Last Update : 21-March-2012, Wednesday
 

અન્યના હૃદયમાં પડતી જતી આપણી છબિ આપણા વિશે

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

જેમ આપણે જગતને છેતરી શકીએ છીએ એમ અન્ય પણ જૂઠું કહી શકે છે અને ક્યારેક તો આપણા વિષેની અન્ય દ્વારા ફેલાવાયેલી વાતો અને પરિણામે ઊભી થયેલી
છાપ વિશે આપણને સંજોગ ઉભા થાય ત્યારે જ ખબર પડે છે
સંપૂર્ણ ક્ષતિ રહિત તો કોઈ નથી. પણ દંભ વગરનું પારદર્શક પ્રગટ થવું આપણા જ હિતમાં છે. એને કારણે આપણી કોઈ ખોટી છબી નહિ રચાય. ભ્રામક ચિત્ર નહિ ઉભું થાય.
આપણે કોણ છીએ? આપણે કેવાં છીએ?
આ સવાલના સાચા જવાબ તો કેવળ આપણે જ જાણીએ છીએ. અલબત્ત, આપીએ તો ભાગ્યે જ છીએ, જાતને પણ નહિ ત્યાં જગતને તો ન જ હોય ને! ને છતાં, આ જગતના આપણી સાથેના બધા જ વ્યવહાર એના જવાબ પર આધારિત જ હોય છે. તો જગત આપણા વિશેના આ સવાલોના જવાબ ક્યાંથી મેળવે છે?
આ બંને સવાલ આપણે જાતને ય પૂછતા નથી. પૂછવાનું ટાળીએ છીએ, અથવા પૂછવાનું યાદ નથી આવતું અથવા પૂછવાનું સૂઝતું જ નથી. આવા સવાલ હોય એય નથી સૂઝતું ત્યાં એના જવાબ કેટલા જરૂરી છે એ તો ન જ સૂઝે ને! વળી, આવા જવાબ પર આપણી છબી, આપણા ને આપણી સાથેના વ્યવહારો આધાર રાખે છે એ પણ ક્યાંથી સૂઝે? કેટલાકને એ સૂઝે પણ છે, પણ પૂછવાનું ટાળે છે. જવાબ એમનો જાણીતો જ હોય ત્યાં પૂછવાનું શું? પૂછવાથી નવું જાણવાનુંય શું મળે? તો કેટલાકની અતિ વ્યસ્તતા કે અતિ નિષ્ક્રિયતાને કારણે આવા સવાલ જાતને પૂછવાનું યાદ જ નથી આવતું. એમને એની આવશ્યકતા ય નથી લાગતી કે પડી પણ નથી હોતી.
આવા સંજોગો છતાં ય જગત આપણા વિશે જાણે છે. આપણે કોણ છીએ ને આપણે કેવા છીએ એની જગતને જાણ છે એ કોણ કરાવે છે? કઈ રીતે થાય છે? કોણ જગતને આપે છે આ જાણકારી કે જેના આધારે જગત આપણી સાથે કેમ વર્તવું તે નક્કી કરે છે.
આપણી છબી આપણે દોરીએ છીએ એવી દોરાય છે એવું ય આપણે માનીએ છીએ. ને કેટલેક અંશે એ સાચું પણ છે. જગતને આપણે જે દેખાડવું હોય એટલું જગત જુવે છે.
ને આપણે પણ ભારે ચતુર છીએ. જગતને શું દેખાડવું છે એ, આપણો લાભ શેમાં છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ.
અને પછી જગત સામે આપણો એ જ, એટલો જ ભાગ આવે તેનું ઘ્યાન રાખીએ છીએ. આપણે તો જાણીએ જ છીએ કે જગત સામે આવેલું આપણું રૂપ આપણું સાચું અને સંપૂર્ણ સ્વરૂપ નથી. એ તો આપણે દોરેલું આપણું ચિત્ર છે. એ આપણી ઇચ્છા અનુસારનું જ છે. એ એનો લાભ આપણને મળે એનું આપણે ઘ્યાન રાખ્યું છે.
પણ, આ ઉપરાંતનું પણ આપણું એક ચિત્ર જગત પાસે પહોંચે છે. એ ચિત્ર કે એમાં પૂરાયેલા રંગ આપણે પૂર્યા નથી કે આપણી ઈચ્છા અનુસારના પણ નથી. આ ચિત્ર પણ સાચું કે સંપૂર્ણ હોતું નથી. આ ચિત્ર આપણા પરિચિતો ઊભુ કરે છે. એમાં એ લોકો જ રંગ પૂરે છે.
આ આખું ચિત્ર આપણા વિષેની એમની ધારણાનું કે જેવું દોરવા ઇચ્છે એવું હોય છે.
એ ચિત્ર દોરવા પાછળ એમનો સ્વાર્થ હોય છે. એમાં અતિરેક હોય છે. અતિ વખાણ કે અતિ નંિદાના હેતુથી આ ચિત્ર દોરાયું હોય છે. આપણું આવું ચિત્ર દોરનારા આપણા મિત્રો પણ હોય અને દુશ્મનો પણ હોય. મિત્રો સ્નેહવશ રંગો પૂરવામાં અતિરેક કરી બેેેસે છે.
દુશ્મનો દ્વેષવશ આવો અતિરેક કરે છે. દુશ્મનો અને મિત્રો બંને પાસેથી જગતને આપણા વિશે જાણકારી મળે છે.
દુશ્મનો દ્વારા દોરાતા ચિત્ર અને પુરાતા રંગમાં ક્યારેક સીધી નંિદા હોય છે તો ક્યારેક વખાણ દ્વારા નંિદા પણ થાય છે.
અતિશય પ્રશંસા દ્વારા પણ એ ધાર્યું નિશાન પાડે છે. બદનામીની આ રીત પણ સફળ થાય છે. એ અપેક્ષા ઉભી કરાવે છે ને પછી નિષ્ફળ જતાં ક્રોધ જન્માવે છે. ખોટા વખાણ કરતી વખતે જ એમને આ પરિણામની ખબર હોય છે. જે ગુણ-અવગુણ વ્યક્તિમાં હોય નહિ એનું સફળ આરોપણ કરાય છે ને એ રીતે ચિત્રમાં ઇચ્છિત રંગ પુરાય છે. આપણા વિષેની આ છબી આપણી જાણ બહાર જ જગતને બતાડાય છે. ને જગતની મજા એ છે કે એ સારી વાત કરતાં ખરાબ વાતમાં વધારે રસ લે છે અને જલદી માની જાય છે. સારા માણસ વિશે સનસનાટી સર્જતા ખોટા સમાચારને વધારે કાન મળે છે. સારા માણસની સારી વાતની સાચી માહિતી એટલો રસ જન્માવવામાં નિષ્ફળ જાય છે. સારા અને સાચા માણસો વિશે બદનક્ષી ફેલાવવામાં દુશ્મનો સફળ થાય છે કારણ કે નંિદારસ સહુને ગમે છે. કોઈના ચારિત્ર્ય પર કીચડ ઉછાળનારા એટલે જ સફળ થાય છે. કાદવ ઉછાળનારા હાથ તો બે જ હોય છે, પણ એના ડાઘની કલ્પના કરીને શંકા કરનારા મન અનેક હોય છે. આપણા પોતાના ચિરપરિચિત વ્યક્તિના ચારિત્ર્ય વિશે પણ ઘસાતું બોલાય ત્યારે એનો વિરોધ કરનારા ઓછા હોય છે, પણ એને આધાર વગરના કે આવા જ ખોટા, બિનપાયાદાર આક્ષેપને શંકાનો લાભ આપી સાંભળનારા ઘણા હોય છે અને માનનારા ય નીકળે છે. એ લોકો આવા સમયે પોતાની સ્વાનુભવે દોરેલી છબીને ય આ અજાણ્યા રંગે રંગાતી રોકતા નથી. નક્કર વિશ્વાસ સાથે, આવી નંિદાને વખોડનારા તો કોઈક જ હોય છે. શંકાનો કીડો સત્યને કોરીને અસત્યને રહેવા માટે દર બનાવી આપે છે.
પોતાના જ પ્રિય અને પરિચિત માટે ય આવી શંકા જન્મી શકે છે તો અપરિચિત વિષે તો આવી માન્યતા બંધાતા કેટલી વાર લાગે?
સાવ કોરી પાટી જેવું મન લઈને, મોકળાશથી આપણે કોઈને મળતા જ નથી, મળી શકતા જ નથી. એ વ્યક્તિ વિશેના આવા કોઈકે દોરેલા ચિત્રો ને પૂરેલા રંગ આપણી પાટીને ભરી દે છે.
ક્યારેક એમાં ખોટા વખાણ પણ હોય છે. જે તે વ્યક્તિની ક્ષમતા અને પાત્રતા બહારના રંગોથી રંગાયેલું ચિત્ર પણ ભ્રામક માન્યતા ઉભી કરે છે, ને પછી એ તૂટતાં નિરાશા અનુભવાય છે. આને કારણે વગર વાંકે પેલી વ્યક્તિને અન્યાય થાય છે. અતિ સ્નેહવશ કે દ્વેષવશ થયેલા આવા ખોટા ચિત્રથી પણ નુકશાન જ થાય છે.
આપણે કોણ અને કેવા છીએ એ વિશે જગતને જાણ કરવા આતુર અનેક લોકોથી આપણે ઘેરાયેલા છીએ. આ સહુ આપણા પરિચિત જ હોય એવું જરૂર નથી.
એમાંના કોઈને આપણે મિત્ર કે દુશ્મન તરીકે ઓળખતા નય હોઈએ એવું પણ બને. ને છતાં, આપણા વિશે આવા અભિપ્રાયો એ લોકો છૂટથી આપે છે. અવલોકન અને એના આધારે અભિપ્રાય પણ દર વખતે સાચા જ હોય એવું નથી હોતું.
એક જ હાથી અંધ વ્યક્તોિને જુદા જુદા રૂપે અનુભવાય છે. એક જ વ્યક્તિના અનુભવ પણ જૂદા જૂદા લોકોને જૂદા જૂદા સ્થળ સમયે જૂદા જૂદા થાય જ છે. આથી, કોઈના વિષેનો અભિપ્રાય પણ અંતિમ ન જ હોઈ શકે.
આથી, વ્યક્તિ વિષેના ચિત્રણમાં પણ રંગ બદલાતા જ રહેવાના. એક જ વ્યક્તિને એક જ વ્યક્તિના સાવ જુદા જુદા અનુભવ થવાના. આથી જ એના વિશે કોઈ અંતિમ અભિપ્રાય આપવામાં ભૂલ થાય છે અને એનો ભોગ જે તે વ્યક્તિ બને છે.
અને એ અભિપ્રાયને આધારે ચાલનારા પણ બને છે. જોકે આવો ભોગ બનનારા નિરાશ જ થાય એવું પણ નથી. કોઈને માટેની ખરાબ ધારણાની સામે એનું સારું વર્તન આનંદાશ્ચર્ય પણ જન્માવે. પૂર્વધારણાથી વિપરિત અનુભવ સારો ય હોય ને ખરાબ પણ.
આપણા વિશે જેમ આપણે જગતને છેતરી શકીએ છીએ એમ અન્ય પણ જૂઠું કહી શકે છે અને ક્યારેક તો આપણા વિષેની અન્ય દ્વારા ફેલાવાયેલી વાતો અને પરિણામે ઊભી થયેલી છાપ વિશે આપણને સંજોગ ઉભા થાય ત્યારે જ ખબર પડે છે. ખરાબ છાપ ઊભી કરવાની રીત ગમે તે હોય, પણ એમ કરવામાં સફળ જનારાને કારણે જ્યારે કોઈ નુકસાન થાય કે વિકટ સંજોગો ઊભા થાય ત્યારે છેક ખબર પડે છે ને એ વખતે આઘાત અનુભવાય છે. અને આવી છાપ ભૂંસવાની તક પણ ઓછી જ રહે છે. આપણા વિશે આવી છાપ ઊભી થઈ શકે એની જ કલ્પના ન હોય ત્યાં એ માની લેનારા ય હોઈ શકે એનો અનુભવ આંચકો આપી જાય છે. આપણા વિશે આપણી જાણ બહાર ઉમદા છબી ઊભી કરનારાને કરાણે આપણને મળનારા માનસન્માનનો અનુભવ પણ થાય છે. આવા વખતે પણ આશ્ચર્ય તો થાય જ છે, પણ આનંદ પણ થાય છે. અને આપણે જગતને ન જણાવવા દીધેલી આપણી કોઈ સાચી બાજુની જાણ જગતને થાય અને એ અભિનંદનની અધિકારી બને ત્યારે મનોમન આનંદ અનુભવાય. આપણા વિષે આવી સાચી પણ અપ્રગટ બાજૂની જગતને રજૂઆત કરનારની રંગપૂરણી રાજી કરી રહે છે.
જગતને જાણ કરનારા જાતજાતના લોકો અને એમની પાસે પોતીકાં કારણો છે. કોઈને સ્વાર્થ છે, કોઈ પરમાર્થે આમ કરે છે. કોઈ ખોટું બોલે છે, કોઈ સાચી વાત જગત સામે લાવે છે. કોઈ દંભને ખુલ્લો પાડે છે તો કોઈ બદનામીની સામે ઢાલ થઈને ઊભા રહે છે. બદનક્ષી કરનારાની રીત ગમે તે હોય, એ સફળ થાય છે એમાં માનનારા માનવ સ્વભાવની નબળાઈથી. કાન કાચા હોવા એ બહુ કોમન મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ છે.
આપણે કોણ છીએ અને આપણે કેવા છીએ એની જાતને અને જગતને જાણ થવી સ્વાભાવિક છે. જાતને જાણ થાય છે કારણકે જાત સામે કૈં છૂપું રહેતું નથી. જગતને છેતરી શકાય છે, પણ એમાં લાભ ને નુકસાન બંને છે. સ્તુતિ કે નંિદાનો અતિરેક અસત્ય પણ સત્ય સેવાનો ભ્રમ ઉભો કરવામાં થોડો સમય માટે સફળ થાય છે. અને આ થોડા સમયમાં નુકસાન કે ફાયદો થઈ જાય છે. અલબત્ત, ભ્રામક પ્રચાર લાંબૂ ટકતો નથી એ પણ સાચું છે. પણ એ દરમિયાન ફૂલણજી ફૂલાઈ જાય છે અને નિર્દોષ વ્યક્તિ હતાશ પણ થઈ જાય છે. ખોટા માણસને નંિદાનો ભય નથી હોતો. જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ! ખોટા માણસને પોતાના ખોટા વખાણનો લાભ રળી લેતા આવડે છે. પણ સાચા માણસને ખોટી નંિદા જીરવવી ઝેર જેવી થઈ પડે છે અને ખોટા વખાણ સહન કરવામાં શરમ આવે છે.
આપણા વિશેનું ચિત્ર આપણે કે અન્ય દ્વારા રંગભર રજૂ થાય છે ત્યારે એમાં સત્ય કરતાં અસત્યની માત્રા વિશેષ હોય છે.
ઉત્તમ તો એ જ કે આપણે જ આપણા વિશે જાત અને જગત બંને આગળ બેપરદા થઈને રજૂ થઈએ. જે છીએ તે જ. એમાં સુધારવા જેવું તો રહેવાનું જ. કારણ કે સંપૂર્ણ ક્ષતિ રહિત તો કોઈ નથી. પણ દંભ વગરનું પારદર્શક પ્રગટ થવું આપણા જ હિતમાં છે. એને કારણે આપણી કોઈ ખોટી છબી નહિ રચાય. ભ્રામક ચિત્ર નહિ ઉભું થાય. એમાં સાચા જ રંગો પૂરાય તે જરૂરી છે. સુંદર હોય ને સાવ ખોટું હોય તેવું ચિત્ર પણ યોગ્ય નથી અને અસુંદર હોય અને સાવ ખોટું હોય એવું ચિત્ર પણ યોગ્ય નથી. સત્યને પોતાનું જ સૌંદર્ય છે. અસત્યનો સ્વીકાર સત્યની દિશામાં જ એક ડગલું છે.
આપણે કોણ છીએ અને આપણે કેવા છીએ એ આપણે જાણીએ તે જાત માટે જરૂરી છે. જગતનેતો એની જાણ થાય ત્યારે થાય. આમ પણ, વ્યક્તિત્ત્વના કેલીડોસ્કોપમાં કોઈ ડિઝાઈન આખરી નથી. નિત્યનૂતના આપણને ઓળખી-ન ઓળખીને વખાણ કે નંિદા કરનારને એક બે ને સાડાત્રણ!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved