Last Update : 09-Dec-2011, Friday
 

ભંવરી દેવીએ સેક્સ- સીડીનું લિલામ કરવા જતા જીવ ગુમાવ્યો હતો

 

જાણકારો કહે છે કે ભંવરી દેવીએ મદેરણા સાથેની સીડી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને આપી હતી ઃ ગેહલોતે તેનો ઉપયોગ મદેરણાને કદ પ્રમાણે વેતરી નંાખવા કર્યો હતો

જૂના જમાનાના રાજાઓ જેવી રીતે પોતાના પ્રતિસ્પર્ધી રાજાને ખતમ કરવા વિષકન્યાઓ રાખતા હતા, એવું રાજસ્થાનની ભંવરી દેવીનું પણ બન્યું છે. કેટલાક રાજકારણીઓ લગભગ નગરવધૂ જેવી જિંદગી જીવતી ભંવરી દેવીનો ઉપયોગ કરીને રાજસ્થાનની અશોક ગેહલોત સરકારનું પતન કરવા માંગતા હતા. ભંવરી દેવીના હાથમાં એવી સ્ફોટક સીડી હતી જે બહાર આવે તો ખરેખર રાજસ્થાન સરકારનું પતન થઈ શકે તેમ હતું. સીડી બહાર પાડવાને બદલે ભંવરી દેવીએ તેનું લિલામ કરીને કમાણી કરવાની લાલચ રાખી તેમાં તેનો જીવ ગયો હતો.
રાજસ્થાનના રાજકીય વર્તુળોમાં એક વર્ષથી એ વાત જાણીતી હતી કે કેબિનેટ પ્રધાન મહિપાલ મદેરણાને કઢંગી હાલતમાં બતાડતી એક સીડી અસ્તિત્વમાં છે, જેમાં ભંવરી દેવી નાયિકા છે. ભંવરી દેવીએ આ સીડીનો ઉપયોગ કરીને રાજકારણીઓને બ્લેકમેઇલ કરવાની કોશિષ કરી હતી. ભંવરી દેવીને કદાચ તેના પરિણામની પણ જાણ હતી. આ કારણે જ તેણે તા. ૪ નવેમ્બરે બહાર પાડવામાં આવેલી ઓડિયો ટેપમાં નીચે મુજબ વાત કરી છે ઃ ''દોનોં સીડી અજમેર કે લોકર મેં હૈ, મૈં લોકર કા કોડ બતા દૂંગી. મુઝે કુછ હુઆ તો વહ સીડી નિકાલ લેના'' આ સંવાદ ઉપરથી ખ્યાલ આવે છે કે સીડીના કારણે ભંવરી દેવીની હત્યા થઈ શકે છે, તેની ખુદ ભંવરી દેવીને પણ ગંધ આવી ગઈ હતી.
સીબીઆઇના સત્તાવાર હેવાલ મુજબ ભંવરી દેવી આજની તારીખમાં પણ લાપત્તા છે. તેનું મૃત્યુ થયું છે અથવા તેની હત્યા કરવામાં આવી છે, એવું સૂચવતા કોઈ નિર્ણયાત્મક પુરાવા હજી સુધી સીબીઆઇના હાથમાં આવ્યા નથી. સીબીઆઇને માત્ર એટલી જ જાણ છે કે જાલોરની બિશ્નોઈ ગેન્ગના સભ્યો દ્વારા ભંવરી દેવીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સ્કોર્પિયો ગાડીમાં નાંખીને જોધપુરથી દૂર ક્યાંક લઈ જવામાં આવી હતી. સીબીઆઇ આજની તારીખમાં પણ આ બિશ્નોઈ ગેન્ગને પકડી પાડવામાં સફળ નથી થઈ. સીબીઆઇએ આ કેસમાં સોહનલાલ બિશ્નોઈની અને શહાબુદ્દીનની ધરપકડ પહેલા કરી હતી. ભંવરી દેવી છેલ્લા એક દાયકાથી લુણીના વિધાનસભ્ય મલખાનસિંહ બિશ્નોઈ સાથે સંબંધ ધરાવતી હતી તેની જોધપુરમાં ઘણાને જાણ હતી. સોહનલાલ સરકારી કોન્ટ્રેક્ટર હતો અને મલખાનસિંહનો ભાઈ હતો. શાહબુદ્દીન મોટર મિકેનિક હતો અને જાણીતો ગુંડો હતો. ભંવરી દેવી છેલ્લે આ બે ગુંડાઓ સાથે દેખાઈ હતી. ત્યાર પછી તેનું શું થયું એ રહસ્યના આવરણમાં વીંટળાયેલો કોયડો છે.
ભંવરી દેવી કેસની તપાસ પહેલા ૧૫ દિવસ સુધી રાજસ્થાનની પોલીસે કરી હતી. તેમાં રાજસ્થાનના પ્રધાન મહિપાલ મદેરણાનું નામ ખૂલ્યું તે પછી રાજસ્થાનની કોંગ્રેસ સરકારે સામે ચાલીને આ કેસ સીબીઆઇને સોંપી દીધો હતો. સીબીઆઇએ કરેલી તપાસ મુજબ આ કેસનો માસ્ટરમાઇન્ડ શાહીરામ બિશ્નોઈ નામનો ઇસમ છે, જે આજની તારીખમાં પણ લાપત્તા છે. જે દિવસે ભંવરીદેવી ગુમ થઈ હતી તે દિવસે શાહીરામના મોબાઇલમાંથી સોહનલાલને અને શાહબુદ્દીનને ૨૭ ફોન કરવામાં આવ્યા હતા. શાહીરામે આ ફોન કર્યા ત્યારે તે જયપુરમાં મહિપાલ મદેરણાના ઘરમાં અથવા તેની આજુબાજુ હતો. મદેરણાએ પણ કબૂલ કર્યું છે કે શાહીરામ પહેલી સપ્ટેમ્બરે તેના ઘરે આવ્યો હતો.
ભંવરીદેવી અને મહિપાલ મદેરણાની સેક્સ સીડી તા. ૧૦ નવેમ્બરે અચાનક પ્રગટ થઈ હતી. રાજસ્થાનની એક લોકલ ટીવી ચેનલ ઉપર ૪૯ મિનિટની આ સીડીના મુખ્ય અંશો પ્રદર્શિત કરવામાં આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ સીડીમાં ભંવરીદેવી અને મદેરાણા એકબીજાના વસ્ત્રો ઉતારતા નજરે પડે છે. આ દરમિયાન મંદેરાણા ભંવરી દેવીના કાનમાં ગણગણી રહ્યો છે, ''અમે તમને પ્રેમ કરીએ છીએ.'' ભંવરી દેવીને બરાબર ખબર હતી કે બેડરૃમમાં છૂપા કેમેરા ક્યાં ગોઠવવામાં આવ્યા છે. એટલે જ્યારે તેનો વસ્ત્રો ઉતારવાનો વારો આવે છે ત્યારે તે ચાલાકીથી કેમેરાની રેન્જમાંથી બહાર નીકળી જાય છે. ત્યાર પછી સીડીમાં તેને આળસ મરડતી બતાવવામાં આવે છે. મહિપાલ મદેરણાને કેમેરા ગોઠવવામાં આવ્યા છે એવી જાણ નહોતી. આ કારણે તે આ સીડીમાં તદ્દન બિભત્સ અવસ્થામાં દેખાય છે. આ સીડી બહાર આવી તે પછી પ્રજામાં એટલો રોષ પેદા થયો હતો કે ૧૫મી નવેમ્બરે અશોક ગેહલોતની આખી સરકારે રાજીનામું આપી દેવું પડયું હતું. ભંવરી દેવીએ એક ઓડિયો સીડીમાં એવી આગાહી કરી હતી કે, 'રાજસ્થાન કી સરકાર કા તખ્તા પલટ જાયેગા' આ આગાહી સાચી પુરવાર થઈ હતી.
ભંવરીદેવીએ સીડીનું લિલામ કરવાનો નિર્ણય કરી પોતાના મોતની ચિઠ્ઠી ફડાવી લીધી હતી. ભંવરીદેવીએ સોહનલાલને આ સીડીનું લિલામ કરવાનું કામ સોંપ્યુ ંહતું. સોહનલાલ ભંવરી દેવી અને મદેરાણા વચ્ચે દલાલનું કામ કરતો હતો. ભંવરી દેવીએ સોહનલાલને આ સીડી વેચવા માટે 'દિલ્હીની એક પાર્ટી'નો સંપર્ક સાધવાનું કામ પણ સોંપ્યું હતું. એક તબક્કે મદેરાણા આ સીડી ખરીદવા પણ તૈયાર થઈ ગયો હતો. સોહનલાલે આ વાતની જાણ ભંવરી દેવીને પણ કરી હતી. ભંવરી દેવીએ સોહનલાલને કહ્યું હતું, ''અગર વોહ (મદેરણા) સમજૌતા કરને કો તૈયાર હો, તો સીડી ઉસે સોંપ દૂંગી, નહી તો એક, દો, તીન.'' (આ સીડીની કોપીઓ થઈ જશે.)
રાજસ્થાનના રાજકારણને હચમચાવનારા ભંવરી દેવી કાંડની નાયિકાના પિતાને કુલ પાંચ સંતાનો હતા. ગરીબીને કારણે તેઓ અજમેરની નજીક આવેલ કિસનગઢની આદિત્ય થ્રેડ મિલમાં દાડિયા મજૂર તરીકે કામ કરતા હતા. ભંવરી દેવી સરકારી નિશાળમાં આઠમા ધોરણ સુધી ભણી ત્યાં ૧૪ વર્ષની ઉંમરે તેના લગ્ન ત્યારે બારમા ધોરણમાં ભણતા અમરચંદ સાથે થઈ ગયા હતા. ભંવરી દેવીના સસરાએ તેને સરકારી હોસ્પિટલમાં નર્સની નોકરી કરવા પ્રેરણા કરી હતી. ઈ.સ. ૧૯૯૯ની સાલમાં ભંવરી દેવીનું પોસ્ટીંગ જેસલમેર શહેરમાં થયું હતું. ત્યારે તેને મહિને ૮,૦૦૦ રૃપિયાનો પગાર મળતો હતો. અહી તેને સુખ સગવડોની તૃષ્ણા પેદા થઈ હતી.
ભંવરી દેવીને નર્સ તરીકે ૨૧,૦૦૦ રૃપિયાનો પગાર મળતો હતો. તે કથ્થક નૃત્ય શીખી હોવાથી રાજસ્થાની મ્યુઝિક વિડિયોમાં કામ કરતી હતી. આ ફિલ્ડમાં તેનો સંપર્ક રાજકારણીઓ સાથે થયો અને તેની આવક અચાનક વધવા લાગી હતી. ઇ.સ. ૨૦૦૯માં ભંવરી દેવીએ પોતાના પતિ અમરચંદ માટે મારુતિ સ્વીફ્ટ ગાડી ખરીદી હતી, જેનો ઉપયોગ કરીને અમરચંદે ટેક્સી સર્વિસ શરુ કરી હતી. ૨૦૧૧માં તેણે ઇન્ડિગો ગાડી પણ ખરીદી હતી. ભંવરી દેવી મોંઘા વસ્ત્રો પહેરતી હતી અને વિદેશી બ્રાન્ડના સૌંદર્ય પ્રસાધનોનો છૂટથી ઉપયોગ કરતી હતી. ભંવરી દેવી પોતાના પુત્ર સાહિલને ભિલવારાની સારી કોલેજમાં ભણાવવા માગતી હતી. વધતી જતી ઉંમરને કારણે તે ડિપ્રેશનનો ભોગ બની હતી અને તેની સારવાર માટે ઇન્જેક્શન પણ લેતી હતી. વધુ રૃપિયા રળવા તેણે મદેરણાની સીડી બનાવવાનો તુક્કો અજમાવ્યો હતો.
સોહનલાલે પોલીસને જણાવ્યા મુજબ તેણે ભંવરી દેવી સાથે તેની બે વર્ષ જૂની સ્વિફ્ટ કારનો ૪.૭૫ લાખ રૃપિયામાં સોદો કર્યો હતો. સોહનલાલ નિયમિત ભંવરી દેવીના ઘરે આવતો હતો અને ભંવરી દેવી તેને રાખડી બાંધતી હતી. સોહનલાલે ભંવરી દેવીને કારના એડવાન્સ પેટે ૫૦,૦૦૦ રૃપિયા ચૂકવી દીધા હતા અને બાકીના રૃપિયા લેવા તેણે ભંવરી દેવીને બિલારા ખાતે બોલાવી હતી. ભંવરી દેવીએ પોતાની સ્વિફ્ટ કાર સોહનલાલને સોંપી દીધી હતી અને ઇન્ડિગો ખરીદી હતી. પહેલી સપ્ટેમ્બરે ઇન્ડિગો કાર ચાલતી નહોતી એટલે ભંવરી દેવીએ બપોરે ૧.૩૦ની બસ પકડીને બિલારા પહોંચી હતી. સાંજે સાડા ચારે ભંવરી દેવી ઉપર અમરચંદનો ફોન આવ્યો કે ઇન્ડિગો ગાડી રીપેર થઈ ગઈ છે અને તે ચાહે તો તેને લેવા આવી શકે છે. ભંવરી દેવીએ કહ્યુંકે તેને સોહનલાલ પાછી ઘરે છોડી જવાનો છે ત્યાર પછી સાંજે ૬.૩૦ સુધી ભંવરી દેવી પાછી ન આવી ત્યારે અમરચંદે તેને ફોન કર્યો તો ભંવરી દેવીનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારથી ભંવરીનો કોઈ પત્તો નથી.
સોહન લાલે પોલીસને જણાળ્યા મુજબ કે તેણે ભંવરીનો કબજો શહાબુદ્દીનને સોંપી દીધો હતો. ભંવરી શાહબુદ્દીનને રજ્જુભૈયા તરીકે ઓળખતી હોવાથી તે તેની સાથે તેની બોલેરો કારમાં જવા તૈયાર થઈ ગઈ હતી. શાહબુદ્દીને શરુઆતમાં સીબીઆઇને જણાવ્યું કે તેણે ભંવરીનો કબજો સ્કોર્પિયોમાં આવેલા કેટલાક ગુંડાઓને સોંપી દીધો હતો. પાછળથી શાહબુદ્દીને કબૂલ કર્યું હતું કે, તેેેણે કારમાં જ ભંવરી દેવીની હત્યા કરી હતી અને તેના મૃતદેહનો કબ્જો બિશ્નોઈ ગેંગને સોંપી દીધો હતો. આ બિશ્નોઈ ગેંગનો પત્તો આજ દિન સુધી સીબીઆઇને લાગ્યો નથી. સોહન લાલ અને મહિપાલ મદેરણા વચ્ચે પણ સંબંધ છે. મહિપાલ જે જાહેર બાંધકામ ખાતાનો પ્રધાન હતો તેમાં સોહનલાલ કોન્ટ્રાક્ટર હતો. સોહનલાલે હજી એ વાત સપષ્ટ કરી નથી કે તેણે કોના કહેવાથી ભંવરી દેવીનું અપહરણ કરાવ્યું હતું અને તેનો કબજો શાહબુદ્દીન ગેંગને સોંપી દીધો હતો.
મહિપાલ મદેરણાએ પહેલાં તો ભંવરી દેવીને ઓળખતો હોવાનો જ ઇન્કાર કરી દીધો હતો. જ્યારે સીડી બહાર આવી ત્યારે મદેરણાએ કબૂલ કર્યું કે તે ભંવરી દેવીને ઓળખે છે, પણ અપહરણમાં તેનો હાથ નથી મુખ્યપ્રધાન મદેરાણાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. સીબીઆઇએ મદેરણાની ધરપકડ કરી છે.
એક હેવાલ મુજબ મદેરણા અગાઉ મુખ્યપ્રધાન અશોક ગેહલોતના કટ્ટર હરીફ હતા અને તેમને ઉથલાવી પાડવાની યોજના પણ બનાવતા હતા. જ્યારથી તેમની ભંવરી દેવી સાથેની સીડીની વાત બહાર આવી ત્યારથી તેઓ ગેહલોતના આજ્ઞાાંકિત બની ગયા હતા. જાણકારો કહે છે કે, ભંવરી દેવી મુખ્યપ્રધાનને મળી હતી અને તેણે મદેરણાવાળી સીડી ગેહલોતને આપી દીધી હતી. આ સીડીનો ઉપયોગ અશોક ગેહલોતે મદેરાણાને કદ પ્રમાણે વેતરી નાખવા માટે કર્યો હતો. જો આ વાત સાચી પુરવાર થાય તો અશોક ગેહલોત મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved