Last Update : 21-March-2012, Wednesday
 

ગાદી અને ગાદી વારસ ઃ કુછ ચીજેં ઐસી હૈ, જો કભી નહિ બદલતી!

અનાવૃત - જય વસાવડા

 

થોડા વર્ષો પહેલા એક ઈન્ટરેસ્ટંિગ ફિલ્મ આવેલી. ‘લક બાય ચાન્સ’. વારસાગત પેઢીની માફક ચાલતા બોલીવૂડમાં કોઇ બહારથી નસીબ અજમાવવા આવે, તો એ નવોદિત કેવા અનુભવમાંથી પસાર થાય, તેની એમાં ગંભીર છતાં રસાળ કહાની હતી.
કમાલની વાત એ છે કે, બોલીવૂડમાં ફિલ્મ ફેમિલી સાથે કનેકશન ન હોય એવા સ્ટારની વાત કરનારી ફિલ્મનો હીરો ફરહાન અખ્તર (જાવેદ અખ્તર- હની ઈરાનીનો પુત્ર), હીરોઇન કોંકણા સેન (ફિલ્મ દિગ્દર્શક અપર્ણા સેનની પુત્રી) અને લેખિકા- નિર્દેશિકા ઝોયા અખ્તર (ફરહાનની સગી બહેન) વળી પાછા ફિલ્મી પરિવારોમાંથી જ હતા!
* * *
ના. આપણે ફિલ્મની વાત નથી કરી રહ્યા. દેશની વાત કરી રહ્યા છીએ. જેની કહાની પણ પૂરી ફિલ્મી છે! નવી આશા અને જૂના તમાશા લઇને અખિલેશ યાદવની ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે તાજપોશી થઇ. એ અરસામાં ઉત્તર પ્રદેશમાંથી છૂટા પડેલા ઉત્તરાખંડમાં સ્થાનિક આગેવાનોના વિરોધ વચ્ચે વિજય બહુગુણાનો મુખ્યમંત્રીપદે રાજ્યાભિષેક થયો.
વિદ્વાનોને આ શબ્દો ‘તાજપોશી’ અને ‘રાજ્યાભિષેક’ સામે વાંધો હોઇ શકે છે. આ તો રાજાઓ- નવાબોના જમાનાના શબ્દો છે. લોકશાહી ઢબે ‘ચૂંટાયેલી’ સરકારના ‘શપથગ્રહણ’માં ન ચાલે એવું એમને થઇ શકે છે. પણ ચૂંટણી ભલે ડેમોક્રેટિક હોય, આ વિજેતાઓ રાજાશાહીના છે. અખિલેશ યાદવ જગજાહેર છે, તેમ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસંિહ યાદવના પાટવીકુંવરની હેસિયતતી સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા છે. ફોરેનમાં ભણીને આવેલા તેજસ્વી યુવાન તરીકે નહિ! તો વિજય બહુગુણા યુ.પી.ના જ ભૂતપુર્વ મુખ્યમંત્રી (જેને અમિતાભે અલ્હાબાદમાં હરાવેલા) એ હેમવંતી નંદન બહુગુણાના ચિરંજીવી છે! યુ.પી. કોંગ્રેસના અઘ્યક્ષ રીચા બહુગુણા એમના બહેન થાય, અને ઉત્તરાખંડના જ તાજા એક્સ- સી.એમ. બી.સી. ખંડુરી (એ ભાજપમાં છે) એમના કઝીન થાય! વળી, અખિલેશે જેમના કાલ્પનિક વિજયરથમાં પંચર પાડી દીઘું એ રાહુલ ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવના સુપુત્ર થાય એ યાદ દેવડાવવાની જરૂર ખરી? અને પંજાબમાં તો સીનિઅર બાદલના સ્થાને જ્યેષ્ઠ પુત્ર એવા જુનિઅર બાદલનો જ દબદબો હતો!
