Last Update : 23-June-2011, Thursday
 

ભારતમાં શું વોટરગેટ જેવું કૌભાંડ આકાર ધારણ કરી રહ્યું છે?

 

નાણાં પ્રધાન પ્રણવ મુખરજીની ઓફિસમાંથી ૧૬ જગ્યાએ ફેવિકોલ જેવો ચીકણો પદાર્થ મળી આવ્યો પણ આઈબી કહે છે કે તે ચ્યુંઈ ગમ જ હતી
રાજકરણ અને જાસૂસી એક સિક્કાની બે બાજુ જેવા છે. બે હજાર વર્ષ પહેલા ચાણક્યના અર્થ શાસ્ત્રમાં રાજાના જાસૂસોની ખાસિયતો વર્ણવવામાં આવી છે. કોઈ પણ દેશની જો સુરક્ષા કરવી હોય તો શત્રુઓની હિલચાલ ઉપર દેખરેખ રાખવા જાસૂસોનું વ્યવસ્થિત નેટવર્ક હોવું જોઈએ. આ દુશ્મનો દેશની અંદર હોઈ શકે છે અને બહાર પણ હોઈ શકે છે. અમેરિકા જેવા વિશાળ દેશની વિદેશ નીતિ ત્યાંની સરકાર નક્કી નથી કરતી પણ સીઆઈએ જેવી જાસૂસી સંસ્થાઓ નક્કી કરે છે. પાકિસ્તાનમાં ત્યાંની સરકાર કરતાં જાસૂસી તંત્ર વધુ શક્તિશાળી છે. આ જાસૂસોનો ઉપયોગ જ્યારે દુશ્મન દેશ ઉપર રાખવાને બદલે પોતાના દેશના અને તેમાં પણ શાસક પક્ષના રાજકરણીઓ ઉપર વોચ રાખવા માટે કરવામાં આવે ત્યારે મામલો ગંભીર બની જાય છે. કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુખરજીની ઓફિસમાં જાસૂસી થઈ રહી હોવાના જે હેવાલો બહાર આવી રહ્યા છે તેને કારણે યુપીએ સરકારમાં ખળભળાટ પેદા થયો છે. આ જાસૂસી કાંડને કારણે યુપીએ સરકારમાં ચાલી રહેલી સત્તાની સાઠમારી પણ સપાટી ઉપર આવી છે. વર્ષો અગાઉ અમેરિકામાં વોટરગેટ નામનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતુઃ જેને કારણે તત્કાલીન પ્રેસિડન્ટે રાજીનામું આપવું પડયું હતું. શું ભારતમાં પણ 'વોટરગેટ'આકાર લઈ રહ્યું છે?
દેશના એક અંગ્રેજી રાષ્ટ્રીય દૈનિક કરેલા ધડાકા મુજબ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ ગયા સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાનની કચેરીને ફરિયાદ કરી હતી કે તેમની ઓફિસમાં જાસૂસી થઈ રહી હોવાની તેમને શંકા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના ઓફિસરોએ આ શંકાની તપાસ કરવાનું કામ એક ખાનગી ડિટેક્ટિવ એજન્સીને સોંપ્યું હતું. આ એજન્સીએ શોધી કાઢ્યું કે નાણાં પ્રધાનની ઓફિસમાં કુલ ૧૬ જગ્યાએ ફેવિકોલ જેવો ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. આ ૧૬ જગ્યાઓમાં ત્રણ જગ્યાઓ તો નાણાં પ્રધાનના ડેસ્કમાં આવેલી હતી. નાણાંપ્રધાનના અંગત સચિવના ડેસ્ક હેઠળ પણ આ ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. સીબીડીટીના અધિકારીઓને શંકા હતી કે આ ચીકણા પદાર્થની મદદથી નાણાં પ્રધાનની ૧૬ જગ્યાએ છૂપા કેમેરા અથવા માઈક્રોફોન લગાવવામાં આવ્યા હતા, જેને પાછળથી કોઈ કારણસર કાઢી લેવામાં આવ્યા હતા. નાણાં પ્રધાનની ઓફિસમાં જાસૂસી કરાવવામાં કોને રસ હોઈ શકે એ અટકળનો વિષય છે. આ જાસૂસી કોઈ કોર્પોરેટ હાઉસ કરાવી રહ્યું હોય તેવું બની શકે છે. બીજી સંભાવના એ છે કે કેન્દ્ર સરકારના જ કોઈ બીજાં ખાતાં દ્વારા નાણાં પ્રધાનની હિલચાલ ઉપર દેખરેખ રાખવા તેમની જાસૂસી કરાવવામાં આવતી હોય. બંને બાબતો ગંભીર છે.
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીને તેમની કચેરીમાં જાસૂસી થઈ રહી હોવાની શંકા પડી એટલે તેમણે વડા પ્રધાનની કચેરીને આ બાબતમાં ફરિયાદ કરી હતી. વડા પ્રધાને ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) ને આ બાબતની તપાસ કરવાનું કહ્યું હતું. આઈબીએ પોતાની રીતે તપાસ કરીને એવો હેવાલ આપ્યો હતો કે પ્રણવ મુખરજીની ઓફિસમાં કોઈ જાસૂસી કરવામાં નહોતી આવી. નાણાં પ્રધાનની ઓફિસમાં ૧૬ જગ્યાએ મળી આવેલા ફેવિકોલ જેવા ચીકણા પદાર્થ બાબતમાં આઈબીએ એવા વિચિત્ર ખુલાસો આપ્યો હતો કે તે ચ્યુંઈ ગમ હતી. આ ખુલાસા સાથે આ કેસની તપાસ સંકેલી લેવામાં આવી હતી. આઈબીના કહેવાનો મતલબ એવો હતો કે નાણાં પ્રધાનની નોર્થ બ્લોકની ઓફિસે આવતા મુલાકાતીઓ પોતાની સાથે સ્યુંઈ ગમ લાવતા હતા અને ઠેકઠેકામે ચોંટાડી જતા હતા. સ્વાભાવિક રીતે આ ખુલાસો કોઈના ગળે ઉતરે તેવો નહોતો. આઈબીએ ભીનું સંકેલવા જ આ આ ગતકડું વહેતું કર્યું હતું.
ભારતના નાણાં પ્રધાનને જો એવી શંકા હોય કે તેમની ઓફિસમાં કોઈ જાસૂસી કરી રહ્યું છે તો તેઓ સ્વાભાવિક રીતે જ તેની તપાસનું કામ ગૃહ ખાતાંને અથવા આઈબીને સોંપે. તેને બદલે નાણાં પ્રધાને સીબીડીટીને આ તપાસ કરવા માટે ખાનગી ડિટેક્ટિવની સેવા લેવાનું જણાવ્યું તેનો અર્થ એવો થાય છે કે નાણાં પ્રધાનને ભારતના ગૃહખાતાં ઉપર અથવા જાસૂસી સંસ્થા ઉપર પણ વિશ્વાસ નહોતો. તેનો અર્થ એવો પણ થઈ શકે કે નાણાં પ્રધાનને શંકા હતી કે આ જાસૂસી ગૃહ ખાતાં તરફથી અથવા આઈબી તરફથી કરાવવામાં આવી રહી છે. આઈબી ભારતના વડા પ્રધાનના આદેશ મુજબ કામ કરે છે, માટે નાણાં પ્રધાનને વડા પ્રધાન ઉપર પણ વિશ્વાસ નહોતો.
ભારતના નાણાં પ્રધાનની કચેરીમાં કોઈ જાસૂસી કરાવી રહ્યું હોવાના સમાચારોને કારણે શાસક પક્ષની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકારની પાછળ પડી ગયેલા વિપક્ષો ગેલમાં આવી ગયા છે. લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે આ ઘટનાને ગંભીર ગણાવી તેને ભારતના વોટરગેટ કૌભાંડ તરીકે ઓળખાવ્યું છે. આ બાબતમાં ચ્યુંઈ ગમની થિયરીને સુષ્મા સ્વરાજે અત્યંત હાસ્યાસ્પદ ગણાવી હતી. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે સુપ્રિમ કોર્ટમાં રીટ પિટીશન કરનારા જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીના નિર્દેશથી ગૃહ પ્રધાન પી.ચિદંબરમે આ કાર્ય કરાવ્યુ છે.
કેન્દ્ર સરકારમાં ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને નાણાં પ્રધાન પ્રણવ મુખરજી વચ્ચે જે ઠંડો વિગ્રહ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં જાસૂસી કાંડ બાબતમાં સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપનું મહત્વ બહુ વધી જાય છે. સ્વામીએ એવો આક્ષેપ કર્યો છે કે હવાલા કિંગ હસન અલીના કેસમાં સુપ્રિમ કોર્ટના દબાણ સામે ઝૂકી જઈને નાણાં પ્રધાન પ્રણવ મુખરજી સ્વીસ બેન્કમાં ખાતાંઓ ધરાવતા કેટલાક ભારતીય નાગરિકોનાં નામો જાહેર કરી દેવાના મતના હતા. આ બાબતમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને વર્તમાન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ કાંઈક અલગ જ મંતવ્ય ધરાવતા હતા. આ કારણે શ્રીમતી સોનિયા ગાંધીના કહેવાથી ગૃહ પ્રધાને નાણાં પ્રધાનની કચેરીમાં જાસૂસી કરાવી હતી, એમ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે. જો આ વાત સાચી હોય તો માનવું પડશે કે કેન્દ્રના બે વરિષ્ઠ પ્રધાનો વચ્ચે તાલમેલ નથી અને વિશ્વાસનું વાતાવરણ પણ નથી. સુષ્મા સ્વરાજે ટકોર કરી છે કે જે સરકારના રાજમાં તેના પોતાના નાણાં પ્રધાનની જાસૂસી થતી હોય તેમાં કોઈ સલામત નથી. નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ તેમની ઓફિસમાં જાસૂસી થઈ રહી હોવાની શંકાને સમર્થન આપ્યું છે પણ આઈબીનો હવાલો આપીને જણાવ્યું છે કે તેવા હેવાલમાં કોઈ તથ્ય નથી. નાણાં પ્રધાન સ્વાભાવિક રીતે જ દબાણ હેઠળ આ વિધાન કરી રહ્યા છે.
કેન્દ્રના પ્રધાનમંડળમાં દેશની સળગતી સમસ્યાઓ બાબતમાં એકમત નથી અને સંકલનનો અભાવ છે તેનો ખ્યાલ તો બાબા રામદેવના આંદોલન પ્રત્યેના કેન્દ્ર સરકારના વિરોધાભાસી અભિગમથી આવી ગયો હતો. નાણાં પ્રધાન પ્રણવ મુખરજી બાબા રામદેવ સાથે સમજાવટથી કામ લેવાના મતના હતા. આ કારણે જ જ્યારે બાબા રામદેવ ઉપવાસ અગાઉ દિલ્હીના એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે પ્રણવ મુખરજી કેન્દ્રના અન્ય ત્રણ પ્રધાનોને લઈને તેમને મળવા ગયા હતા. પ્રણવ મુખરજીના આ પગલાંનું અર્થઘટન સરકારની શરણાગતિ તરીકે કરવામાં આવ્યું ત્યારે રામદેવબાબ સાથે કામ પાડવાની જવાબદારી કપિલ સિબ્બલને સોંપવામાં આવી હતી. કપિલ સિબ્બલે પહેલા બાબા સાથે મંત્રણાનો પ્રયાસ કરી જોયો પણ તેમાં નિષ્ફળતા મળી ત્યારે ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમની મદદ લઈને પોલીસ પગલાં દ્વારા બાબાના આંદોલનને તોડી પાડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં ચિદમ્બરનો જ દોરીસંચાર હતો.
ઇ.સ.૧૯૭૦ના દાયકામાં બહાર આવેલા વોટરગેટ કૌભાંડને કારણે આખુ અમેરિકા હચમચી ગયું હતું. ત્યારે રિચર્ડ નિક્સન અમેરિકાના પ્રેસિડન્ટ હતા. તેમની ઉપર એવો આક્ષેપ હતો કે તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીના વોટરગેટ કોમ્પલેક્સમાં આવેલા કાર્યાલયમાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં હતાં અને ત્યાં ચાલતી વાતચીત ટેપ કરાવી હતી. અમેરિકાની સુપ્રિમ કોર્ટે આ પ્રકારણની તપાસ કરવાનો એફબીઆઈને આદેશ કર્યો હતો. એફબીઆઈએ શોધી કાઢ્યું હતું કે હકીકતમાં પ્રમુખ નિક્સને આ જાસૂસી કરાવી હતી અને વોટરગેટની ટેપો તેમની પોતાની ઓફિસમાં સંભળાય તેવી વ્યવસ્થા તેમણે ગોઠવી હતી. ભારે ઉહાપોહને પગલે સત્તા ઉપર રહેલા પ્રમુખ નિક્સને રાજીનામું આપવું પડયું હતું. અમેરિકાના ઇતિહાસમાં કોઈ પ્રમુખે રાજીનામું આપવું પડે તેવી આ એકમાત્ર ઘટના છે.
ભારતનું રાજકારણ અત્યારે અત્યંત સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને કારણે સરકારની વિટંબણાઓ વધી ગઈ છે. તેમાં નાણાં પ્રધાનની કચેરીમાં જાસૂસીના જે હેવાલો આવ્યા છે તે સરકારને ચ્યુંઈ ગમની જેમ ચગળવા ગમે તેવા નથી. આ બાબતમાં નાણાં પ્રધાને સબડીટી પાસે ખાનગી ડિટેક્ટિવ દ્વારા તપાસ કરાવવી પડી તેના ઉપરથી તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે.
હવે નાણાં પ્રધાન ઉપર એવું દબાણ છે કે આઈબીનો હવાલો આપીને તેઓ આ આક્ષેપમાં કોઈ દમ ન હોવાની વાત કરી રહ્યા છે. આ જાસૂસી કાંડ ઉપરથી ખ્યાલ આવે છે કે મનમોહન સિંહના પ્રધાનમંડળમાં બધું બરાબર ચાલતું નથી. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સુપ્રિમ કોર્ટમાં ઘા નાંખનારા સુબ્રમણ્યમ સ્વામી ટાંપીને જ બેઠા છે. આ મામલમાં તેઓ સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે તો અમેરિકાની સુપ્રિમ કોર્ટની જેમ ભારતની સુપ્રિમ કોર્ટ પણ તેમાં તળિયાઝાટક તપાસનો આદેશ આપી શકે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સૌર ઉર્જાનો સંદેશો ફેલાવવા નીકળેલ ક્રિડા-નૌકા ટુરાંનોર પ્લેનેટ સોલાર

આબોહવાના અંતિમોથી વન્યજીવોને બચાવો
આઈફોન હવે પૌષ્ટિક આહારનું માર્ગદર્શન પણ આપશે...!
ચોકલેટ ખાવ... કશું ના થાય... !
ટીનેજરોમાં પ્રેગનન્સી વધી
 

Gujarat Samachar Plus

૩૮ વર્ષના પુત્રને રમવા ઘઉં આપતા પિતા કહે છે, આખરી શ્વાસ સુધી પુત્રોની સેવા કરીશ
બ્રેવોઃ કોર્પોરેટ કલ્ચરનો અનોખો મોનસુન ફંડા
નામશેષ થઇ રહ્યા છે ડુમખર પોપટ
ડોક્ટર, એન્જિ. સંતાનોના પિતા જોડા સીવે છે
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved