. દ્વેષગ્રસ્ત માણસની દ્રષ્ટિ વાંકદેખૂ હોય છે. એટલે કોઈ પણ સદ્‌ગુણી માણસમાં ગુણનું દર્શન કરવાને બદલે તે દોષ શોધવામાં અને એવા દોષો પ્રચારિત કરવામાં રસ લેતો હોય છે.
બીજાના ગુણોની કદર કરવા માટે પણ હૃદયની વિશાળતા જોઈએ છે, ઉદારતા જોઈએ, સૌજન્ય જોઈએ. ઘણી વાર માણસ અહંકાર કે અભિમાનને કારણે બીજાને તુચ્છ માને છે અને અમુક વ્યક્તિમાં સદ્‌ગુણ દેખાય તો પણ તેની પ્રશંસા કરવામાં કે તેવા ગુણોને બિરદાવવાને બદલે વખોડવાની-અપખોડવાની પ્રવૃત્તિ કરે છે. એટલે જ નંિદક વિશે કહેવામાં આવ્યું છે કે પક્ષીઓમાં કાગડો દુષ્ટ છે, પશુઓમાં શ્વાન દુષ્ટ છે, મુનિજનોમાં ક્રોધ શત્રુ છે અને નંિદા કરનાર તો સર્વજનોમાં દુષ્ટ છે. એટલે જો તમારે તમારા એક જ કર્મથી અખિલ વિશ્વને વશ કરવું હોય તો નંિદારૂપી ખેતરમાં ચરતી તમારી (સ્વચ્છંદ) ગાય રૂપી વાણીને પાછી વાળો મતલબ કે બીજાની નંિદા કરવાનું સદંતર માંડી વાળો.
‘સા વિદ્યા યા વિમુક્તયે’ એટલે કે ‘મુક્તિ અપાવે તે વિદ્યા’ - એ સૂત્રમાં મુક્તિ એટલે કે ‘મોક્ષ’ એવો સીમિત ભાવ સમાવિષ્ટ નથી. મુક્તિ એટલે મનની સુધારણા, મનને સુશિક્ષિત બનાવી સંકીર્ણતામાંથી મુક્ત બનાવવું. સંકીર્ણતા અનેક પ્રકારની હોઈ શકે! અસહિષ્ણુતા પણ સંકીર્ણતા છે, દ્વેષ અને વેરવૃત્તિ પણ સંકીર્ણતા છે, નંિદાવૃત્તિ પણ સંકીર્ણતા છે, કોઈનામાં કેવળ દોષનું દર્શન કરવું એ પણ સંકીર્ણતા છે અને કોઈને બિરદાવવાને બદલે વખોડવા એ પણ સંકીર્ણતા છે. કોઈનું ઉચિત મૂલ્યાંકન કરવું અથવા તો સ્વાર્થ વશ અતિ મૂલ્યાંકન કરવું, એવો દંભ પણ સંકીર્ણતા છે.
આવી સંકીર્ણતામાં શિક્ષિત-અશિક્ષિતનો ભેદ નથી! માણસે પ્રાપ્ત કરેલી વિદ્યા એને ગુણગ્રાહી અને શીલવાન ન બનાવે તો સંકીર્ણતા એના મન હૃદય પર કાયમી ડેરા-તંબૂ તાણીને બેસી જાય.
આજકાલ લોભ વઘ્યો છે, સહિષ્ણુતા ઘટી છે, દ્વેષવૃત્તિ વકરી છે પરિણામે માણસની દ્રષ્ટિ સંકુચિત બની છે. કોઈ માણસ સારું કામ કરશે તો તેની તુલનામાં પોતે નાનો કે નકામો દેખાશે એવું વિચારવાને કારણે પણ માણસ બીજાને બિરદાવવાનું ટાળે છે.
જેણે દુર્ગુણો જ શોધવા છે, એને માણસમાં નહીં વિધાતામાં પણ દુર્ગુણો જ દેખાશે. જેમ કે ઃ ‘‘વિધાતાએ સોનાનું નિર્માણ કર્યું, પણ એમાં સુગંધ મૂકવાનો તેને શા માટે વિચાર ન આવ્યો ? શેરડીના આટલા મોટા સાંઠા પર ફળ બનાવવવાનું વિધાતાને કેમ ન સૂઝ્‌યું ? ચંદન-વૃક્ષને સુગંધ તો આપી પણ ફૂલ કેમ ન અર્પ્યાં ? વિદ્વાનને ધનાઢ્‌ય ન બનાવ્યો, અને જે વિદ્વાનને ધનાઢ્‌ય બનાવ્યો, એને દીર્ઘાયુયુક્ત કેમ ન બનાવ્યો ? અને જે માણસને લક્ષ્મીવાન બનાવ્યો તેને ઉદારદિલ, ઉદાર ભાવવાળો કેમ ન બનાવ્યો ? શું વિધાતાને પહેલાં કોઈ બુદ્ધિ કે સલાહ આપનાર ન હતો ? (એક સુભાષિત) માત્ર આજના સમયમાં જ સારા કાર્યને બિરદાવવાને બદલે વખોડનારા છે, એવું નથી પ્રત્યેક યુગમાં સજ્જનો અને દુર્જનો બન્નેનું અસ્તિત્વ રહ્યું છે. ત્રેતાયુગમાં જો ધોબીએ રામ અને સીતાજીના સદ્‌ગુણો જ જોયા હોત અને રામની નંિદા ન કરી હોત તો રામ પ્રસન્ન દામ્પત્યને સુદીર્ઘ સુધી માણવામાં પરિતૃપ્ત થયા હોત, શ્રીકૃષ્ણની મહાનતાને વગોવવામાં દુર્યોધને ક્યાં કશી કસર રાખી હતી. કૌરવોએ પાંડવોને માત્ર ઈર્ષ્યાની નજરે જ જોયા છે.’’
આજે પણ સમાજજીવન હોય કે જાહેરજીવન, ધર્મ હોય કે રાજકારણ, વેપાર-વાણિજય હોય કે અંગત વ્યવહારો, સર્વત્ર બીજાના સદ્‌ગુણોને બિરદાવવામાં કંજૂસાઈ કે કૃપણતા જોવા મળે છે. ‘મામકા’ એટલે કે ‘મારા’ અને ‘પાંડુ પુત્રો’ ઉર્ફે પારકા એવો ભેદ માત્ર ઘૃતરાષ્ટ્રમાં નહીં, જેના જીવનમાં સૌજન્ય ન ઉતર્યું હોય એવા સર્વ લોકોમાં જોવા મળે છે.
મૂળ કારણ છે બુદ્ધિની ભ્રષ્ટતા, વિવેકનો અભાવ, શુભદ્રષ્ટિની ખોટ અને નિસ્વાર્થ પ્રેમ અભિવ્યક્ત કરવાની લાગણીમાં ઓટ. આ બધાને કારણે માણસની વાણી, વર્તન, વ્યવહાર એ બધામાં ઉદાત્તતાની દિવસે - દિવસે બાદબાકી થઈ રહી છે. ભાગવતમાં કેવી સરસ સલાહ આપવામાં આવી છે. ‘‘પોતાનાથી અધિક ગુણવાળી વ્યક્તિઓ પાસેથી આનંદ પ્રાપ્ત કરો, પોતાનાથી ઓછા ગુણવાળી વ્યક્તિઓ પ્રત્યે દયાભાવ રાખો, સમાન ગુણ ધરાવનાર વ્યક્તિઓ સાથે મૈત્રીભાવ વિકસિત કરવાની ઈચ્છા સેવો - આવો માણસ સંતાપોથી વ્યથિત થતો નથી.’’
લાઓત્ઝે પોતાના પ્રવચનોમાં એક વાત ભારપૂર્વક કહેતા કે મારી પાસે ત્રણ ભંડાર છે, જેમને હું જીવની પેઠે જાળવું છું. મારો પહેલો ભંડાર સહનશીલતા છે, બીજો ભંડાર આત્મસંયમ છે અને મારો ત્રીજો કોષ છેઃ સંસારમાં હું પ્રથમ કે સૌથી મોટો નથી, એવું નહીં માનવાની વૃત્તિ કે સાહસ. જેનામાં આત્મસંયમ હશે તે પોતાની વાણીનો ઉપયોગ કોઈને વગોવવામાં નહીં કરે.
જે ગુણવાન અથવા તો બીજાના ગુણને સમજી શકતો હોય તે જ બીજાના ગુણોને પ્રશંસવાની ઉદારતા દેખાડી શકે. નિર્ગુણ વ્યક્તિ ગુણવાનને જોઈને પ્રસન્ન થતી નથી. આ બાબતમાં ભમરા અને દેડકાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જંગલમાં ઉડતો-ફરતો ભમરો કમળના ગુણો જોઈને વગર નિમંત્રણે તેની પાસે પહોંચી જાય છે પરંતુ દેડકો સરોવરમાં ઉગેલા કમળથી સાવ નજીક હોવા છતાં કમળ પાસે જવાનું વિચારતો નથી. આજે ગુણદર્શનને બદલે દોષ જોવાની દ્રષ્ટિ વકરી છે તેને કારણે જ માણસ અન્ય વ્યક્તિના સદ્‌ગુણો પ્રત્યે મૌન સેવી દુર્ગુણોનો ધજાગરો કરવામાં વઘુ રસ લઈ રહ્યો છે. કબીરે સાચું જ કહ્યું છે -
‘‘કબીર લહરિ સમંદ કી,
મોતી બિખરે આઈ,
બગુલા મંઝા ન જાણઈ,
હંસ ચુણે-ચુણિ ખાઈ’’
અર્થાત્‌ સમુદ્રનાં મોજાં મોતી લાવીને કિનારા પર વિખેરી દે છે, પણ (કદરહીન) બગલો તેને અડકતો સુદ્ધાં નથી, જ્યારે (ગુણજ્ઞ) હંસ તે મોતીને વીંણી-વીંણીને ચણે છે.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved