Last Update : 11-Dec-2011,Sunday
 

પ્રણવ મુખરજીનાં વિધાનો સૂચવે છે કે દેશને નવા વડાપ્રધાન મળશે

 

૨-જી કૌભાંડ અને રિટેલમાં એફડીઆઇના મુદ્દે ખરડાયેલા વડાપ્રધાન મનમોહન સિંહને રાષ્ટ્રપતિ ભવનમાં બેસાડીને નવા વડાપ્રધાન લાવવાનો ગેમપ્લાન તૈયાર થઇ રહ્યો છે?

રાજકારણીઓ અને સ્ત્રીઓ 'ના' કહે તેનો અર્થ 'હા' થતો હોય છે. રાજકારણીઓ જ્યારે નિખાલસ એકરાર કરતા હોય ત્યારે તેમાં રાજનીતિ છૂપાયેલી હોય છે. રિટેલમાં એફડીઆઇના મુદ્દે યુપીએ સરકારે બહાદુરીભરી પીછેહઠ કરી તે પછી કોંગ્રેસના સંસદસભ્યો સમક્ષ ભાષણ આપતાં નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ એવી પેટછૂટી કબૂલાત કરી હતી કે તેમની પાસે સંસદમાં બહુમતી ન હોવાથી આ બાબતમાં તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. રાજકીય પંડિતો આ નિખાલસ કબૂલાતમાં કાંઇક ભેદ જોઇ રહ્યા છે. પ્રણવ મુખરજીએ જે કહ્યું તેનો સાદો અર્થ એવો થાય છે કે જો સરકારે રિટેલમાં એફડીઆઇનો નિર્ણય પાછો ન ખેંચ્યો હોત તો તેમની સરકારનું પતન થાત અને દેશમાં મધ્યસત્ર ચૂંટણીઓ કરાવવી પડત, જેના માટે આજની તારીખમાં કોંગ્રેસ પક્ષ તૈયાર નથી. આ વિધાનનો ગૂઢાર્થ એવો થાય કે તેઓ હવે મનમોહન સિંહથી તંગ આવી ગયા છે. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહની ઉપયોગિતા ખતમ થઇ ગઇ હોવાથી કોંગ્રેસ પક્ષ તેમને બદલવા માંગે છે અને નવા વડાપ્રધાન લાવવા માંગે છે.
રિટેલમાં એફડીઆઇના મુદ્દે વિપક્ષોએ સંસદની કામગીરી ઠપ કરી નાંખી અને તેઓ સભામોકુફીની દરખાસ્ત લાવવા માંગતા હતા. યુપીએ સરકારના એક સહયોગી તૃણમૂલ કોંગ્રેસે એવી ધમકી આપી હતી કે તેઓ આ દરખાસ્તની તરફેણમાં ્ને સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે. જોકે કોંગ્રેસના ફ્લોર મેનેજરોએ સભામોકૂફીની દરખાસ્ત આવે તો જરૃરી સંખ્યાની જોગવાઇ કરી રાખી હતી, પરંતુ સૌથી ગંભીર ધમકી મમતા બેનરજીની હતી. મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જો સંસદમાં સરકારની વિરુદ્ધમાં મતદાન કરે તો કોંગ્રેસની નૈતિક તાકાત ખતમ થઇ જાય અને તેની સમક્ષ સંસદનું વિસર્જન કરીને નવેસરથી જનાદેશ મેળવવાનો જ વિકલ્પ બાકી રહે તેમ હતો. પ્રણવ મુખરજીએ કોંગ્રેસના સંસદસભ્યોને જણાવ્યું હતું કે ''આપણે આ સરકારને ચલાવવાની જરૃર છે, કારણ કે આપણે કવેળાએ લોકસભા બરખાસ્ત નથી કરવી. આપણે લોકસભાને ચાલુ રાખવી જોઇએ, કારણ કે અત્યારે કોઇને ચૂંટણીઓ જોઇતી નથી.'' અહીં 'કોઇ'નો અર્થ 'સોનિયા ગાંધી' એવો થાય છે. ૨-જી કૌભાંડ, અણ્ણા હઝારેનું આંદોલન અને કાળાં નાણાંના મુદ્દે સરકારની છાપ અત્યારે એટલી ખરાબ છે કે કોંગ્રેસ આ તબક્કે મતદારોનો સામનો કરી શકે તેમ નથી.
ઈ.સ. ૨૦૦૬ની સાલમાં અમેરિકા સાથેના પરમાણુ કરારના મુદ્દે યુપીએ-૧ સરકારે પોતાના અસ્તિત્વને પણ જોખમમાં મૂકી દીધું હતું. આ વખતે પણ સંસદમાં એવી પરિસ્થિતિ પેદા થઇ હતી કે રિટેલમાં એફડીઆઇના મુદ્દે યુપીએ-૨ સરકારનું પતન થયું હોત અથવા તેનું અસ્તિત્વ જોખમમાં મૂકાઇ ગયું હોત. સંસદમાં લોગજામની પરિસ્થિતિ પેદા થઇ તે પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્પષ્ટ કરી દીધું હતું કે રિટેલમાં એફડીઆઇના મુદ્દે સરકારને દાવ ઉપર લગાવી દેવાની જરૃર નથી. સોનિયા ગાંધીને લાગે છે કે વર્તમાનમાં યુપીએ-૨ સરકારની છબી જે રીતે ખરાબ થઇ છે તેમાંથી બહાર આવતાં તેમને ઓછામાં ઓછાં બે વર્ષ લાગશે. કોંગ્રેસ ડો. મનમોહન સિંહના શાસન કાળમાં થયેલા લોકો ભૂલી જાય તે માટે ઈ.સ. ૨૦૧૨માં વડાપ્રધાન બદલવાનો અને ૨૦૧૩ની સાલમાં જંગી આર્થિક પેકેજો જાહેર કરવાનો ગેમપ્લાન ધરાવે છે.
કોંગ્રેસ માટે ઈ.સ. ૨૦૧૨નું વર્ષ અત્યંત મહત્વનું છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત ઈ.સ. ૨૦૧૨ના મધ્યમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ આવી રહી છે. આ ચૂંટણીઓ દ્વારા કોંગ્રેસ એક કાંકરે બે પક્ષી મારી શકે છે. મનમોહન સિંહની સરકાર હવે કૌભાંડોનો પર્યાય બની ચૂકી હોવાથી તેનાથી પક્ષને બચાવી લેવા અને તેઓ મનમોહન સિંહથી છૂટકારો મેળવવા તેમને રાષ્ટ્રપતિ બનાવી શકે છે અને તેમના સ્થાને વડાપ્રધાન તરીકે એ.કે. એન્ટની જેવા ક્લિન ઈમેજ ધરાવતા પણ શ્રીમતી સોનિયા ગાંધીના પરિવારને સંપૂર્ણપણે વફાદાર નેતાને બેસાડી શકે છે. એન્ટની જેવા નેતા ઈ.સ. ૨૦૧૪ની ચૂંટણીઓ સુધી સરકારનું સુકાન સંભાળે પછી ચૂંટણીઓમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો માર્ગ મોકળો થાય તેમ છે. પ્રણવ મુખરજીએ 'આ તબક્કે અમે મધ્યસત્ર ચૂંટણીઓ નથી યોજવા માંગતા' એવું વિધાન કરીને વિપક્ષો ઉપરાંત સરકારના પોતાના સહયોગીઓને પણ સંદેશો આપી દીધો છે કે જો મધ્યસત્ર ચૂંટણીઓથી બચવું હોય તો સરકારને સહકાર આપીને જ કામ આગળ ધપાવવું પડશે.
આજની તારીખમાં દેશનો કોઇ રાજકીય પક્ષ મધ્યસત્ર ચૂંટણીઓ માટે તૈયાર નથી એ વાતની પ્રણવ મુખરજીને બરાબર ખબર છે. તેમના સહયોગીઓ પૈકી દ્રમુકની તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીઓમાં તાજી હાર થઇ હોવાથી તેઓ તામિલનાડુના મતદારોનો સામનો કરવા તૈયાર નથી. તૃણમૂલ કોંગ્રેસના હાથમાં પશ્ચિમ બંગાળની સત્તા આવી ગઇ હોવાથી તેમને મધ્યસત્ર ચૂંટણીઓથી કોઇ ફરક પડતો નથી. કોંગ્રેસના અન્ય સાથીપક્ષો પૈકી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના પરિણામ જાણવા ન મળે ત્યાં સુધી મધ્યસત્ર ચૂંટણીઓનું જોખમ ઉઠાવવા માંગતા નથી. પ્રણવ બાબુએ આ બધા સાથીદારોને ચીમકી આપી છે કે ચૂંટણીઓ ન જોઇતી હોય તો સહકાર આપો.
ભાજપ ભલે મધ્યસત્ર ચૂંટણીઓ માટે તૈયાર હોવાની ડંફાસો મારતો, પણ પક્ષમાં ખાસ કરીને વડાપ્રધાનપદના ઉમેદવારના મુદ્દે જે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે તેને કારણે આ પક્ષ પણ આજની તારીખમાં મધ્યસત્ર ચૂંટણીઓ માટે તૈયાર નથી. જો આજની તારીખમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાય અને ભાજપને પાતળી બહુમતી મળે તો અન્ય પક્ષોને સાથે રાખીને ચાલવાની ત્રેવડ લાલકૃષ્ણ અડવાણીમાં જ હોવાથી ભાજપે તેમને જ વડાપ્રધાન બનાવવા પડે. આ કારણે ભાજપના જે નેતાઓ વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાઓ સેવી રહ્યા છે તેઓ હાલના તબક્કે મધ્યસત્ર ચૂંટણી ઈચ્છતા નથી. કેન્દ્રના રાજકારણમાં મોખરાની ભૂમિકા ભજવવા થનગનતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોતાની પૂરી તાકાત આવતાં વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ઉપર કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ પણ હાલના તબક્કે લોકસભાની ચૂંટણી યોજવા માંગતા નથી. ઈ.સ. ૨૦૧૨માં ઉત્તર પ્રદેશની અને ગુજરાતની ચૂંટણીઓનાં પરિણામો આવી જાય તે પછી જ ભાજપમાં નેતાગીરીનો મુદ્દો ઉકેલાશે એમ જણાય છે. પ્રણવ મુખરજીએ ભાજપને પણ સંકેત આપ્યો છે કે ચૂંટણીઓ ન ખપતી હોય તો સંસદને ચાલવા દો.
સંસદમાં એફડીઆઇના મુદ્દે સરકારની બેઈજ્જતી થઇ અને સરકારે જે પારોઠનાં પગલાં ભરવા પડયાં તેને કારણે મનમોહન સિંહની સરકારને જેટલું નુકસાન થયું છે એટલું કોંગ્રેસની છબીને નથી થયું. ૨-જી કૌભાંડમાં સીબીઆઇની સ્પેશિયલ અદાલતે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને સહ આરોપી બનાવવાની સુબ્રમણ્યમ સ્વામીની અરજીને માન્ય રાખી તેને કારણે ચિદમ્બરમ ઉપર જે સંકટ આવ્યું છે તેમનો બચાવ કરવામાં યુપીએ સરકાર જેટલો રસ બતાવી રહી છે એટલો રસ હવે કોંગ્રેસ પક્ષ બતાવી રહ્યો નથી. કોંગ્રેસ પક્ષે ચિદમ્બરમને હવે તેમના નસીબના ભરોસે અથવા અદાલતના ભરોસે છોડી દીધા છે. ચિદમ્બરમ આ કેસમાં સહ આરોપી બનશે એટલે તેમનું પત્તું આપોઆપ કપાઇ જશે. જો ૨-જી કૌભાંડમાં ચિદમ્બરમને સહ આરોપી બનાવવામાં આવશે તો તેના છાંટા વડાપ્રધાન મનમોહન સિંહને પણ ઉડયા વિના નહીં રહે. ૨-જી કૌભાંડનો ગાળિયો ચિદમ્બરમના ગળામાં આવે તો તેઓ દોષનો ટોપલો મનમોહન સિંહના માથે પણ ઢોળી શકે છે. આ તકનો ઉપયોગ કરીને કોંગ્રેસનું મોવડીમંડળ મનમોહન સિંહને વડાપ્રધાનપદની ખુરશી ઉપરથી રાજીનામું આપવાની ફરજ પાડે એવું પણ બની શકે છે.
જો મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવીને એ.કે. એન્ટની અથવા લોકસભાના સ્પીકર મીરા કુમાર જેવા કોઇ વફાદાર નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે તો સરકારનું ખરું સુકાન નાણાંપ્રધાન પ્રણવ મુખરજીના હાથમાં આવી જશે. પ્રણવ મુખરજી શ્રીમતી સોનિયા ગાંધીના વિશ્વાસુ ખરા, પણ એટલા વિશ્વાસુ નથી કે તેમને વડાપ્રધાન બનાવી શકાય. પ્રણવ મુખર્જીને જો ઈ.સ. ૨૦૧૨માં વડાપ્રધાન બનાવવામાં આવે તો તેઓ ઈ.સ. ૨૦૧૪ની સાલમાં રાહુલ ગાંધી માટે સિંહાસન ખાલી ન કરે તેવું પણ બની શકે છે. તેને બદલે કોંગ્રેસનું મોવડીમંડળ જો મનમોહન સિંહને બદલવાનો વિચાર કરે તો પ્રણવ મુખરજીને નાયબ વડાપ્રધાન બનાવવાનો વિચાર જરૃર કરી શકે છે. વડાપ્રધાન મનમોહન સિંહ અગાઉ 'વડાપ્રધાનની ખુરશી ખાલી નથી' એ પ્રકારનાં વિધાનો કરી ચૂક્યા છે, પણ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં માનભેર નિવૃત્ત થવાની તક આપવામાં આવતી હોય તો તેઓ વડાપ્રધાનની ગાદી છોડવામાં ખચકાટ નહીં અનુભવે એવી ધારણા રાખવામાં આવે છે. આ બધી રાજકીય ગણતરીઓમાં અને ભવિષ્યનાં સમીકરણોમાં ગૃહપ્રધાન પી. ચિદમ્બરમની ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી.
રાજકારણના અખાડામાં વર્તમાન યુપીએ-૨ સરકાર ઉપર મુક્કાઓનો વરસાદ ચાલી રહ્યો છે અને સરકાર રીંગસરસી જડાઇ રહી છે. અહીં ટ્રેજડી એ વાતની છે કે સરકારની કફોડી હાલત કરવા માટે વિપક્ષો કરતાં વધુ જવાબદાર તેના સાથીપક્ષો છે. જો મમતા બેનરજીએ અને કરૃણાનિધિએ રિટેલમાં એફડીઆઇના મુદ્દે સરકારનો વિરોધ કરવાની ધમકી ન આપી હોત તો ભારતના પરચૂરણ વેપારમાં વિદેશી કંપનીઓને આવતા કોઇ રોકી શક્યું ન હોત. ભારતની પ્રજાએ અને ખાસ કરીને ચાર કરોડ વેપારીઓએ આ સાથીપક્ષોનો આભાર માનવો જોઇએ.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved