Last Update : 21-March-2012, Wednesday
 

ચીને સંરક્ષણ ખર્ચમાં ૧૧%નો વધારો કર્યો ત્યારે આપણે શું કરીએ છીએ?
ડ્રેગનનો ફૂંફાડો અને દિલ્હીના કાનની બહેરાશ

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

જ્યારે કોઈ માથાફરેલા દેશે સંરક્ષણ બજેટમાં બે આંકડાની ટકાવારીમાં વધારો કર્યો છે ત્યારે ત્યારે જગતે વઘુ એક યુદ્ધ જોયું છે

‘પહેલું સુખ તે જાતે નર્યા’ તંદુરસ્તીસુચક એ કહેવત જો વ્યક્તિગત માનસિક શાંતિ માટે ઉચિત હોય તો સમગ્ર દેશની માનસિક શાંતિ માટે કહેવું પડે કે ‘પહેલું સુખ તે ડાહ્યો પડોશી’. ભારત આ મામલે આઝાદી વખતથી જે રીતે પડખાની બેય બાજુથી શૂળ ભોંકાવાનો ત્રાસ ભોગવે છે એ જોતાં આ કહેવત કમ સે કમ ભારત માટે તો એકદમ યથાર્થ છે. ઉત્તર-પૂર્વે ચીન અને પશ્ચિમે પાકિસ્તાન નામના બે અળવિતરા પાડોશીઓના ટપલીદાવનો કાયમ ભોગ બનતું ભારત વિકાસની વિદેશનીતિ અપનાવવા ધારે તો પણ એ શક્ય નથી તેનું તાજું પ્રમાણ ચીને વઘુ એકવાર આપી દીઘું છે. તાજેતરમાં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં ૧૧.૨ ટકાનો વધારો કર્યો એ સાથે લશ્કરી બાબતો પાછળ થતાં તેનાં ખર્ચનો આંકડો વાર્ષિક ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગયો છે. અત્યાર સુધી ભારત માટે માથાનો દુઃખાવો રહેલું ચીન હવે હૃદયરોગનો હુમલો બનવા માંડે તો નવાઈ લગાડવાને બદલે સત્વરે વિદેશનીતિની એન્જિયોગ્રાફી પર ઘ્યાન આપવાની હવે તાકિદની જરૂર છે.
અત્યાર સુધીનો વૈશ્વિક ઈતિહાસ રહ્યો છે કે જ્યારે કોઈ માથાફરેલા કે મોટા માથાના દેશે પોતાના સંરક્ષણ બજેટમાં બે આંકડાની ટકાવારીમાં વધારો કર્યો છે ત્યારે ત્યારે જગતે વઘુ એક યુદ્ધ જોયું છે. ઈરાકે ઈરાન સાથે લોહિયાળ સંઘર્ષ શરૂ કર્યો ત્યારથી લઈને કુવૈત હડપ કર્યું ત્યાં સુધી તેનું સંરક્ષણ બજેટ ૧૦થી ૧૭ ટકાના દરે વઘ્યું હતું. ઉ.કોરિયાએ અણુબોમ્બ બનાવવાની જાહેરાત કરી અને દ.કોરિયા પર હુમલા કરવા માંડ્યા તેના આગલા સળંગ ત્રણ વર્ષ સુધી તેના સંરક્ષણ બજેટમાં ૧૧થી ૧૪ ટકાનો વધારો થયો હતો. ચેચેન્યા, યુગોસ્લાવિયા, આરબ-ઈઝરાયેલ વિગ્રહ, વિયેતનામ યુદ્ધ તેના માતબર અને પૂરતા ઉદાહરણો છે. અમેરિકાને એમાં અપવાદરૂપ એટલાં માટે ગણવું પડે કે જગફોજદારની પોતાની ધાક જાળવી રાખવા માટે અમેરિકાએ વિશ્વભરમાં ચોતરફ ધીખતી ધરામાં ઝઝૂમવું પડે છે. પરંતુ હાલના મંદીના માહોલમાં સ્વયં અમેરિકાએ ગત ફેબુ્રઆરીમાં પોતાનું સંરક્ષણ બજેટ ઘટાડવા ઉપરાંત સંખ્યાબળ પણ ઘટાડવાની જાહેરાત કરી છે અને બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા સદ્ધર યુરોપિય દેશો પણ છેલ્લાં ત્રણ વર્ષથી લગાતાર સૈન્ય ખર્ચ ઘટાડી રહ્યા છે ત્યારે ચીનની આ જાહેરાતના અનેક સુચિતાર્થો નીકળે છે. કમભાગ્યે એ દરેક સુચિતાર્થો ભારત માટે જોખમ ભણી આંગળી ચંિધી રહ્યા છે.
ચીનનો વ્યૂહ સમજવા માટે ચારેક મહિના પહેલાં ટાઈમ મેગેઝિનમાં છપાયેલ એક અહેવાલ મદદરૂપ થાય તેમ છે. એ અહેવાલ અનુસાર, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને તાઈવાન તરફ મોટાપાયે સૈન્ય જમાવટ કરી રાખી છે. આ ઉપરાંત અહીં કોઈપણ સમયે ૧૦ લાખ સૈનિકો માટે શસ્ત્રો, દારૂગોળો અને ખાદ્યસામગ્રીની હેરફેર ચંદ કલાકોમાં શક્ય બને તે માટે ૮૦૦૦ કિલોમીટરનું રેલવે નેટવર્ક પણ કાર્યરત કરી દીઘું છે. ચીનની આ તૈયારીથી સૌથી વઘુ ફડકો જાપાનને પડી રહ્યો છે. ચીને જ્યારે સંરક્ષણ બજેટમાં વધારાની જાહેરાત કરી ત્યારે સૌથી સઘન વિરોધ જાપાને જ નોંધાવ્યો હતો. કારણ કે, જાપાનને એવો ભય છે કે, તાઈવાન નજીક સૈન્યની ત્રણેય પાંખોની જમાવટ કરવા પાછળ ચીનનો હેતુ જાપાનને ગળી જવાનો છે. જાપાનનો આ ભય સ્હેજપણ અસ્થાને નથી કારણ કે ચીન અને તેની સત્તાધારી પિપલ્સ પાર્ટીના વખતોવખત બદલાતા દરેક મહામંત્રીઓ જાપાન એક સમયે ચીનનો જ હિસ્સો હતું એવા ઉચ્ચારણો કરી ચૂક્યા છે.
ચીનની બીજી સૈનિક જમાવટ પૂર્વે લ્હાસાથી ૨૫૦ કિલોમીટર દૂર ઉમાહિયા, લેંગાદ અને તેંગ્ઝિ ત્સાંગ ખાતે થઈ રહી છે. આ આખો વિસ્તાર હિમાલયની પહાડીઓથી છવાયેલો છે અને ચીને અહીં તોસ્તાન હવાઈદળ ખડકી દીઘું છે. અત્યાર સુધી હિમાલયની પર્વતમાળા એ ભારતને ચીન સામે રક્ષણ આપતું બફર ગણાતી હતી પરંતુ આઘુનિક શસ્ત્રો અને વિમાનો સામે હિમાલયની આસમાની ઊંચાઈ પણ હવે વામણી થઈ ચૂકી છે. ચીન હવે જે પ્રકારના મિસાઈલ્સ વિકસાવી રહ્યું છે તે તેંગ્ઝિ ત્સાંગથી સીધા કલકત્તાનું નિશાન તાકી શકે તેમ છે. આ ઉપરાંત છેલ્લાં અગિયાર વર્ષથી આખો હિમાલય વંિધીને પાકિસ્તાન સુધીનો રેલમાર્ગ વિકસાવાનો ચીનનો પ્રોજેક્ટ ભારત માટે સૌથી વઘુ ખતરનાક હોવાનો મત લશ્કરી નિષ્ણાતો હંમેશા વ્યક્ત કરતા રહ્યા છે. આ રેલમાર્ગ દ્વારા ચીન પાકિસ્તાનની ભૂમિ પર પોતાના લશ્કરી મથકો સ્થાપવાથી માંડીને પાકિસ્તાને કરેલા લશ્કરી અટકચાળા વખતે મદદે દોડી જવા સુધીના હરકોઈ પેંતરા રચીને ભારતની ઊંઘ હરામ કરી શકે છે. ચીન સામે લડવામાં આપણે ઉત્તર-પશ્ચિમ સીમા તરફ તાકાત કેન્દ્રિત કરી રહ્યા હોઈએ ત્યારે આ રેલમાર્ગ એક એવી શક્યતા છે જે ચીનને ભારતના પશ્ચિમી (અને વઘુ સંપન્ન) એવા પંજાબ, મહારાષ્ટ્રથી માંડીને ગુજરાત સુધીના વિસ્તારો પર હુમલાનો રસ્તો ખોલી શકે છે.
ચીન આટલી હદે તૈયારી કરી રહ્યું છે ત્યારે ભારત વળતી તૈયારીની વાત તો છોડો, પ્રતિક્રિયા આપવામાં ય ઉણું ઉતરી રહ્યું છે. ચીનના સંરક્ષણ બજેટની જાહેરાત સાથે જ સંયુક્ત રાષ્ટ્રના યુનિસેફ જેવા બિનરાજકીય મંચ ઉપર હાજર જાપાનના પ્રતિનિધિઓએ કાગારોળ મચાવી દીધી હતી અને ચીન પર લગામ કસવા માટે વૈશ્વિક સમૂહને તાકિદ કરી હતી. એ વખતે ત્યાં ઉપસ્થિત ભારતીય વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓએ દરખાસ્તના કાગળ પર સહી કરવાની સુદ્ધાં દરકાર કરી ન હતી કારણ કે તેમને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સુચના ન હતી! તાજેતરમાં કેન્દ્રિય અંદાજપત્રની જાહેરાત પૂર્વે જ ભારતીય લશ્કરના નવનિર્વાચિત વડા જનરલ વી.કે.સંિહે લશ્કરની હાલત વિશે જે ચિત્ર રજૂ કર્યું એ ખરેખર દયાજનક હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય લશ્કર પાસે દુર્ગમ જગ્યાઓએ પહેરો ભરવા માટે જરૂરી આવાસ છે જ નહિ. અરૂણાચલ પ્રદેશના રોગિષ્ઠ હવામાનનો સામનો ન કરી શકતાં સૈનિકોને માંદગીના કારણોસર લાંબી રજાઓ આપવી પડે છે કારણ કે તેમને ઝેરી જીવજંતુથી બચાવ મળે તે પ્રકારના રહેઠાણો બજેટના અભાવને આપી શકાતા નથી. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં તો ખુશ્કીદળના જવાનોને યોગ્ય ગુણવત્તા ધરાવતા જૂતાં સુદ્ધાં આપી શકાતા નથી. રાશન અને અન્ય સગવડતાની વાત જવા દો, યુદ્ધની સ્થિતિમાં સૈન્યને કુમક પહોંચાડવા માટે જરૂરી માર્ગો સુદ્ધાં ભારત હજુ ય હિમાલયમાં બાંધી શક્યું નથી. કારગીલના અનુભવ પછી સમગ્ર દ્રાસ અને લેહ સેક્ટરને આંતરિક રસ્તાઓથી સજ્જ કરી દેવાની વાતો બહુ મોટા અવાજે થઈ હતી પણ હજુ ય તેમાં વિચારણા અને મિટંિગ અને ફાઈલોના સરકારી દૌરથી આગળ કશું જ વઘ્યું નથી. જનરલ વી.કે.સંિહે તો એવી પણ ફરિયાદ કરી છે કે, દેશમાં એવા ૧૧ મથકો છે જ્યાં તોપખાના પાસે તોપ છે તો તોપગોળા નથી, જ્યાં તોપગોળા છે ત્યાં તોપ નથી અને જ્યાં બંને છે ત્યાં નિષ્ણાત તોપચીની ભરતી થતી નથી. જનરલે પ્રેક્ટિસ માટે અપાતા એમ્યુનિશનનની સંખ્યા અંગે પણ ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો છે. આ દરેક કારણો પાછળ જવાબદાર જે બાબત છે એ સૈન્યનું બજેટ છે.
વિકાસના રસ્તે આગેકૂચ કરવા ધારતા કોઈપણ દેશ માટે સૈન્ય બજેટ શક્ય તેટલું ઓછું રહે તે ઈચ્છનીય જરૂર છે પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા ભારાડી પાડોશી નસકોરા ફૂલાવીને માથું ઝૂકાવી રહ્યા હોય ત્યારે આપણે પાડાના હુમલા પહેલાં આગોતરી તૈયારી કરવી આવશ્યક બની જાય છે. હાલ ભારતનું સંરક્ષણ બજેટ ૩૨ અબજ ડોલર જેટલું છે પરંતુ લશ્કરની ત્રણેય પાંખોના લિસ્ટ પર જો આ વખતે નાણામંત્રીએ નજર નાંખવાની તસ્દી લીધી હોત તો તેમાં બીજા ચારેક અબજ ડોલરની જોગવાઈ તેમણે કરવાની જરૂર હતી. ચીનના ૧૧ ટકાના વધારા સામે ભારત કદાચ શસ્ત્રદોડની હરિફાઈમાં ન ઉતરે તે સમજી શકાય પરંતુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે બજેટ વધારવાની તાતી આવશ્યકતા સામે પ્રણવદાએ ઘ્યાન આપ્યું નથી. હવે કદાચ એવું પણ બની શકે કે ખુશ્કી દળ પાસે તોપ, તોપગોળા અને તોપચી બઘું જ હોય તો પણ યુદ્ધના સમયે ખબર પડે કે એ બઘું તો જમાના જૂનું અને જરીપૂરાણું થઈ ચૂકયું છે અને નવી ટેક્‌નોલોજી આપણે વિકસાવી જ શક્યા નથી.
ડ્રેગનનો ફૂંફાડો હજુ દિલ્હીના બહેરા કાનો સુધી સંભળાયો નથી તો હવે ગાલ પર લપડાક પડે ત્યારે સંભળાશે.
- પણ ત્યારે બહુ મોડું નહિ થઈ ગયું હોય?

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved