Last Update : 22-Dec-2011,Thursday
 

મોબાઈલ અને ઇન્ટરનેટસોશિયલ એન્કઝાઈટી ડિસઓર્ડર'ની બીમારી સર્જે છે

 

મોબાઈલ અને ઇન્ટરનેટના અતિરેકને કારણે ટીનએજરો નવતર મનોરોગનો
મોટા પાયે શિકાર બની રહ્યા છે

મુંબઈની એક ગુજરાતી કોલેજની કન્યા એક નવતર માનસિક રોગની સારવાર લઈ રહી છે. ૧૬ વર્ષની રાગિણી મહેતાએ ડ્રગ્સનો નહીં પણ મોબાઈલ ફોનનો નશો વળગ્યો હતો. આ નશો એટલો માદક હતો કે રાગિણી દિવસના ૧૬ કલાક માત્ર પોતાના મોબાઈલ ફોન સાથે જ પસાર કરવા લાગી હતી. પોતાનો સેલફોન લઈને તે એક રૃમમાં પુરાઈ રહેતી અને આખો દિવસ કોલેજના મિત્રો સાથે મોબાઈલ પર વાતો કર્યા કરતી અથવા તેમને એસએમએસ કરવા લાગતી હતી. મોબાઈલે તેના મગજ ઉપર એવો કબજો જમાવી લીધો હતો કે હવે તે પોતાના મિત્રોને અને સ્વજનોને મળવાનું પણ ટાળતી હતી. રાગિણી ૧૨ વર્ષની હતી ત્યારે જ તેના પપ્પાએ તેને મોબાઈલ આપી રાખ્યો હતો, જેથી તેઓ પોતાને ફુરસદ મળે ત્યારે દીકરી સાથે વાત કરે. રાગિણી કોલેજમાં આવી ત્યાં સુધીમાં મોબાઈલ ફોનનું વ્યસન નશાની હદે આગળ વધી ચૂક્યું હતું. એક વખત તેણે પપ્પા પાસે નોકિયાના નવા મોડેલનો મોબાઈલ માગ્યો. તેના પપ્પા આટલો ખર્ચ કરવા તૈયાર નહોતા એટલે રાગિણીએ પપ્પાના એક મિત્ર ઘરે રહેવા આવ્યા હતા તેમના પાકિટમાંથી પૈસાની ચોરી કરી. તેના પપ્પાને ભારે આઘાત લાગ્યો. તેમણે રાગિણી પાસેથી તેનો મોબાઈલ ખૂંચવી લીધો. રાગિણીના માથે જાણે આભ તૂટી પડયું. મોબાઈલ વગર જિંદગી કેવી રીતે જીવવી તેની કલ્પના કરતાં જ તેને ચક્કર આવી ગયા. તેણે પોતાના કાંડા ઉપર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. એક મહિનાની સારવાર પછી તે સાજી થઈ છે પણ મોબાઈલના વ્યસનમાંથી પૂરેપૂરા બહાર આવવા માટે તેણે હજી મહિનાઓ સુધી મનોચિકિત્સકની સારવાર હેઠળ રહેવું પડશે.
મોબાઈલ માટે આપઘાતનો પ્રયાસ કરનારી મુંબઈની કોલેજ કન્યાઓ આ કિસ્સો આત્યંતિક છે, પણ દેશનાં અનેક મહાનગરોમાં લાખો ટીનેજરો આજે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ જેવા અદ્યતન સાધનોના વ્યસનમાં ડૂબી ચૂક્યા છે એ નક્કી છે. આ વ્યસન ડ્રગ્સના અથવા દારૃના નશા કરતાં પણ એક અપેક્ષાએ વધુ ભયંકર છે. કોઈ પણ યુવાન દારૃ કે ડ્રગ્સનો નશો સમાજના દેખતા કરી શકતો નથી, કારણ કે આ નશાને ખરાબ માનવામાં આવે છે. મોબાઈલને તો આજે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હોવાથી સંતાનો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે તો મમ્મી-પપ્પાઓ ગૌરવની લાગણી અનુભવતાં હોય છે. મોબાઈલના આ નશાના અનેક લક્ષણો છે. આ નશાનો શિકાર બનતાં યુવક-યુવતીઓ લોકોને રૃબરૃ મળવાનું અને વાતો કરવાનું ટાળે છે. તેઓ એકલવાયા અને અતડા બની જાય છે. પોતાના સગા મા-બાપ સાથે વાત કરવાની પણ તેઓને ફુરસદ હોતી નથી. મોબાઈલના તેઓ એટલી હદે ગુલામ બની જાય છે કે બીલ ભરવાની ત્રેવડ ન હોય ત્યારે ઘરમાં ચોરી કરતાં પણ તેઓ અચકાતા નથી.
આપણી આજુબાજુ નજર દોડાવીશું તો મોબાઈલ ફોનના અનેક બંધાણીઓ નજરે ચડશે. કોઈ નવપરિણીત પતિદેવ હનિમૂન વખતે પણ પોતાની નવોઢા પત્ની માટે સમય ફાળવવાને બદલે મોબાઈલ ઉપર ધંધાની વાતો કર્યા કરે છે. જેને કારણે હનીમૂન કડવું બની જાય છે. મોટર બાઈક ચલાવતા યુવાનો ખભા અને કાન વચ્ચે મોબાઈલ દબાવી ડ્રાઈવિંગ કરતા એક્સિડન્ટ કરી બેસે છે. આપણે કોઈ મિત્રને મળવા તેના ઘરે ગયા હોઈએ ત્યારે તે આપણી ઉપર ધ્યાન આપવાને બદલે પોતાના મોબાઈલ ઉપર જ વાત કરીને આપણી ઉપેક્ષા કરે છે. સ્ત્રીઓ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે મોબાઈલ ઉપર વાતો કર્યા કરે તેને કારણે ભળતી જ ચીજવસ્તુઓ ખરીદી ઘરે આવી જાય છે. ઘણાં યુવાનો સારું નેટવર્ક મળે તે માટે પોતાની બાલ્કનીમાંથી એટલા બધા બહાર ઝુકે છે કે તેઓ પડી જશે એવો ડર લાગ્યા કરે છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોય ત્યારે પણ એકબીજાના મોબાઈલ ઉપર ટેક્સટ મેસેજો મોકલી શિક્ષકની ફિરકી ઉતાર્યા કરે છે.
એવા અનેક લોકો છે જેમની પાસે છ કંપનીઓના છ મોબાઈલ હોય અને આ બધા તેઓ સાથે લઈને ફરતા હોય. આ લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ એક માનસિક બિમારીનો શિકાર બન્યા છે. જે ટીનએજરો આખો દિવસ મોબાઈલ ઉપર વાતો કર્યા કરે, એસએમએસ કર્યા કરે કે ઇન્ટરનેટ ઉપર ચિટચેટ કર્યા કરે તેઓ સોશિયલ એન્ઝાઈટી ડિસઓર્ડર નામના મનોરોગનો શિકાર બની જાય છે. તેઓ લોકોને રૃબરૃ મળતા કે તેમની સાથે વાતચીત કરતા ગભરાય છે. આ મનોરોગનો શિકાર બનેલા લોકોને કોઇને મળવું પડે ત્યારે તેમને ડર લાગે છે કે સામેની વ્યક્તિ તેની આરપાર જોયા કરશે અને નબળાઈઓ શોધી કાઢશે. આ કારણે આવા મનોરોગીઓ કોઈને પણ મળતી વખતે સજાગ બની જાય છે અને આત્મવિશ્વાસના અભાવનો અનુભવ કરે છે. આ પ્રકારની વિમાસણમાં મૂકાવાને બદલે તેઓ કોઈને પણ મળવાનું ટાળે છે અને અતડા બની જાય છે. એવા પણ યુવક યુવતીઓ છે જેઓ ઘરમાં હોય તો પણ તેમની સાથે વાત કરવા માટે તેમના સ્વજનોએ તેમનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધવો પડે છે. મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરતી વખતે તેઓ પોતાની નબળાઈઓ છૂપાવી શકે છે અને માત્ર સારી બાજુ રજૂ કરી શકે છે. રૃબરૃ મળતી વખતે તેમને ભય પેદા થાય છે કે તેમના દેખાવની કે વ્યક્તિત્વની જે નબળી બાજુઓ છે તે સામેવાળાની નજરે ચડી જશે.
મુંબઈમાં પ્રેક્ટિસ કરતા એક મનોચિકિત્સક કહે છે કે તેમની પાસે સારવાર માટે આવતા ૪૦ ટકા દર્દીઓ મોબાઈલ અથવા ઇન્ટરનેટને કારણે સોશિયલ એન્કઝાઈટી ડિસઓર્ડરનો ભોગ બનેલા હોય છે. આ રોગમાં શરીર ઉપર પસીનો છૂટી જાય છે, હૃદયના ધબકારા એકાએક વધી જાય છે, માથું દુઃખે છે અને ગભરામણ થાય છે. આ લક્ષણો શરમ કે સંકોચના નથી પણ સોશિયલ એન્કઝાઈટી ડિસઓર્ડરના છે. આ રોગનો ભોગ બનેલી વ્યક્તિ જાહેર સ્થળે આવે ત્યારે તેને એવું લાગ્યા કરે છે કે બધા તેને જોઈ રહ્યા છે અને તેનું મૂલ્યાંકન કરવાની કોશિષ કરી રહ્યા છે. તેમને એવો ભય પેદા થાય છે કે લોકો તેમની બાબતમાં હલકો અભિપ્રાય ધરાવવા લાગશે. સોશિયલ એન્કઝાઈટી ડિસઓર્ડરનો ભોગ બનેલા યુવક-યુવતીઓ કોલેજમાં જવાનું ટાળે છે. તેઓ જે કંપનીમાં નોકરી કરતા હોય ત્યાં પણ તેમના અતડાપણાને કારણે તેમના કામ ઉપર અસર થાય છે અને ક્યારેક નોકરીમાંથી પાણીચું પણ પકડાવી દેવામાં આવે છે. ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનના સાનિધ્યમાં આ લોકોને એકજાતની સલામતીનો અનુભવ થાય છે પણ પોતાના નજીકના લોકો સાથે તેમનો સંપર્ક તુટી જાય છે.
વિજ્ઞાાનની કોઈ પણ શોધ હોય તેની ખાસિયત એ છે કે તેના ફાયદાઓની જાહેરાત ઢોલનગારા પીટીને કરવામાં આવે છે, પણ તેના ગેરફાયદાઓનો સ્વીકાર મોડેથી અને ખચકાટ સાથે કરવામાં આવે છે. આજે ભારતના ૪ કરોડ લોકો નિયમિત ઇન્ટરનેટ સર્ફિંગ કરે છે. અને ૬૮ કરોડ લોકો મોબાઈલ ફોન વાપરે છે. કોલ સેન્ટરમાં કે બેન્કોમાં કામ કરતા કર્મચારીઓની તો લાઈફલાઈન જ કોમ્પ્યુટર છે. આજે ભારતમાં ૧૧ લાખ લોકો ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈ.ટી.)ના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, જેમણે દિવસના સરેરાશ ૧૦ કલાક કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તાકીને બેસી રહેવું પડે છે. ઓફિસમાં કામ કરતો કર્મચારી તેની કારકિર્દી દરમિયાન ૮૦,૦૦૦ કલાક કોમ્પ્યુટરના સ્ક્રીન સામે બેસે છે.
ભારત આજે ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં આશરે બે કરોડ લોકો કોમ્પ્યુટર ધરાવતા થયા છે અને આ સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. દુનિયાના પ્રોફેશનલો અઠવાડિયામાં ૪૩ કલાક કામ કરે છે, જેની સામે ભારતના વ્યાવસાયિકોનું અઠવાડિયું ૬૦ કલાકનું હોય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા ૯૦ ટકા લોકો રોજના ચાર કલાક કરતા વધુ સમય કોમ્પ્યુટરના સ્ક્રીન સામે બેસે છે. કોમ્પ્યુટરનો ઉપયોગ કરતાં લોકો એક દિવસમાં ૨૫,૦૦૦ વખત પોતાની આંખને દસ્તાવેજ, કી-બોર્ડ અને સ્ક્રીન વચ્ચે ઘૂમાવે છે, જેને કારણે આંખોના સ્નાયુઓ અને પોપચાં ઉપર ભારે બોજો આવી જાય છે. આપણી આંખો કુદરતી રીતે આટલો બોજો વહન કરવાને ટેવાયેલી ન હોવાથી તે સહેલાઈથી કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બની જાય છે. આ બીમારીની સારવાર માટે ડોક્ટર પાસે જવું પડે છે.
ઇન્ટરનેટ અને મોબાઈલની સમસ્યા ભારત કરતાં અમેરિકાને વધુ સતાવી રહી છે. અમેરિકાના ૧૨ ટકા નાગરિકો આ મનોરોગથી પીડાઈ રહ્યા છે. મોબાઈલ ફોનને કારણે લગ્નજીવનમાં ભંગાણના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. મુંબઈમાં નોકરી કરતું એક યુગલ દિવસ દરમિયાન કલાકો સુધી એકબીજા સાથે મોબાઈલ ઉપર વાતો કરી લે છે. તેઓ ઘરે આવે ત્યાં સુધીમાં તેમની બધી વાતો ખૂટી ગઈ હોય છે અને શું વાત કરવી એ જ તેમને સમજાતું નથી. આ કારણે તેમના લગ્નજીવનની ઉષ્મા ઓછી થઈ ગઈ છે. કેટલાક પુરૃષો પથારીમાં પડે ત્યારે પણ સેલફોન સાથે લઈને સૂવે છે, રાત્રિ દરમિયાન દસ વખત જાગીને તેઓ મેસેજ ચેક કર્યા કરે છે. પત્ની કરતા વધુ વહાલ તેઓ પોતાના મોબાઈલને કરતા હોય છે. આ કારણે મામલો ક્યારેક ડિવોર્સ સુધી પહોંચી જાય છે. મોબાઈલ ફોનની શોધને સંદેશાવ્યવહારની ક્રાંતિ માનવામાં આવે છે. આ ક્રાંતિ વડે આપણે અમેરિકામાં વસતા નેટફ્રેન્ડ સાથે ગોષ્ટિ કરી શકીએ છીએ પણ ઘરમાં જ વસતા સ્વજનો સાથે આપણી કોમ્યુનિકેશન લિન્ક તૂટી ગઈ છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved