Last Update : 30-June-2011, Thursday
 

યુવા પેઢીમાં વધતું જતું 'સેક્સટિંગ'નું દૂષણ ચિંતાજનક

 

કાયદાની જોગવાઈ પ્રમાણે એસએમએસ અને ઇ-મેઇલના માધ્યમથી બિભત્સ સામગ્રી મોકલવાની હરકતની ભારે કિંમત ચુકવવી પડે છે
થોડા સમય પહેલાં ગોરેગાંવની એલ.એસ. પાટકર કોલેજની એક ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીને તેના જ કોમ્પ્યૂટર હાર્ડવેરના શિક્ષક તરફથી અશ્લીલ એસએમએસ મળવા માંડયા. થોડો સમય તો તેણે ધ્યાન ન આપ્યું, પણ વાત હદ કરતા વધી ગઈ ત્યારે તેણે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ ટીચરની ધરપકડ કરી લીધી હતી. જોકે પાછળથી આ ટીચર જામીન પર છુટી ગયો હતો, પણ આ કિસ્સાને કારણે પોલીસને 'સેક્સટીંગ'ને ગંભીરતાથી લેવાની ફરજ પડી હતી.
આવું જ કંઈક બન્યું ૨૧ વર્ષીય દિયા સાથે. દિયાને કોઈ અજાણી વ્યક્તિ તરફથી સેક્સના ઓવરટોનવાળા એસએમએસ અને ઇ-મેઇલ મળી રહ્યા હતા. આ સંજોગોમાં દિયાએ તેના મિત્રો, પોલીસ કે પછી માતાને જાણ ન કરતા પોતાના સુધી જ વાત સિમીત રાખવાનું વલણ અપનાવ્યંુ હતું. જોકે એક તબક્કે દિયા પર એટલું માનસિક દબાણ વધી ગયું કે તેણે આના માટે મનોચિકિત્સકની મદદ લેવી પડી હતી.
આ બન્ને કિસ્સાઓની સમસ્યાના મૂળમાં છે 'સેક્સટિંગ'નું દૂષણ. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં આ દૂષણ ઝપાટાભેર ફેલાઈ રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો 'ટેક્સટિંગ' એટલે સેક્સના ઓવરટોનવાળા મેસેજ. આ પ્રકારના મેસેજનો છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વ્યાપ વધ્યો છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારના મેસેજ કોઈ નવી વાત નથી. અમેરિકાના દરેક સ્ટેટમાં આ પ્રકારના મેસેજ પર નજર રાખવામાં માટે ખાસ કાયદા અને નિયમો છે. વળી, આ મેસેજ જો બાળકોને મોકલવામાં આવ્યા હોય તો એની સજા વધારે આકરી અને કડક થઈ જાય છે. અમેરિકામાં તો આ દૂષણ એટલું વ્યાપક છે કે ધ અમેરિકન એકેડમી ઓફ પિડીયાટ્રિક્સને 'સેક્સટિંગ'ની સત્તાવાર વ્યાખ્યા જાહેર કરવાની ફરજ પડી છે. આ સંસ્થાએ જાહેર કરેલી વ્યાખ્યા પ્રમાણે સેક્સટિંગ એટલે સેક્સથી ભરેલા સંદેશા સેલ ફોન, કોમ્પ્યૂટર કે બીજા ડિજીટલ સાધનની મદદથી મોકલવા, મેળવવા કે પછી ફોેરવર્ડ કરવા. થોડા સમય પહેલાં અમેરિકન કોંગ્રેસમેન એન્થોની વેનરે ઓનલાઇન માધ્યમની મદદથી ઉત્તેજક ચિત્રો છ મહિલાઓને મોકલવાનો કિસ્સો જાહેર થતા મોટો હોબાળો મચી ગયો હતો. આ સમસ્યાને પગલે તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડયંુ હતું. આ સમસ્યાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે એના પર કાબૂ પાડવા માટે સૌથી પહેલાં એના માટે જવાબદાર કારણોને સમજવા જરૃરી બની જાય છે. આ સમસ્યા માટેના જવાબદાર કારણ વિશે વાત કરતા એક જાણીતા મનોચિકિત્સક કહે છે કે ''હકીકતમાં મગજમાં જ્યારે માત્ર અને માત્ર સેક્સના વિચારોએ કબજો જમાવી લીધો હોય ત્યારે વ્યક્તિ સેક્સટિંગ જેવી હરકત કરવા માટે પ્રેરાય છે. જે વ્યક્તિના મગજમાં સતત સેક્સના વિચારો આવ્યા કરતા હોય અને તેની પાસે એની મુક્તિ માટે કોઈ વિકલ્પ ન હોય ત્યારે તે સેક્સટિંગ જેવી વિકૃત પ્રવૃત્તિ કરવા તરફ દોરાય છે. વળી, આ પ્રકારના મેસેજ મોકલતી વખતે વ્યક્તિને એક જાતના પાવરનો અનુભવ થાય છે. વળી, વ્યક્તિની આંગળીઓ બોલવા કરતા વધારે ઝડપથી કામ કરી શકે છે. કેટલાક લોકોમાં સેક્સની ભાવના પ્રબળ હોય છે અથવા તો એને પરાણે કુંઠિત કરી નાખવામાં આવી હોય છે. આ સમસ્યાથી પીડાતા લોકો સેક્સટિંગના માધ્યમથી પરપીડનનો પીશાચી આનંદ માણે છે.''
ભારતમાં ભલે આ સમસ્યા અત્યારે વધી ગઈ હોય, પણ એની શરૃઆત તો ઘણા સમય પહેલાંથી જ થઈ ગઈ છે. ૨૦૦૪ની શરૃઆતમાં દિલ્હી હાઇસ્કૂલના બે વિદ્યાર્થીઓએ બનાવેલા એમએમએસનો કિસ્સો બહુ ગાજ્યો હતો. આ મુદ્દે વાત કરતા ઇન્ટરનેટ અને સોસાયટી વિષય પર સંશોધન કરતી એક સંસ્થાના વડા કહે છે કે ''સેક્સટિંગની સમસ્યા મોબાઇલ ફોનના માધ્યમને કારણે વધારે વકરી છે. યુવાનોમાં હવે એનો ઉપયોગ કમ્યુનિકેશનના સાધન તરીકે થઈ રહ્યો છે. તેમના માટે આ પ્રકારના મેસેજ બહુ સામાન્ય છે, પણ એના કારણે ક્રમશઃ તેમના માનસિક તેમજ નૈતિક સ્તરનું અધઃપતન થઈ રહ્યું છે. હાલમાં કરેલા બિહારના રિસર્ચમાં અમને ખબર પડી હતી કે આવા સેક્સટિંગ કરનારા યુવાનો જો આ મેસેજ ઘરના વડીલો પકડી પાડે તો ભારે શરમની લાગણી અનુભવે છે અને આ પરથી કહી શકાય કે જે વ્યક્તિ આવા ગુના આચરે છે તેને પોતાને પણ ખબર છે કે તે જે કરી રહી છે એ બિલકુલ અયોગ્ય છે. હકીકતમાં યુવાન પેઢી સેક્સટિંગના રવાડે ચડી ન જાય એ દિશામાં નજર રાખવાની અને પછી યોગ્ય પગલા લેવાની જવાબદારી ઘરના વડીલોની બની જાય છે. આ પ્રકારના સેક્સટિંગ બનનારી વ્યક્તિ તેની પોતાની માનસિકતા પ્રમાણે શરમ, ડર કે પછી આક્રોશની લાગણી અનુભવે છે અને જો યોગ્ય કાઉન્સિલિંગ કરીને આ લાગણી દૂર ન કરાય તો વ્યક્તિ આખી જિંદગી આ ખરાબ યાદથી પીડાતી રહે છે.''
સમાજમાં સેક્સટિંગની સમસ્યા ભારે વ્યાપક બની રહી હોવા છતાં સામાજિક શરમના કારણે મોટાભાગના લોકો હજી એની ફરિયાદ કરવાનું ટાળે છે. આ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે સાયબર ક્રાઇમ સેલને ખાસ તાલીમ આપવામાં આવી છે, પણ છેલ્લા બે વર્ષમાં વિભાગને આવી ૨૦૦ જેટલી ફરિયાદો જ મળી છે. સામાન્ય રીતે આ પ્રકારના ગુનાનો ભોગ મહિલાઓ જ બનતી હોય છે અને એનો ભોગ બનનારી મોટાભાગની મહિલાઓ ગુનેગારોને ભારે સજા મળે એવા આકરા કાયદાઓ હોવા છતાં પોલીસની મદદ માગતા અચકાતી હોય છે અને શક્ય હોય ત્યાં સુધી મદદ માગવાનું ટાળે છે.
આ ગુનાની સજા વિશે વાત કરતા બોમ્બે હાઇકોર્ટમાં પ્રેકટિસ કરતા એક વકીલ કહે છે કે ''ભારતનો સમાવેશ એવો દેશોમાં થાય છે જ્યાં સેક્સટિંગ જેવા ગુના માટે આકરી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આમ, ફોન કે પછી ઇન્ટરનેટના માધ્યમથી અશ્લીલ મેસેજ મોકલનારી વ્યક્તિને લાંબા સમય સુધી જેલની સજા પણ થઈ શકે છે. ભારતીય દંડ સંહિતાની અનેક કલમમાં મહિલાઓના માનનો ભંગ કરવો તેમજ અશ્લીલતા ફેલાવવાના ગુના હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા પ્રમાણે એસએમએસને ઇલેકટ્રોનિક રેકોર્ડ ગણવામાં આવે છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાયદા પ્રમાણે મોબાઇલને કોમ્પ્યૂટરની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જોકે આ પ્રકારના કેસમાં ભારે સજાની જોગવાઈ હોવા છતાં ઉકેલ આવતા બહુ વાર લાગી જાય છે અને આ એની મોટી નકારાત્મક બાબત છે.''
સેક્સટિંગનો ભોગ બનનારી વ્યક્તિ જો મજબૂત મનની હોય તો પોલીસ ફરિયાદ કરીને આ પ્રકારના મેસેજ કરતી વ્યક્તિને જેલના સળિયા ગણતી કરી દે છે, પણ જો ભોગ બનનારી વ્યક્તિ અત્યંત સંવેદનશીલ અને ઋજુ મનની હોય તો તેના પર મન પર સેક્સટિંગનો ભારે નકારાત્મક પ્રભાવ પડે છે. દિયાની જ વાત કરીએ તો સેક્સટિંગના પગલે દિયાના મગજમાં એ વાત બેસી ગઈ હતી કે આ પ્રકારના મેસેજ આવવા માટે કોઈક રીતે તેનું પોતાનું જ વર્તન જવાબદાર છે અને આ સતત આ વિચાર કરવાને કારણે તે આત્મબળ ખોઈ બેઠી હતી અને આખરે મનોચિકિત્સકની મદદ લેવાનો વારો આવ્યો હતો. અમેરિકન ટીનએજર જેસિકા લોગને તો તેના એક્સ બોયફ્રેન્ડે જેસિકાના નગ્ન ફોટા જાહેર કરી દેતા લાગેલા આઘાતને કારણે આત્મહત્યા કરી લેવાનું પસંદ કર્યું હતું.

સેક્સટિંગને ડામવા માટેના કરડા કાયદાઓ
આઇટી એક્ટના કાયદાની ૬૭મી કલમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ અશ્લીલ કે બિભત્સ માહિતીને પ્રકાશિત કરવાના કે પછી મોકલવાના આરોપસર પકડાઈ જાય તો તેને પાંચ વર્ષની જેલની સજા અને એક લાખ રૃપિયાનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ બીજી વખત આ ગુનો કરતા પકડાય તો એને દસ વર્ષની જેલની સજા તથા બે લાખ રૃપિયાના દંડની કાયદામાં જોગવાઈ છે. આ સિવાય કેસના પ્રકાર પ્રમાણે પોલીસ જો કલમ ૫૦૯ અંતર્ગત આરોપીની ધરપકડ કરે તો તેને બે વર્ષથી માંડીને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. સામાન્ય વ્યક્તિની જેમ સેલિબ્રિટીઓ પણ સેક્સટિંગનો ભોગ બની હોય એવા કિસ્સા નોંધાયા છે. ૨૦૦૮ના માર્ચ મહિનામાં દિલ્હીથી એક બી.કોમ. સ્નાતક યુવાનને અભિનેત્રી સુસ્મિતા સેનને વલ્ગર એસએમએસ મોકલવા બદલ પકડવામાં આવ્યો હતો. એ પહેલાં ૨૦૦૭ના ફેબુ્રઆરી મહિનામાં પોલીસે એક ફ્રીલાન્સ મિડીયા પર્સનને નવોદિત અભિનેત્રીઓ તેમજ ડાન્સરોને બિભત્સ મેસેજ મોકલવા બદલ પકડયો હતો. ૨૦૦૭માં અભિનેત્રી નગ્માએ વાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે કોઈ અજાણી વ્યક્તિ તને ધમકીભર્યા અને વલ્ગર એસએમએસ મોકલી રહી છે. જોકે હજી સુધી આ તમામ કેસોનો કોઈ ઉકેલ નથી આવ્યો અને બધા કેસ ટ્રાયલના તબક્કામાં જ છે.


Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ZEHST 'શ્રીનગર થી કન્યાકુમારી માત્ર અડધા કલાકમાં પહોંચી શકાશે.'

ફળોને પકવવાની સાચી-નરસી ટેકનોલોજી
ડ્રાઈવર વિનાની ગુગલ કાર...!
યચ્યુઈંગ ગમથી ફાયદા જ ફાયદા... !
સર્જરી દરમ્યાન ચેતા ક્યાય જાય તો... ?
 

Gujarat Samachar Plus

અમદાવાદના વિદ્યાર્થીઓ કેમ્બ્રિજની સફરે સફળતાનો સ્ટડી, સપનાંની ટૂર `
બજાર કરતા સાવ ઓછા ભાવનું શાક વડોદરાના પાનશેરીમાંથી મળે
ફર્સ્ટ સ્ટેપ વિથ ફ્રેશર્સ પાર્ટી

નુડલ્સના સ્વાદમાં ભળે છે સ્નેહ અને સેવાની સોડમ

અથાણાની ભેળસેળઃ જીભનો ચટકો પણ આરોગ્યને ફટકો
 
   
lagnavisha arc
 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
 

આજનું કાર્ટુન

   
   
webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved