Last Update : 08-Dec-2011,Thursday
 

ઇન્ટરનેટની સેન્સરશિપ આવશ્યક પણ અશકય છે

 

ઇન્ટરનેટ ઉપર વાંધાજનક લખાણ બાબતમાં કેન્દ્ર સરકાર વાંધો ઉઠાવે એટલા માત્રથી વેબસાઇટના સંચાલકો આ લખાણને દૂર કરવાનો બંધાયેલા છે

ઇન્ટરનેટનું માધ્યમ એક અબજ માથાંવાળા રાક્ષસ જેવું છે. આ રાક્ષસ કોઇના કબજામાં નથી. તેનું એક માથું કાપી નાંખવામાં આવે તો તેને બીજાં દસ માથાં ફૂટી નીકળે છે. ઇન્ટરનેન્ટનું પણ તેવું છે. એક વેબ્સાઇટ ઉપર કોઇની લાગણી દુભવે તેવું લખાણ પ્રસિદ્ધ થયું હોય તે વેબ્સાઇટને સરકારે આજ દિવસ સુધી રોષ પ્રગટ નથી કર્યો. ઇન્ટરનેન્ટ ઉપર હિન્દુ દેવીદેવતાઓનું અપમાન કરતાં લખાણો પ્રગટ થાય છે તેની સામે આપણી સરકારનું પેટનું પાણી પણ હલતું નથી. પરંતુ તાજેતરમાં ફેસબુક ઉપર વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતાં લખાણો પ્રગટ થયાં કે તરત જ કેન્દ્ર સરકાર ઉંઘમાંથી જાગી છે. કેન્દ્રના સંદેશાવ્યવહાર ખાતાંના પ્રધાન કપિલ સિબ્બલે ફેસબુક અને ગૂગલ જેવી સેવાઓને ચેતવણી આપી છે કે તેમની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર કોઇની બદનક્ષી કરતું લખાણ આવવું જોઇએ નહીં. હકીકતમાં ગૂગલ અને ફેસબુકનો વ્યાપ જોતાં તેનાં લખાણોને સેન્સર કરવાનું શકય જ નથી.
કપિલ સિબ્બલને એ વાતનો ખ્યાલ નથી કે ફેસબુક, ગૂગલ, ઓર્કુટ કે વિકીપિડીયા જેવી સેવાઓ ઉપર જે લખાણો મૂકવામાં આવે છે તેને સેન્સર કરવાનું અશકય છે. ફેસબુકના આશરે ૮૦ કરોડ ગ્રાહકો વિશ્વમાં છે, જેમાંના અઢી કરોડ ભારતમાં છે. આ ગ્રાહકો દર સેકન્ડે કરોડો લખાણો પોસ્ટ કરે છે, જે તાત્કાલિક ઇન્ટનેટ ઉપર પ્રગટ થાય છે. ફેસબુક ઉપર રોજના દોઢ અબજ નવાં લખાણો પ્રગટ થાય છે. જો ફેસબુકના સંચાલકો આ દરેક લખાણને સ્ક્રીન કરીને અપલોડ કરવાનો આગ્રહ રાખે તો કોઇ પણ લખાણને પ્રગટ થતાં મહિનાઓ લાગે અને ફેસબુકે લાખો એડિટરો રાખવા પડે. જો આવું બને તો ફેસબુક અને ટ્વિટરની ઉપયોગિતા જ ખતમ થઇ જાય તેમ છે.
ફેસબુક ઉપરનાં જે લખાણને કારણે કપિલ સિબ્બલ ઉશ્કેરાઇ ગયા છે તે લખાણ કોઇ પણ દૈનિકમાં આવતાં કાર્ટૂન જેવું નિર્દોષ છે. આ લખાણમાં અજમલ કસાબને એવું કહેતા ટાંકવામાં આવ્યો છે કે ''હમણાં જ ચિકન બિરયાની આવી, મારી જિંદગીનાં આ જબરદસ્ત વર્ષો છે. ચાલો, ડેઝર્ટ પણ આવુ ગયું.'' આ લખાણ ઉપર કોમેન્ટ કરતાં મનમોહન સિંહ કહે છે કે ''અતિથિ દેવો ભવ'' અજમલ કસાબનો આ સંદેશો વાંચીને પાકિસ્તાનની આઇએસઆઇ જાસૂસી સંસ્થા કોમેન્ટ કરે છે કે ''સારી વાત છે, અને બીજા કેટલાકને મોકલીએ છીએ.'' આ સંવાદના છેડે એટલું જ લખવામાં આવ્યું છે કે ''સોનિયા ગાંધી એન્ડ રાહુલ ગાંધી લાઇક્સ ધીસ.'' મુંબઇ ઉપર ત્રાસવાદી હુમલો કરવામાં જીવતા પકડાઇ ગયેલા અજમલ કસાબને જેલમાં જે બાદશાહી સવલતો આપવામાં આવી છે તેને કારણે ભારતની પ્રજામાં રોષ છે. આ રોષ ફેસબુકના માધ્યમથી બહાર આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રજાના આ રોષને કચડી નાંખવાને બદલે અજમલ કસાબનો ત્વરિત ઉપાય શોધી કાઢવો જોઇએ.

કેન્દ્રના સંદેશાવ્યવહાર પ્રધાન કપિલ સિબ્બલ દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણેલા છે. ફેસબુક ઉપર સેન્ટ સ્ટીફનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જૂથ છે. આ જૂથમાં લોકપ્રિયતાની બાબતમાં કપિલ સિબ્બલ પાંચમાં ક્રમાકે હતા. આ જૂથમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુલિવાલિયા, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાનો મણિશંકર ઐયર અને શશી થરૃર પણ સભ્ય છે. કપિલ સિબ્બલે ઇન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટો ઉપર સેન્સરશિપ નાંખવાની વાત કરી એટલે આ જૂથમાં તેમના ભાવોમાં કડાકો બોલી ગયો છે. સેન્ટ સ્ટીફન એલ્યુમની ગુ્રપના મોટા ભાગના સભ્યોએ કપિલ સિબ્બલને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે.
ઇ.સ. ૧૯૭૫માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતમાં કટોકટીની પરિસ્થિતિ લાદી તે વખતે અખબારોમાં પણ સેન્સરશિપ હતી. સરકાર દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ અખબારનાં તમામ લખાણોનો અભ્યાસ કરી લે તે પછી જ અખબાર પ્રગટ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. ત્યારે સેન્સરશિપ શકય હતી, કારણે કે બધાં અખબારો ભારતમાંથી બહાર પડતાં હતાં. આજે ઇન્ટરનેટ ઉપર સેન્સરશિપ શકય નથી કારણે કે અગણિત વેબ્સાઇટો છે અને તેમાંની મોટા ભાગની અન્ય દેશોમાંથી ચલાવવામાં આવી રહી છે.
ઇન્ટરનેટના ચાહકો કહે છે કે ટેલિફોન અને મોબાઇલની જેમ ઇન્ટનેટ પણ સંદેશાવ્યવહારનું સાધન છે. જેમ કોઇ ત્રાસવાદી પોતાના ફોનનો ઉપયોગ કરીને ધમકીભર્યા ફોન કરે અથવા મોબાઇલનો ઉપયોગ સમાજ માટે હાનિકારક મેસેજ કરવા માટે કરે તો ફોન અથવા મોબાઇલ કંપનીના સીઇઓને તેના માટે જવાબદાર ઠેરવવામાં નથી આવતાં પણ ગુનાસંશોધનમાં તેમનો સહકાર માંગવામાંઆવે છે તેવું જ ઇન્ટરનેટનું છે. જો ઇન્ટરનેટની કોઇ સાઇટ ુપર વાંધાજનક સંદેશ મૂકવામાં આવ્યો હોય તો તે માટે આ વેબ્સાઇટના સંચાલકોને જવાબદાર ગણવાના બદલે આ સંદેશ મૂકનાર વ્યક્તિને શોધી કાઢવા માટે તેમની મદદ લેવી જોઇએ. જે રીત લોકો ફોન કે મોબાઇલ ઉપર વાતો કરે તેને સેન્સર નથી કરી શકાતી તેવી રીતે ઇન્ટરનેટની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર મૂકાતાં લખાણોને સેન્સર કરવાનું અશકય છે.
કપિલ સિબ્બલને ઇન્ટરનેટ ઉપર વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કોંગ્રેસપ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતા સંદેશાઓ ખૂંચે છે તેમ યુવાપેઢીનું નિકંદન કાઢતી બિભત્સ વેબ્સાઇટો કેમ નથી ખૂંચતી ? કેન્દ્ર સરકારે થોડા સમય અગાઉ ઇન્ટરનેટ ઉપર ભારતની સ્ત્રીઓને વેશ્યા ઠરાવતી 'સવિતા ભાભી' નામની વેબ્સાઇટ બ્લોક કરી હતી. આ વેબ્સાઇટ ટૂંક સમયમાં નવાઅવતારમાં નેટ ઉપર આવી ગઇ છે. તેવી રીતે ભારતની સ્ત્રીઓને નગ્ન દશામાં દર્શાવતી અને રતિક્રીડાના દ્રશ્યો દર્શાવતી હજારો વેબ્સાઇટો ચાલી રહી છે. આ વેબ્સાઇટો પોર્નોગ્રાફીનું ઓનલાઇન વેચાણ કરીને કરોડો રૃપિયા કમાય છે. યુવાનો સાઇબર કાફેમાં આ પોર્નોગ્રાફી જોવા જાય છે. તેઓ પોતાના મોબાઇલમાં આ બિભત્સ ફિલ્મો ડાઉનલોડ કરીને તેની મજા માણે છે. નવી પેઢીનું સત્યાનાશ કાઢતી આ વેબ્સાઇટો બંધ કરાવવાની બાબતમાં સરકાર જરાય ગંભીર નથી. સરકાર ધારે તો તેમાંની ઘણી વેબ્સાઇટોને બ્લોક કરી શકે છે.
ભારત એક લોકશાહી દેશ છે. ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. જો આ અધિકારના ભોગવટાને કારણે દેશને, સમાજને કે કોઇ વ્યક્તિને ગંભીર નુકસાન થવાની વકી ન હોય તો સરકાર પણ આ અધિકાર પર તરાપ મારી શકતી નથી. કપિલ સિબ્બલે થોડા દિવસ પહેલા ગૂગલ, ફેસબુક, યાહૂ વગેરેના ભારત ખાતેના અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા હતા કે સરકાર જે લખાણ સામે વાંધો ઉઠાવે એને તમારે વેબ્સાઇટ ઉપરથી દૂર કરી દેવું જોઇએ. બાકીના અધિકારીઓ આ બબતમાં મૌન સેવી રહ્યા છે, પણ ગૂગલના અધિકારીએ સરકારને સંભળાવી દીધું છે કે તે તેઓ સરકારનો આદેશ એમને ઉચિત લાગશે તો જ માન્ય કરશે. બીજા શબ્દોમાં સરકારના બધા આદેશને માથે ચડાવવા તેઓ બંધાયેલા નથી. ગૂગલે તો સ્પષ્ટ કર્યું છે કે આ બાબતમાં તેઓ માત્ર અદાલતનો આદેશ જ માનશે. તેનો અર્થ એવો થાય છે કે સરકાર ઇન્ટરનેટ ઉપરથી કોઇ પણ લખાણ હટાવવા માંગતી હોય તો તેણે અદાલતના દરવાજા ખટખટાવવા પડશે. ભારતની અદાલતોમાં જે ધીમી ગતિએ મુકદમાંઓ ચાલે છે અને ચુકાદાઓ આવે છે એ જોતાં સરકાર અદાલતમાં જવાનું પસંદ નહીં જ કરે.
ભારતમાં આજની તારીખમાં ઇન્ટરનેટ ઉપર કોઇ પ્રિસેન્સરશિપ નથી, પણ પોસ્ટ સેન્સરશિપ જરૃર છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર કોઇ રાજકારણી વિશે ઘસાતું લખાયું હોવાની જાણ થાય કે તરત જ સરકાર દ્વારા આ વેબ્સાઇટનો સંપર્ક કરવામાં આવે છે અને લખાણને રદ્દ કરાવવાની કોષિષ કરવામાં આવે છે. ગયાં વર્ષના જુલાઇ અને ડિસેમ્બર મહિના વચ્ચે ગૂગલને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ તરફથી વાંધાજનક લખાણો દૂર કરવા બાબતમાં ૨૮૨ સૂચનાઓ મળી હતી. આ વર્ષના જાન્યુઆરી અને જૂન મહિના વચ્ચે આ પ્રકારની સૂચનાઓની સંખ્યા વધીને ૨,૪૩૯ ઉપર પહોંચી ગઇ હતી. તેમાંની માત્ર ૧૯ ફરિયાદો જ પોનોગ્રાફીને લગતી હતી.
સરકારની એજન્સી દ્વારા વેબ્સાઇટના સંચાલકને કોઇ લખાણ દૂર કરવાની સૂચના આપવામાં આવે તેનો અર્થ એવો નથી કે સંચાલકને તે લખાણ દૂર કરવાની ફરજ પાડી શકાય. વેબ્સાઇટના સંચાલકોને આ સૂચનામાં દમ જણાય તો જ તેઓ લખાણ દૂર કરે છે.
ગૂગલના જણાવ્યા મુજબ ઇ.સ.૨૦૦૯માં તેમને જેટલી ફરિયાદો મળી તે પૈકી ૭૭ ટકામાં તેમણે પગલાંઓ લીધાં હતાં. પણ ઇ.સ.૨૦૧૦ના ઉત્તરાર્ધમાં તેમને જેટલી ફરિયાદો મળી તે પૈકી ૨૨ ટકા ફરિયાદો જ તેમને યોગ્ય જણાતાં તે બાબતમાં પગલાંઓ લેવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારને આ વાત જ ખૂંચી રહી છે.
તેઓ વેબ્સાઇટનાં સંચાલકોને પોતાની મુનસફી મુજબ નચાવી શકવાની સ્થિતિમાં નથી. આપણી સરકારે ઇન્ટરનેટનું માધ્યમ જ્યારે પા પા પગલી ભરતું હતું ત્યારે જ તેને અંકુશમાં રાખવાના ઉપાય શોધી કાઢ્યા હોત તો આજની પરિસ્થિતિ પેદા જ ન થઇ હોત. હવે કેન્દ્ર સરકાર તો શું પણ દુનિયાની કોઇ તાકાત ઇન્ટરનેટના આ આખલાને નાથી શકે તેમ નથી.


-સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved