Last Update : 15-Dec-2011,Thursday
 

રશિયામાં પુતિન સામે પણ ક્રાંતિનો પ્રારંભ થઈ ગયો છે

 

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં મોટાપાયે ગોલમાલ કરીને વ્લાદિમિર પુતિન જે રીતે વડાપ્રધાન બની ગયા તેની સામે પ્રજામાં સ્વયંભૂ રોષ પેદા થયો છે

ઇજિપ્ત, લિબિયા અને સિરિયા જેવા આરબ દેશોમાં ફૂંકાયેલો ક્રાંતિનો પવન હવે રશિયા સુધી પહોંચી ગયો છે. રશિયા ઉપર એક દાયકા સુધી એકચક્રી શાસન કરનારા વડાપ્રધાન વ્યાદિમિર પુતિન એકાએક એટલા બધા અળખામણા થઈ ગયા છે કે રશિયાનાં ૬૦ શહેરોમાં લાખો નાગરિકો તેમની સામે દેખાવો કરવા શેરીઓમાં ઉતરી આવ્યા છે. ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં સોવિયેટ સંઘનું વિસર્જન કરવામાં આવ્યું તે પછી રશિયામાં પહેલી વખત કોઈ નેતા સામે આટલી વિરાટ સંખ્યામાં દેખાવો થયા છે. આ વિરોધનું મુખ્ય કારણ પુતિનની ઘટી રહેલી લોકપ્રિયતા ઉપરાંત ૪ થી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે ગોલમાલ કરવામાં આવી હોવાની શંકા પણ છે. રશિયાના ઇતિહાસની એક ખાસિયત છે કે દરેક આપખુદ સરકાર કોઈ દુશ્મનને કારણે નહીં પણ પોતાની આંતરિક નબળાઈઓને કારણે જ તૂટી પડી છે. તેમાં ઇ.સ. ૧૯૧૭ના ફેબુ્રઆરીમાં ત્ઝાર સામે થયેલી ક્રાંતિથી લઈને મિખાઈલ ગોર્બાચેવના પેરેસ્ત્રોઈકાનો પણ સમાવેશ થઈ જાય છે.
આજથી એક દાયકા પહેલાં પુતિન રશિયામાં સત્તા ઉપર આવ્યા ત્યારે તેઓ ઉપડયા નહોતા ઉપડતાં. આ પહેલાં રશિયાની છાપ અમેરિકા સામે દબાઈ ગયેલાં રાષ્ટ્ર તરીકેની હતી. પુતિને અનેક મોરચે અમેરિકા સામે શિંગડાં ભરાવીને રશિયાને તેનું ગુમાવી દીધેલું સ્વમાન પાછું અપાવ્યું હતું. પરંતુ પુતિનની આપખુદીથી કામ કરવાની અને પોતાની જાતની પીઠ થાબડવાની ટેવ હવે તેમના માટે હાનિકારક સાબિત થઈ રહી છે. તેમાં પણ તાજેતરમાં બનેલી બે ઘટનાઓને કારણે બળતામાં ઘી હોમાયું છે. પ્રથમ ઘટનામાં પુતિને રાષ્ટ્રપતિ દ મિત્રી સાથે સોદાબાજી કરીને આવતાં વર્ષના માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. રશિયાનાં બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ બે ટર્મથી વધુ રાષ્ટ્રપતિ બની શકે નહીં. પુતિને ત્રીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બનવા જે સોદાબાજી કરી છે તેને કારણે રશિયાના બુદ્ધિજીવીઓ ઉશ્કેરાયા છે.
પુતિન સામે મોટા પાયે દેખાવો ફાટી નીકળવાનું બીજું કારણ એ છે કે તાજેતરમાં રશિયામાં જે ચૂંટણીઓ થઈ તેનાં પરિણામોમાં મોટા પાયે ગોલમાલ કરવામાં આવી હતી એમ બહુમતી રશિયનો માને છે. સ્વતંત્ર નિરીક્ષકો પણ માને છે કે ૪ થી ડિસેમ્બરે રશિયામાં જે ચૂંટણીઓ યોજાઈ તેમાં ૧૫ થી ૨૦ ટકા મતો બોગસ હતા. આ બધા મતો સત્તાધારી યુનાઈટેડ રશિયા પાર્ટીના પક્ષમાં પડયા હતા. પુતિને અગાઉની ચૂંટણીઓમાં પણ ગોલમાલ કરી હતી, પણ આ વખતની ગોલમાલ બધાને ટપી જાય તેવી હતી. આ ગોલમાલની તૈયારીઓ ચૂંટણીઓ અગાઉ શરૃ થઈ ગઈ હતી. પુતિને ચૂંટણીઓની જાહેરાત કરી તેની સાથે જ મુખ્ય નવ વિરોધ પક્ષોને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. હવે આ જ પ્રકારની ગોલમાલ ૪ થી માર્ચે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરવામાં આવશે તેવી લોકોને શંકા છે, માટે પુતિન સામે દેખાવો ફાટી નીકળ્યા છે.
વિશ્વના અનેક દેશોના આપખુદ શાસકો પોતાના ઘર આંગણે વિરોધનો સામનો કરી રહ્યા છે. ઇજિપ્તના હોશ્ની મુબારક અને લિબિયાના મુઅમ્મર ગદ્દાફીની જેમ રશિયાના પુતિને લોકોનાં દિલ અને દિમાગમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. હવે બંધારણ અને ચૂંટણીની પ્રક્રિયાઓ સાથે ચેડાં કરીને પુતિન સત્તા ઉપર ચિટકી રહેવા માંગે છે માટે પ્રજામાં ઉશ્કેરાટ વ્યાપી રહ્યો છે. ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં કે તરત જ ૧૦ મી ડિસેમ્બરે આશરે ૬૦,૦૦૦ રશિયનો મોસ્કોના રેડ સ્કવેરમાં એકઠા થયા હતા અને તેમણે પુતિનની વિરૃદ્ધણાં સૂત્રો પોકાર્યા હતા. આ દેખાવોમાં એવા યુવાનો પણ જોડાયા હતા જેમને બેકારીને કારણે પોતાનું ભવિષ્ય અંધકારમય જણાય છે.
રશિયામાં સામ્યવાદનો પણ ઓવરડોઝ થયો છે. આ દેશમાં કોઈ પણ વ્યક્તિ ખાનગી મિલકત ધરાવી શકતી નથી કે પોતાનો ખાનગી ધંધો પણ કરી શકતી નથી. બધાં સાહસોમાં સરકારની ભાગીદારી અનિવાર્ય ગણવામાં આવે છે. જેઓ સરકારને અને શાસક પક્ષને વફાદાર હોય તેઓ ખોટાં કામો કરીને પણ સમૃદ્ધ બની શકે છે, પણ ઇમાનદાર નાગરિકોને ભાગે સહન કરવાનું આવે છે. આખા વિશ્વમાં જ્યારે મુક્ત અર્થતંત્રનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે રશિયાના બંધિયાર વાતાવરણને કારણે પ્રજા ત્રસ્ત બની ગઈ છે. રશિયામાં પુતિનના શાસનમાં ઇ.સ. ૨૦૦૦થી ૨૦૦૮ દરમિયાન તેલના ભાવો વધતાં હોવાથી સમૃદ્ધિ આવી હતી, પણ ત્યાર બાદ આર્થિક મંદીની ઝપટમાં અર્થતંત્ર કથળી ગયું છે.
આરબ દેશોના સરમુખત્યારોની જેમ રશિયાના વડા પ્રધાન વ્લાદિમિર પુતિને પણ બેફામ ભ્રષ્ટાચાર આચરીને અનર્ગળ સંપત્તિ એકઠી કરી છે, જેને પશ્ચિમના દેશોના કરચોરોના સ્વર્ગોમાં સંઘરવામાં આવી છે. પુતિને અનેક પશ્ચિમી દેશોમાં રિયલ એસ્ટેટમાં પણ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ઈ.સ. ૨૦૦૯ની સાલમાં રશિયાના એક વકીલનું કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. આ વકીલના મોત માટે જવાબદાર રશિયન અધિકારીઓની યાદી અમેરિકાના વિદેશ ખાતાએ તૈયાર કરી છે. તેમને અમેરિકાના વિસા આપવામાં નહીં આવે એવી જાહેરાત કરવામાં આવી છે. રશિયાના પુતિન તરફી અધિકારીઓને ડર છે કે આ યાદીમાં ગમે ત્યારે તેમનાં નામો પણ ઉમેરી દેવામાં આવશે.
ભૂતકાળમાં પુતિનના શાસન સામે જ્યારે પડકારો ઊભા થયા છે ત્યારે ત્યારે તેમણે આ સંકટ માટે રશિયાના કાયમી દુશ્મન નાટોના દેશો અને અમેરિકા ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો છે. વર્તમાનમાં પુતિનના શાસન સામે જે દેખાવો ચાલી રહ્યા છે તેનું સંચાલન અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન કરી રહ્યાં છે એવો આક્ષેપ પુતિને કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ મેદવેદેવ પુતિનની કઠપૂતળી ગણાય છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે વર્તમાનમાં જે આંદોલન રશિયામાં ચાલી રહ્યું છે તેની પાછળ અમેરિકાનો દોરીસંચાર છે અને તેનો ઇરાદો રશિયાની અણુ તાકાતને નબળી પાડવાનો છે. રશિયન સશસ્ત્ર દળોના વડા નિકોલાઈ માકારોવે તો એવી ચેતવણી આપી છે કે નાટોના દેશોની ઉશ્કેરણીને કારણે બાલ્ટિક દેશો અને જ્યોર્જિયા રશિયા સામે યુદ્ધ પણ જાહેર કરીને તેમાં અણુશસ્ત્રો પણ વાપરી શકે છે.
વ્લાદિમિર પુતિન ઇ.સ. ૨૦૦૦થી ૨૦૦૮ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. રશિયાનાં બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ બે ટર્મથી વધુ સમય માટે રાષ્ટ્પતિ રહી શકે નહીં. આ કારણે ઇ.સ. ૨૦૦૮ની ચૂંટણીઓમાં પુતિન વડાપ્રધાન બન્યા હતા અને તેમણે મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. હવે ફરીથી ઇ.સ. ૨૦૧૨ના માર્ચ મહિનામાં રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. ત્યારે પુતિન ત્રીજી ટર્મ માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝુકાવવાના છે. તે સમયે રશિયાના મતદારોને પુતિનને હરાવવાની તક મળશે, પણ તેમને શંકા છે કે પુતિન પોતાની લશ્કરી સત્તાનો ઉપયોગ કરીને ફરીથી ચૂંટણીઓમાં ગોલમાલ કરીને રાષ્ટ્રપતિ બની જશે. તાજેતરમાં જે ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં શાસક પક્ષના મતની ટકાવારી ૬૪ થી ઘટીને ૫૦ ટકા પર આવી ગઈ હતી. તેમાં પણ ગોલમાલ હતી. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પુતિનની લોકપ્રિયતા તળિયે જઈ પહોંચી છે. હવે પોતાની જાલિમ લશ્કરી તાકાતનો ઉપયોગ કરીને તેઓ સત્તાને વળગી રહ્યા છે.
રશિયામાં આગામી માર્ચ મહિનામાં જે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં ભાગ લેવાની જાહેરાત રશિયામાં સોનાની અનેક ખાણોની માલિકી ધરાવતા અબજોપતિ મિખાઈલ પ્રોખોરોવે કરી છે. પ્રોખોરોવે હકીકતમાં 'રાઈટ કોઝ' નામના રાજકીય પક્ષની રચના પણ કરી છે. પ્રોખોરોવની ઉમેદવારીને કારણે પુતિનનો વિરોધ કર રહેલા નાગરિકોમાં આશાનો સંચાર થયો છે. રશિયામાં જે ભણેલો મધ્યમ વર્ગ અને બુદ્ધિજીવી વર્ગ છે તે પ્રોખોરોવને ટેકો આપે તેવી સંભાવના છે. જોકે પ્રોખોરોવ માર્ચ મહિનાની ચૂંટણીઓમાં પુતિનને ખરેખરો પડકાર આપી શકશે કે કેમ અને લોકો તેને ટેકો આપશે કે કેમ એ સવાલ રહે છે. તો પણ પ્રોખોરોવની જાહેરાતને કારણે પુતિનની ચિંતામાં વધારો થયો છે એટલું નક્કી છે.
રશિયાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને પહેલા રાઉન્ડમાં ૫૦ ટકા કરતાં વધુ વોટ મળે તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૦ અને ૨૦૦૪ની ચૂંટણીઓમાં પુતિનને ૫૦ ટકા કરતાં વધુ વોટ મળવાથી તેમને પહેલા રાઉન્ડમાં જ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૦૮ની ચૂંટણીઓમાં મેદવેદેવ પણ એવી રીતે જ જીતી ગયા હતા. હવે ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં પુતિન સામે છ વિપક્ષી ઉમેદવારો લડવાના છે. રશિયામાં પેદા થયેલાં પુતિન વિરોધી વાતાવરણને કારણે જો આ છ ઉમેદવારો સરેરાશ ૧૦-૧૦ ટકા મત મેળવવામાં પણ સફળ થાય તો પુતિન પ્રથમ રાઉન્ડમાં હારી જાય અને તેમની બેઇજ્જતી થાય તેમ છે. રશિયામાં હાલમાં જે પુતિન વિરોધી વાતાવરણ ઊભું થયું છે તે માર્ચ મહિના સુધી ટકે છે કે કેમ તે જોવાનું રહે છે. દુનિયાના અનેક દેશોમાં શાસકોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે પ્રચંડ પ્રજાકીય આંદોલનો શરૃ થયાં છે તેના ઉપરથી ભારતના વર્તમાન શાસકોએ પણ બોધપાઠ લેવાની જરૃર છે. શાસકો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોનું શોષણ કરીને કાયમ માટે સત્તા ઉપર ચિટકી રહે તે હવે સંભવિત રહ્યું નથી. સંદેશવ્યવહારના અને ફેસબુકના આ જમાનામાં પ્રજાને સંગઠિત થતા વાર નથી લાગતી. ભારતમાં પણ અણ્ણા હઝારેને કેન્દ્રમાં રાખીને રાજકારણીઓના ભ્રષ્ટાચારના વિરોધનું પ્રજાકીય આંદોલન જોર પકડી રહ્યું છે. આ આંદોલનને બળ પ્રયોગથી કચડી નાંખવાને બદલે અથવા તેની ઉપેક્ષા કરવાને બદલે નેતાઓ તેને ગંભીરતાથી લેશે તો જ તેઓ દેશ ઉપર શાસન કરી શકશે.
- સુપાર્શ્વ મહેતા

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved