Last Update : 20-Dec-2011,Tuesday
 

ગીતામાં આત્માના શત્રુઓ સામે યુદ્ધ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે

 

રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર પ્રતિબંધ મૂકવાની જે માંગણી કરવામાં આવી છે તેના મૂળમાં હિન્દુઓ પ્રત્યેનો વિશ્વવ્યાપી દ્વેષ છે

રશિયામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સામે જે તોફાન ચાલી રહ્યું છે તેના મૂળમાં વિશ્વભરમાં હિન્દુ પ્રજા પ્રત્યે વધી રહેલી નફરતની ભાવના છે. રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં ઇસ્કોનના પ્રચારકો વૈદિક ધર્મનો પ્રચાર કરવા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છૂટથી ઉપયોગ કરે છે. સામ્યવાદી રશિયામાં ધર્મની બાબતમાં એટલા બધા વિરોધાભાસો ચાલી રહ્યા છે કે તેનો ભોગ વૈદિક ધર્મનો ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ બની રહ્યો છે. સાઈબેરિયાની અદાલતમાં એવો કેસ કરવામાં આવ્યો છે કે આ ગ્રંથમાં યુદ્ધની ઉશ્કેરણી કરતી વાત કરવામાં આવી હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ હિલચાલના પડધા ભારતની સંસદ પર પડયા છે. એક બાજુ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ વટાળ પ્રવૃત્તિ માટે બાઈબલનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે, તેના ઉપર પ્રતિબંધ મૂકવાનો કોઈ વિચાર પણ કરતું નથી. હકીકતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જાણકારો કહે છે કે તેમાં જે યુદ્ધની વાત લખી છે તે આત્માના શત્રુઓ સામે અને કર્મો સામે યુદ્ધે ચડવાની વાત છે. પશ્ચિમના વિદ્વાનો તો ગીતાને બિનસાંપ્રદાયિક ગંથ ગણાવે છે.
આજે દુનિયાના અનેક દેશોમાં હિન્દુઓનો તિરસ્કાર કરવાનું અને તેમને હલકા ચિતરવાનું એક પદ્ધતિસરનું આંદોલન ચાલે છે. શીખ ધર્મ પાળતી પ્રજા પણ હિન્દુ મહાપ્રજાનો એક ભાગ જ છે. કેનેડામાં શીખ બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં તેમને ધર્મના નિયમ મુજબ પાઘડી પહેરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી. પોતાના ધર્મની રક્ષા કરવા કેનેડાના શીખોએ પોતાની અલગ સ્કૂલની સ્થાપના કરવી પડી, જેને હજી ત્યાંની સરકારની માન્યતા મળી નથી. કેલિફોર્નિયાની ટેક્સ્ટ બુકોમાં હિન્દુ સંસ્કૃતિ વિશે એક અપમાનજનક વાર્તા લખવામાં આવી છે. આ વાંચી કેલિફોર્નિયામાં રહેતા હિન્દુ બાળકો કહે છે કે તેઓ હિન્દુ રહેવા માંગતા નથી. આ બાળકોનાં માબાપોએ આ વાંધાજનક લખાણો દૂર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી, પણ સરકાર કહે છે કે, તેમાં કંઈ જ વાંધાજનક નથી.
વિદેશોમાં એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જૂતાં, ટોઈલેટની સીટ અને અન્ડરવેર ઉપર પણ હિન્દુ પ્રજાના દેવીદેવાતાઓની તસવીરો છાપવામાં આવી હોય. અમેરિકાના ફિલ્મ નિર્માતા સ્ટેનલી કુબ્રિકે પોતાના 'આય્ઝ વાઈડ શટ' નામના વિડિયોમાં સમૂહ સેક્સનાં દ્રશ્યો બતાવ્યાં છે અને બેકગ્રાઉન્ડમાં ભગવદ્ ગીતાના પવિત્ર શ્લોકો વાગી રહ્યા છે. બાઈબલ અથવા કુરાનની પંક્તિઓનો આ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોય એવું કદી સાંભળ્યું છે ખરું ? કેલિફોર્નિયાની ટેક્સ્ટ બુકોમાં યહૂદી અને ઇસ્લામ ધર્મો વિષે પણ કેટલાંક ટીકાત્મક વાક્યો લખવામાં આવ્યા હતા. આ ધર્મના અગ્રણીઓએ સરકારનો સંપર્ક કર્યો અને તેમને વાંધાજનક ઉલ્લેખોની યાદી આપી. આ બધાં જ વાક્યો સુધારી લેવામાં આવ્યાં હતાં પણ હિન્દુઓએ ઉઠાવેલા વાંધાઓને ક્ષુલ્લક ગણીને હસી કાઢવામાં આવ્યા હતા.
માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ આપણા મિત્ર ગણાય છે અને તેઓ અનેક વખત ભારતની મુલાકાતે આવી ગયા છે. આ માઈક્રોસોફ્ટ કંપનીના ઓનલાઈન એન્સાઈક્લોપિડિયામાં હિન્દુ સંસ્કૃતિની પેટ ભરીને ફજેતી કરવામાં આવી હતી. આ વિશ્વકોષમાં ઇસ્લામ અને ઇસાઈ ધર્મનો પરિચય તે ધર્મોમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લેખકો દ્વારા કરાવવામાં આવ્યો છે પણ હિન્દુ પ્રજાના ધર્મોના પરિચય માટે કોઈ બિનહિન્દુને રોકવામાં આળ્યો હતો. આ લેખક મહાશયે હિન્દુ સંસ્કૃતિનો પરિચય કામક્રિડા અને વિષયવાસનાથી ખદબદતી સંસ્કૃતિ તરીકે કરાવી મુક્ત સહચર્ય વિશેના પોતાના અંગત વિચારો તેમાં ઠાલવી દીધા હતા. તેમાં લખવામાં આવ્યું હતું કે હિન્દુ પ્રજા ઊંચનીચના ભેદભાવોમાં માને છે અને દહેજને ખાતર પોતાની પત્નીઓને બાળી નાંખવાનો હિન્દુઓમાં રિવાજ છે. અમેરિકાના હિન્દુઓના વિરોધને કારણે આ લેખ બદલી કાઢવામાં આવ્યો છે.
એક બાજુ રશિયાના ધર્મઝનૂનીઓ ગીતાનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ વિદેશી બુદ્ધિજીવીઓ ગીતા તરફ વળી રહ્યા છે. પશ્ચિમના દેશોમાં આજે મેનેજમેન્ટના પુસ્તકોમાં અને વેબસાઈટો ઉપર ભગવદ્ ગીતાના શ્લોકો ટાંકવાની નવી ફેશન શરૃ થઈ છે. અમેરિકાની ટોચની બિઝનેસ સ્કૂલોમાં મેનેજરોને તેમની નેતૃત્વ શક્તિ વિકસાવવા માટે અને કામના દબાણ વચ્ચે આંતરિક શાંતિનો અહેસાસ કરાવવા માટે ગીતા ભણાવવામાં આવે છે. ભારતના સી.કે.પ્રહલાદ, રામચરણ અને વિજય ગોવિંદરાજ જેવા બિઝનેસ ગુરૃઓ આજે અનેક મલ્ટીનેશનલ કંપનીઓના કન્સલટન્ટ છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, કેલોગ્સ સ્કૂલ ઓફ બિઝનેસ, મિશીગન યુનિવર્સિટીની રોસસ્કૂલ ઓફ બિઝનેસ વગેરેનાં ભારતીય મૂળના પ્રોફેસરોની મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે, જેઓ ભગવદ્ગીતાના તત્વજ્ઞાાનના આધારે તાલીમ આપે છે.
આજની મલ્ટીનેશનલ કંપનીઓના હજારો મેનેજરો પોતાના ધંધામાં ટોચ ઉપર પહોંચવાની વિદ્યા ભગવદ્ ગીતાના પ્રવચનો સાંભળીને પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતામાં યુદ્ધના સમયે અર્જુન મોહવશ બની યુદ્ધ કરવાનો ઇન્કાર કરી દે છે અને શ્રીકૃષ્ણ તેને મોહનો ત્યાગ કરી સ્થિતપ્રજ્ઞા બની પોતાનું કર્તવ્ય અદા કરવાનો ઉપદેશ આપે છે. આ કથામાંથી પશ્ચિમના મેનેજરોને એવો સંદેશ આપવામાં આવે છે કે, 'પ્રજ્ઞાાવાન નેતાઓએ એવી કોઈ પણ લાગણીઓથી મુક્ત થઈ જવું જોઈએ, જે તેમને ઉચિત નિર્ણયો લેતાં રોકે છે. સારા નેતા તેને કહેવાય જેઓ નિઃસ્વાર્થી હોય અને તેઓ આર્થિક ફાયદાઓ કે ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય બજાવ્યા કરે.'
વિશ્વની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ ભગવદ્ ગીતાના પ્રવચનો સાંભળવા આકરી ફી ચૂકવીને પણ જાય છે. કેટલાક ટોચના એક્ઝિક્યુટિવે તો ભગવદ્ ગીતાના ટયુશન પણ લેવાના શરૃ કરી દીધાં છે. આ બધા ખ્રિસ્તી બુદ્ધિજીવીઓ ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા છે કારણ કે તેમાં તેમને જીવનમાં સફળ બનવાની ગુરૃચાવી દેખાય છે. ભારતના સ્વામી પાર્થસારથિ વેદાંતના વિદ્વાન ગણાય છે અને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ માટે તેઓ ભગવદ્ ગીતા ઉપર ખાસ પ્રવચનો આપે છે. આશરે ૮૦ વર્ષના સ્વામીજી પ્રવચનમાં કહે છે કે, 'બિઝનેસમાં સફળ થવા માટે એકાગ્રતા, સાતત્ય અને સહકારની સૌથી વધુ આવશ્યકતા છે. આ ત્રણ ચીજો કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી તેનું રહસ્ય આપણને ભગવદ્ ગીતામાંથી જાણવા મળે છે. બુદ્ધિના વિકાસ વિના મન અને શરીર ઉપર કાબૂ મેળવી શકાતો નથી. બુદ્ધિનો વિકાસ કરવાના ઉપાયો માત્ર ભગવદ્ ગીતામાં જ જાણવા મળે છે.' સ્વામી પાર્થસારથિના આ ગીતા પ્રવચનો સાંભળવા અધિકારીઓ ઊંચી ફી ચૂકવે છે.
સ્વામી પાર્થસારથિએ વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં ભગવદ્ ગીતાના આધારે સ્ટ્રેસ મેનેજમેન્ટ બાબતમાં એક સેમિનાર કર્યો હતો. ન્યૂયોર્કમાં તેમણે હેજ ફંડના મેનેજરોની એક બેઠકને સંબોધન કર્યું હતું. જેમાં તેમણેે અમર્યાદ ધન એકઠું કરવાની તૃષ્ણા સાથે આંતરિક સુખની પ્રાપ્તિ કરવા માટેની તમન્નાનો કેવી રીતે મેળ બેસાડવો એ બાબતમાં પ્રવચન આપ્યું હતું. મેનહટ્ટનમાં આવેલી હેલમાન બ્રધર્સ કંપનીના વડા મથકમાં સ્વામીજીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું તેમાં એક યુવાન ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે સવાલ કર્યો હતો કે, 'તોફાની સહકર્મચારીઓ સાથે કેવી રીતે કામ લેવું ?' સ્વામીજી કહે, 'તેમને તમારા મગજમાંથી કાઢી નાંખો. તમારી સફળતા કે નિષ્ફળતા માટે તમે જ જવાબદાર છો.'
અમેરિકાની જનરલ ઇલેકટ્રિક કંપનીના સીઈઓ જેફી ઇમેલ્ટ તો રામચરણ નામના ભારતીય મેનેજમેન્ટ ગુરૃ પાસે ભગવદ્ ગીતાનાં પ્રાઈવેટ ટયુશન લે છે. રામચરણ કહે છે કે, 'ભગવદ્ ગીતામાં વ્યક્તિ કરતાં તેના ઉદ્દેશોને વધુ મહતવ આપવાનું કહેવામાં આવ્યું છે. આજની કોર્પોરેટ લીડરશીપ માટે આ વાત ખૂબ મહત્વની છે.' જે કંપનીઓ આજની જાગતિક સ્પર્ધાના વાતાવરણમાં પ્રગતિ કરવા માંગતી હોય અને ટોચ ઉપર પહોંચવા માંગતી હોય તેમના માટે ભારતનું કર્મનું વિજ્ઞાાન ખૂબ જ માર્ગદર્શક બની રહે છે અને આ વિજ્ઞાાનનું સચોટ નિરૃપણ ગીતાજીમાં કરવામાં આવ્યું છે. ભારતના મેનેજમેન્ટ ગુરૃઓ આ તત્વજ્ઞાાન કોર્પોરેટ લીડરોને ભણાવે છે.
અમેરિકાની પ્રસિદ્ધ ટક સ્કૂલ ઓફ બિઝનેસના પ્રોફેસર વિજય ગોવિંદરાજને મેનેજમેન્ટ વિશે અનેક બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે અને તેઓ શેવરોન કોર્પોરેશન તેમજ ડીઈ જેવી મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પણ છે. તેઓ આ કંપનીઓને ભૂતકાળ ભૂલીને કેવી રીતે નવી શોધો કરી ભવિષ્યનું નિર્માણ કરવું તેની તાલીમ આપે છે. ગોવિંદરાજ કહે છે કે તેમના મેનેજમેન્ટના સિદ્ધાંતોનો પાયો કર્મની થિયરી છે. આ થિયરી એમ કહે છે કે, 'કર્મ એટલે કાર્ય કરવાનો સિદ્ધાંત. આપણે વર્તમાનમાં જે કાર્ય કરીએ છીએ તેના ઉપરથી આપણું ભવિષ્ય નક્કી થાય છે. નવી શોધ કરવા માટે પણ પરિણામની ચિંતા કર્યા વિના કર્યો કરતાં રહેવું જોઈએ.'
હિન્દુ પ્રજાની ગણના વિશ્વની સૌથી સહિષ્ણુ પ્રજા તરીકે કરી શકાય. આ કારણે જ ભારત દેશમાં હિન્દુઓની બહુમતી હોવા છતાં તેઓ અપમાનનો ભોગ બની રહ્યા છે. સલમાન ખાન નામના ફિલ્મસ્ટારે પોતાના બાંદરા ખાતેના ઘરમાં ગણેશજીની મૂર્તિ પધરાવી અને તેની પૂજા કરી. આ સમાચાર અખબારોમાં ચમક્યા કે તરત જ બરેલીની દારૃલ-ઇક્તા નામની મુસ્લિમ સંસ્થાએ ફતવો બહાર પાડયો કે સલમાન ખાન હવે ઇસ્લામની બહાર ગણાશે. અખબારોમાં આપણે નિયમિત વાંચીએ છીએ કે હિન્દુ ફિલ્મસ્ટારો બુરખાઓ પહેરીને અજમેરની દરગાહના દર્શન કરી આવ્યા. મુંબઈમાં માહિમની દરગાહના દર્શને લાખો હિન્દુઓ આવે છે. તેમાંના કોઈ સામે હિન્દુ ધર્મગુરૃઓએ ફતવા બહાર પાડયા હોય તેવું યાદ છે ? લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર નોકરી કરતી એક પંજાબી હિન્દુ મહિલાને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું. આ સ્ત્રીનો અપરાધ એટલો જ હતો કે તેણે નાકમાં હિન્દુ સંસ્કૃતિના પ્રતિક જેવી ચૂંક પહેરી હતી. એરપોર્ટના કર્મચારીએ આ સ્ત્રી વિરૃદ્ધ કોઈ ફરિયાદ નહોતી કરી. તેમ છતાં તેણે નોકરી ગુમાવી કારણ કે એરપોર્ટનું ખ્રિસ્તી મેનેજમેન્ટ હિન્દુ સંસ્કૃતિ માટે દ્વેષ ધરાવતું હતું. સ્વતંત્રતા પછી ભારતે જેવું બિનસાંપ્રદાયિકતાનું પૂંછડું પકડયું છે એવું દુનિયાના કોઈ દેશોમાં જોવા મળતું નથી. અમેરિકન ડોલરની નોટો ઉપર લખ્યું હોય છે, 'ઈન ગોડ વી ટ્રસ્ટ' આ ગોડ એટલે બીજા કોઈ નહી ંપણ ઇસુ ખ્રિસ્ત. આપણા દેશની ચલણી નોટો ઉપર માત્ર ગાંધીજીની છબી જ જોવા મળે છે. બ્રિટનને પોતે ખ્રિસ્તી દેશ છે, એવું કહેવામાં જરાય સંકોચ નડતો નથી. તેથી વિરૃદ્ધ સ્પેન, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશોમાં વૈદિક ધર્મને માન્યતા અપાઈ નથી. રશિયાના સાઈબેરિયામાં જે કાંઈ ચાલી રહ્યું છે તે હિન્દુ પ્રજાને હલકી ચિતરવાના અભિયાનનો એક ભાગ છે. વિશ્વભરના હિન્દુઓને સંગઠિત થઈને દુનિયામાં ચાલતી આવી તમામ પ્રવૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved