Last Update : 07-Dec-2011, Wednesday
 

જનતાને, ગ્રાહકને સસ્તું મળે એ મહત્ત્વનું કે ગ્રાહકને લૂંટતા આવેલા દુકાનદારો મહત્ત્વના ?

- કરોડો ખેડૂતો મહત્ત્વના કે ખેડૂતોનો માલ સસ્તામાં પડાવીને જનતાને, ગ્રાહકને મોંઘા ભાવે વેચતા દુકાનદાર કે દલાલો મહત્ત્વના ?
- એક મોજણીમાં બે તૃતિયાંશ જનતાએ રીટેલ વેપારમાં એફડીઆઇને આવકાર આપ્યો એફડીઆઇ નહોત તો પણ ભાજપને સંસદને ચાલવા દેવાનો જ નહોતો
- આપણા દેશની સિત્તેર ટકા જનતા ગામડામાં રહે છે જ્યાં એફડીઆઇ જવાની નથી તો પછી આટલો બધો ઉહાપોહ શા માટે ?

‘‘સંસદનું શિયાળુ સત્ર ચાલવા નહીં દઈએ.’’ એવું વડાપ્રધાનપદ મેળવવા માટે દસ દસ વર્ષથી દોડાદોડ કરી રહેલા ભાજપના નેતા આડવાણીએ સંસદનું સત્ર શરું થયું એ પહેલાં એમણે જે રથયાત્રા કાઢેલી એમાં જાહેર કર્યા કરેલું. એ વખતે આ એફડીઆઇ એટલે વિદેશી રોકાણનો મુદ્દો નહોતો પણ ટુ-જી ભ્રષ્ટાચારમાં ગૃહપ્રધાન ચિદંબરમ્‌ની સંડોવણીનો મુદ્દો હતો અને એ મુદ્દો જ પકડીને ભાજપે આડવાણીના ઇશારાથી સંસદના શિયાળુ સત્રના શરુના બે-ચાર દિવસ સંસદ ચાલવા દીધેલી નહીં. એમાં એક દિવસ રાહુલ ગાંધીનો મુદ્દો મળ્યો તો એ મુદ્દો પણ ટુ-જી સાથે ભેળવીને ભાજપે સંસદ ચાલવા ન દીધી.
એમાં મનમોહન સરકારે એફડીઆઇ વિષેનું પ્રકરણ જગાડ્યું. ભાજપે અગાઉ જે બે ચાર દિવસ સંસદ ચાલવા નહીં દીધેલી એમાં ડાબેરી અને બીજા વિરોધ પક્ષોએ સાથ નહીં આપેલો પણ એફડીઆઇ મુદ્દો અમેરિકા સાથે જોડાયેલો હોવાના કારણે ડાબેરીઓ અને ડાબેરીઓ પાછળ બીજા વિરોધ પક્ષો પણ જોડાયા. એટલે દરરોજના આપણા જનતાના લાખો- કરોડો રૂપિયા જેની પાછળ ખર્ચવામાં આવે છે એ સંસદને ભાજપે ચાલવા ન દીધી અને જનતાના કરોડો રૂપિયા ગટરમાં જાય એવું વર્તન ભાજપે કર્યું.
આ એફડીઆઇ એટલે ‘ફોરેન ડાયેરક્ટ ઇન્વેસ્ટમેન્ટ...’ વિદેશી કંપનીઓ આપણે ત્યાં સીઘું રોકાણ કરી શકે એવો ધંધો વેપાર.
વર્ષોથી આ જાતની વ્યવસ્થા તો આપણે ત્યાં છે જ. પહેલા ૫૦ ટકા કરતા ઓછા ટકાની ભાગીદારીની વ્યવસ્થા તો હતી જ અને પછી મનમોહન સરકારે ૫૧ ટકાની વ્યવસ્થા કરી.
આ સગવડ ગ્રાહકો અથવા જનતા સાથે સીધા સંપર્કમાં આવે એવા રીટેઇલ વેપારમાં અત્યાર સુધી નહોતી એ હવે મનમોહન સરકાર રીટેઇલ વેપારમાં લાવવા તૈયાર થઈ છે.
અગાઉ જ્યારે મોલ સંસ્કૃતિ આપણા દેશમાં શરુ થઈ ત્યારે પણ નાના દુકાનદારોના ધંધા બંધ થઈ જશે... એવી બુમરાણ ચાલી હતી.
હવ આજે સ્થિતિ એ છે કે... મોલો પણ ચાલે છે અને નાના દુકાનદારો પણ ચાલે છે. દુકાનદારો કહે છે કે એમની ઘરાકી ઓછી થઈ ગઈ છે એ તો સ્વાભાવિક છે પણ એ દુકાનદારો મનફાવે તેવા ભાવો અત્યાર સુધી લઈને ઘરાકોને બેફામપણે લૂંટાતા રહ્યા છે એનું શું ?
બીજી વાત એ દુકાનદારોનો ધંધો ઉધારી પર વઘુ ચાલતો હોય છે. આપણી સામાન્ય પ્રજા અને માંડમાંડ બે સાંધા ભેગા કરીને જીવતી પ્રજાને ઉધાર લેવું જ પડે. દુકાનદાર પણ જો એ ઉધારીનો હિસાબ ગણીને ભાવો નક્કી કરતો હોય છે અને રોકડિયા ગ્રાહકને પણ એ જ ભાવે વેચાણ કરતો હોય છે.
આમ, છૂટક દુકાનદારોની વકીલાત કરવા જેવી નથી. વળી હજી સુધી એક પણ છૂટક દુકાનદારનું ઉઠમણું થયું હોય એવું જોયું કે સાંભળ્યું નથી અને કોઈનું ઉઠમણું થયું હશે તો એનું કારણ બીજું હશે... ભાગીદારીવાળા ઝગડા, ભાઈઓના ઝગડા, બીજા ઊંધા ધંધા, સટ્ટો રમવો વગેરે કારણોસર દુકાનદાર ઉઠી ગયો હોય તો અલગ વાત છે.
બીજી મહત્ત્વની વાત છે એ ઉધારી તો મોલમાં ચાલતી જ નથી. મોલમાં ‘ક્રેડિટ કાર્ડ’ ચાલે છે જે લગભગ ઉધારી જ કહેવાય. જ્યારે નાના દુકાનદારને ત્યાં ક્રેડિટ કાર્ડ નથી ચાલતા.
ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણો દેશ ગામડાઓમાં વસેલો છે. જ્યારે આપણી ૭૦ ટકા વસતિ ગામડાઓમાં વસે છે. જ્યારે મોલ કે સુપર માર્કેટ કે વોલ માર્કેટ કે કેરફોર વગેરે શહેરી પ્રજાને જ આવરવાના છે. તેઓને ગામડામાં જવું પોષાય તેમ નથી પરદેશોમાં પણ ગામડામાં મોલ હોય છે તો ‘હાઇવે’ પર હોય છે અને નાના મોલ હોય છે. આપણી ગામડાની પ્રજા રોજેરોજનું ખરીદીને જીવનારી છે.
આ અંગે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચંદીગઢ, પટના, લખનૌ, રાંચી, ભોપાળ, જયપુર, બેંગ્લોર, હૈદ્રાબાદ અને ચેન્નાઈ એમ ૧૨ શહેરોમાં જેમાં ૪૬ ટકા મહિલાઓ હતી એવી મોજણી કરાવેલી તો એનો જે પ્રતિભાવ આવ્યો એ આ પ્રમાણે હતો...
(૧) મલ્ટીબ્રાન્ડ રીટેઇલ સ્ટોરને ૫૧ ટકા એફડીઆઇ આપવાના સરકારના નિર્ણયને તમે ટેકો આપો છો ?
એવા સવાલના જવાબમાં ૬૪ ટકાએ હા કહેલી, ૨૫ ટકાએ ના કહેલી અને ૧૧ ટકાએ કશો જવાબ નહીં આપેલો.
(૨) તમારે ત્યાં બીગબઝાર, ફૂડ બજાર, રીલાયન્સ કે ડીમાર્ટ કે સ્ટાર બજાર જેવા કોઈ મોલ દૂર કે નજીકમાં થવાથી તમે નાના દુકાનદારને ત્યાં જવાનું કે ત્યાંથી ખરીદી કરવાનું બંધ કર્યું છે ?
આ સવાલના જવાબમાં ૬૪ ટકાએ ના કહી હતી અને ૩૧ ટકાએ હા કહી હતી તથા ૫ ટકાએ કશું કહ્યું નહોતું.
(૩) સીધો સવાલ પૂછવામાં આવેલો કે તમારે ત્યાં મલ્ટીનેશનલ કોર્પોરેશનની રીટેઇલ બજાર ખુલે તો તમે નાના દુકાનદારને ત્યાંથી ખરીદી ઓછી કે બંધ કરશો ?... જેના જવાબમાં ૩૮ ટકાએ હા કહેલી, ૩૫ ટકાએ ના કહેલી અને ૨૭ ટકાએ ‘કશું કહી શકાય નહીં’ એવું કહેલું.
ખરી વાત એવી છે કે રીટેઇલ વેપારમાં એફડીઆઇનો ૫૧ ટકા પ્રવેશ સામે જે ઉહાપોહ છે એમાં રાજકારણ છે. એમણે ૧લી તારીખે ‘બંધ’ આપ્યો તો જ્યાં તોફાનીઓ હતા (દા.ત. અમદાવાદ ગાંધીરોડ) ત્યાં દુકાનો બંધ રહેલી બાકી એની જરા પણ અસર નહીં થયેલી.
બાકી ‘અંગ્રેજો વેપારી તરીકે આવેલા અને આપણને ગુલામ કર્યા’ કે ‘આપણા નાણાં વિદેશોમાં ચાલ્યા જશે’ એવી દલીલોમાં કોઈ તથ્ય નથી કારણ કે આજના ‘ગ્લોબલાઇઝેશન’ના યુગમાં એ શક્ય નથી અથવા વૈશ્વીકરણની પ્રક્રિયામાં કોઈ દૂર રહી શકે તેમ નથી. વળી અંગ્રેજો વેપારી તરીકે આવેલા ત્યારની પરિસ્થિતિને આજની લોકશાહી અને વૈશ્વીકરણની પરિસ્થિતિ સાથે સરખાવી શકાય નહીં.
વળી આજની દુનિયા આર્થિક સામ્રાજ્યની જ ગુલામ છે. અમેરિકા પણ આર્થિક સામ્રાજ્યનું ગુલામ છે, યુરોપ પણ અને ભારત પણ !
છેલ્લી વાત ખેડૂતોની.
આપણે ત્યાં વચેટિયાઓ બન્ને બાજુ લૂંટીને પોતાનું તંત્ર ચલાવતા આવ્યા છે. હવે મોલ સંસ્કૃતિ શરુ થતા રીલાયન્સ, નેશનલ હેન્ડલુમ વગેરે વચેટિયાને ખસેડીને સીઘી ખેડૂત પાસેથી ખરીદી કરે છે અથવા પોતે જ ખેતરો રાખે છે જેના કારણે ખેડૂતોનો નફો જે વચેટિયા લઈ જતા હતા એના બદલે ખેડૂતોને તથા ઘરાકોને મળે છે. જ્યારે આપણા દેશમાં ૭૦ ટકા પ્રજા ખેડૂત છે તે ભૂલવું ન જોઈએ.
- ગુણવંત છો. શાહ

 

અહંિસાની કેડી કંડારનાર ઇમામ હુસૈનની ક્રાંતિ સમગ્ર વિશ્વ માટે અનુકરણીય
સકળ સૃષ્ટિના સર્જનહાર અલ્લાહ તઆલાએ સમગ્ર માનવ જાતની મુક્તિ અને તેના કલ્યાણ માટે નબીઓ અને રસૂલો એટલે કે પયંગબરોની પરંપરા શરુ કરી. જેની શરુઆત હજરત આદમ અલૈહિસ્સલામથી થઈ અને પૂર્ણાહુતિ ઇસ્લામના પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) પર થઈ.
હજરત આદમ (અ. સ.)થી માંડીને ઇસ્લામના પયગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સુધી અલ્લાહના જે જે પ્રતિનિધિઓ આ પૃથ્વી પર દીન (ધર્મ)ના પ્રચાર- પ્રસાર અર્થે મોકલવામાં આવ્યા તેમની સંખ્યા એક લાખ ચોવીસ હજાર છે. જેમાં હજરત નૂહ, હજરત ઇબ્રાહીમ, હજરત મૂસા, હજરત ઇસા જેવા પયગંબરોનો સમાવેશ થાય છે. અલ્લાહ તઆલાએ માનવીની સુધારણા માટે પયગંબરોની પરંપરા શરુ કરવા ઉપરાંત તેમની સાથે દિવ્ય આકાશી ગ્રંથોના અવતરણની પરંપરા પણ જાળવી જેમાં તૌરેત, ઝબૂર, ઇન્જીલ અન કુરઆને મજીદનો સમાવેશ થાય છે.
વિશ્વના ઇતિહાસ સાથે સંકળાયેલા માણસો સારી પેઠે જાણે છે કે દરેક કાળમાં સારા- નરસાં, સત્ય- અસત્ય વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો છે પરંતુ સર્વ શક્તિમાન અલ્લાહ તઆલાએ પ્રકાશને અંધકાર પર, સત્યને અસત્ય પર સફળતા એનાયત કરી.
એ જ સંઘર્ષમાળાની એક કડીનું નામ છે હુસૈન ઇબ્નેઅલી એટલે ઇસ્લામના પયગંબર હજરત સાહેબના જમાઈ અને ઇસ્લામના ચોથા ખલીફા હજરતઅલી (અ. સ.)ના સુપુત્ર ઇમામ હુસૈન (અ.સ.) તેઓ પોતે પયગંબર નહોતા અલબત્ત પયગંબર સાહેબના દોહિત્ર અવશ્ય હતા. એમણે સામી છાતીએ અસત્યનો મુકાબલો કરી સત્યનો સાદ હંમેશ માટે બુલંદ કરી દીધો. એ જુદી વાત છે કે આ માટે એમને પોતાના સર્વસ્વનું બલિદાન આપવું પડ્યું હતું જેનો જોટો વિશ્વના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા મળતો નથી.
ઇતિહાસના અભ્યાસથી જાણવા મળે છે કે, ૨૮મી રજ્જબ હિ.સ. ૬૦ના રોજ અલીના પુત્ર હુસૈનને મદીના છોડીને મક્કા જવું પડ્યું. મક્કામાં રોકાઈને હજ કરવાનો ઇરાદો હતો પરંતુ પરિસ્થિતિ વઘુ વણસતા તેઓ મક્કામાં પણ ન રોકાયા અને હજ્જને બદલે ઉમરો કરીના કૂફા જવા રવાના થયા. અત્રે યાદ રાખવું જોઈએ કે હજ્જ માટે એક ચોક્કસ તારીખ નિર્ધારિત છે, એ માત્ર ઇસ્લામી વર્ષના બારમા મહિના ઝિલહિજ્જાની દસમી તારીખે જ કરી શકાય છે. જ્યારે ઉમરહ માટે કોઈ જ તારીખ નિર્ધારિત નથી તે વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. ઉમરહ એક પ્રકારની નાની હજ્જ છે. તેમાં અરફાત, મિના, મુઝદલફાના રોકાણો, કુરબાની અને શેતાનને કાંકરી મારવાનો અરકાનો હોતા નથી.
મુસ્લિમ ઇબ્ને અકીલની શહીદીથી કૂફાની પરિસ્થિતિ વઘુ વણસી ગઈ હતી. વિવિશ થઈને ઇમામ હુસૈન (અ.સ.) બીજી મોહર્રમ હિ.સ. ૬૧ના રોજ કરબલા મુકામે જઈ પહોંચ્યા ત્યારે ચારે બાજુથી એમને યઝીદની સેનાએ ઘેરી લીધા. ૭મી મોહર્રમથી યુફ્રેટિસ નદી (નેહરે કુરાત) પર પહેરો બેસાડી દીધો. ચાર- ચાર દિવસ સુધી એમને અને એમના સાથીદારોને ભોજન- પાણી વગર અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવી. છેક ૧૦મી મોહર્રમ હિ.સ. ૬૧ના રોજ અત્યંત નિર્દયતાપૂર્વક એમને શહીદ કરવામાં આવ્યા એમની શહીદીનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર થયો. સમગ્ર વિશ્વના તમામ ધર્મો અને કોમોએ ઇમા હુસૈનની શહીદીના પર દુઃખ વ્યક્ત કર્યો ત્યારથી અત્યાર સુધી આજ દિન સુધી એ પરંપરા ચાલી આવી છે અને જ્યારે ઇસ્લામી વર્ષની શરુઆત થાય છે તેના પહેલા જ મહિના મુહર્રમમાં ઇમામ હુસૈનને ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ) રજૂ કરવામાં આવે છે.
અત્રે યાદ રાખવું જોઈએ કે હુસૈનની ક્રાંતિ વિશ્વના તમામ રાષ્ટ્રો, વિશ્વની તમામ કોમો અને વિશ્વના તમામ ધર્મોના લોકો માટે અનુકરણીય છે. જ્યારે પણ કોઈએ અલીના પુત્ર હુસૈનના આદર્શો ઘ્યાનમાં રાખ્યા અને તેની આરસીમાં પોતાના સારા ઉદ્દેશ્યો માટે સંઘર્ષ કર્યો તેને સફળતા સાંપડી.
આપણા ભારત દેશની આઝાદી માટે જ્યારે ગાંધીજીએ આંદોલન ચલાવ્યું ત્યારે લોકોએ એમને પૂછ્‌યું કે આટલી મોટી સત્તા સામે તમને સફળતા કેવી રીતે પ્રાપ્ત થશે ? ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે હું ઇસ્લામના પયગંબરના દોહિત્ર, અલી હુસૈનના પદચિન્હો પર ચાલીને તેમનું અનુકરણ કરીને આ સફળતા પ્રાપ્ત કરીશ અને થયું પણ એમ જ અંગ્રેજોને આપણો દેશ છોડીને જવું પડ્યું, અને આઝાદીનો તિરંગો સમગ્ર દેશ પર લહેરાવા માંડ્યો.
હુસૈનિયત ઝિન્દા બાદ
હિન્દુસ્તાન પાઇન્દા બાદ
- ડૉ. કે. આર. મોમિન ‘અશોક’

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

સર્કિટ ટ્રેનિંગથી બોડી બને ફિટ
સૈફની જગ્યાએ રાણા

'વિદ્યા'ના મોંઘેરા મોલ

નિર્દેશન માટે તૈયાર છંુઃ ઓમી

સ્કારલેટ જોન્સનની ફિલ્મ વહેંચવી મુશ્કેેલ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved