Last Update : 13-Dec-2011,Tuesday
 

અણ્ણા હઝારેનું ધ્યેય ભારતનું બંધારણ નવેસરથી ઘડાવવાનું છે

 

આજની તારીખમાં જે સત્તા દેશના વડા પ્રધાન, દેશની સંસદ અને દેશની પ્રજાના હાથમાં પણ નથી એ સત્તા બંધારણના પ્રતાપે શાસક પક્ષના હાઈ કમાન્ડના હાથમાં કેન્દ્રિત થઇ ગઈ છે

અણ્ણા હઝારે અને તેમના સાથીદારોએ જંતરમંતર ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા તેનાથી એટલું સ્પષ્ટ થઇ ગયું છે કે ટીમ અણ્ણાનું ધ્યેય માત્ર દેશમાં જન લોકપાલનો કાયદો લાવવાનું નથી પણ અંગ્રેજો દ્વારા આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવેલું બંધારણ ધરમૂળથી બદલવાનું છે. જંતરમંતરના સ્ટેજ ઉપરથી અણ્ણાના સાથીદાર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 'આપણી લોકશાહી હાઇ કમાન્ડ દ્વારા ચાલે છે અને હાઈ કમાન્ડ માટે ચાલે છે. આપણે એ જોવું જોઈએ કે કાયદાઓ ઘડતા પહેલા સંસદસભ્યો હાઈ કમાન્ડને ન પૂછે પણ ગ્રામ સભાને અને મહોલ્લા સભાને પૂછીને કાયદા ઘડે.' અણ્ણાના અન્ય સાથીદાર મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલથી એક ડગલું આગળ વધીને એવું સૂચન કર્યું હતું કે 'આપણા દેશના કાયદાઓ નોર્થ બ્લોક કે સાઉથ બ્લોકમાં ન બનવા જોઈએ પણ શેરીઓમાં અને ગામડાંઓમાં બનવા જોઈએ.' અણ્ણા હઝારેનાં આ સૂચનોનો જો અમલ કરવો હોય તો સંસદની સર્વોપરીતા ખતમ કરવી પડે અને તે માટે દેશનું બંધારણ પણ બદલવું પડે.
ઇ.સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ દેશનું જે બંધારણ અમલમાં આવ્યું તે ભારતની પરંપરાગત મહાજનશાહીને જે પ્રાચીન કાળમાં ભારતમાં પ્રવર્તમાન જનતંત્રને માફક આવે તેવું નહોતું. આ બંધારણ લોર્ડ માઉન્ડબેટનના સીધા પ્રભાવ હેઠળ બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું હતું અને બહુ ઓછી ચર્ચાનો અવકાશ આપીને માઉન્ટ બેટને જ ઘડેલી બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું આ બંધારણનો મુસદ્દો તૈયાર કરતાં અગાઉ ભારતીય પ્રજાને કેવું બંધારણ ખપે છે એ બાબતમાં પ્રજાનો મત કોઇ તબક્કે લેવામાં આવ્યો નહોતો. ભારતનાં બંધારણમાં સંસદને અને કારોબારીને જે અમર્યાદિત સત્તાઓ આપી દેવામાં આવી છે તેની પાછળ જ બ્રિટીશ સલ્તનતનો દોરીસંચાર હતો. આ સંસદ અને કારોબારીના માધ્યમથી તેઓ આ દેશ ઉપર આડકતરી રીતે પોતાની સત્તા ટકાવી રાખવા માંગતા હતા. માટે જ દેશની પ્રજાને પોતાના ભવિષ્યના નિર્ણયો કરવાની સત્તાઓ આપવાને બદલે બધી જ સત્તાઓ સંસદ અને તેથી પણ વધુ પ્રધાનમંડળના હાથમાં કેન્દ્રિત કરવામાં આવી હતી.
ભારતમાં જો ખરી લોકશાહી હોય તો પ્રજાના અને દેશના વ્યાપક હિતને અસર કરે તેવા કોઇ પણ કાયદાઓ ઘડતા પહેલાં કે નિર્ણય લેતા પહેલાં સંસદની અને ખાસ કરીને પ્રજાની પરવાનગી લેવી જોઈએ અથવા છેવટે પ્રજાનો મત તો જાણવાની કોશિષ થવી જોઈએ. ભારતનાં બંધારણમાં આ પ્રકારની જોગવાઈ કયાંય કરવામાં આવી નથી. એક બાજુ રાજકારણીઓ સંસદ સર્વોપરી હોવાની ગુલબાંગો પોકારી રહ્યા છે અને બીજી બાજુ દેશના વર્તમાનને અને ભવિષ્યને ગંભીર અસરો કરેે તેવા નિર્ણયો સંસદને પૂછયા વિના લેવાની સત્તા કારોબારીને આપી દેવામાં આવી છે. આ વાતનો ખ્યાલ આપણને અમેરિકા સાથેના અણુ કરાર વખતે અને હાલ રિટેલમાં એફડીઆઈના મુદ્દે લેવાયેલા નિર્ણયોથી આવી ગયો છે.
ભારતે અમેરિકા સાથે જે પરમાણુ કરાર કર્યા છે તેને કારણે આપણા દેશનાં સંરક્ષણથી લઇને અર્થકારણ માટે વિકટ સમસ્યાઓ પેદા થવાની હતી. આ કરાર દ્વારા ભારતની સ્વતંત્રતા અને સાર્વભૌમ પણ ખતરામાં મૂકાઈ જવાનું હતું. અમેરિકાના કાયદા મુજબ તેણે જો ભારત સાથે આ પ્રકારના કરાર કરવા હોય તો સેનેટમાં કાયદો પસાર કરવો પડે તેમ હતો. પરંતુ ભારતના બંધારણમાં આટલા મહત્વના કરાર સંસદને પૂછયા વિના કરવાની સત્તા વડાપ્રધાનને અને તેમના પ્રધાન મંડળને આપી દેવામાં આવી હતી. આ સત્તાનો દુરુપયોગ કરીને ભારતના વડાપ્રધાન અમેરિકા જઇને પ્રજાને કે સંસદને પૂછયાવિના અમેરિકાના દબાણ હેઠળ અણુ કરાર ઉપર સહી કરી આવ્યા હતા.
તાજેતરમાં રિટેલમાં ૫૧ ટકા વિદેશી મૂડીરોકાણને પરવાનગી આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો તેને કારણે ભારતના ચાર કરોડ પરચૂરણ વેપારીઓની રોજી છીનવાઈ જાય તેવો ભય પેદા થયો હતો. આ નિર્ણય પ્રજાને, વેપારીઓને કે સંસદસભ્યોને પણ પૂછયા વિના લેવામાં આવ્યો હતો. ભારતનાં બંધારણમાં આટલા મહત્વના નિર્ણય લેવાની સત્તા પ્રધાનમંડળને આપી દેવામાં આવી છે.
આ અત્યંત ખતરનાક પરિસ્થિતિ છે. લોકશાહીના નામે દેશને લૂંટવાની અને લૂંટાવવાની સત્તા મુઠ્ઠીભર લોકોના હાથમાં સોંપી દેવામાં આવી છે. આ લોકો બેઇમાન સાબિત થયા છે. તેઓ દેશને ખરેખર લૂંટી રહ્યાં છે. આ પ્રકારની સત્તા તેમના હાથમાંથી છીનવી જ લેવી જોઈએ અને તે માટે બંધારણ બદલવું જોઈએ.
આ પહેલા અણ્ણા હઝારે બે વખત જંતરમંતર ખાતે પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. પરંતુ ત્યારના ઉપવાસમાં અને આ વખતના ઉપવાસમાં એક પાયાનો તફાવત હતો. આ વખતના ઉપવાસમાં સત્તાધારી ગઠબંધનને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો અણ્ણા હઝારેના આમંત્રણને માન આપીને જંતરમંતર આવ્યા હતા અને તેમણે અણ્ણાના આંદોલનને પોતાનો નૈતિક ટેકો જાહેર કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો સંસદીય લોકશાહીમાં પણ જેમનું મહત્વનું સ્થાન છે તેવા વિપક્ષો પણ અણ્ણાના સમર્થનમાં આવીને ઊભા છે. અરવિંદ કેજરીવાલે સ્ટેજ ઉપરથી કરેલી જાહેરાત મુજબ ૨૦૦ કરતાં વધુ સંસદસભ્યોએ અણ્ણાના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
અગાઉ અણ્ણા હઝારેએ દેશમાં સશક્ત લોકપાલનો કાયદો લાવવા દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે અનિશ્ચિત મુદતના ઉપવાસ કર્યા તેના પરિપાકરૃપે દેશની સંસદમાં તમામ રાજકીય પક્ષોએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કરીને સ્ટેન્ડીંગ કમિટીને મોકલી આપ્યો હતો. આ ઠરાવ દ્વારા અણ્ણા હઝારેને તેમના આંદોલનનો અંત લાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. જો શાસક પક્ષના દાવા મુજબ દેશની સંસદ સર્વોપરી હોય તો આ ઠરાવમાં જે ત્રણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હોત તેને સ્ટેન્ડીંગ કમિટિએ પોતાના હેવાલમાં સામેલ કર્યા હોત. તેને બદલે સ્ટેન્ડીંગ કમિટિએ આ ત્રણેય સૂચનો ફગાવી દઇને માત્ર અણ્ણા હઝારે સાથે નહીં પણ દેશની સંસદ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. અણ્ણા હઝારેએ જે આક્ષેપ કર્યો છે કે આ બધું કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીના ઇશારે કરવામાં આવ્યું છે તેમાં ભારોભાર તથ્ય છે.
ભારતના વડા પ્રધાન મન મોહન સિંહ એક તબક્કે અણ્ણાની બધી માંગણીઓ સ્વીકારવા તૈયાર થઇ ગયા હતા, પણ રાહુલ ગાંધીના કહેવાથી સ્ટેન્ડીંગ કમિટિના હેવાલમાં આ બધા મુદ્દાઓ ઉડાવી દેવામાં આવ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટિએ જે એકમાત્ર સૂચન માન્ય કર્યું કે રાહુલ ગાંધીનું લોકપાલને બંધારણીય દરજ્જો આપવાનું સૂચન હતું.
એક બાજુ આપણા નેતાઓ સંસદની અને કારોબારીની સર્વોપરીતાની દુહાઈ આપી રહ્યા છે અને બીજી બાજુ રાહલ ગાંધી જેવા નેતા, જેઓ સરકારમાં કોઇ બંધારણીય હોદ્દો ધરાવતા નથી તેઓ આખી સંસદને અને કારોબારીને પણ ઓવરટેક કરીને પોતાની મનમાની ચલાવી શકે એ દેશની સંસદનું અને જનતાનું અપમાન નથી ? ભારતનું બંધારણ ઘડતી વખતે સંસદસભ્યોના અધિકારો પણ અત્યંત મર્યાદિત રાખવામાં આવ્યા છે. હકીકતમાં તેમને દેશના હિતમાં નવા કાયદાઓ ઘડવાનો અધિકાર પણ આપવામાં આવ્યો નથી. નવા કાયદાઓ શાસક પક્ષના મોવડી મંડળના ઇશારે કાયદા પંચ નામના નોકરશાહો દ્વારા ઘડવામાં આવે છે અને પ્રધાનમંડળમાં પાસ કરીને સંસદસભ્યો સમક્ષ મૂકવામાં આવે છે. આ કાયદાઓને પસાર કરવાની કે અમાન્ય કરવાની કોઈ સ્વતંત્ર સત્તા સંસદસભ્યોને પણ આપવામાં આવી નથી. તેમણે તો મોવડી મંડળના આદેશ (વ્હીપ) મુજબ આ ખરડાની તરફેણમાં કે વિરુદ્ધમાં મત્તું મારવાનું હોય છે. તે જો મોવડી મંડળના આદેશની અવગણના કરે તો તેનું સભ્યપદ ઝુંટવી લેવાની સત્તા પણ પક્ષના મોવડીમંડળને પક્ષાંતરવિરોધી ધારા હેઠળ આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં જેઓ દેશમાં સંસદ સર્વોપરી છે એવું માને છે તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. હકીકતમાં આપણા દેશમાં લોકશાહી નહીં પણ હાઈ કમાન્ડશાહી પ્રવર્તે છે. અણ્ણા હઝારે અને તેમના સાથીદારો જો આ પરિસ્થિતિમાં સુધારો આણવા માટે દેશનું બંધારણ બદલવાની હિમાયત કરતા હોય તો તેમાં કાંઇ ખોટું નથી.
અણ્ણા હઝારેના જન લોકપાલને જે રીતે દેશભરમાંથી વ્યાપક ટેકો મળી રહ્યો છે અને તેનો વિરોધ કરવામાં શાસક પક્ષ જે રીતે એકલા પડી ગયો છે તે જોઇને લાગ્યા વિના રહેતું નથી કે આ આંદોલનને કારણે દેશનાં બંધારણમાં રહેલી ત્રુટિઓ આંખની સામે આવી ગઈ છે. સંસદીય લોકશાહી મુજબ આજની તારીખમાં પણ જો સરકાર જન લોકપાલ અથવા તેવો મજબૂત કાનૂન લાવવા ન ઇચ્છતી હોય તો ભારતનું બંધારણ તેને તેમ કરવા માટે મજબૂર કરી શકતું નથી. દેશની સમગ્ર જનતા અને દેશના બધા વિપક્ષો એકી અવાજે જન લોકપાલની રચના કરવા ચાહતા હોય તો પણ સરકાર બહુમતીના જોરે તેને કચડી શકે છે અને પોતાની મરજી મુજબના લોકપાલને દેશના માથે ઠોકી બેસાડી શકે છે. અણ્ણા હઝારેના સાથીદારો જો એમ કહેતા હોય કે કાયદાઓ સંસદમાં નહીં પણ શેરીઓમાં બનવા જોઈએ, તો તેમાં કાંઈ ખોટું નથી.
કદાચ જે રાજકીય પંડિતો ગળથૂથીમાં સંસદની સર્વોપરીતાના પાઠ ભણ્યા છે તેમને આ સૂચનથી ભારે આંચકો લાગશે. પરંતુ જે રીતે આપણા શાસક પક્ષે સંસદનું અને કારોબારીનું પણ અવમૂલ્યન કરીને પોતાની સત્તાને સર્વોપરી બનાવી છે તે પણ આપણી લોકશાહી સામે મોટો પડકાર છે. આજની તારીખમાં જે સત્તા દેશના વડા પ્રધાન પાસે નથી, દેશની સંસદ પાસે નથી અને દેશની પ્રજા પાસે પણ નથી એ સત્તા શાસક પક્ષના હાઈ કમાન્ડના હાથમાં કેન્દ્રિત થઇ છે. આ હાઇ કમાન્ડ ધારે તો દેશને વેચી શકે છે અને ડૂબાડી પણ શકે છે. હાઈ કમાન્ડના હાથમાંથી આ જાલિમ સત્તા આંચકી લઇને જેમના માટે આ લોકશાહી છે એ પ્રજાના હાથમાં કરી સત્તા આપવા માટેનું અણ્ણા હઝારેનું આંદોલન છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved