વિશ્વનું ત્રીજુ ંઅક્ષરધામ અમેરિકામાં, સૌથી મોટું હિંદુ મંદિર બનશે

અમદાવાદ, શુક્રવાર
વિશ્વનું ત્રીજું અક્ષરધામ અમેરિકામાં નિર્માણ પામશે. આ અક્ષરધામ અમેરિકાનું સૌથી મોટું હિંદુ મંદિર બનશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રદર્શન અને વિશાળ વોટર ફાઉન્ટન આ અક્ષરધામની વિશેષતા રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં સૌથી વધુ, ૧૦૦૦થી વધુ મંદિરો બનાવવાનો રેકોર્ડ બી.એ.પી.એસ.ના વડા, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો છે ત્યારે તેઓની જ પ્રેરણાથી ગાંધીનગર અને દિલ્હી બાદ અમેરિકાનાં ન્યૂજર્સી-રોબિન્સવિલ ખાતે આ અક્ષરધામનું નિર્માણ થશે.

બી.એ.પી.એસ.ના સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે ગાંધીનગર અક્ષરધામ(૧૯૯૨) ૨૩ એકરમાં પથરાયેલું છે અને દિલ્હી અક્ષરધામ(૨૦૦૫) ૧૦૦ એકરમાં પથરાયેલું છે. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી ખાતે નિર્માણ પામનાર આ અક્ષરધામ ૧૦૨ એકરનું બનશે. આ અક્ષરધામ, અમેરિકાનું સૌથી મોટું હિંદુ મંદિર બનશે. આ માટેની શિલાન્યાસ વિધિ પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થઇ ચૂકી છે.

તેમણે જણાવ્યું કે અમેરિકાની ધરતી ઉપર સમસ્ત માનવજાતને સુખી કરતાં ભારતીય શાશ્વત વૈદિક સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણનાં મૂલ્યોનો પરિચય મળી રહે તે હેતુથી અહીં અક્ષરધામનું નિર્માણ થઇ રહ્યું છે. સાથે જ અહીં પ્રાચીન ભારતીય વૈદિક સંસ્કૃતિને દર્શાવતું આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન, ખાસ કરીને અમેરિકન જનતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે. સાથે જ વર્લ્ડ ક્લાસ વોટર ફાઉન્ટન પણ અહીં નિર્માણ પામશે.

તેમણે જણાવ્યું કે આ મંદિરની વિશેષતા એ રહેશે કે બી.એ.પી.એસ.ની ઇન હાઉસ ટીમ દ્વારા જ અક્ષરધામની અથથી માંડી ઇતિ સુધીનું નિર્માણ કાર્ય થશે. અર્થાત્ અક્ષરધામ નિર્માણનું સંપૂર્ણ કાર્ય માત્રને માત્ર સંતો અને સ્વયંસેવકો જ કરશે.સાથે જ આ મંદિર નિર્માણ માટેની બધી જ પરવાનગી બી.એ.પી.એસ.ને મળી ગઇ છે.
અહીં બી.એ.પી.એસ. દ્વારા ચાલતી ૧૬૦ માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ ચાલશે.

મંદિર ભારતીય સંસ્કૃતિની જીવંત ધરોહર ઃ પ્રમુખસ્વામી મહારાજ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મંદિર અંગે જણાવે છે કે મંદિર એ માત્ર શિલ્પ-સ્થાપત્ય નથી પરંતુ ભારતીય સંસ્કૃતિની જીવંત ધરોહર છે. ભગવાનને પામવાનું કેન્દ્ર છે. સામાજિક ઉત્થાન, કળા-કૌશલ્ય, ભજન-ભક્તિ, સેવા-સમર્પણ અને સુખ-શાંતિ પામવા માટેનું પવિત્ર સ્થાન છે, એમ તેમણે ઉમેર્યુ હતું.