ઈટ્‌સ ઓલ ઈન ધ ફેમિલી. ભારતીય રાજકારણ જાણે એક વિશાળ સંયુક્ત કુટુંબ છે. અહીં ડેમોક્રસી (લોકશાહી)નું તો ફક્ત ચળકતું રેપર જ છે! અંદર તો ઠાંસી ઠાંસીને ડાયનેસ્ટી (વંશપરંપરા) જ ઠાંસોઠાંસ ભરાયેલી છે. અયોઘ્યા હજુ રામ કે ભરત વચ્ચે જ વહેંચાય છે. હસ્તિનાપુર હજુ કૌરવો- પાંડવો વચ્ચે જ ફુટલબોલ થયા કરે છે. હજારો વર્ષોમાં પાત્રો બદલ્યા છે, ઈતિહાસ બદલાયો નથી. બંધારણીય લોકશાહીના પેકંિગમાં આપણે ફરીને રાજાશાહી જ પસંદ કરી છે. ભવ બદલાયો છે, અવતાર બદલાયો નથી! ઠેરના ઠેર જ આપણે ગોળ ગોળ ધૂમરા મારીએ છીએ, ક્યાંય આગળ વઘ્યા જ નથી! ભલે ને ગાંધીજી, સરદાર, આંબેડકર, સુભાષ, સાવરકર, આઝાદ વગેરેએ સ્વ-રાજના સપના જોતા જોતા જીંદગી ઘસી નાખી, હજુ લોર્ડ એમ્પરર, ક્વીન મધર, હિઝ હાઈનેસ, હર મેજેસ્ટીના દૌરમાં જ આપણે જીવીએ છીએ. પૂછો મમતારાણીની ખિલાફ જવાથી એમની ખફાનજરનો ભોગ બનેલા અમાત્ય દિનેશ ત્રિવેદીને!
ભારતીય રાજકારણની વંશાવળીના આંબા ચીતરવા જાવ તો સુપર કોમ્પ્યુટર પણ હેંગ થઇ જાય! અહીં નવી પેઢીના નેતા એટલે તરવરિયા તેજસ્વી યુવાનો નહિ, પણ જૂની પેઢીના પરિવારનો નવો ચહેરો! સચીન પાયલોટ, ઉમર અબ્દુલ્લા, મિલંિદ દેવરા, જીતેન પ્રસાદ, અશોક ચવાણ, અજય માકન બધા જ હિઝ ફાધર્સ વોઈસ (કોઇક તો ગ્રાન્ડફાધર્સ વોઈસ) તરીકે બેકડોર એન્ટ્રી લઇને વીઆઈપી રૉમાં ગોઠવાઇ ગયા છે. મિડલ એજના અજીતસંિહો, ઓમપ્રકાશ ચૌટાલાઓ કે ચંદ્રાબાબુ નાયડુઓ પણ એ જ! ગોડફાધર એમ.જી.આર.ના પરિવારને ખસેડી ‘નજીક’ આવેલા જયલલિતા હોય કે એ જ રીતે કાંશીરામના કુટુંબને હડસેલી ‘ક્લૉઝ’ ગોઠવાયેલા માયાવતી હોય! ક્યાંક તો વડલાની વડવાઇઓ સામસામા કિનારે પણ એકબીજામાં ગૂંથાઇ ગઇ છે.
અને એમાં ય રીતસરના રાજવી પરિવારો તો અલગ! વિક્રમ રાજાની ઉજ્જૈન નગરી તણા મઘ્યપ્રદેશમાં એક સમયે સંિધિયાઓનો દબદબો હતો. આઝાદ ભારતમાં રાજમાતા વિજયારાજે સંિધિયા ભાજપમાં હતા તો એમના યુવરાજ માધવરાવ સંિધિયા કોંગ્રેસમાં! વળી દીકરી વસુંધરા રાજે તો રાજસ્થાનના ચીફ મિનિસ્ટર પણ બની ગયા! પિતાના પગલે માધવરાવનો પુત્ર જ્યોતીન્દ્ર પણ આજે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. અને માતાના પગલે પ્રકાશ રાજે પણ સક્રિય છે! ઘણી ખમ્મા, ઘણી ખમ્મા!
રાહુલ ગાંધીની છાપ જ્યારે કરપ્શનમાં ખરડાયેલા બફાટિયા શિખાઉ રાજકારણી કરતા જુદી, વઘુ સરળ અને નિખાલસ માણસની હતી ત્યારે એ કોલેજના યુવાનો સાથે સંવાદ કરવા ફરતા. હજુ ત્યારે ઘડાયેલા નહોતા (હજુ યે નથી, પણ હવે મીઠું મૌન પાળવાનું એમણે ફરજીયાત શીખવું પડ્યું છે!) ત્યારે એ યુવાવર્ગને સ્પષ્ટપણે કહેતા ઃ ‘‘રાજકારણમાં આવવાના ભારતમાં દેખીતા ત્રણ-ચાર રસ્તા છે. પહેલો ઃ પૈસા અને પાવરના જોરે ટિકિટ / પદ ‘ખરીદી’ લેવા. બીજો ઃ કોઇ મોટા આગેવાનની ઓળખાણ કેળવી એમની છત્રછાયામાં ગોઠવાઇને વફાદારીનો શિરપાવ મેળવવાનો. ત્રીજો ઃ મારી (રાહુલ)ની જેમ રાજકીય વગ ધરાવતા કુટુંબમાં પેદા થવાનો. અને ચોથો ઃ લોકો માટે તન-તોડ, મન-તોડ કામ કરવાનો!’’
આ ચોથે રસ્તે ચાલનારાઓમાંથી કંઇકના ગાદલાં વેંચાઇ ગયા છે, પગના તળિયાની અને કરોડરજ્જૂના મણકાની ગાદી ઘસાઇ ગઇ છે, પણ એમને કે એમના વારસદારોમાંથી બહુ ઓછાને ગાદીનશીન થવા મળ્યું છે. ગ્રાસરૂટ લેવલથી સ્કાયહાય લેવલ પર પહોંચેલા ‘ટાઇમ’ કીપર નરેન્દ્ર મોદીથી ‘તૃણમુલ’ મમતા બેનરજી જેવા અપવાદો છે. પણ આ તમે વાંચ્યું એમ ‘અપવાદો’ જ છે. પરંપરા તો વંશવારસાની જ છે! - જ્યોતિ બસુઓ કે વાજપેયીઓ પણ અંતે તો પોલિટિકલ ફેમિલીના ગઠજોડમાં પડે છે. નીતિશકુમારો કે યેદુરપ્પાઓ નવી પેઢી તૈયાર કરે છે. કરૂણાનિધિની કરપીણ ડાળીઓએ તો વતન કી મિટ્ટીના કેવા રસકસ ચૂસી લીધા એ વિશ્વવિખ્યાત છે. વાય.એસ.આર. રેડ્ડીના મૃત્યુ પછી જગમોહનને જ ગાદી પર પોતાનો કાનૂની હક લાગે છે. જાણે બાપની ખુરશી એક સંિહાસન હોય!
અખિલેશ યાદવના આદર્શવાદની વાતો આજે ય રાજા ભૈયાઓ અને આઝમ ખાનો નથી સાંભળતા, અને સમાજવાદી પાર્ટી બદલાય, એને બદલે ખુદ અખિલેશને બદલી કાઢવા તલ-પાપડ છે! મુલાયમના જીનેટિક વારસ ન હોત તો અત્યારે અખિલેશની ટંિગાટોળી કરી હોળીમાં પધરાવી દેવાયો હોત. રાહુલ બાબાને પબ્લિકે આઉટરાઈટ એક્ઝિટ ગેટ બતાવ્યો ત્યાં તો બહેન પ્રિયંકા જ નહીં બનેવીલાલ રોબર્ટકુમાર પણ પોલિટિક્સમાં પ્રવેશવા આંગળી ઊંચી કરીને બેઠા છે!
* * *
પેટ્રિક ફ્રેન્ચ.
બ્રિટનના જાણીતા ઈતિહાસવિદ્‌ અને સંશોધક લેખક. ભારતીય ઈતિહાસ અને રાજકારણના અભ્યાસુ જીવ. ગયા વર્ષે ૪૩૬ પાના અને ૭૦૦ રૂપિયાનું બધી રીતે વજનદાર પુસ્તક લખ્યું ‘ઈન્ડિયા’! આપણને તો કોઠે પડી ગયું હોય, એટલે દેખાય નહિ. પણ - પરદેશી પેટ્રિકભાઇની આંખો કોંગ્રેસમાં સોનિયાજીનો ‘દરબાર’ જોઇને ચાર થઇ ગઇ. એમણે જોયું કે અહીં તો ભાજપ, કોંગ્રેસ કે કોઇ પણ પક્ષના ટોચના નેતાને મળવું હોય, તો ય પહેલા પાયાના કાર્યકરે પોતાના લોકલ બોસના તળિયા ચાટવા પડે! હવે જેની કદમબોસી કરીને હાઈકમાન્ડને પાંચ મિનિટ મળવા મળે, એમાં એની સામે ફરિયાદે ય કેમ થાય? માટે ભારતમાં જીલ્લે જીલ્લે દરેક પક્ષોમાં કેટલાક કુટુંબોની પેઢીઓ ખુલી ગઇ છે. પોલિટિક્સ ઈઝ ધ બિગેસ્ટ ફેમિલી ઈન ઈન્ડિયા! નેતા દલિત હોય કે ઠાકુર, બ્રાહ્મણ હોય કે બનિયા.
પેટ્રિકને ટીવી જોતા જોતા નવાઇ લાગી કે ૨૦૦૯ની ભારત સરકારમાં મંત્રીમંડળના સૌથી યુવાન મંત્રી ૨૯ વર્ષના અગાથા સંગમા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર પી.એ. સંગમાના દીકરી હતા! (લોકસભાના વર્તમાન સ્પીકર મીરાં કુમાર બાબુ જગજીવનરામના દીકરી છે, બાય ધ વે!) વર્તમાન ૧૫મી લોકસભાના સૌથી યુવા સાંસદ લક્ષદ્વીપના હમીદુલ્લાહ સઈદના પિતા પણ વન્સ અપોન એ ટાઈમ યંગેસ્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઈન ઈન્ડિયા હતા! (મતલબ, જનરેશન બદલાઈ, જીન્સ એ જ રહ્યા!)
નેચરલી એવો સવાલ થાય કે એમ તો અમેરિકામાં ય બુશ પિતા-પુત્ર પ્રેસિડેન્ટ ન બન્યા? કે શ્રીમતી હિલેરી બિલ ક્લિન્ટન રાષ્ટ્રપતિપદની રેસમાંથી ફેંકાઇને વિદેશમંત્રી ન થયા? વેલ, એક તો આવા કિસ્સાઓ રડ્યાખડ્યા અપવાદો છે. (પરંપરા આપણાથી ઉલટી છે!) બીજું, ત્યાં આવા વારસદારોએ પબ્લિકમાં જતાં પહેલા ફેડરલ ડેમોક્રસીના ભાગરૂપે પક્ષમાંથી જ સાત ગળણે ગળાઇને ચૂંટાવું પડે છે! અર્થાત, જેન્યુઇન ટેલન્ટ કે કામગીરીની કસોટીમાંથી પાર ઉતરવું પડે, માત્ર ફેમિલી નેમનું તૈયાર ભાણું જમવા ન મળે! આપણે ત્યાં ટિકિટો મેળવાતી નથી, ‘ફાળવવા’માં આવે છે!
બેક ટુ પેટ્રિક. ટિપિકલ યુરોપીઅન એક્સપ્લોરરની માફક એણે મૂળમાંથી માહિતી શોધવાનો ભગીરથ યજ્ઞ શરૂ કર્યો. ભારત પર રાજ કરતી ચૂંટાયેલી લોકસભાના ૫૪૫ સાંસદોની કરમકુંડળી મેળવવાનો પ્રયાસ કર્યો. પહેલા તો એ ઓનલાઈન ગયો, પણ એને તરત અહેસાસ થયો કે એકવીસમી સદીના એક દસકા બાદ પણ ત્રીજા ભાગના સંસદસભ્યો (લોકસભાની સાઈટ પર ચમકતા નામ સિવાય) ઈન્ટરનેટ પર કોઇ અસ્તિત્વ જ ધરાવતા નથી! પહેલા જ દડે નો બોલ મળ્યા છતાં પેટ્રિકે તપસ્યા ચાલુ રાખી. હવે એને તો ભારતનો કોમ્પલેક્સ ડેટા મળ્યો. કોઇ એમ.પી.નો બાપ ક્રિકેટર, યા ફિલ્મ એક્ટ્રેસ અને મોટો ભાઇ ધારાસભ્ય હોય તો એને કયા ટેબલમાં રાખવો? ઝીણવટપૂર્વક આખો એક સોફટવેર પ્રોગ્રામ ડેવલપ કરાવ્યા બાદ પેટ્રિક મહાશયે શોધી કાડ્યું કે ૫૪૫માંથી કુટુંબના સહારે ગાદીવારસ બન્યા હોય, એવા પૂરા ૧૫૬ એમ.પી. છે! રોયલ ફેમિલીના ૭ જુદા! સેલિબ્રિટી (જેમ કે, શત્રુધ્ન સંિહા) હોય એવા ૧૬. ૩૫ બિઝનેસ થકી આવેલા, ૧૮ આરએસએસમાંથી આવેલા અને વિદ્યાર્થી રાજકારણમાંથી આગળ વધેલા (કોઇને કોઇ ગોડફાધર થકી) ૪૭!
પેટ્રિકે નોંઘ્યું કે કેટલીક પાર્ટી માટે તો સત્તા એ પારિવારિક જાગીર જ છે. કોઇને કોઇ ખાનદાની વારસાઇ હક્કના કનેકશનથી આવ્યા હોય એવા લાલુના રાલોદના પાંચમાંથી પાંચ અને શરદ પવારની એનસીપીના ૯માંથી ૭ એમપી છે! ડીએમકે, બીજુ જનતા દળ, બીએસપી, સીપીઆઇ એમ, જેડીયુ, બધામાંથી ૨૦થી ૪૦% આમ જ આવેલા છે. શિવસેના કે બીજેડી જેવી તો પાર્ટી જ ઠાકરે કે પટનાયક પરિવારની ખાનગી કંપનીની માફક જ ચાલે છે! ભારતના મોટા ભાગના પ્રાદેશિક પક્ષો કોઇને કોઇ ભારે માથું ધરાવતા નર કે નારીના અંગત કબજામાં જ રહેલા છે. આંતરિક લોકશાહી તો છે જ નહિ! બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષોમાં કોંગ્રેસના ૨૦૮માંથી ૭૮ (૩૭.૫%) અને ભાજપના ૧૧૬માંથી ૨૨(૧૯%) આવી રીતે વારસાઇ હકનો ભોગવટો કરવા પહોંચ્યા છે. પંજાબ, દિલ્હી, હરિયાણા, આંધ્ર જેવા રાજ્યોમાં તો આ જ ચાલે છે! કુલ ચૂંટાયેલા મહિલા સભ્યોમાંથી ૭૦% ફેમિલીના તૂંબડે જ તરવા આવી પહોંચ્યા છે!
પણ બાજનગરે ઉંડાને ઉંડા ઉતરતા જતા પેટ્રિકે વઘુ વિસ્ફોટક તારણો શોઘ્યા છે. વર્તમાન પ્રૌઢ કે વૃદ્ધ સાંસદો કરતા આજે યુવા હોય એવા સાંસદોમાં કોઇને કોઇ પરિવારના પગથિયે જ ઉપર ચડ્યા છે! ૩૦ વર્ષથી નીચેના તમામ યુવા સાંસદો આવા ગાદીવારસ છે! ૪૦થી નીચેમાં એનું પ્રમાણ ૬૬% છે! એમાં ય વળી રાજકર્તા કોંગ્રેસમાં તો ૩૫થી નીચેના બધા જ, તમામે તમામ મમ્મી/પપ્પાની રેડીમેઇડ ગાદીએ ગોઠવાયેલા જ છો! ઉપરાંત, ત્રીજી પેઢીએ આવી ચૂક્યા હોય એવા (સમગ્ર લોકસભામાંથી) માતા-પિતા બંને પક્ષે પોલિટિકલ કનેકશન ધરાવતા ‘હાઈપરહેરિડિટી’ વાળા સાંસદો ય ૫૪૫માંથી એક-બે નહિ, પૂરા ૨૭ છે! (મેનકા-વરૂણને બાદ કરો તો ભાજપમાં ૧ છે, કોંગ્રેસમાં તો એવા પણ ૭૮માંથી ૧૯ છે- બે પેઢી રાજકારણમાં સાથે જ હોય એવા!) અને હજુ યે, જો મહિલા અનામત લાગુ પડે તો? કોંગ્રેસના વર્તમાન ૨૩માંના ૨૦ મહિલા સાંસદો વારસાઇ ગાદીવાળા જ છે! ભારત જ નહિ, સમગ્ર ભારતીય ઉપખંડનો ટ્રેન્ડ (શ્રીલંકામાં બંડારનાયકે, પાકિસ્તાનમાં બેનઝીર, બાંગ્લાદેશમાં હસીના, ખાલિદા) જોતા પાવરફુલ પોલિટિકલ પુરૂષના કુટુંબમાંથી જ ભાવિ મહિલા આગેવાનો વઘુ આવે છે, અને બાકીના રિમોટ કંટ્રોલ્ડ રબડીદેવી બ્રાન્ડ હોય છે!
રીડરબિરાદર, આ છે અપુન કા ઈન્ડિયા. કોણે કહ્યું કે રજવાડાંઓના એકીકરણ કરીને ભારત બંધારણીય લોકશાહી તરીકે આઝાદ થયું? અહીં પ્રજા પણ પ્રતિનિધિ નહિ, પસંદીદા કુટુંબના વારસો જ હજુ માલિક તરીકે ચૂંટે છે. જે ‘નવા લોહી’થી રાજકારણમાં પરિવર્તનની હાકલો કરવામાં આવે છે. એમાં બીબું જ નવું છે, બાકી લોહી જૂનું જ છે! અસલી તેજસ્વી નવોદિતોને ચાન્સ નથી, કારણ વિધવાઓ કે સંતાનો વગર મેરિટ છતાં એમને (હજુરિયા- ગુમાસ્તાગીરીથી વઘુ) મળવાની નથી. મળે તો ય એમણે કોઇને કોઇ ગાદીના ગોલાપા (ગુલામી) જ કરવાની છે!
રાજકારણ જ શા માટે? આઈએએસ, મેડિકલ, વકીલાત, કોર્પોરેટ કંપની, સ્પોર્ટસ, સિનેમા, સંગીત બધે જ ફેમિલી સાગા ચાલે છે. જેમ એરેન્જ્ડ મેરેજ થાય પછી લવનું જોયું જશે, એમ સમાજ માને એમ મા-બાપની ખુરશીએ ગોઠવાયા પછી ગુણવત્તાનું જોયું જશે એવું જ સ્વીકારી લેવાય છે. સવા અબજનો દેશ વાસ્તવમાં મહત્તમ સવા લાખ પરિવારોની મુઠ્ઠીમાં છે! એમાં બધા જ ગાદી માટે ગેરલાયક છે, એવું નથી- પણ મોટા ભાગના માટે- અમેરિકન અબજપતિ વૉરન બફેટે કહ્યું જ છે ‘લકી સ્પર્મ (વીર્ય) ક્લબ ઓફ ઈન્ડિયા!’ લોકશાહીનું રજવાડું અમર રહો!
- ઝંિગ થંિગ -
વૉટ્‌સ ઈન એ નેઈમ? - શેક્સપિયર
એવરીથંિગ ઈઝ ઈન સરનેઈમ! - રાહુલ ગાંધી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved