Last Update : 21-Dec-2011,Wednesday
 

ફૂડ સિક્યોરિટી બિલને કારણે ભૂખમરો ઘટવાને બદલે વધશે

 

ફૂડ સિક્યોરિટીના સૂચિત કાયદાના અમલ માટે બજારમાંથી મોટા પ્રમાણમાં અનાજની ખરીદી થવાને કારણે અનાજના ભાવો બેફામ વધશે અને ગરીબો ભૂખમરાનો વધુ ભોગ બનશે
આપણી સરકાર જે હેતુઓ સાથે કાયદાઓ બનાવે છે તે હેતઓ કાયદાના અમલથી સિદ્ધ થાય તેવું જરૃરી નથી. ઘણી વખત સરકાર જે હેતુ માટે કાયદો બનાવે તેનાથી ઊંધું જ પરિણામ આવતું હોય છે. તેનું કારણ એ છે કે આ કાયદાના અમલ માટેનું સરકરી તંત્ર ભ્રષ્ટ, ઉદાસીન અને બિનકાર્યક્ષમ હોય છે. કેન્દ્રના પ્રધાનમંડળે તાજેતરમાં જ શ્રીમતી સોનિયા ગાંધીના બ્રેઇનચાઇલ્ડ ગણાતા ફૂડ સિક્યોરિટી બિલને બહાલી આપી છે. આ બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલમાં ગામડાંઓમાં વસતાં ૭૫ ટકા અને શહેરોમાં વસતાં ૫૦ ટકા લોકોને તદ્દન સસ્તા ભાવે અનાજ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જો આ બિલ કાયદો બનશે તો કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા અનાજ માટે આપવામાં આવતી સબસિડીનો આંકડો વર્ષે ૨૭,૬૬૩ કરોડ રૃપિયા વધીને ૯૫,૦૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી જશે. આટલો જંગી ખર્ચો સરકારી તિજોરીમાંથી કર્યા પછી દેશમાં ભૂખમરો ઘટવાને બદલે વધે એવું આ યોજનાનું સ્વરૃપ ઘડવામાં આવ્યું છે.
ભારત એક બાજુ આર્તિક રીતે સમૃદ્ધ થવાનો દાવો કરે છે અને બીજી બાજુ આપણા દેશમાં ભૂખમરો વધી રહ્યો છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (જાગતિક ભૂખમરાનો આંક)માં દુનિયાના ૮૮ વિકાસશીલ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આજની તારીખમાં ભારતનો નંબર ૬૬મો આવે છે. દર વર્ષે ભારતમાં આશરે ૨૫ લાખ લોકો ભૂખમરાને કારણે થતાં રોગોને કારણે મરે છે. ભારતમાં માતા બનવાની ક્ષમતા ધરાવતી ૫૬ ટકા સ્ત્રીઓ અપોષણથી પીડાય છે. પરિણામે તેઓ જે બાળકોને જન્મ આપ છે તેઓ પણ માયકાંગલા હોય છે. ભારતમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ૫૭ ટકા બાળકો કુપોષણથી પીડાતાં હોય છે અને ઓછું વજન ધરાવતાં હોય છે. અત્યારે ભારતમાં ગરીબોને સસ્તા દરે અનાજ અને પોષણ આપવા ાટે જાહેર વિતરણ વ્યવસ્થા, અંત્યોદય અન્ન યોજના અને મધ્યાહ્ન ભોજન યોજના વગેરે અનેક યોજનાઓ અમલમાં છે. આ બધી યોજનાઓ શા માટે નિષ્ફળ ગઇ છે તેનું ચિંતન કર્યા વિના જ સરકાર એક નવી યોજના અમલમાં લાવી રહી છે. આ યોજના પણ નિષ્ફળ જવાની ભીતિ છે, કારણ કે તેમાં અગાઉની યોજનાઓ માટે નિષ્ફળ ગયેલા ભ્રષ્ટ સરકારી તંત્રનો જ આધાર લેવામાં આવવાનો છે.
ફૂડ સિક્યોરિટી બિલની જોગવાઇઓ મુજબ દેશની જનતાને બે વિભાગોમાં વહેંચી દેવામાં આવશે. જે નાગરિકોનો સમાવેશ ''પ્રાયોરિટી' કક્ષામાં કરવામાં આવ્યો હશે તેમને દર મહિને સાત કિલો ચોખા, ઘઉં અથવા જાડું ધાન્ય અનુક્રમ ૩, ૨ અને ૧ રૃપિયે કિલોગ્રામના ભાવે આપવામાં આવશે. જો એક પરિવારમાં પાંચ સભ્યો છે એમ માની લઇએ તો આ પરિવારને દર મહિને ૩૫ કિલોગ્રામ અનાજ માત્ર ૭૦ રૃપિયામાં આપવામાં આવશે. બીજો વિભાગ 'જનરલ' હશે. તેમાં જે નાગરિકોનો સમાવેશ કરવામાં આવશે તેમને વ્યક્તિદીઠ મહિને ત્રણ કિલોગ્રામ અનાજ સરકાર દ્વારા જે ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદવામાં આવે છે તેની ૫૦ ટકા કિંમતે આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આકલન મુજબ દેશના આશરે ૬૩.૫૦ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે અને તેને કારણે દેશમાંથી ભૂખમરો નાબૂદ થઇ જશે. પરંતુ આ યોજનાનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરતાં ખ્યાલ આવશે કે તેને કારણે અનાજના ભાવોમાં વૃદ્ધિ થવાને કારણે દેશમાં ભૂખમરો વધશે.
અત્યારે કેન્દ્ર સરકાર તરફથી બીપીએલ (ગરીબી રેખા હેઠળના નાગરિકો) માટે સસ્તા અનાજની યોજના અમલમાં ચે. આ યોજના મુજબ જેમની પાસે બીપીએલ રેશનકાર્ડ છે તેમને સરકાર તરફથી પરિવાર દીઠ મહિને ૨૫ કિલોગ્રામ ચોખા અથવા ઘઉં ત્રણ રૃપિયે કિલોગ્રામના ભાવે આપવામાં આવે છે. સરકારની અંત્યોદય અન્ન યોજના મુજબ અત્યંત ગરીબ પરિવારોને મહિને ૩૫ કિલો ઘઉં અથવા ચોખા બે અથવા ત્રણ રૃપિયે કિલોગ્રામના ભાવે આપવામાં આવે છે. આ યોજનાની કઠણાઇ એ છે કે જે ગરીબોને આ સસ્તું અનાજ મળવું જોઇએ તેમના સુધી આ અનાજ પહોંચતું નથી પણ સરકારી અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો આ અનાજ ખુલ્લાં બજારમાં વેચીને કમાણી કરે છે. આ અધિકારીઓ અને દુકાનદારોના ભરોસે જ ફૂડ સિક્યોરિટી એક્ટની યોજના ઘડવામાં આવી છે.
આપણા દેશમાં ભૂખમરો વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે દેશમાં અનાજના ભાવો સતત વધી રહ્યા છે. અનાજના ભાવો વધવાનું કારણ એ છે કે અનાજનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. અનાજનો ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ કૃષિમાં વાપરવામાં આવતાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને હાઇબ્રીડ બિયારણો છે. જો કિસાનો આ કેમિકલ્સનો મોહ છોડીને દેશી બિયારણ અને ઓર્ગેનિક ખેતી તરફ વળે તો અનાજના ભાવો નીચા આવે. અનાજના ભાવો નીચા આવે એટલે દેશના તમામ લોકો સરકારી સબસિડીઓની જાળમાં ફસાયા વિના ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદીને ખાઇ શકે અને દેશમાંથી ભૂખમરો દૂર થાય તેમ છે. તેને બદલે ફૂડ સિક્યોરિટી યોજના માટે સરકાર કિસાનો પાસેથી ૬.૧ કરોડ ટન અનાજ ટેકાના ભાવે ખરીદી કરશે તેને કારણે બજારમાં અનાજના ભાવો વધશે. જે ગરીબોને સરકારી તંત્ર 'પ્રાયોરિટી' કાર્ડ આપવામાં નિષ્ફળ ગઇ હશે તેમણે ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવું પડશે. તેમની પાસે આ મોંઘ અનાજ ખરીદવાના નાણાં નહીં હોય. આ કારણે તેમણે ભૂખમરાનો ભોગ બનવું પડશે અથવા ચોરી- લૂંટફાટ કરીને પોતાનું પેટ ભરવું પડશે.
સરકાર દ્વારા જ્યારે બીપીએલ રેશન કાર્ડ કાઢ્યા ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજનાનો લાભ લેનારા કોઇ ગરીબે ભૂખે નહીં મરવું પડે. ભ્રષ્ટ અધિકારીઓ બીપીએલ કાર્ડ આપવા માટે પણ ગરીબો પાસે લાંચ માગવા લાગ્યા. જે ગરીબો લાંચ આપવા તૈયાર નહોતા તેમની પાસે જાતજાતના દસ્તાવેજો માંગીને તેમને મૂંઝવી નાંખવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે જે કરોડો ગરીબો આ યોજનાનો લાભ લેવાની પાત્રતા અને આવશ્યકતા ધરાવતા હતા તેઓ આ યોજનામાંથી બાકાત રહી ગયા. વર્તમાન નાણાંકીય વર્ષમાં બીપીએલ પરિવારો માટે જેટલા ઘઉં ફાળવવામાં આવ્યા હતા તેમાંના ૬૪ ટકા ઘઉંનો અને ૭૫ ટકા ચોખાનો જ ઉપાડ થયો છે. આ કારણે સરકારના ગોદામોમાં ૨.૯૭ કરોડ ટન અનાજનો ભરાવો થયો છે. આ અનાજ સડી રહ્યું છે. પણ લોકોના પેટ સુધી પહોંચતુ નથી. આ સૂચવે છે કે સરકારના બિનકાર્યક્ષમ તંત્રના પાપે ગરીબો સુધી તેમના હક્કનું સસ્તું અનાજ પહોંચતું નથી. જે અનાજ દુકાનો સુધી પહોંચે છે તેના પણ કાળા બજાર થઇ જાય છે.
હવે નવા ફૂડ સિક્યોરિટી કાયદા હેઠળ સરકાર એપીએલ રેશન કાર્ડના સ્થાને 'જનરલ' કાર્ડ અને બીપીએલ રેશન કાર્ડના સ્થાને 'પ્રાયોરિટી' કક્ષાનાં કાર્ડ ગરીબોને આપવા ધારે છે. તેનો અર્થ એ થયો કે જે ગરીબોએ ધક્કાઓ ખાઇને, સરકારી અધિકારીઓને લાંચ આપીને, કરગરીને જે બીપીએલ કાર્ડ મેળવ્યાં છે તે હવે નકામા થઇ જશે અને તેમને નવાં કાર્ડ મેળવવાનું કહેવામાં આવશે. તેઓ જો આ કાર્ડ મેળવવામાં નિષ્ફળ જશે તો તેમને ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવાની ફરજ પડશે. સરકારે ખુલ્લા બજારમાંથી અનાજની મોટા પાયે ખરીદી કરી લીધી હોવાથી ખુલ્લા બજારમાં અનાજના ભાવો વધી ગયા હશે. આ કારણે અત્યાર કરતાં વધુ ગરીબો ભૂખમરાનો ભોગ બનશે.
સરકાર સંસદમાં જે ફૂડ સિક્યોરિટી બિલ લાવવા માંગે છે તેનો અસલી ઇરાદો ગરીબોને અને ખેડૂતોને નહીં પણ ઉદ્યોગપતિઓને, મલ્ટિનેશનલ કંપનીઓને અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓને ફાયદો કરાવી આપવાનો છે. સરકાર દ્વારા ખુલ્લા બજારમાંથી અનાજના જંગી જથ્થાની ખરીદી કરવામાં આવશે એટલે અનાજના ભાવો વધશે. અનાજના ભાવો વધશે એટલે કિસાનોના હાથમાં વધુ રૃપિયા આવશે, પણ તેનો ફાયદો તેમને નહીં થાય. કિસાનો પાસે જે વધારાના રૃપિયા આવશે તેનો ઉપયોગ તેઓ મલ્ટિનેશનલ કંપનીઓનું હાઇબ્રીડ બિયારણ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે કરશે. સરવાળે ભારતના નાગરિકો અનાજની જે ઊંચી કિંમત ચૂકવશે તેનો લાભ રાસાયણિક ખાતરો,જંતુનાશક દવાઓ અને સંકર બિયારણોનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓને જ થશે. હકીકતમાં તેમને ફાયદો કરાવી આપવાની ગણતરીથી જ આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેનાથી ભૂખે મરતાં ગરીબોને લાભ થાય તેવી સંભાવના બહુ ઓછી છે.
ફૂડ સિક્યોરિટી બિલ દ્વારા આપણી સરકાર એવું પુરવાર કરવા માંગે છે કે આપણાં ગામડાંઓમાં રહેતી ૭૫ ટકા પ્રજા અને શહેરોમાં રહેતી ૫૦ ટકા પ્રજા એટલી કંગાળ છે કે તેઓ સરકારી સબસિડી વિના પોતાના પેટની ભૂખ ભાંગી શકે તેમ નથી. જો આ વાત સાચી હોય તો નવ ટકાના આર્થિક વિકાસ દરની અને દેશની વધી રહેલી સમૃદ્ધિની બધી વાતો બકવાસ છે. જો ખરેખર દેશમાં સમૃદ્ધિ વધી રહી હોય તો પણ તે સમૃદ્ધિ થોડાક શ્રીમંતોની અને ઉદ્યોગપતિઓની જ વધી રહી છે. દેશની ૬૩.૫૦ ટકા પ્રજા આજે પણ ભિખારી જેવી હાલતમાં જીવે છે એમ આપણી સરકાર આપણને મનાવવાની કોશિષ કરી રહી છે. અથવા આ ૬૩.૫૦ પ્રજાના નામે સરકારી ગોદામોમાંથી સસ્તું અનાજ ઉપાડવામાં આવશે અને સરકારી અધિકારીઓ તેને પાછલાં બારણે ખુલ્લા બજારમાંથી વેચીને અઢળક કમાણી કરશે. જો સરકાર દેશનો ભૂખમરો નાબૂદ કરવા માંગતી હોય તો ખુલ્લા બજારમાં અનાજના ભાવો ઘટે તે રીતે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઇએ. બીજો કોઇ રસ્તો જ નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved