Last Update : 12-Jan-2012,Thursday
 

 

રાઈસ માર્બલ
સામગ્રીઃ ૧ કપ ચણાની દાળ, ૨ કપ ચોખા, ૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧/૪ છીણેલું લીલું નાળીયેર, ૧ ચમચી તેલ, ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી વરિયાળી પાઉડર, ચપટી હંિગ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.
રીતઃ ચણાની દાળ ધોઈને ચાર કલાક સુધી પલાળી રાખો. ચોખા પણ ધોઈને પલાળી રાખો. પાણી કાઢીને બંનેને કરકરા વાટી લો. તેમાં લીલાં મરચાં, હંિગ, તલ, વરિયાળી પાઉડર, મીઠું અને ડુંગળી નાખી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી થોડું- થોડું મિશ્રણ હથેળી પર લઈ તેને હળવા હાથે દબાવી ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી તળી લો. જેથી અંદરથી પણ કડક શેકાઈ જાય. પછી ટામેટાંની ચટણી સાથે પીરસો.

મકાઈના પુડલા
સામગ્રીઃ ૨ કાચા મકાઈડોડા, ૧ કપ ચણાનો લોટ, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી ચોખાનો લોટ, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ ચમચી ચાટનો મસાલો, તળવા માટે પૂરતું તેલ.
રીતઃ મકાઈ ધોઈને ઝીણી છીણી લો. એમાં બધી સામગ્રી મિક્સ કરી લો. નોનસ્ટિક પેનમાં તેલ લગાવીને એક ચમચો ખીરું પાથરો. એની ચારે બાજુ તેલ રેડો. બંને બાજુથી લાલ થાય ત્યાં સુધી શેકો. તેને ફુદીનાની ચટણી સાથે પીરસો.

બેસનનાં પતોડ
રીતઃ ૨૫૦ ગ્રામ ચણાના લોટમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને પાણી નાખીને એકદમ પાતળું ખીરું બનાવી દો. કડાઈમાં બે ચમચા તેલ ગરમ કરી ખીરું નાખી દો. જ્યાં સુધી ખીરું તદ્દન ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહો.
એક થાળીમાં તેલ લગાવી ખીરાને તેમાં પાથરી હાથ વડે થપથપાવી બરાબર જમાવી લો. ઠંડું પડ્યા પછી તેને ઈચ્છાનુસાર ટુકડામાં કાપી લો.
એક વાસણમાં બે ચમચી તેલ ગરમ કરો. સ્વાદાનુસાર રાઈ, જીરું, હળદર, મીઠું, ધાણાજીરું અને એક કપ પાણી નાખી ઉકાળો. ઊકળતાં પાણીમાં વેસણના ટુકડા નાખી પાંચ- દસ મિનિટ ચડવા દો. શાક ઠંડુ પડી ગયા પછી તેમાં એક કપ દહીં, બે કાપેલાં લીલાં મરચાં અને કોથમીર મિક્સ કરી લો.

ફુદીનાના પુડલા
સામગ્રીઃ ૧ કપ ફુદીનાનાં પાન, ૩/૪ કપ મગની ફોતરાવાળી દાળ, ૨ લીલાં મરચાં, ચપટી હંિગ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.
રીતઃ મગની દાળને ધોઈ બે કલાક માટે પલાળી રાખો. બધી સામગ્રી મિક્સ કરી વાટી લો. નોનસ્ટિક પેનમાં તેલ લગાવીને મિશ્રણ પાથરો. પૂડલાં બંને બાજુથી કડક શેકી લો. ચટણી સાથે પૂડલાનો સ્વાદ માણો.

બટાકાના પૂડલા
સામગ્રીઃ ૨ મોટા કદનાં બટાકાં, ૧ કપ ઘઉંનો લોટ, ૨ ચમચા સોજી, ૩-૪ લીલાં મરચાં સમારેલાં, ૧ ચમચી જીરું, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.
રીતઃ બટાકાંને ધોઈને છોલી નાખો અને ઝીંણા છીણી લો. ઘઉંનો લોટ, સોજી, બટાકાં, લીલાં મરચાં અને જીરું મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. નોનસ્ટિક તવા પર તેલ લગાવીને ખીરું પાથરો. ધીમા ગેસ પર કડક થાય ત્યાં સુધી શેકી લો. પૂડલા તૈયાર છે.

 

હરા પુલાવ
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બાસમતી ચોખા, ૨૦૦ ગ્રામ લીલા વટાણા, ૨૫૦ ગ્રામ બટેટા, ૨૫૦ ગ્રામ ફણગાવેલા મગ, મઠ અને ચણા ૪ નંગ મોટા ટમેટાં, ચાર નંગ મરચાં, ૧ ટુકડો આદુ, ૬ નંગ એલચી, સ્વાદનુસાર મીઠું, હળદર, લાલમરચાંની ભૂકી અને ગરમ મસાલો, ૭૫ ગ્રામ તેલ, મીઠા લીમડાના ૭/૮ પાન, તમાલપત્ર આખું જીરું.
સજાવટ માટે ઃ ૨ નંગ લીલી છાપવાળા લાલ જામફળ, ૪ નંગ લીલી બદામ, ૧ ઝુડી કોથમીર, ત્રણ ચમચી કોપરાનું છીણ અને ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ.
રીત ઃ ચોખા ધોઈને એક કલાક સુધી પલળવા દેવા. તેમાં વટાણા પણ નાખી દેવા. પછી તેમાં પ્રમાણસર પાણી મુકી ગેસ પર બાફવા મુકવા. ચોખા એકદમ છૂટા રહેવા જોઈએ. બટાકાને પણ અલગ બાફી લેવા. તેના નાના નાના પીસ કરવા. આદુ,મરચાં, અને ટામેટા સમારી લેવા. એલચી ફોલી બારીક પીસી લેવી. હવે ફણગાવેલા કઠોળ બઘું જ એક વાસણમાં તૈયાર રાખવું. એક વાસણમાં તેલ મુકી, જીરા તમાલપત્ર, લીમડનો વઘાર કરવો. એમાં આદું, મરચાં, ટામેટા નાખી સાંતળવું. બટેટા નાખવા ફણગાવેલા કઠોળ નાખવો. પછી આની સાથે ચોખા પણ મિક્સ કરી પ્રમાણસર મીઠું, હળદર, લાલ મરચું ગરમ મસાલો વગેરે નાખવું. એમાં બે ચમચી પાણી નાખી ૧૫ મિનિટ સુધી ગેસ પર જ હલાવતા રહેવું. પછી ઉતારી લેવું. હવે મોટા વાસણમાં ચોખા અને આ બઘું મિક્સ કરી એલચીનો પાવડર નાખી લીલા લીમડાના પાન નાખી બઘું સારી રીતે મિક્સ કરવું. ફરી પાંચેક મિનિટ ગેસ પર રાખવું.
ત્રિરંગી પુલાવ
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા, ૧૦૦ ગ્રામ મલાઈનું દહીં, ૧ દાડમના બી, ૨ ગુલાબની પાંદડી, ૧૦૦ ગ્રામ વટાણા, ૧/૨ ચમચી મીઠું, એક ચમચી લીલો કલર, એક ચમચી મરી પાઉડર, ૨ મોટા ગાજરનું ખમણ, બે મોટા સફરજન, ૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ, ૫૦ ગ્રામ કાજુ, ૫૦ ગ્રામ તૂટી-ફ્રૂટી, ૫૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ તજ-લવંિગ, ૫૦ ગ્રામ શુઘ્ધ ઘી, ૫૦ ગ્રામ ટોપરાનું ખમણ, ૫૦ ગ્રામ ચેરી, ૫૦ ગ્રામ પનીર.
રીત ઃ સૌપ્રથમ ચોખાને સારા ધોઈ તેમાં મીઠું અને લીલો કલર ભેળવી, તપેલીમાં ચોળવો. ચોખામાં લીલા વટાણા જો હોય તો અધકચરા બફાય પછી નાખ ોઅને જો સુકા હોય તો રાત્રે પલાળો. અને ચોખાની સાથે જ બાફો. બફાઈ જાય પછી ચાળણીમાં નીતારી એક મોટી લંબચોરસ ટ્રેમાં પાથરો. ત્યારબાદ ઘી ગરમ મૂકો અને તેમાં કાજુ, દ્રાક્ષ, તજ-લવંિગ વગેરેનો વઘાર કરી અને પુલાવમાં પાથરી દો, તેના પર વચ્ચેની આડી સાઈડમાં મલાઈનો પટ્ટો કરો. તેની આજુબાજુમાં ભાગ જે ખાલી છે તેના પર એક સાઈડમાં સફરજન, ચેરી, ટૂટીફ્રૂટી, પનીરનું ખમણ વગેરે પાથરો અને બીજી બાજુ ટોપરાનું ખમણ, દાડમ નાખી મરી પાઉડર વગેરે નાખો. ત્યારબાદ તે બંને સાઈડમાં એક બાજુ ગાજરનું ખમણ પાથરી દો અને એક સાઈડ લીલી દ્રાક્ષ પાથરી દો વચ્ચેનો જે સફેદ (દહીંવાળોે) મલાઈવાળો તેમાં કાળી દ્રાક્ષનું અશોકચક્ર બનાવો. વચમાં એક ચેરી મૂકો. આજુબાજુ ડેકોરેશન માટે ગુલાબની પાંદડી, કાજુ, બદામ, કોપરાની ચીરી વગેરે ગોઠવી શકાય.
શષ્ટંગી પુલાવ
સામગ્રી ઃ ૬ કપ ચોખા.
રીત ઃ સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોવા. તેમાં સ્વાદપ્રમાણે નમક અને પાણી સાથે ચોખાને પ્રેશરકૂકરમાં ૮ થી ૯ મિનિટ પકાવો. ત્યારબાદ એક ખાનાને તેલ ચોપડી અલગ રાખવું. ચોખાના ૬ ભાગ કરો.
(૧) પ્રથમ સ્તર માટે સામગ્રી ઃ ૧ ગાજર, ૧ ડુંગળી, ૧/૨ કપ વટાણા, ૫ લવીંગ, ૨ એલચી, ૧ ચમચી હળદર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ મોટો ચમચો ઘી તેમજ નમક.
રીત ઃ ગાજર અને ડુંગળી બારીક કાપી લેવા. ગાજર અને વટાણાને ૩ મિનિટ માટે પ્રેશર કૂકરમાં પકાવો. ઘી ગરમ કરી તેમાં એલચી અને લવીંગ નાખો. તેમજ તેમાં ડુંગળી નાંખી લાલ થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં હળદર તેમજ ગરમ મસાલો અને પ્રમાણસર નમક નાખો. હવે તેમાં ચોખાનો એક ભાગ નાખી તેને થોડીવાર હલાવો. ત્યારબાદ તેને તેલ ચોપડેલ ખાનામાં નાખી પ્રથમ સ્તર બનાવો.
(૨) બીજા સ્તર માટે સામગ્રી ઃ ૧ ડુંગળી, ૩ ટમેટાં, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચાની ભૂકી, ૧૦ કાળી દ્રાક્ષ, ૧ મોટો ચમચો ગી, ૧ મોટો ચમચો ટમેટાનો સોસ, નમક.
રીત ઃ ડુંગળી તથા ટમેટાને સરખી રીતે કાપવા. ઘી ગરમ કરી તેમાં ડુંગળી તેમજ દ્રાક્ષ શેકવા.
તેમે ટમેટાં, ટમેટાનો સોસ તેમજ નમક અને ગરમ મસાલો નાખવો. ત્યારબાદ તેને ઘાટું મિશ્રણ થાય ત્યાં સુધી હલાવો. તેમાં ચોખાનો બીજો ભાગ નાખવો. પ્રથમ સ્તર પર રાખી બીજું સ્તર બનાવવું.
(૩) ત્રીજા સ્તર માટે સામગ્રી ઃ ૨ ડુંગળી, ૫ લવીંગ, ૧૦ નંગ કાપેલા કાજુ, ૨ એલચી, ૧ મોટો ચમચો ઘી, નમક.
રીત ઃ ડુગંળીને બારીક કાપો. હવે ઘીને ગરમ કરી તેમં ડુંગળીને લાલ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તમાં મસાલો નાખવો. તેમાં લવીંગ, એલચી અને કાપેલા કાજુ નાખો. એમાં ચોેખાનો ત્રીજો ભાગ નાખી હલાવો. તેને બીજા સ્તર ઉપર પાથરી ત્રીજું સ્તર બનાવો.
(૪) ચોથા સ્તર માટે સામગ્રી ઃ ૩ બટેટા, ૧/૨ ગુચ્છ કોથમીરની ભાજી, ૨ ચમચી હળદર, ૧ મોટો ચમચો ઘી, નમક.
રીત ઃ બટેટાને છોલી તેને નમક સાથે પ્રેશરકૂકરમાં ૪ થી ૫ મિનિટ પકાવો. ત્યારબાદ બટેટા અને કોથમીરને કાપો. હવે ઘીને ગરમ કરી તેમાં બટેટા, ભાજી અન નમક નાખી. હવે તેમાં ચોખાનો ચોથો ભાગ નાખો. આમ ત્રીજા સ્તર ઉપર ચોથું સ્તર બનાવો.
(૫) પાંચમું સ્તર સામગ્રી ઃ ૧ ગુચ્છ ફુદીના ભાજી, ૧/૨ કપ મગફળીના દાણા, ૩ લીલા મરચા, ૧/૨ કપ દાડમના દાણા, નમક.
રીત ઃ આ બધી સામગ્રીને પીસી બારીક પેસ્ટ બનાવો. તેમાં ચોખાનો પાંચમો ભાગ નાખી પાંચમું સ્તર બનાવો.
(૬) છઠ્ઠુ સ્તર સામગ્રી ઃ લીંબુ, દાડમના દાણા, કાળી દ્રાક્ષ.
રીત ઃ ચોખાના છઠ્ઠા ભાગ સાથે દાડમના દાણા અને કાળી દ્રાક્ષ ભેળવો. ત્યારબાદ તેમાં લીંબુ નીચવો. હવે આ સ્તરને પાંચમાં સ્તર ઉપર પાથરો. હવે આ છ સ્તર બનાવેલા ખાનાને પ્રેશરકુકરમાં ૩ થી ૪ મિનિટ પકાવો. ત્યારબાદ પુલાવને ઉલટું કરી કાઢી લો અને ગરમાગરમ પીરસો.

ગ્રીન એપલ
સામગ્રી ઃ ૪૦૦ ગ્રામ બટેટા, ૮ ચમચા માખણ, ૨૦૦ ગ્રામ પનીર, બે કાંદા બારીક સમારેલા, એક ચમચી મરીનો ભૂકો, આદુ-મરચા, મીઠુ, ટમેટાનો સોસ ૪ ચમચા, સફેદ સોસ, ૫-૬ બ્રેડની સ્લાઈસ, ગરમ મસાલો ૨ ચમચી, કોથમીર, ૨ ચમચા મોટા છાશ, ૧૫ લવંિગ, ખાવાનો લાલ તથા પીળો રંગ, તળવા માટે તેલ અથવા ઘી.
રીત ઃ સફેદ સોસ બનાવવા માટે બે કપ દૂધને બે ચમચી માખણ, એક ચમચો મેંદાનો લોટ, પહેલાં દૂધને ઉકાળી તેમાં માખણ અને મેંદાનો લોટ નાંખી ચઢાવું ગઠ્ઠા ન પડે તે માટે હલાવતાં રહેવું.
એપલ માટે ઃ બટેટાને બાફવા, છાલ ઉતારી બટેટાને તેમજ પનીરને સ્ટીલની ચાળણીમાં હથેળીથી દબાવી ચાળી નાંખવા જેથી એકદમ લીસો માવો થઈ જશે.
તપેલીમાં એક ચમચી ઘી મૂકી તેમાં બારીક સમારેલા કાંદા સાંતળવા બદામી થાય ત્યારે વાટેલા આદુ મરચાં, સ્વાદ પ્રમાણે નાંખી થોડી વાર હલાવી નીચે ઉતારી લેવા બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાળી નીચોવી તેનો માવો બનાવવો. બટેટા અને પનીરના માવામાં કાંદા તથા આદુ-મરચાં સાંતળેલા, સફેદ સોસ, મરીનો પાવડર ટમેટાનો સોસ, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે મીક્સ કરી મસાલાને એક તપેલામાં નાખી ગેસ ઉપર મૂકવું. એકધારું હલાવતા રહેવું. જ્યારે એકદમ લચકા જેવુ ં થાય અને વાસણ ઉપર ચોંટે નહિ ત્યારે પાકી ગયું છે તેમ જોઈ લેવું અને નીચે ઉતારી લેવું તેમાં બ્રેડનો માવો સારી રીતે મિક્સ કરવો.
અર્ધી ચમચી લીલો રંગ થોડા પાણીમાં ઓગાળી તેમાં રેડી બરાબર બધો મસાલો લીલો રંગનો થાય તેમ હલાવવું. આ મસાલાના ૧૪-૧૫ સરખા ભાગ કરવા માખણના ૧૪-૧૫ સરખા ભાગ કરી કઠણ રહે તે માટે ફ્રીઝમાં રાખવું.
બટેટાના માવાના લૂઆને હથેળીમાં તેલ લગાવી પૂરીની જેમ થોડો દબાવી તેમાં માખણનો એક પીસ મૂકી ફરતું દબાવી ગોળ બોલ બનાવી એપલનો શેઈપ આપવા માટે બંને હથેળીથી ઉપરનીચે થોડો દબાવી ચપટો બનાવવો. આ એપલને ફ્રીઝમાં રાખવા જેથી કઠણ થઈ જશે. તળતા પહેલા થોેડી વારે બહાર કાઢી ગરમ તેલમાં તળી બધા એપલને કાગળ પર ગોઠવવા. જેથી વધારાનું તેલ શોેષાઈ જાય અને ખાવામાં થોેડા હળવા લાગે બધા એપલના ઉપરના ભાગમાં એકએક લવીંગ ખોસવું.
લાલ રંગને પાણીમાં ઓગાળી પેઈન્ટ કરવાના બ્રશ વડે ગ્રીન એપલ ઉપર આછી આછી લાલાશ આપવી જેથી એકદમ ગ્રીન એપલ ફ્રૂટ જેવા જ લાગશે.
ડેકોરેશન ઃ એક ડીશમાં મોટું સફરજન ખમણી તેમાં મીઠું, મરી લીંબુ નાખી ડીશમાં નીચે પાથરી તેના ઉપર બટેટાના એપલ ગોઠવવા જેથી એકદમ સરપ્રાઈઝ એપલ લાગશે.
આલુ અનાર સુંદરી
સામગ્રી ઃ ૩ નંગ બટાટા, એક વાટકો મમરા, એક વાટકો પૌંઆ, ૧ વાટકો જુવારની ધાણી, ૧ વાટકો ચણાના લોટની ઝીણી સેવ, એક લાલ રંગના દાડમના દાણા, ૧/૨ વાટકી શીંગદાણા, ૨ નંગ ટમેટા, તલ ટોપરાનો ભૂકો, કોથમીર, આદુ-મરચાં, લીંબુ, સાકર, મીઠું, ગરમ મસાલો, વઘાર માટે અડદની દાળ, જીરું મીઠો લીંબડો અને ધાણાજીરુ તથા હળદર.
રીત ઃ બટાકાની છાલ ઉતારી તેની ચિપ્સ બનાવી તેલમાં તળી લો. તેના પર મીઠું અને મરીનો ભૂકો છાંટી એક બાજુ મૂકી રાખો. મમરા પૌંઆ અને ધાણીને સાફ કરી ત્રણેને ધોઈ નાખો પાણી એકદમ નીતારી બાજુ પર રાખો. આદુ-મરચાં વાટી લો. કોથમીર ટમેટા ઝીણા સમારી લો, એક કડાઈમાં તેલ મુકી તેમાં અડદની દાળ, જીરુ, મીઠો લીંબડો નાખો. શીંગદાણા પણ નાખી ગુલાબી પડતા તળી લો. ત્યારબાદ તેમાં પલાળેલા મમરા પૌંઆ તથા ધાણી નાખી દો. તેમાં આદુ-મરચાં, ટમેટાનો ટુકડા, તલ, લીંબુ, મીઠું, સાકર, હળદર, ધાણાજીરું, બધો મસાલો સ્વાદ પ્રમાણે નાખો ઉપર સેવ તથા દાડમના દાણા નાખી બઘું મિક્સ કરી નીચે ઉતારી લો.
એક ડીશમાં અનાર સુંદરી પાથરો તેના પર બટેટાની ચિપ્સ ગોઠવો અને ટોપરાનું ખમણ તથા કોથમીર ભભરાવો આંબલીની ચટણી અથવા સોસ સાથે પીરસવું.
આ વાનગી જલ્દી અને સ્વાદિષ્ટ બને છે. કાંદા વાપરતા હોય તેઓ એ કાંદા ઝીણા સમારી, તેલમાં સાંતળી અને ઉપયોગ કરી શકાય છે.

રાજાશાહી કચોરી

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ સોજી, ૧૫૦ ગ્રામ મોણ માટે ઘી, ૧ ચમચી એલચી પાઉડર, ૧૫૦ ગ્રામ માવો, ૧૫૦ ગ્રામ બૂરું, ૧૦ ગ્રામ ચારોળી, ૨૫ ગ્રામ નાળિયેરની છીણ, ૧૦ ગ્રામ કિશમિશ, ૧૦૦ ગ્રામ ખાંડ.

રીત ઃસોજી અને મેંદો ચાળીને એમાં એલચી પાઉડર ભેળવી દો. ૧૦૦ ગ્રામ ખાંડને ૧ કપ ગરમ પાણીમાં ઓગાળી એનાથી નરમ લોટ બાંધી દો. તેમાં મોણ માટેનું ઘી નાખી દેવું. હવે માવાને કડાઈમાં નાખી શેકી નાખો ને સહેજ લાલ થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. ઠંડો પડે એટલે તેમાં બૂરું અને મિક્સ મેવો ભેળવી, મસળી મિશ્રણ તૈયાર કરી નાખો.

લોટના ગોળ-ગોળ લૂઆ બનાવી એમાં એક-એક ચમચી માવાનું મિશ્રણ ભરી, બંધ કરીને હાથથી અથવા વેલણથી થોડું વણી નાખો. ઘી ગરમ કરી આછા સોનેરી રંગની કચોરી તળી નાખો.

 

ખજૂર-બ્રેડ ડિલાઇટ

સામગ્રી ઃ ૬ સ્લાઇસ બ્રેડ, ૨૫૦ ગ્રામ ખજૂર ઠળિયા વગરની, ૮-૧૦ અખરોટ, ૨ ચમચાં મેંદો, ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ મધ, તળવા માટે તેલ.

રીત ઃ ખજૂર અને અખરોટના નાના-નાના ટુકડા કરી નાખો. બ્રેડને શક્કરપારાના આકારમાં કાપો. બે સ્લાઇસની વચ્ચે ખજૂર અને અખરોટના ટુકડા મૂકો. પછી એમને કિનારેથી થોડી દબાવી દો. મેંદો અને દૂધ ભેળવી એનું ખીરું બનાવો. એમાં ભરેલી બ્રેડ ડુબાડી તેલમાં તળી નાખો. બ્રેડ ઠંડી થાય એટલે ઉપર મધ રેડી પીરસો.

લીલા નાળિયેરના લાડુ

સામગ્રી ઃ ૨ કપ લીલું નાળિયેર (છીણેલું), થોડા પિસ્તા, ૨ કપ પનીર છીણેલું, ૧/૨ કપ માવો અથવા મિલ્ક પાઉડર, ૧ કપ દળેલી ખાંડ.

રીત ઃ સૌથી પહેલાં માવો, પનીર અને દળેલી ખાંડને ભેગા કરી, હાથથી બરાબર મસળી તેના ગોળા વાળી દો.

દરેક ગોળાની અંદર એક-એક પિસ્તું મૂકી એમને નાળિયેરની છીણમાં રગદોળી થાળીમાં સજાવી દો. ઠંડા થાય એટલે પિસ્તાં અથવા કેસરથી સજાવીને પીરસો.

લીલો ચેવડો

બનાવવામાં લાગતો સમય ઃ ૧ કલાક

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પાલક, ૧/૨ કપ મેંદો, ૧/૨ કપ ચણાનો લોટ, ૧/૨ કપ સીંગદાણા, ૧ કપ પૌંઆ, ૧/૨ પ્યાલો લીલા સૂકા વટાણા, ૧/૨ કપ કાબૂલી ચણા, ચમચી ખાવાના સોડા, ૫-૬ લીલાં મરચાં, ૧ ચમચી જીરું ૧ ચમચો તલ, ૧/૪ સૂકું કોપરું, ૨ ચમચા કિશમિશ, ૧૫-૨૦ કાજુ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ખાંડ, તળવા માટે જરૂરી તેલ.

રીત ઃ ૨૦૦ ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, ૧ ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો.

બાકી વધેલી અડધી પાલકમાં ૧ ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો.

લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો.

કોપરાની લાંબી પાતળી ચિપ્સ કાપો. લીલાં મરચાં લાંબાા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો ૧/૨ સે. મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો.

ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવીને એની બુંદી તળી નાખો.

ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. કોપરું, તલ અને લીલાં મરચાં ૧/૨ ચમચી તલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.

સ્વીટ વેજિટેબલ

સામગ્રી ઃ ૧ વાટકી કોબીજ (છીણેલી), ૧ વાટકી છીણેલું કોળું, ૧ વાટકી છીણેલી દૂધી, ૨ મોટાં બટાટા (બાફીને મસળેલાં), ૧ ઝૂડી ફૂદીનો કે તુલસીનાં પાન, ૧ વાટકી માવો, ૧/૨ વાટકી મિક્સ મેવો (કતરેલો), ૧ ચમચી એલચી પાઉડર, ૨ વાટકી બૂરું, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી આદુંનો રસ, ૧/૪ વાટકી ચોખ્ખું ઘી.

રીત ઃ જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરી એમાં છીણેલાં બધાં શાકભાજી ચડવા દો. પછી પાંચ મિનિટ ઢાંકીને વઘુ ચડવા દો. શાક ચડી જાય અને પાણી શોષાઈ જાય એટલે બટાટા અને લીંબુનો રસ નાખી થોડી વાર રહેવા દો. હવે આંચ પરથી ઉતારી ઠંડુ કરો.

એક પહોળા વાસણમાં માવો, ખાંડ, મિક્સ મેવો અને શાકનું મિશ્રણ ભેગું કરો. એમાં ફૂદીનો કે તુલસીનાં પાન પણ ભેળવો. હવે એમાં એલચી પાઉડર નાખી તમને ગમતા આકારની મીઠાઈ બનાવી દો. તમે ઇચ્છો તો તેમાંથી ધૂઘરા કે પેંડા પણ બનાવી શકો.

 

પાલકની પૂરી

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ પાલક, ૧ મોટું ટામેટું, ૧ મોટી ડુંગળી, ૧ કપ ચણાનો લોટ, ૧/૨ કપ ચોખાનો લોટ, ૧ મોટું બટાટું, મોણ માટે ૨ ચમચા તેલ,

૧/૨ ચમચી અજમો, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી મીઠું, ચપટી હંિગ, તળવા માટે તેલ.

રીત ઃ પાલકને સમારીને બારીક વાટી નાખો. બટાટા બાફીને મસળી નાખો. ડુંગળી અને ટામેટા પણ છીણી નાખો. હવે બટાટા, ડુંગળી, ટામેટા, પાલક, ચણાનો લોટ, ચોખાનો લોટ, તેલ અને બધા મસાલા ભેગા કરી કઠણ લોટ બાંધી દો. લોટમાંથી ૧/૨ સે.મી. જાડો રોટલો વણી ગોળગોળ પૂરીઓ કાપી નાખો. એમાં ચપ્પુથી કે કાંટાથી કાણાં પાડી દો. ધીમી આંચે તેલમાં બદામી રંગની તળી નાખો. ઠંડી થાય એટલે ખાવ અને ખવડાવો.

 

પટ્ટી સમોસા

 

સામગ્રી ઃ- લોટ - મેંદો ૧૦૦ ગ્રામ, ઘઉંનો લોટ ૨ ટી સ્પુન, મીઠુ તેલ પ્રમાણસર, ચોખાનો લોટ ૪ ટી સ્પુન,

સ્ટફીંગ ઃ- બાફેલા બટેટા ૩ નંગ, બાફેલા વટાણા ૧૦૦ ગ્રામ, આદુ મરચા ૧ ટી સ્પુન, અનારદાણા અર્ધી ટી સ્પુન, ફુદીનો બારીક ૧ ટી સ્પુન,કોથમીર બારીક ૨ ટી સ્પુન, લીંબુના ફુલ અર્ધી ટી સ્પુન, ગરમ મસાલો અર્ધી ટી સ્પુન, તલ ૧ ટી સ્પુન, ખાંડ ૧ ટી સ્પુન

 

રીત ઃ- ૧. મેંદો ઘઉનો લોટ અને મીઠુ નાખી રોટલીનો લોટ બાંધો. બે રોટલી વચ્ચે તેલ લગાડો ચોખાનો લોટ લગાડો અને બંધ કરીને ફરીથી વણો શેકીને છુટો પાડો. તેમાંથી પટ્ટીઓ કાપો.
૨. સ્ટફીંગ માટે સ્ટોરપુન તેલ ગરમ કરીને આદુ મરચા તલ નાખો તેમાં જ અનારદાણા ક્રશ કરીને નાખો. લીંબુના ફુલ ગરમ મસાલો, મીઠુ, કોથમીર, ફુદીનો ખાંડ બઘુ નાખીને બટેટાનું છીણ તથા વટાણા મીકસ કરો.
૩. પટ્ટીઓ કાપીને સાઇડમાં મસાલો ભરો. ચોખાના લોટની પેસ્ટ લગાડીને સમોસા વાળો
૪. સમોસા ગરમ તેલમાં તળો.
૫. કાચા પાકા તળીને પછી રાખી શકાય છે. જયારે જરૂર પડે ત્યારે તળીને સર્વ કરો.

 

શાહી કોકોનટ

 

સામગ્રીઃ ૪ ગોળા સૂકા નારિયેળના, દોઢ કપ આંબાળાનો છૂંદો, (આંબળાને બાફી એના ઠળિયા કાઢીને પીસી લેવા. ૨૫૦ ગ્રામ દૂધનો માવો, ૫૦૦ ગ્રામ ખાંડ (પીસેલી), ૫૦ ગ્રામ ઘી, ૧૦૦ ગ્રામ બદામ, ૧૦૦ ગ્રામ કાજુ, ૫૦ ગ્રામ કિસમિસ, ૧૦ નાની ઇલાયચી, ૧ ટી સ્પૂન કાળા મરી, વધારાનું ઘી (નારિયેળના ગોળા ડૂબી શકે તેટલું).

 

રીતઃ બધી સામગ્રી અને સૂકામેવાને વાટી મેળવી દેવા, બરાબર હલાવવા. હવે નારિયેળના ગોળ ગોળાને જે સંપૂર્ણ રીતે બંધ આખા ગોળ હોય તેને ઉપરથી થોડુંક કાપી લેવું. સૂકો મેવો અને આંબળાના છૂંદાને બરાબર હલાવી મેળવી લેવો. હવે આ મિશ્રણ નારિયેળના ગોળામાં ભરવું. ત્યારબાદ નારિયેળનું મોં બંધ કરી દેવું. કોઇપણ પહોળા વાસણમાં આ નારિયેળને અડધા ઘીમાં ડુબાડી દેવા. ઉપર પાણી ભરાય એવી થાળી કે વાસણ મૂકી પાણી રેડી ચડવા દેવું. નારિયેળ નરમ થતા સુધી થવા દેવું. થયું કે નહીં તેની ખાતરી કરવા એમાં ચપ્પૂ ખોંસી જોવું. ચપ્પુ આસાનીથી જાય તો તૈયાર થઇ ગયું સમજવું. ત્યારબાદ ઉતારી ઠંડા કરીને, ૧ ઇંચ મોટી સ્લાઇસમાં (ગોળ-ગોળ) કાપવું.

 

[Top]
   

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૨

Gujarat Samachar POLL

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૨

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved