Last Update : 21-Dec-2011,Wednesday
 

તિહાર જેલમાં કિરણ બેદીએ કરેલા સુધારા રંગ લાવી રહ્યા છે

 

તિહાર જેલમાં મળતી વ્યાવસાયિક તાલીમ આશીર્વાદરૃપ બની છે કેદીઓના પુનર્વસન માટે

છેલ્લાં ઘણાં સમયથી દિલ્હીની તિહાર જેલ રાજકરણમાં તેમ જ ઉદ્યોગ જગતમાં રહેલા મોટા માથાઓના 'ઘર' તરીકે ચર્ચામાં રહી છે. ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંડોવાયેલા એ. રાજા અને કનીમોઝીથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ તેમ જ ડીબી રિયલ્ટીનાશાહિદ બલવા માટે મહિનાઓ સુધી આ જેલ જ 'ઘર' બની ગઈ હતી. અલબત્ત, એ. રાજા હજી પણ ત્યાં મહેમાનગતિ ભોગવી રહ્યા છે. અખબારના કાર્ટુનિસ્ટો ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ને તિહાર જેલના સળિયા પાછળ ચિતરી ચૂક્યા છે. આ કાર્ટૂનિસ્ટોએ તો વડા પ્રધાન મનમોહન સિંહ સુદ્ધાં તિહાર જેલ તરફ જઈ રહ્યા છે એવું દર્શાવીને એમ પણ લખ્યું હતું કે હવે સંસદ આ જેલમાં ભરાશે. પરંતુ આપણે આજે અહીં તિહાર જેલ સાથેના રાજકીય નેતાઓના 'ગઠબંધન'ની વાત નથી કરવાની. પરંતુ આ જેલમાં રહેતા કાચા કામના કેદીઓને આપવામાં આવતી વ્યવસાયિક તાલીમ અને તેમના પુનર્વસન વિશે વાત કરવાની છે.
સાત કેદીઓનું એક જૂથ સંગીતના વિવિધ વાજિંત્રો પર કિશોરકુમારના ગીત ગાવા-વગાડવાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. બધાના ચહેરા પર આનંદ છવાયેલો છે. જેલના ઓરડાની ઊંચી દિવાલોની સળિયાવાળી બારીની બહાર બે સિપાહી પહેરો ભરી રહ્યા છે. ભારતની સૌથી વિશાળ તિહાર જેલના પરિસરમાં આવેલી ૧૦ જેલમાંથી જેલ નંબર ત્રણમાં કાચા કામના કેદીઓ આ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આને આપણે 'જેલહાઉસ રોક' નામ આપી શકીએ? મહત્ત્વની વાત એ છે કે તેઓ જેલમાં નહોતા ધકેલાયા ત્યાં સુધી તેમને પોતાને પણ એ વાતની ખબર નહોતી કે તેઓ આટલું સરસ ગાઈ-વગાડી શકે છે. તેમની આ આવડત બહાર લાવનાર જેલ અધિકારીઓ જ છે. તબલા પર તાલબદ્ધ રીતે આંગળીઓની થાપ આપી રહેલો હરપાલ કહે છે કે જો હું ઘરમાં હોત તો મને આ પ્રવૃત્તિ ક્યારેય ન કરવા મળત.
એવું નથી કે તિહાર જેલમાં આ એક જ જૂથ ઓર્કેસ્ટ્રાની પ્રેક્ટિસ કરી રહ્યું છે. વાસ્તવમાં અહીંની દસેદસ જેલમાં ગિટાર, ડ્રમ, બોંગો, હારમોનિયમ, તબલા અને કીબોર્ડ જેવા વાજિંત્રોથી સજ્જ એક-એક સંગીત કક્ષ છે. અહીં નિષ્ણાત સંગીતકારો કેદીઓને તાલીમ આપવા આવે છે અને બધી જેલના જૂથો વચ્ચે સંગીત-સ્પર્ધાનું આયોજન પણ થાય છે.
આપણને સહેજે પ્રશ્ન થાય કે આ કેદીઓ તેમની સજા પૂરી કરીને બહાર આવશે ત્યારે તેઓ સંગીતકાર બની ગયા હશે? ખેર..., આ પ્રશ્નનો ઉત્તર તો સમય જ આપી શકે. પરંતુ સંબંધિત કેદીઓનેએ વાતની ખાતરી છે કે તેઓ જેલથી બહાર નીકળશે ત્યારે તેમનું ભાવિ ઉજળું હશે.
અપરાધી જાહેર થયેલા ૧૦૦ જેટલા કેદીઓને તાજેતરમાં કેદીઓના ગણવેશના સ્થાને ફોર્મલ ડ્રેસ પહેરવા આપવામાં આવ્યાં હતા. ના, તેમની સજાની મુદત પૂરી નહોતી થઈ. પણ પુરુષ કેદીઓ ગ્રે ટ્રાઉઝર, સફેદ શર્ટ અને ટાઈમાં સજ્જ થઈને, તેમ જ સ્ત્રી કેદીઓ સફેદ પંજાબી સૂટ પહેરીને જેલ પરિસરમાં ગઈ હતી. અહીં આ બધા સ્ત્રી-પુરુષ કેદીઓને નોકરી માટે ઇન્ટવ્યુ આપવાનો હતો. હા, જેલ સત્તાધીશોએ કેટલીક કંપનીઓને આ કેદીઓને નોકરીએ રાખવાની વિનંતી કરી હતી. તેમની વિનંતીને માન આપીને કેમ્પસ પ્લેસમેન્ટ માટે કેદીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં ૭૪ જણને માસિક ૮,૦૦૦ રૃપિયાથી લઈને ૫૦,૦૦૦ રૃપિયા સુધીના પગારની નોકરી ઓફર થઈ હતી. અલબત્ત, તેઓ તેમની સજાની મ ુદત પૂરી કરે ત્યાર પછી તેમને આ નોકરીમાં જોડાવાનું હતું. આ વર્ષમાં ત્રીજી વખત આ રીતે કેમ્પસ પ્લેસમેન્ટ થયું હતું. અગાઉ બે વખત મળીને ૯૫ કેદીઓને નોકરીની ઓફર મળી હતી. જે કેદીઓની વર્તણુંક સારી હોય તેમને જેલ સત્તાધીશો તત્સંબંધી પ્રમાણપત્ર આપતાં, જે તેમણે ઇન્ટરવ્યુ લેવા આવનાર કંપની પ્રતિનિધિઓને દર્શાવવાનું રહેતું.
એક સમય એવો હતો જ્યારે લોકો જેલમાંથી છૂટેલા કેદીઓથી દૂર ભાગતા. સમાજના લોકો તેમની સાથે ન ભળતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે કેદીઓએ બનાવેલી વસ્તુઓ લોકો હોંશે-હોંશે ખરીદે છે. તેવી જ રીતે તેમના હાથે બનાવેલી ખાદ્ય સામગ્રી ખરીદવામાં પણ જરાય છોછ નથી દાખવતા. તેઓ માને છે કે જો કોેઈ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કેદીઓએ કર્યું હોય તોય શું થયું? તેથી જ અગાઉ માત્ર જેલની બહારના આઉટલેટમાં તેમ જ દિલ્હીના કોર્ટ પરિસરમાં વેચાતા TJ'S બ્રાન્ડના, ચળકતા લાલા-પીળા રંગના પેકેટવાળા બિસ્કિટ તેમ જ ફરસાણ દિલ્હીના અમુક મોલમાં પણ વેચાય છે. મહત્ત્વની વાત એ છે કે અહીંથી ગ્રાહકો દરરોજ પાંચથી છ હજાર રૃપિયાના TJ'S ના બિસ્કિટ અને ફરસાણ ખરીદે છે.
જેલના ડાયરેક્ટર જનરલ નીરજકુમાર કહે છે કે અમે કેદીઓને સુધારીને તેમનું પુનર્વસન કરાવીએ છીએ. અપરાધીઓને માત્ર જેલમાં ધકેલી દેવાથી કામ પૂરું નથી થઈ જતું. તેમનું પુનર્વસન કરીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળતાં કરવાનું કામ પણ ખૂબ મહત્ત્વનું છે. આમ કરવાથી સમાજમાંથી અપરાધ ઘટાડવામાં મદદ મળે છે. નીરજકુમારને એ વાતનો ગર્વ અને આનંદ છે કે 'નેશનલ લિટરસી મિશન' સાથે મળીને તેમણે શરૃ કરેલો કાર્યક્રમ 'પઢો ઔર પઢાઓ' રંગ લાવી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં જેલમાં નિરક્ષરતાનો દર ૪૦ ટકામાંથી ઘટીને ૧૦ ટકા જેટલો રહ્યો છે.
અલબત્ત, આ સુધારો રીતોરાત નથી આવ્યો. લાંબા વર્ષોથી તેની પાછળ કરવામાં આવી રહેલા પ્રયાસોના આ સરાહનીય પરિણામો છે. '૯૦ના દશકના આરંભમાં કિરણ બેદી તિહાર જેલના ઇન્સ્પેક્ટર-જનરલ હતાં ત્યારે તેમણે અહીં મૂળગામી ફેરફારોનો આરંભ કર્યો હતો. તેમણે કેદીઓ માટે યોગ અને ધ્યાનનો આરંભ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે 'નેશનલ ઓપન સ્કૂલ' અને 'ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી' સાથે જોડાણ કર્યું, ગીત-સંગીતની તાલીમનો આરંભ કર્યો. ત્યારથી લઈને અત્યાર સુધી આવેલા ડાયરેક્ટર-જનરલોએ આ કામને આગળ ધપાવવા ઉપરાંત તેમાં અન્ય વ્યાવસાયિક તાલીમનો ઉમેરો પણ કર્યો, જેથી જેલમાંથી છૂટેલો કેદી પોતાના પગ પર ઊભો રહી શકે.
જેલમાં સુધારા કરવા બદલ કિરણ બેદીને ૧૯૯૪માં મળેલા મેગસેસે એવોર્ડમાંથી તેમણે ચોક્કસ રકમ જેલની બ્રેડ ફેક્ટરીને બેકરીમાં વિકસિત કરવા માટે ખર્ચ કરી હતી. આજે આ બેકરી ઉત્પાદનો 'TJ'S 'ના બ્રાન્ડ નામથી મોટી કમાણી કરે છે તેનો કિરણ બેદીને ખૂબ આનંદ છે.
અને હવે શામક દાવર જેલમાં ડાન્સ વર્કશોપનું આયોજન કરે છે. તેવી જ રીતે હબીબ છ મહિનાનો હેરસ્ટાઇલિંગ કોર્સ નિઃશુલ્ક ચલાવે છે. ટૂંક સમયમાં તિહાર જેલમાં 'સત્યજીત રે ફિલ્મ ક્લબ' શરૃ થશે. અગાઉ કેશ ફોર વોટ કાંડમાં પકડાયેલા હાઇ-પ્રોફાઇલ કેદી સુધીન્દ્ર કુલકર્ણીની મદદથી જેલ નં. ત્રણમાં સત્યજીત રેની ક્લાસિક ફિલ્મોની ડીવીડી અને પ્રોજેક્ટર ખરીદવામાં આવશે.
કિરણ બેદીએ જણાવ્યું હતું કે જેલમાં નૃત્ય-સંગીત-ફિલ્મો-થિયેટર અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં યોજવામાં આવેલા એક ચિત્રપ્રદર્શનમાં કેદીઓએ બનાવેલા સાત ચિત્રો વેચાયા હતા. આ બધી પ્રવૃત્તિઓ કેદીઓને થોડા સમય માટે તેમના સંજોગો ભૂલાવી દેવામાં મદદ કરે છે. વળી તેમાં તેમની પ્રવૃત્તિઓ ઉજાગર થાય છે તે છોગામાં.
તિહાર જેલના કેદીઓ કહે છે કે અમે જ્યારે સંગીતની પ્રેક્ટિસ કરતાં હોઈએ છીએ ત્યારે બીજું બધું ભૂલી જઈએ છીએ. અમને અમારી સર્જનાત્મકતા દર્શાવવાની તક મળે છે. બાકી અમે અમારા કેસ વિશે જ વિચારતા રહીએ છીએ. આવી પ્રવૃત્તિ અમને આનંદથી તરબોળ કરી દે છે. અમને એવું લાગે છે જાણે અમે કોઈ જેલમાં નહીં, બલ્કે હોસ્ટેલમાં છીએ.
અગાઉ ઘણી વખત કેદીઓ એમ કહેતા કે અમે શિક્ષણ લઈને શું કરીશું? અમે અહીંથી છૂટીશું પછી અમને કોણ નોકરી આપવાનું છે? તેમના આ પ્રશ્ન પરથી જ જેલ સત્તાધીશોને એવો વિચાર આવ્યો કે જેલમાં શિક્ષણ પામેલા કેદીઓનું પુનર્વસન થવું જોઈએ. કેદીઓના પુનર્વસન માટે તેમને પગભર કરવા જરૃરી હતા. તેમને નોકરી કે વ્યવસાય ન મળે તો તે શક્ય નહોતું. છેવટે તેમણે સ્વયંસેવી સંસ્થાઓની મદદથી ગૂ્રમિંગ અને વ્યક્તિત્ત્વ વિકાસ વિષયક નિષ્ણાતોને જેલમાં આવીને કેદીઓને તાલીમ આપવાની વિનંતી કરી. આ તાલીમ દરમિયાન તેમને ઇન્ટરવ્યુ શી રીતે આપવો તે પણ શીખવવામાં આવતું. ત્યાર બાદ સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી જ કેટલીક કંપનીઓને જેલમાં આવીને કેદીઓના ઇન્ટરવ્યુ કરવાની વિનંતી કરવામાં આવી. જોકે આરંભના તબક્કામાં અહીં આવવા કોઈ તૈયાર નહોતું. પરંતુ જેલ સત્તાધીશોએ તેમને ફરીથી વિનંતી કરી હતી કે તમે આવીને અમારા કેદીઓને મળો અને જો તમને એમ લાગે કે તેમને નોકરીએ રાખી શકાય તેમ છે તો જ રાખજો. છ મહિનાનો તેમનો પરિશ્રમ ખપ લાગ્યો. પ્રથમ કાર્યક્રમ દરમિયાન કેટલાંક કેદીઓને ઓછી ક્ષમતા ધરાવતી નોકરી મળી. ધીમે-ધીમે વાત પ્રસરતા જેલમાં આવીને પ્લેસમેન્ટ આપવા તૈયાર થયેલી કંપનીઓની સંખ્યા વધી. જુલાઈ મહિનામાં નવ કંપનીઓએ પ્લેસમેન્ટ આપ્યું હતું. તેના સ્થાને નવેમ્બર માસમાં ૧૫ કંપનીઓ તેમાં ભાગીદાર બની. તેમનો કેદીઓ વિશેનો અભિપ્રાય અહીં આવ્યા બાદ બદલાઈ ગયો હતો. તેમને આ કેદીઓમાં લાયક કર્મચારીઓ દેખાય હતા. જ્યારે જે કેદીઓને ખરેખર નોકરી મળી તેમને તેમના ભાગ્ય પર ભરોસો નહોતો બેસતો. તેઓ કંપનીના અધિકારીઓને વારંવાર પૂછતા હતા કે શું ખરેખર તેમને નોકરી આપવામાં આવી છે? કુમાર કહે છે કે કેદીઓ માટે આટલી બધી કડાકૂટ કરવાનું કામ અમારું નથી. આમ છતાં અમે દ્રઢપણે માનીએ છીએ કે જો આ કામ અમે નહીં કરીએ તો બીજું કોણ કરશે? અહીંથી જે કેદીઓને ૨૦,૦૦૦ રૃપિયાના પગારની નોકરી મળી હતી તેઓ હવે ૫૦,૦૦૦ રૃપિયાની નોકરી પણ મેળવી શક્યા છે. આવા કેદીઓના જે પડોશીઓ તેમની સાથે આભડછેટ રાખતા હતા તે તેમની સાથે ભળવા લાગ્યા છે. પરિણામે તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે.
જોકે મહત્ત્વની વાત એ છે કે જેલમાંથી છૂટેલા શિક્ષિત કેદીઓને સમાજ અપનાવે છે. આ કારણે જ તેમની ક્ષમતાનો ઉપયોગ થાય છે અને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી શકે છે.
જોકે તિહાર જેલમાં જે થઈ રહ્યું છે તેમાં કાંઈ નવું નથી. દેશની અન્ય જેલોમાં પણ કેદીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તેમના બનાવેલા ઉત્પાદનો વેચાણ માટે મૂકાય છે. તિહાર જેલ તરફ લોકોનું ધ્યાન આકર્ષાવાનું મુખ્ય કારણ એ છે કે તે રાજધાનીમાં છે. વળી આ જેલને દેશની અન્ય જેલો કરતાં વધુ નાણાં મળે છે.

- કાંતિલાલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved